૧૭ - વેદાંતી

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૩૯, ૪૨, ૪૫)

સવિકલ્પ સમાધિવાળા મુક્ત જીવ, ઈશ્વર, માયા તથા તેમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્ પૃથક્પણે દેખે છે ને તે સર્વેને સત્ય કહે છે. નિર્વિકલ્પ સમાધિવાળા મુક્ત જીવ, ઈશ્વર ને માયાને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે પણ પૃથક્પણે દેખતા નથી ને તેથી એ સર્વેને અસત્ય કહે છે. અને જે વેદાંતી એવી સ્થિતિને ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરે ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહે તે મહા મૂર્ખ છે ને અંત્યે નારકી થાય છે. (૩૯)

આધુનિક વેદાંતી બ્રહ્મસ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થયા વિના જીવ, માયા, ઈશ્વરાદિકને મિથ્યા કહે છે અને વિધિનિષેધને ખોટા કહે છે તેથી તે અધમ ને નાસ્તિક છે. (૪૨)

શ્રીજીમહારાજ તો મહા તેજોમય ને સદા સાકાર મૂર્તિ છે ને જે શ્રુતિમાં એમ કહ્યું છે જે, પરમેશ્વર તો કર-ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે તો એ જે શ્રુતિએ કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી માટે જે વેદાંતી ભગવાનને નિરાકાર કહે છે તેની સમજણ ખોટી છે. (૪૫)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૬, ૧૮, ૧૯)

મોટા પુરુષોએ કહેલા વિધિ-નિષેધ સત્ય છે અને તે વિધિ-નિષેધને જે ખોટા કહે તે પાપીષ્ટ, નાસ્તિક ને ચંડાળ છે ને એનો સંગ રાખવો નહિ. (૬)

વેદાંતી એમ સમજે છે કે, જે બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમરૂપ થયા છે તેથી પોતે બ્રહ્મ છે, માટે પોતાને હવે કાંઈ સાધન કરવાના નથી ને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવાનું રહ્યું નથી એમ માનીને પાપ કરતાં પણ બીતા નથી. ને પોતાને જન્મ-મરણથી મુક્ત સમજે છે પણ એમ નથી જાણતા જે જીવને માથે તો જન્મ-મરણ છે અને આપણે જીવને બ્રહ્મ કહીએ છીએ તેથી આપણે મતે કરીને તો નિર્ગુણ એવા બ્રહ્મને માથે પણ જન્મ-મરણ ઠેરાણું. ને મહારાજના મુક્તના કોટીમાં ભાગની પણ સામર્થી ને જ્ઞાન તે વેદાંતીમાં નથી. છતાં પરમેશ્વરના સમોવડિયા થઈ બેઠા છે એવા શુષ્ક વેદાંતી તો અતિશે દુષ્ટ ને મહા પાપી છે ને તેમનો કોઈ કાળે નરકમાંથી છૂટકો થતો નથી ને એવાનો સંગ કરનાર પણ અતિ પાપી છે. (૧૮)

વેદાંતશાસ્ત્રના શ્રવણથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને પોતાને ભગવાન મનાય છે ને અમારી ઉપાસનાનું ખંડન થઈ જાય છે, માટે તેનું શ્રવણ કરવું નહિ. (૧૯)

વરતાલ પ્રકરણમ્ (૨)

વેદમાં નારાયણે ભગવાનનું સ્વરૂપ બહુરીતે વર્ણવીને કહ્યું છે પણ તે સમજાય એવું નથી. (૨)