૪ - ભગવાનમાં પ્રીતિનાં

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૨૬, ૨૭, ૩૩, ૫૭)

ત્રણ દેહ તથા ત્રણ અવસ્થામાં કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે, ને તેમાં જો કોઈ વિષય આડો આવે તો તે વિષયનું માથું ઊડી જાય એવો બળવાન વિચાર કરવો. (૨૬)

રૂપવાન સ્ત્રી, સારી મેડી, સારું વસ્ત્ર તેમાં પ્રીતિ થાય એવા ગૃહસ્થ તથા સારી તુંબડી, સારું પાત્ર તેમાં પ્રીતિ થાય એવા ત્યાગી તે તુચ્છ બુદ્ધિવાળા છે. (૨૭)

ભગવાનનો જે દ્રઢ આશરો એ સર્વ સાધનમાં મોટું સાધન છે ને તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો મૂઢપણે, ભગવાનમાં દ્રઢ પ્રીતિએ કરીને અથવા સમજણે કરીને થાય છે. (૩૩)

ભગવાનને વિશે હેત કરવું તે ગુણ વિચારીને ન કરવું પણ દેહના સંબંધી સંગાથે જેમ હેત હોય તેમ મૂઢપણે હેત કરવું અને ભગવાનનું માહાત્મ્ય જાણીને જે હેત કરે તે વિશેષ છે. (૫૭)

સારંગપુર પ્રકરણમ્ (૨, ૩, ૧૫)

રૂપ, કામ, લોભ ને સ્વાર્થે કરીને ભગવાનને વિશે હેત કરે તે અંતે નાશ પામે છે અને વચને, દેહે ને મને કરીને જે ગુણ તેણે કરીને એટલે કે શ્રીજીમહારાજનો દિવ્યભાવે સહિત મહિમા જાણીને હેત કર્યું હોય તે નાશ નથી પામતું. ને જો મને સહિત દ્રષ્ટિ એક પરમેશ્વરમાં રાખે તો ભગવાને અને તે ભક્તને પરસ્પર હેત થાય છે. (૨)

પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને કરેલી ભગવાનની પ્રત્યક્ષ પૂજા કે માનસી પૂજા ન્યૂન છે. ને પ્રેમમગ્ન થઈને ભગવાનની પ્રત્યક્ષ કે માનસી પૂજા કરતો હોય તેને ભગવાનને વિશે શ્રદ્ધા ને ભગવાનનું માહાત્મ્ય દિવસે દિવસે નવાં ને નવાં જ રહે છે, પણ ક્યારેય ગૌણ પડતા નથી. (૩)

એકલા પ્રેમવાળા ભક્તને કુસંગનો યોગ થાય તો તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. માટે તે ન્યૂન છે અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યવાળા ભક્તની પ્રીતિ સાધારણ જણાય તો પણ એની પ્રીતિનાં મૂળ ઊંડાં છે ને તેને ભગવાનનું પ્રત્યક્ષપણું રહે છે તેથી કુસંગનો યોગ લાગતો નથી. માટે તે શ્રેષ્ઠ ભક્ત છે. (૧૫)

કારિયાણી પ્રકરણમ્ (૧૧)

જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહિ, ને જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય અને જગત સંબંધી પંચવિષયને હરામ કરીને પંચે પ્રકારે ભગવાનની મૂર્તિમાં જોડાણો હોય તે ભક્તના હૃદયમાં ભગવાન સદાય મૂર્તિમાન રહે છે. (૧૧)

પંચાળા પ્રકરણમ્ (૩)

ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી પોતાના ચૈતન્યને પૃથક્ માનીને નિર્ગુણસત્તા જે ભગવાનનું તેજ તે રૂપ થઈને ભગવાનને વિશે હેત કરવું ને સેવા કરવી, પણ વિષયના સુખ સંબંધે કરીને ભગવાનને વિશે હેત કરવું નહિ. (૩)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૪૩, ૫૦, ૫૬, ૫૭)

ત્રણ ગુણથી રહિત થઈને આત્મસત્તારૂપે વર્તતો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ હોય છે અને તે પ્રીતિ બ્રહ્મરૂપ છે. (૪૩)

સર્વથી પર એકરસ પરિપૂર્ણ એવું જે ભગવાનના તેજરૂપ અક્ષરબ્રહ્મ તેને વિશે પોતાના આત્માને લીન કરીને તેમાં ભગવાન તથા તેમના મુક્ત સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે તેમાં અખંડ પ્રીતિ જોડી રાખવી. (૫૦)

ભગવાનને વિશે અતિશે પ્રીતિ હોવી એ ઘણી મોટી વાત છે. સાધનિકની પ્રીતિમાં ભૂંડા દેશ - કાળાદિકે કરીને ફેર પડી જાય છે. પણ સિદ્ધ મુક્તની પ્રીતિમાં ફેર પડતો નથી. ભગવાનના ભક્તે ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહિ. (૫૬)

સત્તારૂપ એવો જે આત્મા તેને માયાનું આવરણ નથી તો પરમાત્મા જે શ્રીજીમહારાજ તેમને વિશે તો કોઈ જાતનું આવરણ હોય જ કેમ? એવો ભગવાનનો મહિમા જાણીને ભગવાનને વિશે પ્રીતિ કરવી ને જે પદાર્થ ભગવાનથી વહાલું જણાય અને ભગવાનના ભજનમાં આડું આવે તેનો ત્યાગ કરવો. (૫૭.)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૧૪, ૩૯)

જેને સ્ત્રી સંબંધી મલિન વાસના હોય અથવા અતિશે ભૂંડા દેશકાળાદિકને યોગે ભૂંડા કર્મનો પાશ લાગ્યો હોય તે સાર અસારને જાણે તો પણ ભગવાનને વિશે પ્રીતિ ન થાય. ને નવધા ભક્તિમાં જે ભક્તિએ કરીને ભગવાનને વિશે સ્નેહ થાય તે ભક્તિ તેને શ્રેષ્ઠ છે. હેતે કરીને ભગવાનને વિશે મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે ને પ્રથમ ભગવાનને વિશે હેત થાય તો વૈરાગ્ય ને વિવેક આવે. (૧૪)

દેહમાં અહંબુદ્ધિ ને પદાર્થમાં મમત્વબુદ્ધિ એ જ માયા છે, તે માયાને ટાળીને ભગવાનને વિશે પ્રીતિ કરવી અને માયા થકી રક્ષા કરજો. તમારા સાધુનો યોગ થજો ને તે સાધુને વિશે હેત ને મમત્વ થજો એમ ભગવાન પાસે માગવું, ને ભગવાનનું યથાર્થ માહાત્મ્ય જાણે તો ભગવાન વિના બીજેથી વૈરાગ્ય થાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય. (૩૯)