૧૧ - વિષય ખંડન

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૧૮)

ઇંદ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય ને અંતઃકરણ શુદ્ધ થાય તો ભગવાનના ભજનમાં વિક્ષેપ ન થાય ને ભગવાનની અખંડ સ્મૃતિ રહે. (૧૮)

કારિયાણી પ્રકરણમ્ (૧૦)

સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે તેમાં જો નિષ્કામભાવ ન હોય તો ભગવાનને મૂકીને તે પદાર્થને વિષે પ્રીતિ થાય ને તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે. ને શ્રીજીમહારાજના ભક્તોએ શ્રીજીમહારાજ કરતાં વિશેષ ત્યાગ રાખવો જોઈએ. (૧૦)

લોયા પ્રકરણમ્ (૧૦)

સ્ત્રીને કલ્યાણના માર્ગમાં વિરોધી ને દુઃખદાયી જાણે તેને વિકાર થાય નહિ. (૧૦)

પંચાળા પ્રકરણમ્ (૩)

ઇંદ્રિયો - અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ પાંજરામાં કેદ કરીને ભગવાનની ભક્તિ કરાવવી ને શત્રુભાવ રાખવો ને જો ઇંદ્રિયો - અંતઃકરણનો ગુણ લે તો તે ભગવાન વિના અન્ય વિષયમાં પણ સુખ મનાવી દે ને ભગવાન જેવું સુખ બીજે ક્યાંય નથી એમ ઇંદ્રિયો - અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા. (૩)

કગઢડા મધ્ય પ્રકરણમ્ (૧, ૪૭)

વિષયની આસક્તિ સમાધિમાંથી પાછા પાડે છે ને જેને રમણીક વિષયમાં આસક્તિએ કરીને મોહ થાય છે તેને સંત, ગુરુ તથા ઇષ્ટદેવ પાછો વાળે તો દ્રોહ કરે પણ વળે નહિ. ને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને શ્રીજીમહારાજનું માહાત્મ્ય જાણવાથી મોહ ટળે ને ત્યારે સિદ્ધદશા આવે ને કૃતાર્થ મનાય. (૧)

મુમુક્ષોએ સત્પુરુષ વિષયનું ખંડન કરે તેમાં રાજી થાવું ને કોઈ પદાર્થની લાલચ રાખવી નહિ ને અશુભ વાસના ટાળીને શ્રીજીમહારાજના ધામમાં જાવાની વાસના રાખવી ને જો અશુભ વાસના રહી જાય તો ભગવાનનાં ધામ આગળ નરક તુલ્ય ઇંદ્ર કે બ્રહ્માના લોકમાં જવું પડે. (૪૭)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૨૮)

ભગવાનના ધામમાં માયિક પંચવિષય સુખની ઇચ્છા રાખે તે મોક્ષના માર્ગમાંથી પડી જાય છે ને માયિક પંચવિષયે કરીને જીવનપણું મનાણું હોય તે શ્રીજીમહારાજના સુખને પામતો નથી ને નિષ્કામ ભક્ત ઉપર શ્રીજીમહારાજ રાજી થાય છે. (૨૮)