20
બાપાશ્રીના દિવ્ય પ્રાગટ્યદિને આપણને કેવા સરસ આશીર્વાદ મળ્યા! બાપાશ્રી જેવા મનુષ્યરૂપે પ્રગટ હતા તેવા ને તેવા જ શ્રીજીમહારાજ સાથે અત્યારે પ્રગટ જ છે. આ બ્રહ્મયજ્ઞ એમના દિવ્ય સાંનિધ્યમાં થયો, એમણે આપણા ઉપર ખૂબ કૃપા વરસાવી અને એમ કહ્યું કે આ કૃપા તો તમારી સાથે સદાય છે એવું માનજો. આપણે બધાએ પણ જીવમાંથી હા પાડી અને એ કૃપા અદ્ધરથી ઝીલી લીધી.
આ દિવ્ય સ્થાન કે જે આત્યંતિક કલ્યાણનું સદાકાળ માટે સ્થાન છે એને બધાએ પોતાની શક્તિ પ્રમાણે એવી રીતે વિકસાવવું કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ અદ્વિતીય બની રહે. આપણે બધા જોઈ શકીએ છીએ કે સાર્ધ-શતાબ્દી મહોત્સવ પછી ઝડપથી આ સ્થાનનો વિકાસ થઈ રહ્યો છે. એનું કારણ એ છે કે શ્રીજીમહારાજ અને બાપાશ્રીના પ્રબળ સંકલ્પ છે. આ સ્થાન હજી તો થોડું વિકસ્યું છે, વીસ ટકા પણ નથી થયું. હજી એંસી ટકા બાકી છે તે ઝડપથી થવાનું. તમે જુઓ છો કે આજે આશરે પચાસ લાખ રૂપિયા આ એક જ દિવસમાં એમના દિવ્ય પરિવારે એમના સંતાનોએ, એમના આશ્રિતોએ- આ સ્થાનને અર્પણ કરી દીધા. હજી દેશ-વિદેશમાંથી ફાળો આવતાં મને એમ લાગે છે કે દોઢ કરોડ રૂપિયા થઈ જશે. એ દોઢ કરોડ રૂપિયા આ અવસર પૂરતા નહિ રહે, પણ આવી ને આવી દિવ્ય સંપત્તિની વર્ષા ચાલુ જ રહેવાની અને તેનો લાભ સારાય સત્સંગને મળવાનો. કોઈ એમાં બાકી નહિ રહે. આપણી આ જે સેવા છે એ એવી ઉગશે કે સારાય સત્સંગને કામ આવશે એટલું જ નહિ, પણ વિશ્વના મનુષ્યોને પણ અહીં ખેંચી લાવશે. શ્રીજીમહારાજ અને બાપાશ્રીનો તો એવો પ્રબળ સંકલ્પ છે કે વિશ્વના -માત્ર ભારતના વાસીઓ જ નહિ, પણ જેટલા દેશો છે એના- માણસો પણ અહીંયા ધીમે ધીમે આવવાના, આવવાના ને આવવાના. આ સ્થાનનું વિકાસકાર્ય પૂરું થશે ત્યારે એ પ્રવાહ શરૂ થઈ જવાનો. અને જ્યારે એ પ્રવાહ આવશે ત્યારે આપણને એમ લાગશે કે ખરેખર જે આપણે થોડી ઘણી સેવા કરી, જે આ સ્થાનનો મહિમા સમજ્યા તેનું કેવું ફળ છે!
આપણને મૂર્તિમાં રાખ્યા છે એની એવી તો હા પાડી દેવી કે કોઈ દિવસ ડગે નહિ. જાદવજીબાપાએ હમણાં જ કહ્યું કે ચંદ્ર ફરે, તારા ફરે, પૃથ્વી ફરે પણ આ બાપાશ્રીએ આપેલા -શ્રીજીમહારાજે આપેલા -આ આશીર્વાદ કદી પણ નહિ ફરે. આ આશીર્વાદમાં આખા જગતનો આપણે ભાગ રાખીએ છીએ. કોઈ મનુષ્યને બાકી રાખતા નથી. આપણે એમને જણાવીએ છીએ કે શ્રીજીમહારાજ અને બાપાશ્રી એકે એક મનુષ્યને પોતાની પાસે જ ખેંચી લેવાના છે. ભલે પછી તે અમેરિકન હોય, અંગ્રેજ હોય કે રશિયન કે ચાઈનીઝ હોય કે ગમે તે ધર્મના હોય, પરંતુ તે બધા જ પોતાના જ જીવ છે. જેમણે જુદા જુદા ધર્મો સ્થાપ્યા છે એ ધર્મ-સ્થાપકોને પણ વહેલા મોડા આ મૂર્તિના સુખમાં ખેંચી લાવશે એ નિશ્ચિત છે. જે નાની પેઢી છે એ જોઈ શકશે અને જે પેઢી અદૃશ્ય થશે એ દિવ્ય સ્વરૂપે દેખશે.
અને શ્રીજીમહારાજના આ આશીર્વાદ આપણે અખંડ સાથે રાખીને ખૂબ સરસ રીતે આનંદના કેફમાં રહીએ. કોઈ દિવસ આ લોક કે દેહની ફરિયાદ કરવી જ નહિ. કારણ કે દેહભાવ જ કાઢી નાંખ્યો પછી ફરિયાદ ક્યાં રહી? તો હવે આપણે ફરિયાદ કરવી નહિ. સદાય સુખિયા રહેવું. એટલું જ માનવું કે એ કૃપાળુ ભગવાન આપણી સાથે અખંડ છે અને એ આપણી સંભાળ રાખે જ છે. આપણે જે કંઈ કહેવું હોય તો શા માટે એ આપણી પાસે ભેળા જ છે તેને ન કહેવું? કહેવાની જરૂર ન પડે, પણ છતાં ય કહેવાની ઇચ્છા થઈ જાય તો એ પ્રભુને એમ કહેવું કે તમે મારા ભેળા જ છો, મને આ થોડી તકલીફ આવી છે તો દયા કરીને નિવારો. તો તરત નિવારી નાંખશે. મહારાજ માટે કોઈ વસ્તુ અશક્ય ખરી? જરાય અશક્ય નથી. પણ આપણને થોડું બળ ઓછું થઈ જાય છે એનું કારણ એ છે કે આપણે એનું અનુસંધાન ભૂલી જઈએ છીએ. આ દિવ્ય સભા અખંડ ભેળી છે એ ભૂલવું નહિ. એવી ને એવી સાથે રાખીને બધું કાર્ય કરવું.
આ દિવ્ય આશીર્વાદ સદાય સંભારીને સુખમાં રહીને અને બાપાશ્રીને પ્રાર્થના કરીએ કે તમે આ ભેળા જ છો અને જે જે કોઈ અમારા સંપર્કમાં આવે એને તમે દયા કરી અને મૂર્તિમાં રાખી દેજો! એ જરૂર રાખી દેશે. રાખનારને રાખવા છેને? આપણા ભેળા ભગવાન છે તો આપણા દ્વારા કલ્યાણનું કામ નહિ કરે? એકે એક જણ પ્રત્યે કરશે. એને કરવું છે. માટે શ્રીજીમહારાજ અને બાપાશ્રીના આ આશીર્વાદ અને વચનો સાથે રાખી અને અનેકને વર્તમાન ધરાવી દેવાના. પહેલાંના સંતોએ જેમ નક્કી કર્યું હતું કે રોજના પાંચ જણને વર્તમાન ધરાવવા તેમ. વર્તમાન ધરાવવાના કોણે? મહારાજે અને બાપાએ. એમણે તો આપણને કહ્યું કે હું તમારા ભેળો છું. તમે એટલું તો બોલજો કે નજર ચડે એ બધાને મૂર્તિમાં બાપાએ રાખી દીધા. તો મહારાજ કહે છે કે હું રાખી દઈશ. આપણે તો કહેવું જ છેને કે હે મહારાજ! તમે મારા ભેળા છો, જે જે નજરમાં આવે એને તમે મૂર્તિમાં રાખી દેજો. અરે! એ શું ન કરે? એકે એકને કારણ સત્સંગ એટલે કે પોતાની મૂર્તિથી રંગી દેવાના. આપણે સદાય એવો કેફ રાખવો કે મારા ભેળા ભગવાન છે એ બધું જ કરશે. મૂક મૂક રીતે આ બોલવું. એ દયાળુ બોલે છે. એ પરભાવની વાણી બોલે છે. એ પરભાવની વાણી આપણે સાંભળી શકતા નથી; એટલા જ માટે કે એણે આપણી સ્થિતિ રોકી રાખી છે- આપણા સુખને માટે, સમાસને માટે.
સારાંશ
મહારાજ - બાપાના આશીર્વાદ છે કે, સમગ્ર વિશ્વ એક વખત તેમના સ્વરૂપમાં જોડાઈ જશે. આશીર્વાદનો કેફ રાખવો. દેહના દુઃખને ગણવા નહિ. દેહભાવ કાઢી નાંખવો અને મહારાજને સદાય સાથે રાખવા. તેઓ ભેળા છે અને આપણામાં રહી સર્વે કાર્ય તેઓ કરશે.