11

0:000:00

એક વાત યાદ રાખીએ કે મહારાજ કૃપાસાધ્ય છે. કૃપાસાધ્યનો અર્થ એ કે ભગવાન કોઈને કહે કે તમને મૂર્તિમાં રાખ્યા તો એ વચનમાં ફેરફાર ન થાય; ભલે પછી એનામાં અવગુણો ભર્યા હોય. પણ એકવાર એમ બોલે કે તને મૂર્તિમાં રાખી દીધો; એટલે પછી છોડે નહિ. વાત પતી જાય. ભલે એ પાપનો પર્વત હોય, પણ જો ભગવાન પાસે આવે ને જો ભગવાન રાજી થઈ જાય અને એકવાર કહે કે મેં તને મૂર્તિમાં રાખ્યો અને આ જ જન્મે મારા દિવ્ય સુખને પમાડી દઈશ, મારા સુખનો અનુભવ કરાવીશ તો એવું કરાવ્યા વગર છોડે નહિ. પણ કૃપાસાધ્ય ભગવાનનું વચન અદ્ધરથી ઝીલાય એવો વિશ્વાસ માત્ર જોઈએ; કોઈ સાધન કરવાની જરૂર નહિ.

કૃપાસાધ્યનો અર્થ જ એ કે સાધન કરવાની જરૂર જ ક્યાં છે? બરાબર છે. સાધન ક્યા કરવાના? પણ એવો વિશ્વાસ આવવો જોઈએને? બરોબર યાદ રાખીએ કે ભગવાન કૃપાસાધ્ય છે એ સમજવા માટે એવો વિશ્વાસ જોઈએ કે કોઈ પણ સંજોગો ઊભા થાય તો પણ એ વિશ્વાસ ડગે નહિ. જો એ ડગે અને સંજોગ પ્રમાણે જો સંકલ્પ થઈ જાય કે આમ કેમ? તો એનો અર્થ કે શંકા થઈ. Question પૂછયો કે ભગવાને આમ કેમ કર્યું? વાત પતી ગઈ. અદ્ધરથી ક્યાં ઝીલ્યું? માટે કૃપાસાધ્ય ભગવાનનું વચન જો અદ્ધરથી ઝીલે તો કશા સાધન ન કરે તો પણ પામી જાય. પણ જો એવો વિશ્વાસ હોય તો આપોઆપ વર્તન સહજ બની જાય. આ એક ખૂબી છે. એટલું નક્કી સમજવું કે સાર્ધ-શતાબ્દી મહોત્સવ વખતે છેલ્લા જન્મના આશીર્વાદરૂપે મહારાજના મુક્તો બોલ્યા એ કંઈ બધાયને રાજી કરવા સારુ નથી બોલ્યા. બધાંયને બળ મળે એટલે નથી બોલ્યા. સાર્ધ-શતાબ્દી મહોત્સવ વખતે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને અને બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા કે જાવ તમારો છેલ્લો જન્મ; તો એમાં સત્સંગી ન હોય એવા ય હતા. તો એનો પણ છેલ્લો જન્મ થઈ જાય. જો એમાં એને શંકા ન રહે તો થયા વગર રહે જ નહિ; આ જ જન્મે થઈ જાય.

એક વસ્તુ બરાબર પાકી કરવી, કે કૃપાસાધ્ય ભગવાનમાં વિશ્વાસ રાખવો કે મારો છેલ્લો જન્મ થઈ ગયો છે. જો એ વિશ્વાસ ડગે નહિ તો એ અદ્ધરથી ઝીલેલું વચન આપણા સમગ્ર ચૈતન્યનો ફેરફાર કરી નાખે છે. એમાં કોઈ શંકા નથી. અરે! આપણને ખૂબ મહારાજનું બળ હોય, મહારાજનું એકે એક વચન પાળતા હોઈએ અને અચાનક મોટો રોગ આપી દે તો? અને કોઈ આવીને કહે કે હું તારો રોગ હાલ મટાડી દઉં. એ વખતે આ ખ્યાલ રહેવો જોઈએ કે મને તો મૂર્તિમાં મૂક્યો. તો મૂર્તિમાં મૂક્યા પછી રોગ ક્યાં રહ્યો? એ રોગ તો સ્થૂળ દેહમાં રહ્યો. દેહ સળગી જાય એ ભેગો એ રોગે ય જવાનો જ છે. ચૈતન્યની અંદર કોઈ રોગ પ્રવેશતો નથી. જો ચૈતન્યમાં રોગ પ્રવેશે તો કોઈ દહાડો એ ચૈતન્ય ભગવાનને પામે જ નહિ. નિર્મળ થાય કેવી રીતે? ચૈતન્ય ઉપર તો આ જે પાપકર્મો કર્યા હોય એના આવરણો છે. એ આવરણો હટી જાય તો? એ ચૈતન્ય તો જેવો છે એવો નિર્મળ જ છે. આપણને એમ કહી દે છે મહારાજ કે તમને અમે મૂર્તિમાં રાખીને અમારા દિવ્ય સુખનો અનુભવ કરાવશું, તો આ જન્મે કરાવી દે. આભ તૂટી પડે એટલું દુ:ખ હોય તો પણ એમ જાણે કે હું તો સુખિયો જ છું, ભલે ગમે તેમ થાય. આવો અડગ નિશ્ચય કરીને જો એ વચન ઝીલે તો ભલે એ સાધન ન કરે તો પણ પામી જ જાય. પણ એ આવવું કઠણ છે ને? ત્યારે એ જ બરાબર સમજવાની ખૂબ જરૂર છે.

એક વાત યાદ રાખીએ કે આપણે મહારાજની મૂર્તિમાં રહ્યા પછી કદીયે એમ નહિ માનવાનું કે આપણને કોઈ વસ્તુ, આધિ-વ્યાધિ કે ઉપાધિનો સ્પર્શ થઈ શકે. જે કંઈ પણ થાય તે દેહરૂપે ભલે દેખાય. એવું બળ કેળવીએ. સહન કરતાં શીખીએ. ભલે મુક્તને પ્રાર્થના કરો, પણ પેલો વિશ્વાસ ડગવો જોઈએ નહિ. એ વિશ્વાસમાં જો ફેરફાર થઈ જાય કે પ્રશ્ન ઉઠે એ જ વાત ખોટી છે અને છેલ્લા જન્મનું થયું એમાં પ્રશ્ન શું ઉઠાવાનો? ત્યાં પ્રશ્ન ય નથી ને જવાબ ક્યાં આપવાનો રહ્યો? મને તો એમ લાગે છે કે આ સભામાં બેઠેલા બધા જ મુક્તો મૂર્તિમાં રહ્યા છે.

મને છેલ્લા વર્તમાનની વાત સમજાવવાનું વૃંદાવન સ્વામીએ રાત્રે નવ વાગ્યેથી શરૂ કર્યું તે રાત્રિના ત્રણ વાગ્યા સુધી વાત કરી. એ વખતે હરિજીવનદાસજી સ્વામી છેને આપણા એ વૃંદાવન સ્વામીની સેવામાં હતા. વૃંદાવન સ્વામીએ કહ્યું કે (ઈશ્વરચરણ) સ્વામીએ તમને એમ કહ્યું હતું ને કે છેલ્લાં વર્તમાન તમને (વૃંદાવન) સ્વામી સમજાવશે. તો તું પંચવર્તમાન સમજ્યો છો? મેં કહ્યું સ્વામી! પંચવર્તમાન તો બરાબર સમજું છું અને પાળું પણ છું બરાબર. એથી વધુ તમારે કંઈ મને સમજાવવાનું હોય એ સમજાવો. સ્વામી કહે કે અરે! તને થોડું (આ "થોડું" એટલે પૂજ્યશ્રી નારાયણભાઈ ભગવાનના સ્વરૂપના અપરોક્ષ અનુભવમાં અખંડ રહેતા તે!) છે તો ય કેટલી બધી ખુમારી છે! સ્વામી પગની ઘૂંટીએ આમ અડીને બતાવે કે તને જે અનુભવ છે તે હજી તો આટલું ય નથી. ત્યારે વિચાર કરો કે મહારાજની મૂર્તિ હું દેખતો'તો. નખથી શિખા પર્યંત. દસ વર્ષનો હતો ત્યારથી. તો ય સ્વામીએ કહ્યું કે આટલું (એટલે કે મહાસાગર સામે ખાબોચિયા જેટલું) છે! (પોતે પૂર્ણ મુક્ત હોવા છતાં અન્યોને દાસભાવ દેખાડવા પોતાના મિષે વાત કરી.)

આ દિવ્ય સ્થાનમાં દિવ્યસ્વરૂપ મહારાજના આવા અનાદિમહામુક્ત પ્રગટ થયા મહારાજની ઇચ્છાથી તો એ દિવ્યતા જતી રહે ખરી? દિવ્યતા કોઈ દિવસ ન જાય. પાકો રંગ જાય છે? તો દિવ્યતા કેવી રીતે જાય? આ સ્થાનમાં રહેનારા કે આવનારા એમની પાત્રતા પ્રમાણે બદલાય એટલા ખરા. કોઈવાર એવું પણ બને કે તેઓનું વર્તન આજ્ઞા વિરુદ્ધ હોય; એનો અર્થ એ નહિ કે આ સ્થાનની દિવ્યતા બદલાય. બે વસ્તુ તો અખંડ રહેવાની: એક શ્રીજીમહારાજ ને બાપાશ્રી અને આ દિવ્ય સ્થાનની રજે રજ જે દિવ્ય થઈ તે દિવ્ય જ રહેવાની. આવનાર બદલાય કે ન બદલાય, પણ આ સ્થાન દિવ્ય રહેવાનું. બધાને અહીં આવવું પડશે અને આવવાના. બધાય લોખંડ તો ખરા જ ને? અને સર્વશ્રેષ્ઠ લોહચૂંબક જો કોઈ હોય તો તે પરમ તત્ત્વ સર્વોપરી પરમાત્મા ખરા કે નહિ? તો કયો જીવ એ ધારે તો ન આકર્ષાય?

અક્ષરધામમાં મહારાજ દિવ્ય સ્વરૂપે છે ને એને ઢાંકીને મનુષ્યરૂપે આવ્યા ત્યારે આપણે ખમી શકયા. પાત્ર થાવ ત્યારે એ દિવ્ય સ્વરૂપ બહુ શીતળતાથી સહન થાય છે, નહિતર ન થાય. મનુષ્યરૂપે આવ્યા ત્યારે અધૂરા નહોતા, પણ ઐશ્વર્યને ઢાંકી રાખ્યું અને અક્ષરધામનું જે દિવ્ય સ્વરૂપ છે એ તો કોટી કામદેવ પણ હિસાબમાં નહિ એવું સુંદર છે. એવું સ્વરૂપ લઈને મનુષ્યરૂપે પ્રગટ ન થઈ શકે. કારણ કે અવરભાવની એક મર્યાદા હોય છે. અવરભાવની મર્યાદા ઓળંગીને પરભાવ સુધી પહોંચો એટલે એ દિવ્ય સ્વરૂપની ખબર પડે. પણ થોડી ઝાંખી કરાવે એટલે આપણને બળ આવે. એમ કલ્યાણસિંહજીને જે દર્શન કરાવ્યા એ પ્રતીતિ કરાવવા દિવ્ય ઝાંખી માત્ર કરાવી. મહારાજની મૂર્તિમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ ઝીલી શકાય એવા પાત્ર હોય તો સુખ આવે તો મહારાજે એ શીતળ, શાંત, દિવ્ય પ્રકાશ કલ્યાણસિંહજીને બતાવ્યો કે જેથી એ સહન કરી શકે. એમને ખાતરી થઈ ગઈ કે વાત બરાબર છે. ત્યારે એ ઝાંખી થઈ ગઈ તો મૂર્તિરૂપ થયા. તો ભલે મહારાજ અત્યારે દિવ્ય દર્શન આપણને કરાવે કે ન કરાવે, પણ અંતે તો કરાવશે એ ચોક્કસ. શું કામ અધીરા થવું?

અનુલોમ પ્રમાણે એવું ધ્યાન પાકું કરો કે મંદિરમાં જઈને મૂર્તિ જોવા જઈએ તો જ દર્શન થાય એમ નહિ. એવી જ મૂર્તિ આપણને અહીંયા દેખાવી જોઈએ એવી પાકી કરો. મંદિરમાં મહારાજની મૂર્તિ હોય એનો ફોટોગ્રાફ લઈ લેવો. એ મૂર્તિ સિદ્ધ કરવી. મંદિરમાં જાવું, સમાસ માટે પછી જવાનું રહે. પણ પાકું તો એવું કરવું કે મંદિર જઈએ તો જ શાંતિ થાય અને અહીંયા બેઠા ન થાય એમ ન થવું જોઈએ. આ સારીયે દિવ્ય સભા અને મહારાજ અખંડ ભેળા રાખીએ. એમાં ફેરફાર ન થવો જોઈએ. એટલે મૂર્તિ પાકી કર્યા પછી આ દેહ કેમ દેખાય છે એ વિચારવું. અંતરવૃત્તિ કરો તો પણ આ દેહ પાકો થઈ ગયો હોવાથી ખબર પડે કે આ મારો દેહ છે. બરોબર? પણ જો મૂર્તિ પાકી કરીને દેહભાવ ભૂલતાં જઈએ તો એ મૂર્તિ અનુલોમ પ્રમાણે પાકી થઈ. પછી આમ પ્રતિલોમ કરીને એમ ધારવું કે આ મહારાજ ઊભા છે. અને અંગોઅંગ મહારાજના જોવા-નીરખવા. અને એના માટે બ્રાહ્મમુહૂર્તમાં જ્યારે શાંત વાતાવરણ હોય ત્યારે મૂર્તિનું ધ્યાન કરવું. પણ જો મૂર્તિ બરાબર ન દેખાય ત્યાં સુધી આંખો ઉઘાડીને જોયા કરવી. એવી પાકી કરવી કે પછી એ મૂર્તિને નીરખવી જ ન પડે. પાકું થઈ જાયને? આપણને આ લોકનું જ્ઞાન થઈ જાય તો કેટલું દૃઢ થઈ જાય છે?

તો પ્રતિલોમ ધ્યાન એ દૃઢ થઈ ગયું પછી એટલું સરળ કે બે વૃત્તિ કરવાની ન રહીને? મહારાજની મૂર્તિરૂપ થઈને કામ કરીએ તો મહારાજ જ કર્તા. આપણે આ હાથથી કામ કરીએ છીએ, બુદ્ધિથી વિચારીએ છીએ, આ આંખથી જોઈએ છીએ. પણ જોનારો કોણ? ચૈતન્ય. ચૈતન્ય ન હોય તો શબ જ થઈ જાય કે બીજું કંઈ? ત્યારે ચૈતન્ય બધું જ જોવે છે, અંદર રહીને જોવે છે. બહાર રહીને જોવે છે? ના. ત્યારે આપણે મૂર્તિમાં રસબસ છીએ. આપણો ચૈતન્ય હવે દેહમાં નથી. દેહમાંથી કાઢી નાખ્યો બાપાએ. દેહભાવ કાઢીને ચૈતન્યને મૂર્તિમાં રાખ્યો તો શું કામ દેહને સંભારવો? એ ક્રિયા થયા કરશે એની મેળાએ. પણ મૂર્તિરૂપ થઈને સ્મૃતિ એવી પાકી કરવી કે આમ દેખતા જ આપણને મહારાજ દેખાય. બોલ બોલ ના કરવું. જો બોલ બોલ કરીએ તો પછી બીજે પણ ધ્યાન જાય. ખરુંને? એટલે કહે છે કે મોટા મુક્તો દાસત્ત્વપણે મહારાજનું સુખ લે છે.

બાપાને કોઈકે પૂછયું કે તમે સમાધિ શું કામ કરો છો? બાપા કહે કે બીજા ઓળખી શકે કે આ મહારાજની મૂર્તિરૂપ વર્તે છે એટલા માટે. નહિતર કોઈ ઓળખે નહિ અને ઓળખે નહિ તો કલ્યાણ કેમ થાય? બાપાને ક્યાં પ્રસિદ્ધિની જરૂર હતી? પણ બીજા જીવોનું કલ્યાણ થાય એટલા માટે એમણે સમાધિ કરી. એટલા માટે તો ભગવાનને અને સંતને ઓળખવા એ જબરી ઘાંટી કહી. એ વિધિ સમજવો જોઈએ. આ બધી વાત મેં મુક્તો પાસેથી સાંભળેલી છે. બરોબર? તો બરાબર સમજી લો. તો ગમે એમ કરીને મૂર્તિરૂપ થઈને ધ્યાન કરતાં રહેવું.

બીજું એક કહું કે જ્યારે પંકિત પડેને ત્યારે ઘણા શ્લોક નથી બોલતા? એક શ્લોક પૂરો કરે ને બીજો બોલે, બીજો કરે ને ત્રીજો બોલે. એ જે બોલાય છે એથી વાતાવરણ શુદ્ધ થઈ જાય. તો મારું એ કહેવું છે કે જમતાં પહેલાં જેટલું બોલવું હોય એટલું બોલી નાખવું એટલે એ જે ઉચ્ચારણ થાય એના લીધે આખું વાતાવરણ શુદ્ધ થાય. પછી જમવા માંડો એટલે બિલકુલ મૌન રાખવાનું. પછી નહિ બોલવાનું. જો બોલે તો ધ્યાન કેવી રીતે થાય? ધારો કે જનમંગલ બોલાય છે. તો જનમંગલ બોલતા જાય ને ધ્યાન કરીએ તો ધ્યાનમાં બે વૃત્તિ થાય. જનમંગલ બોલવાના; પછી જનમંગલ બંધ કરીને મૂર્તિનું ધ્યાન કરવું જોઈએ. પણ ધ્યાન કરતી વખતે શાંતિ જોઈએ. જમતાં જમતાં બોલ બોલ કરે અને અવાજ થાય તો મૂર્તિ ભૂલાઈ જાય. તો મહારાજ જ જમે છે એવું રાખવું જોઈએ. હાથે ય મહારાજનો દેખાવો જોઈએ. એમ કહે છે કે આપણે ગમે એટલું સ્વાદિષ્ટ ભોજન જમતા હોઈએ, પણ જો મૂર્તિરૂપ થઈને જમતા હોઈએ તો જમી રહ્યા પછી ખબર જ ન પડે કે શું જમ્યા ને શું નહિ. મહારાજને આપણે અન્નકોટ ધરાવીએ છીએ. ભગવાન ભોજન અંગીકાર કરે છે એને દિવ્ય કરીને. અને તેથી જ એ એટલું ને એટલું રહે છે. જો ખૂટવાડી દે તો આપણને ગર્વ આવી જાય. બીજાની ગરજ ન રહે.


સારાંશ

ભગવાન અને તેમના અનાદિમુક્ત રાજી થઈ, કૃપાસાધ્ય બની એક વખત મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપે, છેલ્લા જન્મના આશીર્વાદ આપે પછી જીવમાં ગમે તેટલા અવગુણો હોવા છતાં, કે તે સત્સંગી ન હોવા છતાં મહારાજ હાથ છોડતા નથી. જરૂર છે અતૂટ વિશ્વાસની. એ વચનોને અદ્ધરથી ઝીલવાની. નિઃસંશય માનવાની. એમ થાય તો વગર સાધને પ્રાપ્તિ થાય. છેલ્લા વર્તમાન એટલે અનાદિમુક્તની સ્થિતિ.

અનાદિમુક્ત જ્યાં પ્રગટ થયા, જ્યાં બિરાજ્યા તે સ્થાન સદાય દિવ્ય રહે છે. એની દિવ્યતા તેઓ આ લોકમાં પ્રગટ ન હોય ત્યારે પણ એવી ને એવી જ રહે છે. એ દિવ્ય સ્થાન લોહચૂંબકની જેમ બધા લોખંડ એટલે જીવોને આકર્ષે છે.

ધામની મૂર્તિ અતિશય દિવ્ય સુંદર રૂપ છે. પાત્ર જીવને અહીં તો ફક્ત એ સ્વરૂપની ઝાંખી માત્ર કરાવે છે. જેથી તેને બળ વધે. પાત્રતા ન હોય તો અંતે કૃપા કરી જરૂર એ દર્શન કરાવશે જ. પ્રતિલોમ ધ્યાન કરી દેહભાવ ભૂલી, મૂર્તિ બરાબર પાકી કરી લેવી. ખુલ્લી આંખે જેટલી સ્પષ્ટ દેખાય તેટલી જ બંધ આંખે પણ સ્પષ્ટ દેખાવી જોઈએ. દેહભાવ ભૂલી જવો અને સુખ કોઈને કહ્યા વગર દાસત્વભાવે લેવું. જમતી વખતે બોલ-બોલ ન કરવું. જમતાં પહેલાં મહારાજ સંભારી મૂર્તિ ધારી પછી એ સ્વરૂપ ધારતા-ધારતા જમવું એ સ્વરૂપમાંથી વૃત્તિ તોડવી નહિ.