25

0:000:00

આજે બ્રહ્મયજ્ઞ થયો તેનો પ્રકાર બદલ્યો છે. અને કીર્તનભક્તિરૂપી બ્રહ્મયજ્ઞ કર્યો છે. આ ચોમાસું હોવાથી બધાએ કથા-વાર્તાના નિયમ લીધા હોવાથી કથાવાર્તા કરીએ છીએ, બાકી તો મહારાજના કીર્તનમાંથી પ્રવચનો નીકળે છે. ભગવાનની સ્મૃતિમાં કથા-વાર્તા આવી જાય છે.

શ્રાવણ માસ અને સાડા ચાર મહિના પાંચ ગ્રંથો મનનપૂર્વક વાંચી શકાય. રહસ્યાર્થ વચનામૃત, શિક્ષાપત્રી રહસ્યાર્થ, સત્સંગીજીવન, સત્સંગીભૂષણ અને અબજીબાપાશ્રીનું જીવનચરિત્ર. એ એટલા માટે કે મેં જોયું છે કે વિશ્વના બધા સંતોએ જુદી-જુદી વાતો કરી છે. એ અમુક વિષયના અનુસંધાનમાં કરી છે. બાપાશ્રીએ દરેક વાતને ભગવાનની મૂર્તિ સાથે જોડી દીધી છે એ ખૂબી છે. જે મૂર્તિમાં રહેતા હોય તે જ આવું કહી શકે. એમાં બાપાશ્રીએ શ્રીજીના વચનો જીવનમાં કેવી રીતે ઉતારવા જોઈએ તે વર્તન ને વાતો દ્વારા બતાવ્યું. કેવળ પ્રવચન કરવું એમ નહિ, પણ બધાને ભગવાનમાં જોડી દીધા.

જન્મ-મરણ તો ત્યારે જ ટળે કે જ્યારે આત્માનો પરમાત્મા સાથે સંબંધ થાય. બાપાશ્રીનું જીવન મૂર્તિમાં જોડી દે છે. આ બીજા બધા જીવનચરિત્રોથી વિશિષ્ટ છે. તેમાં બધું આવી જાય છે. વર્તન વાતો કરે છે.

ગાંધીજીને કોઈકે પૂછ્યું કે તમે રામનું રટણ કરો છો, પણ તમારા નિવાસમાં રામની મૂર્તિ દેખાતી નથી. ગાંધીજીએ કહેલું કે હું તો સર્વમાં વ્યાપી રામનું, સર્વોપરી પરમાત્માનું રટણ કરું છું. મનુષ્યરૂપે થઈ ગયેલા રામનું નથી કરતો. એમ અવતારો પણ ભગવાનનું રટણ કરે છે. ભગવાનના થોડા ગુણો આવે એટલે અવતાર કહેવાય. ગાંધીજીને પણ કેટલાક અવતાર કહે છે. તેઓ કહેતા કે મને બ્રહ્મની ઝાંખી થઈ છે. 'ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.' એ નિષ્કુળાનંદનું કાવ્ય છે તેણે મને એવી પ્રેરણા આપી કે વૈરાગ્ય વગર કાંઈ શક્ય નથી. જે કરવું હોય, મેળવવું હોય તેનો જ રાગ, બીજો કોઈ રાગ રહેવો ન જોઈએ. મારે દેશની સેવા કરવી છે અને એ રીતે મારે ભગવાન મેળવવા છે એમ ગાંધીજી કહેતા. પ્રભુનો રાગ ન હોય તો વૈરાગ્ય ન ટકે. ભગવાનને છોડીને જતા રહે. ભગવાન કસોટી કરે ત્યારે તેને છોડી દે. ભગવાન કહે છે કે મારા ભક્તની હું કસોટી કરું છું અને બળ પણ આપું છું. પણ તે ભૂલી જાય છે એટલે મારું અનુસંધાન રહેતું નથી. આપણે ભગવાનને કહેવું કે કસોટીમાં તું મને બળ આપજે. તને પામ્યા પછી જ હું જંપીશ. કોઈ તકલીફ ઊભી થાય ત્યારે તેમનામાં જ શ્રદ્ધા રાખી તેનો સામનો કરવો. બળિયા બનાવવા અને પોતાના તરફ લઈ જવા કસોટી અને મૂંઝવણ ભગવાન ઊભી કરે છે. અન્ન-વસ્ત્ર તો આપવાના જ છે. નોકરી જાય, આવક બંધ થઈ જાય તો મૂંઝવણ થાય, પણ શા માટે સંકલ્પ થવો જોઈએ, તે નહિ જાણતા હોય? બાપાશ્રી શું જમતા? રોટલો ને શાક. અન્ન-વસ્ત્ર તો એમના થઈને રહ્યા છે એ બધાને આપવાના જ છે, એમનું બિરૂદ છે.

આપણે ભગવાનને ગદગદ કંઠે પ્રાર્થના કરવી કે તમારા વચનમાં બળ આવે, તમારા સિવાય મને બીજા શેમાંય રાગ ન રહે. એવો અભ્યાસ નાનપણથી જ કરવો. મોટી ઉંમર થઈ જાય પછી મુશ્કેલ પડે. નાનપણમાં અભ્યાસ કર્યો હોય તો સરળ થઈ જાય. ભગવાનના નામનો જપ અને સ્વરૂપ તો સર્વે દુઃખનું ઔષધ છે.


સારાંશ

ભગવાનની સ્મૃતિમાં કથા-વાર્તા-કીર્તન બધું આવી જાય. અનાદિમુક્ત દરેક વાતને ભગવાનની મૂર્તિ સાથે જોડે એ તેમની ખૂબી છે. અનાદિમુક્ત પોતાના વર્તન દ્વારા મહારાજના વચનો જીવનમાં કેવી રીતે ઉતારવા તે આપણને શીખવે છે. અનાદિમુક્તનું વર્તન જ વાતો કરે છે. ભગવાનને મેળવવાનો જ એક રાગ રહે ત્યારે ભગવાન મળે. પ્રભુના રાગ વગર વૈરાગ્ય ટકતો નથી. ભગવાન કસોટી કરે ત્યારે કહેવું એમાંથી પાર ઉતારવાનું બળ આપજો. અને તેમનું અનુસંધાન અખંડ રાખવું. ભગવાનને સંભારવાનો અભ્યાસ નાનપણથી જ કરવો. ભગવાનના નામનો જપ સર્વે દુઃખનું ઔષધ છે