8

0:000:00

ભગવાનના વચનો જે તમે આચરણમાં ઊતારો તે જ બોલો. આપણે જ્ઞાન ઘણું ભેગું કરીએ પણ જો આચરણમાં થોડું ઊતર્યું હોય, તો ઊતર્યું હોય એટલું જ બોલવું જોઈએ. એવો નિયમ છે. શા માટે? કે વર્તન અને વાણી એ બંનેનો સુમેળ હોવો જોઈએ. વર્તન વગરની વાત એ સામાના મન પર કોઈ અસર કરતી નથી. એના જીવને સ્પર્શ કરતી નથી. સૌથી અગત્યની વાત એ કે જો આપણું વર્તન અને વાણી એક હોય તો આપણી વાણી એના ચૈતન્યને સ્પર્શે છે. એના ચૈતન્યનું ઊર્ધ્વીકરણ કરી નાંખે છે. પણ જો આપણે એકત્ર કરેલું જ્ઞાન આચરણમાં ન ઊતર્યું હોય અને કલાકો સુધી પીરસીએ તો શ્રોતાજનોને સાંભળવું ગમે, પણ એના ચૈતન્યને-તેના આત્માને ઊર્ધ્વીકરણ કરવામાં કોઈ મદદ ન કરે.

ગોપાળાનંદ સ્વામીનો જે દિવ્ય પ્રભાવ હતો એ પણ ભગવાન સ્વામિનારાયણનો જ હતો; બ્રહ્માનંદ સ્વામી દ્વારા જે દિવ્ય પ્રભાવ પ્રસર્યો એ પણ ભગવાન સ્વામિનારાયણનો જ હતો. પર્વતભાઈમાં રહીને ભગવાને જે અજબ ચરિત્રો કર્યાં તે કોણે કર્યાં? મહારાજે જ કર્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કર્યું હતું એમ કહીએ તો યે એ, પર્વતભાઈએ કર્યું હતું એમ કહીએ તો યે એ, બ્રહ્માનંદ સ્વામીએ કર્યું હતું એમ કહીએ તો યે એ. પરંતુ જેના સમાગમમાં આવીને આપણને ભગવાન ઓળખાયા એ તો આપણને મુખ્ય રહ્યાને? આ તો મહારાજે પણ કહ્યું છે કે જેના થકી ભગવાન ઓળખાય એ મુખ્ય રહે. તો જે જે દરેક ઘરેઘર સોમચંદબાપા ફર્યા એ બધા મુકતોને એ મુખ્ય ન રહે? ગોપાળાનંદ સ્વામીએ જેમને સુખ આપ્યાં એમને ગોપાળાનંદ સ્વામી મુખ્ય રહ્યા. તો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીમાં જે કાંઈ મહાન ચમત્કારો સજાર્યા એ ધણીના જ હતા. માટે એવો સંકલ્પ ન કરો, પણ એમ સમજો કે આ ભગવાન સ્વામિનારાયણનો જ દિવ્ય પ્રભાવ છે. એ સોમચંદબાપામાં રહીને કામ કોણે કર્યું અને શા માટે કર્યું? કે એ દિવ્ય સ્થિતિને- સર્વોચ્ચ સ્થિતિને - પામેલા મુક્ત હતા. ભગવાને એમને માધ્યમ બનાવ્યા. તો આ બધા અનાદિમુક્તોનો ત્યાં ભેદ નથી. સર્વે મહારાજનું સુખ ભોગવે છે અને બીજાને આપે છે. આ અનાદિમુક્તોની રીત. જેટલું સુખ અપાય એટલું આપે. ખરચ્યું ના ખૂટે એને ચોર ના લૂંટે! હું શું કામ ન આપું?

જે ભગવાનના આશ્રિત હોય, જે શરણે આવે એ અનાદિમુક્તની પંક્તિમાં બેસી જાય. શરણે આવ્યા ક્યારે કહેવાય? કે કોઈ સૈનિક સેનાપતિને શરણે આવે એટલે સેનાપતિનું કહ્યું જ કરવું પડે, બધાં હથિયાર હેઠાં મૂકવા પડે. ત્યારે ભગવાનના આશ્રિત ક્યારે કહેવાય? કે આપણા ઠરાવ બધા પડ્યા મૂકવાના અને ભગવાન કહે તેમ કરવાનું. મહારાજની વાણી અને મહારાજનું સ્વરૂપ એ અભેદ છે. એમાં ભેદ નથી. તો એ વાણી આપણને આત્મસાત્ થાય ત્યારે આપણને મહારાજની મૂર્તિનું સુખ આવે. હવે આ દિવ્ય સ્થિતિ તરફ જવાનું બહુજન માટે શક્ય નથી. કારણ કે અનેક જન્મના એટલા બધા સંસ્કારો આપણા ચૈતન્ય -કારણ શરીર- સાથે આવરણરૂપે રહેલા છે કે મહારાજનું ધ્યાન કરીએ તો ય મહારાજની મૂર્તિ ન દેખાય. તો આપણું કલ્યાણ કેવી રીતે થઈ શકે? અનેક જન્મો થાય તો યે ન થાય એ દેખીતું છે. મહારાજના આ વચન એકેએક અંતરમાં -સોમચંદબાપાની જેમ ચૈતન્યમાં- ઊતારે તો એ દિવ્ય સ્થિતિને પમાય, એ પહેલાં ન પમાય. એ દિવ્ય સ્થિતિ પહેલાં જો મહારાજ કદાચ સુખ દેખાડે તો જીરવી ન શકાય અને એ સુખ મૂર્તિમાં પાછું જતું રહે.

તો એક પ્રશ્ન એમ થાય કે બહુજનનું શું? તો બહુજનનું કામ કૃપાસાધ્ય ભગવાન કરે છે. એક કરોડાધિપતિ આપણને પાંચ હજાર રૂપિયા કે દસ હજાર રૂપિયા આપી દે તો હું ના પાડી શકું? હું એને એમ ન કહું કે તમે કેમ એને આપ્યા. એમ કહી શકાય નહિ. એને મરજી છે આપવાની. તેમાં જ તો ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે તમે પ્રામાણિક રીતે મારા વચનોનું પાલન થાય એટલું કરો. બાકીનું હું પૂરું કરી દઈશ.

મહારાજ સ્વામિનારાયણ ભગવાનનો મહોત્સવ અને એમના અનાદિમુક્તોનો મહોત્સવ એમાં કોઈ ફરક નથી. શા માટે કે એ મહોત્સવ અંતે તો શ્રીહરિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો જ મહોત્સવ છે. અનાદિમુક્ત તો સુખમાં ગરકાવ થઈને રસબસ થઈને સુખ લીધા જ કરે છે. ત્યારે કરનારા કોણ? મહારાજ પોતે. પોતાના અનાદિમુક્તનો બ્રહ્મયજ્ઞ કોણ કરે છે? પોતે. હવે જો પોતે જ કર્તા હોય તો આશીર્વાદ પણ એ જ આપે છેને કે તમને મૂર્તિમાં રાખ્યા! તો ગોપાળાનંદ સ્વામીનો બ્રહ્મયજ્ઞ કરો તો પણ એવા આશીર્વાદ મળે, પર્વતભાઈનો બ્રહ્મયજ્ઞ કરો તો પણ મહારાજ એવા આશીર્વાદ આપે. એટલે એમ નહિ સમજવાનું કે કોઈ એક મુક્તનું છે. એને અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન આપણે ટાળી દેવું જોઈએ. ગમે તે મુક્તનો પ્રસંગ કોઈ ઉજવે, પણ એ મહારાજનો જ છે એમ સમજવાનું. એમાં ફરક નથી. આપણા વંશ-વારસો બીજા અનાદિમુક્તો પ્રગટ થાય એના જોગ-સમાગમમાં આવે તો એ એનો મહિમા ગાય. પણ એનો મહિમા એટલે મહારાજનો મહિમા. અનાદિમુક્તનો મહિમા ને મહારાજનો મહિમા એમાં કંઈ ફરક ખરો? અનાદિમુક્તના ગુણગાનમાં મહારાજના ગુણગાન જ થાય છે. અરે ભાઈ! મુક્તની દૃષ્ટિ તો મહારાજ સમક્ષ છે. આ અનાદિમુક્તે કોઈ દિવસ પોતાનામાં જોડ્યા? મહારાજની મૂર્તિમાં જ સૌને જોડયા. પણ એ કામ કેમ કર્યું? તે સેવક હતા ભગવાન સ્વામિનારાયણના. ભગવાન તો અનંત મુક્તોના સ્વામી છે. અનંત સેવકરૂપ અનાદિમુક્તો એ મૂર્તિનું સુખ લે છે. અનંત અનાદિમુક્તને પોતાની હથેળીમાં ઉછાળે, અનંત અપાર અંતર સુધી મૂકે, પાછા લાવે એવી અનંત શક્તિ-સાર્મથ્ય ધરાવનારા એ ભગવાન સ્વામિનારાયણ. પણ અનાદિમુક્તનો મહિમા ઓછો નહિ. સત્સંગ ઘણો કરીએ, પણ મહારાજના અનાદિમુક્ત મળ્યા વગર મહારાજની મૂર્તિરૂપી કામ ન થાય. આ હકીકત છે. ગમે તેટલાં પ્રસન્નતાનાં સાધન કરો, પણ મહારાજ કે મહારાજના અનાદિમુક્ત મળ્યા વગર મહારાજની મૂર્તિરૂપી ફળશ્રુતિ થવી બહુ જ કઠણ.

મહારાજે એમ કહ્યું કે છતે દેહે મારા સુખને પામવું હોય તો પહેલાં એકાંતિક બનવું પડશે. પછી એકાંતિકમાંથી પરમ એકાંતિકમાં જવું પડશે અને પરમ એકાંતિક સ્થિતિમાંથી અનાદિમુક્તની સ્થિતિમાં જવું પડશે. અને ત્યારે તમે સર્વોચ્ચ દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરી ભગવાનનું સુખ પામ્યા એમ ગણો. ત્યારે એકાંતિક મુક્તની સ્થિતિ શું? કે ભગવાન સિવાય બીજે વાસના ન રહે અને પોતે બ્રહ્મરૂપે કરીને ભગવાનની ભક્તિ કરે. એ સ્થિતિ પ્રાપ્ત થાય તે એકાંતિક સ્થિતિ. તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યેયુક્ત ભક્તિ તે કેવી રીતે કરવી? બ્રહ્મરૂપે કરવી. જેથી ભગવાન સિવાય બીજે વાસના ન રહે. આપણે બધા અંતરશત્રુની વાત કરીએ, ઘાટ-સંકલ્પની વાત કરીએ તો એ ઘાટ-સંકલ્પ શેના થાય છે? આપણને વાસના છે તેથી થાય છે. કામ, ક્રોધ એ શું કામ થાય છે? કોઈ પણ ચીજ પાછળ આપણી વાસના છે. રાગ-દ્વેષની પાછળ પણ વાસના જ રહેલી છે. રાગ કેમ થાય છે? આપણને કોઈ વસ્તુ ખૂબ ગમે છે. માટે રાગ પાછળ પણ વાસના છે. આપણે એવી ઇચ્છા કરીએ છીએ કે એ પોતાથી મોટો ન દેખાય. એ દ્વેષ. તો એ પણ ઇચ્છા થઈ કે નહિ? તો વાસના ન થઈ? પૂર્ણ પુરુષોત્તમમાં તો એકેય દોષ નથી અને નરી દિવ્યતા જ છે તો એ ભગવંતની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એકાંતિક તો થવું પડે ને? કેટલું અઘરું! બહુ જ અઘરું.

નેપોલિયને એમ કહ્યું કે મેં આખા વિશ્વને જીતવાનો પ્રયત્ન કર્યો. જીતી પણ લીધું ઘણું બધું, પરંતુ મેં અંતર જોયું તો મને તો એમ થયું કે મેં કંઈ મેળવ્યું નથી. અંદરનું તો કંઈ મેં પ્રાપ્ત કર્યું નહિ. એને એમ થયું કે હું કરી શક્યો એ બધા કરી શકશે, પણ અંદરનું કરવા માટે મેં પ્રયત્ન ન કર્યો. એ વખતે એમને સંતના દર્શન આપોઆપ થયા. તેણે તે સંતને એમ કહ્યું કે મેં ન કરવાનું કર્યું ને કરવાનું ન કર્યું. બરાબર? ત્યારે કરવાનું એ છે કે આપણો ચૈતન્ય આ જન્મે મહારાજના સુખમાં પહોંચી જવો જોઈએ. ઉધારો શા માટે?

ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ તો અનુભવથી ખબર પડે. જ્ઞાનથી સમજાવી શકાય છે, પણ ખરું તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ તો અનુભવનો પ્રશ્ન છે. તો મારું કહેવું એમ છે કે આપણે એને ફરજ નહિ પાડવાની, પણ સમજાવી શકાય. તો જો એ પોતાના અવતારોની ઉપાસના મૂકી દે અને સર્વોપરી તત્ત્વમાં જોડાય, તો ઉપાસના-ભંગ ક્યાં રહ્યો? એ બધા અવતારો જેમાંથી પ્રગટ થાય છે ને જેમાં લીન થાય છે તેના શરણે જવામાં કયાં પતિવ્રતાની ભક્તિનો ભંગ થાય છે? ભંગ થતો નથી. જો તુલસીદાસજીની જેવી પતિવ્રતાની ભક્તિ કરવી હોય તો આપણે પતિવ્રતાની કેટલી હદે જવું-રહેવું જોઈએ?

ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી મળ્યા પછી માતાજી કે ગરબાનો મહિમા સમજીએ કે હનુમાનજીના મંત્ર-ચાલીસા ભણવા પડે? હનુમાનજી તો ભક્ત હતા. તો એમના ચાલીસા ભણવા કરતાં સ્વામિનારાયણ ભગવાનનું નામ ન લઈએ? ત્યાં શા માટે શ્રદ્ધા થાય? કારણ કે સમજણમાં ફરક છે, ખરી સમજણ મોટા મુક્ત થકી થઈ નથી. કોઈ જગ્યાએ સારપ્ય નહિ મનાવી જોઈએ. જો સારપ્ય મનાય તો સમજવું કે હજી આપણી સમજણ કાચી છે. આપણે આ સારપ્ય કાઢી નાખવી પડશે. અરે ભાઈ! કાઢતા તો એક સેકંડની વાર જ બસ. પોતાની સમજણ ને દૃષ્ટિબિંદુ બદલી નાખીએ એ ભેગું જ બધું ન બદલાઈ જાય? તો આપણે જ એવા મૂર્ખ થઈએ છીએ કે આપણી સમજણ જે શુદ્ધ નથી એ રહેવા દઈએ છીએ. ત્યારે એટલું જરૂર, આદર બધાનો કરીએ. ક્રિશ્ચિયનને એમ ન કહેવું કે તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થાવ. સ્વામિનારાયણ સર્વોપરી છે, આશ્રિત થાવ તે અમે ઇચ્છીએ, પણ ન થાવ તો આગ્રહ નથી. પણ જ્યારે તમને એમ લાગે કે એ ઈસુ ખ્રિસ્ત તો Son of God છે, He is not God. તો પરમાત્મા જે સર્વોપરી છે એ પરમાત્માને વળગવામાં વાંધો શું? વળગવું જ જોઈએ.

કોઈ એમ કહે કે ભગવાન સ્વામિનારાયણે એમ કેમ કહ્યું કે શ્રીકૃષ્ણ ભગવાનના ડાબા પડખે રાધિકાજી રહ્યાં છે, વક્ષસ્થળમાં લક્ષ્મીજી રહ્યાં છે એ ભગવાનનું હું ધ્યાન કરું છું એમ કેમ કહ્યું? એમ કેમ ન કહ્યું કે હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું, મારું ધ્યાન કરી અને બધાય મુક્તોને મારા સ્વરૂપમાં રાખું છું? મેં કહ્યું એમ જ કહ્યું છે. કારણ કે ભગવાને નિર્માનીપણું બતાવ્યું છે. અને પોતે મુક્ત તરીકે સેવકભાવે બોલ્યા છે. તો એનું નામ જ સર્વોપરી પરમાત્મા. એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા તે પહેલાં પૃથ્વી પરના લોકો તો શ્રીકૃષ્ણની ભક્તિથી રંગાઈ ગયેલા અને રામચંદ્રજીની ઉપાસનાથી રંગાઈ ગયેલા, ભગવાન શંકરની ઉપાસનાથી રંગાઈ ગયેલા. ચારેકોર એવું જ હતું. એમાં સર્વોપરી તત્ત્વને કેવી રીતે ઓળખે? એનો દાખલો આપું તમને. કે આઈન્સ્ટાઈને એમ કહ્યું કે સારું થયું કે મારી માએ મને એમ ન કહ્યું કે આ બિલાડી આડી ઊતરે તો આપણને નુકસાન કરે. નહિતર મારા મગજમાં એ પૂર્વગ્રહ જો પેસી ગયો હોત તો કાઢવો અઘરો પડત. કારણ કે subconscious mindમાં જે impression પડે એ પૂર્વગ્રહ જલદી હટતો નથી. તરત સાંભરે કે અત્યારે આ આડું ઊતર્યું. તો જો આઈન્સ્ટાઈન એમ કહેતો હોય તો વિચાર કરીએ કે જો આપણે પરાપૂર્વથી કોઈ સંસ્કાર આવ્યા હોય એ કાઢવા કેટલા અઘરા!

બાપાશ્રીના સાર્ધ-શતાબ્દી મહોત્સવ વખતે મહારાજે આશીર્વાદ આપ્યા કે અહીં જે ઉપસ્થિત થયા છે એ બધાને હું અક્ષરધામમાં લઈ જઈશ. બરાબર? તો મહારાજે પોતાનું બિરદ તો વાપરવું પડે ને? એટલે જ્યારે ધામમાં લઈ જાય ત્યારે પોતે આવરણ રાખી અને એને જે જે દેવ-દેવતાઓ જોયા હોય એ બધાને દેખાડે કે જો આ રાંક છે મારી પાસે. તું રાંકમાં લઈ મંડ્યો હતો. જો હવે હું એ આવરણ દૂર કરી નાખું છું. એમ આવરણ દૂર કરીને પોતાનું દિવ્ય દર્શન કરાવે. કેટલું બધું કૃપાસાધ્યપણું! થયું કે નહિ? આવું કૃપાસાધ્યપણું ક્યારે વાપરે? કે આવા અનાદિમુક્તના મહોત્સવ હોય કે ભગવાન સ્વામિનારાયણનો પોતાનો મહોત્સવ હોય ત્યારે પ્રભુ આવું કૃપાસાધ્યપણું વાપરે છે. અને મને તો એમ લાગે છે કે મહારાજ પોતાના મહોત્સવ કરતાં પણ અનાદિમુક્તના મહોત્સવમાં વધુ કૃપાવર્ષા કરે છે. તથા એમ કહે છે કે મને તો સૌ પૂજશે, પણ મને પામવા માટે તો બધાય સારી રીતે મારા અનાદિમુક્તનો મહિમા સમજશે ત્યારે હું એને દિવ્ય સુખમાં લઈ જઈશ! આટલો બધો રાજીપો!

આપણે ભગવાનને દરરોજ પ્રાર્થના કરીએ કે હે મહારાજ! એક ક્ષણભર પણ તમારી મૂર્તિ ભૂલાય નહિ, તમે અમને તમારા સ્વરૂપમાં રાખ્યા છે એની દૃઢતા કદીયે ઓછી ન થાય, તમે અનાદિમુક્તની પંકિતમાં બેસાડ્યા છે એ વિશ્વાસ કદીયે ડગે નહિ અને તમારી ઇચ્છા હોય ત્યારે તમે અમને દિવ્ય દર્શન આપીને સુખમાં મૂકજો, આજને આજ મૂકી દો એમ પણ કહેતા નથી, બધું તમને ખબર છે, તમને સોંપીએ છીએ. અમારો આખો ચૈતન્ય તમને સોંપ્યો છે, દયા કરીને તમે સંભાળી લેજો. અમને તમારા સુખમાં રાખજો એટલી જ પ્રાર્થના અને આપના સ્વરૂપ સિવાય કાંઈ ગમે નહિ એવી દયા કરજો. એવી પ્રાર્થના કરવી. આ દિવ્ય સભાનો ઘણો સમય લઈ લીધો. બધાનો રાજીપો અને આશીર્વાદની અપેક્ષા સાથે વિરમું છું.

સ્વામિનારાયણ ડિવાઇન મિશન એટલે આપણું બધાનું હું ડિવાઇન મિશનનો અર્થ સમજાવું. સ્વામિનારાયણ ભગવાનનું ડિવાઇન મિશન કોને કહેવાય કે આત્યંતિક કલ્યાણનું એટલે કે આત્યંતિક મોક્ષનું સદાવ્રત ચલાવનાર મુક્તમંડળ એટલે સ્વામિનારાયણ ડિવાઇન મિશન. તો Are we not all Swaminarayan Divine Mission? We are all Swaminarayan Divine Mission. Don't understand that Swaminarayan Divine Mission is something different. આપણે બધા સ્વામિનારાયણ ડિવાઇન મિશન જ છીએ. આપણે આત્યંતિક મોક્ષનું સદાવ્રત નથી ચલાવતા? ચલાવીએ છીએ. બધાને મહારાજને ઓળખાવીએ છીએ.


સારાંશ

જેટલું જ્ઞાન આપણે જીવનમાં ઉતાર્યું હોય તેટલું જ બોલવું. વાણી-વર્તન એક રાખવા, તો જ બોલ્યાની અસર સામેની વ્યક્તિના ચૈતન્ય પર પડે.

દરેક અનાદિમુક્તમાં રહીને મહારાજ કાર્ય કરે છે, પણ આપણને જે અનાદિમુક્ત મળ્યા તેનું મુખ્યપણું રાખવું જોઈએ. પોતાના બધા ઠરાવ પડતા મૂકી મહારાજ અને એમના અનાદિમુક્તને શરણે જઈએ તો અનાદિમુક્તની પંક્તિમાં બેસી જઈએ. મહારાજના એકે-એક વચનો ચૈતન્યમાં ઉતારીએ તો એ દિવ્ય સ્થિતિને પમાય.

ગમે તે મુક્તનો પ્રસંગ ઉજવીએ તે પ્રસંગ મહારાજનો જ કહેવાય. કારણ કે અનાદિમુક્તના ગુણગાનમાં મહારાજનો જ મહિમા ગવાય છે.

અનાદિમુક્ત મહારાજમાં જોડાવાની જ વાત કરે. સાધન ગમે-તેટલા કરીએ, પણ મહારાજના અનાદિમુક્ત મળ્યા સિવાય પ્રાપ્તિ ન થાય. અનાદિમુક્ત સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. અનાદિમુક્તની આપણા પર કૃપા ઊતરે એ માટે પણ પુરુષાર્થ તો કરવો જ રહ્યો.

ભગવાનની સર્વોપરી ઉપાસના સમજવી અને બીજાને સમજાવવી. સર્વોપરી ભગવાન મળ્યા પછી બીજે શ્રદ્ધા ન રાખવી.

સાર્ધશતાબ્દી વખતે મહારાજે આશીર્વાદ આપ્યા કે અહીં ઉપસ્થિત સર્વેને હું ધામમાં લઈ જઈશ. કારણ કે તેમના મુક્તના ઉત્સવમાં મહારાજ વધુ કૃપા વરસાવે છે.

ભગવાનને એમ પ્રાર્થના કરવી કે તમારી મરજી થાય ત્યારે, પણ મારા ચૈતન્યને સંભાળી લેજો.

સ્વામિનારાયણ ડિવાઇન મિશન એટલે આત્યંતિક મોક્ષનું સદાવ્રત ચલાવનાર મુક્તમંડળ.