2
શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદગુરુઓ તથા આ દિવ્ય સત્સંગ સભાને દંડવત્ પ્રણામ સહ વંદન કરું છું. આજનો દિવસ શ્રીજીમહારાજનો પ્રાગટ્યદિન. એના જેવો તો કોઈ દિન બ્રહ્માંડમાં થયો નથી અને થશે પણ નહિ.
આ દિવ્યધામ સરસપુર એ પરમ કૃપાળુ બાપાશ્રી અને મહાન સદ્ગુરુઓના વિચરણથી નૈમિષારણ્ય ક્ષેત્ર બની ગયું છે. એ તીર્થ બની ગયું છે. તારે તે તીર્થ. તારવું એટલે કે ભવસાગર પાર, મૂળ અક્ષર કોટીથી પાર શ્રીજીમહારાજના દિવ્ય સુખને પમાડે એ તીર્થ. સ્થાવર તીર્થ મુમુક્ષુઓને પાવન કરે, ઇંદ્રિયો અંત:કરણને શુદ્ધ કરે. અને સ્થાવર તીર્થની અંદર રહેલા ભગવાનના અનાદિમુક્તરૂપ સત્પુરુષો એ ભગવાનના ભક્તને કૃપાદૃષ્ટિ કરીને સમજણ આપીને મહારાજની મૂર્તિના સુખમાં જોડી દે છે. અને તારવાનું કામ એ રીતે તે તીર્થમાં પૂર્ણ થાય છે. ભગવાનના જંગમ તીર્થના જોગ જેવો બીજો કોઈ જોગ નથી. તેઓ તો ચૈતન્યમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી નાંખે છે. ચિત્ર પ્રતિમામાં જેમ ભગવાન પોતે બિરાજિત થઈ જાય છે, એવી રીતે ભગવાન પોતાના જોગથી, પોતાના આશીર્વાદથી, પોતાના રાજીપાથી એ મુમુક્ષુના ચૈતન્યને વિશે બિરાજમાન થાય છે.
મહારાજે કહ્યું કે આ દિવ્ય સભામાં એ અનુભવ થાય છે કે મૂર્તિ આકારે વર્તાય છે. ગોપાળાનંદ સ્વામી પૂર્ણ હતા. મહારાજે પૂર્ણ ગોપાળાનંદ સ્વામીને અપૂર્ણ કહીને બીજાને શિખવવાને માટે એવો ઉપદેશ કર્યો કે સ્વામીને કહે, "સ્વામી, આકારે રહિત વર્તો." એનો અર્થ એવો થયો કે આ (દેહના) આકારે રહિત વર્તવું. મૂર્તિ આકારે વર્તો. દેહ આકારે નહિ વર્તો. ગોપાળાનંદ સ્વામીની પૂર્ણ સ્થિતિ હતી. પૂર્ણને અપૂર્ણ કહી શા માટે એવો ઉપદેશ કર્યો? આપણને શિખવવાને માટે કે આપણે આ દેહ આકારે મટી જઈને મૂર્તિ આકારે બની જઈએ. મૂર્તિમાં રહીને કાર્ય કરવું એ મૂર્તિ આકારે સ્થિતિ થવાનું સુલભ સાધન છે. શ્રીજીમહારાજે પોતે કૃપાસાધ્ય બનીને એમ કહ્યું કે અમારી કૃપાથી આ કઠીનમાં કઠીન સાધન સુલભ બની જાય છે. મૂર્તિમાં રહીને મૂર્તિ જોવી. મૂર્તિમાં રહીને મહારાજને કર્તા-હર્તા દેખવા. મૂર્તિમાં એ બધું સુલભ થાય છે. સન્મુખ ભાવમાં ભગવાનને બધી ક્રિયા કરતા જોઈએ, તેમાં દેહભાવ છૂટતો નથી. મૂર્તિમાં રહીને કામ કરવા માટે ફક્ત એટલું જ કામ કરવાનું છે કે આપણે દેહની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિને જોવી. શ્રીજીમહારાજે એ દિવ્ય મૂર્તિમાં આપણને રાખ્યા છે. ત્યારે અંદર એને બધી જ ક્રિયા શ્રીજીમહારાજ કરે છે એવો ભાવ થયા જ કરે અને એ ભૂલાય નહિ. એટલે કારણ દેહ છૂટી જાય છે. સ્થૂળ-સૂક્ષ્મ છૂટતાં ય વાર લાગે તો કારણ છૂટવાની વાત તો ક્યાં કરવી? એ તો કૃપાસાધ્ય ભગવાન મળે, કૃપાસાધ્ય મુક્ત મળે અને એ શ્રીજીમહારાજ કૃપા વરસાવે, ત્યારે આ ત્રણેય દેહ છૂટે, જ્યારે કારણ દેહ છૂટે અને મહારાજની મૂર્તિમાં રહીને એમાં રહ્યા થકા બધી જ ક્રિયા થાય એ માટે સાત્ત્વિક યજ્ઞો વારંવાર યોજવા. એના માટે રાજસી યજ્ઞનો ખૂબ આગ્રહ ન રાખવો. મેં કહ્યું તેમ પ્રાણપ્રતિષ્ઠા થાય તેમાં એવો હોમ યજ્ઞ કરવાની વેદ-વિધિની જરૂર પડે છે. માટે તે ભલે થાય. સંખ્યાની દૃષ્ટિએ આવા રાજસી યજ્ઞમાં સમાસ થાય, પણ ગુણવત્તાની દૃષ્ટિએ સાત્ત્વિક યજ્ઞમાં જ સમાસ થાય. અંતરવૃત્તિ કરવી હોય તો સાત્ત્વિક યજ્ઞ થકી જ થઈ શકે. અને એ રીતે અહીંયા આ સ્થાનમાં કેટલા મોટા સાત્ત્વિક બ્રહ્મયજ્ઞો થયા છે.
(એમ સરસપુર મંદિરનો મહિમા કહ્યો)
સારાંશ
સ્થાવર તીર્થ મુમુક્ષુઓને પાવન કરે, ઇંદ્રિયો-અંત:કરણને શુદ્ધ કરે. જંગમ તીર્થ જે મુક્ત તેઓ તો ચૈતન્યમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી નાંખે. તેમના જેવો બીજો એકે જોગ નથી.
મૂર્તિમાં રહીને કામ કરવું એ મૂર્તિ આકારે સ્થિતિ થવાનો સુલભ માર્ગ છે.