17

0:000:00

પરમકૃપાળુ શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્તની આ દિવ્ય સભાને કોટાન કોટી દંડવત પ્રણામ કરી અને ધન્યતા અનુભવું છું.

સત્સંગમાં મહારાજના કેટલાક મુક્ત અદૃશ્ય થઈ મૂર્તિના સુખમાં પહોંચી જાય છે. કેટલાક મુક્તો અવરભાવમાં ભગવાનના ભક્તોને ત્યાં જન્મ ધરે છે. કેટલાક મુક્તો અંત સમો બતાવે છે. એમ ભગવાનની ઇચ્છાથી આ કલ્યાણકારી કાર્ય ચાલ્યા કરે છે. શરૂઆતમાં આપણે ભગવાનના બે ભક્તો અદૃશ્ય થઈ મૂર્તિના સુખમાં પહોંચી ગયા તેમને માટે પ્રાર્થના કરવાની, જેથી ભગવાનના મુક્તો જે અદૃશ્ય થઈ ગયા છે તેમને શ્રીજીમહારાજ અવનવા સુખ ભોગવાવે અને જે મુક્તો અંતસમો બતાવે છે એ મુક્તોને દેહમાંથી મુક્ત કરીને ભગવાન પોતાના સુખમાં ખેંચી લે અને પોતાના સુખે સુખિયા કરે એવી પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે આપણું કામ આગળ શરૂ કરીએ. બે મિનિટ મૌન રાખી ભગવાનના ભક્તો માટે આ પ્રાર્થના કરીએ.

આ પ્રાર્થનાથી મહારાજ અને મુક્ત ખૂબ રાજી થયા. જે ભગવાનના મુક્ત માટે પ્રાર્થના કરી એ પણ ખૂબ રાજી થયા. એમનો રાજીપો મળ્યો. ભગવાનની ઇચ્છાથી એમની કૃપા મળી. જ્યારે જ્યારે ભગવાનના ભક્તો આ લોકમાંથી અદૃશ્ય થાય ત્યારે આ લોકમાં ખોટ પડે છે, પરંતુ એ પણ ભગવાનની ઇચ્છાથી થયા કરે છે. જ્યારે ભગવાનના ભક્તનું આ લોકમાં કાર્ય પૂરું થઈ જાય, ત્યારે આ દેહનો ત્યાગ કરી મહારાજના સુખમાં પહોંચી જાય છે. કારણ કે ભગવાનના ભક્તો એમ જાણે છે કે આપણું રહેવાનું દિવ્ય સ્થાન એ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. એટલે આપણને તો એ દિવ્ય સ્થાનમાં પહોંચી જવા ઉતાવળ તો હોય, પરંતુ કેટલુંક કામ કરવા માટે આ લોકમાં જરૂર હોય ત્યાં સુધી આપણને રાખે છે. ધામમાંથી આવેલા મુક્તો પણ આ લોકમાં રહી અને મોક્ષનું કાર્ય, આત્યંતિક મોક્ષનું કાર્ય કરી ગયા ને કરે છે. એ સદાવ્રત ચાલુ જ છે. અત્યારે પણ આપણી સભામાં એવા મહામુક્તો સારી એવી સંખ્યામાં બિરાજે છે અને એમના થકી આ જગતમાં ઘણા જીવોનું કામ થાય છે. આ સદાવ્રત જ્યાં સુધી પૃથ્વી ચાલશે, ત્યાં સુધી ચાલ્યા કરશે.

બ્રહ્માનંદ સ્વામીએ આપણને મૃત્યુ ઉપર વિજય શીખવી દીધો. એમણે કહ્યું કે, મહારાજે આપણો મૃત્યુનો ભય મટાડી દીધો. અભય વરદાન આપી દીધું. બ્રહ્માનંદ સ્વામીએ એક સાખી લખી છે કે, "મરના-મરના સહુ કહે મરી ન જાણે કોઈ, મરના તો ઐસા મરના ફિર જનમ ન હોય." બ્રહ્માનંદ સ્વામી આ પંક્તિમાં એમ કહે છે કે, અનંત જીવો દેહ મૂકીને મરે છે અને લોકો પણ મરવા-મરવાની મૃત્યુની વાતો કરે છે, પણ કોઈ મરી જાણતું નથી. ત્યારે મરી જાણવું તે એનું નામ. બ્રહ્માંનંદ સ્વામી કહે છે, મરના તો ઐસા મરના ફિર જનમ ન હોય. ત્યારે ફિર જનમ ન હોય એમ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. ત્યાર પછી તેમના સંકલ્પથી તેમના અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી પ્રગટ થયા. અનંત અનાદિમુક્તો પણ તેમની સાથે આવ્યા. તેમણે સર્વોપરી ભગવાનનું સુખ પમાડવાને માટે રાત-દિવસ, ભૂખ-તરસ, ટાઢ-તડકો જોયા સિવાય એટલું બધું કામ કર્યું કે અનંત જીવોને એ દુ:ખમાંથી મુક્ત કરી ભગવાનના સુખમાં પહોંચાડી દીધા.

જ્યારે ભગવાનના મુક્ત પ્રગટ થાય, ત્યારે બીજી યોનીઓમાં ગયેલા જીવો પણ પરબારા મૂર્તિના સુખમાં પહોંચી જાય છે. એ અન્યથાકર્તાપણું ભગવાનનું. પ્રગટપણાનો એ મોટો લાભ છે. ભગવાન મુક્તને પ્રગટ એટલા માટે કરે છે કે અનંત જીવોને સુખમાં લઈ જવા છે. બ્રહ્માનંદ સ્વામીએ જે માનવજીવનનું લક્ષ્યબિંદુ બતાવ્યું એ બાપાશ્રીએ ખૂબ જ કૃપાસાધ્ય બની પાત્ર-અપાત્ર જોયા સિવાય સીધા મૂર્તિમાં જ રાખી દીધા. ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો. કારણ કે મૂર્તિમાં રાખવો હોય તો બધા જ આવરણોથી મુક્ત કરવો પડે, પછી જ એ મહારાજના સુખમાં રહી શકે. એવું અનુભવાતું નથી એટલા માટે મહારાજ એમ કહે છે કે અમે તમને બાધિતાનુવૃત્તિ રાખી છે. કારણ કે એ સુખમાં રહેવા માટે તમને જે પાત્રતા જોઈએ એ નથી. છતાં અમારા આશીર્વાદે કરીને અંતે અમારા સુખનો અનુભવ કરશો. અથવા અમારી કૃપા થશે તો છતે દેહે પણ એ સુખનો અનુભવ થશે, પણ એ સુખમાં પહોંચતાં પહેલાં અમારા જે આશીર્વાદ કે તમને મૂર્તિમાં રાખ્યા એ તમને અમારું સ્વરૂપ જીરવવાને માટે ધીરે-ધીરે-ધીરે-ધીરે પાત્ર કરશે. એ પાત્રતા કેળવવા માટે જે યોગ્યતા જોઈએ એ પણ અમે જ કરીશું. પોતે એમ પણ કહે છે કે પાત્ર તો જાતે જ થવું પડે. એમ તો કહેવું પડે.

કૃપાસાધ્યનો અર્થ તો એવો થયો કે હવે કાંઈ પણ કરવાનું રહ્યું નથી, એનું નામ કૃપાસાધ્ય. ભગવાન એકવાર કહી દે કે અમે મૂર્તિમાં રાખ્યો અને જો એને નિર્વિકલ્પ વિશ્વાસ આવી જાય તો વગર સાધને કામ પતી ગયા વગર રહે નહિ, પણ એમ થતું નથી. સંકલ્પ-વિકલ્પ ચાલે છે, તેથી તકલીફ ઊભી થાય છે. મહારાજે જેને આશીર્વાદ આપ્યા, પછી એની સાથે રહીને પુરુષાર્થ પણ કરાવે, પુરુષાર્થની સાથે - સાથે એને પાત્ર પણ કરે, એને નિર્મળ બનાવે, પંચવર્તમાને યુક્ત બનાવે, મહારાજની આજ્ઞાઓ સહેજે પાળી શકે એવો તૈયાર કરે. આ બધું કામ પોતે જ કરે છે. એટલે મહારાજના ને અનાદિમુક્તના જેને આવા અભય આશીર્વાદ મળ્યા હોય તે સૌ પાત્ર બનીને મહારાજના સુખભોક્તા થયા વગર રહેશે નહિ. એટલું તો આપણે અવશ્ય કરીએ. કોઈ પણ વસ્તુ કરવી હોય તો મહેનત પડે. કોઈ પણ વસ્તુ જોઈએ તો ધનનો ઉપયોગ કરવો પડે, પરંતુ એક ભગવાનના નામનું રટણ અને ભગવાનનું નામ લેવામાં કોઈ પૈસાનું ખર્ચ કરવું પડે નહિ કે હાથ-પગ કે કાંઈ હલાવવું પડે નહિ. માત્ર જે આશીર્વાદ મળ્યા એમાં વિશ્વાસ રાખી, તેમના પંચવર્તમાન જે સાવ સરળ છે, અઘરા લાગે છે તેનું કારણ એ છે કે અનંત જન્મથી ચૈતન્યે પોતાનો સ્વભાવ કૃત્રિમ બનાવી દીધો છે. ચૈતન્યનો સ્વભાવ તો એવો છે કે ભગવાનના કલ્યાણકારી ગુણે યુક્ત વર્તવું. પંચવર્તમાન પાળવામાં કંઈ અનુસંધાન ન રાખવું પડે. એ તો સહેજે પળાય. અને પંચવર્તમાન વિગતે સમજીએ તો આપણને એમ લાગે કે એનું પાલન કરવું જરાય અઘરું નથી. માત્ર મનને કેળવવું પડે. અને મનને કેળવવાને માટે તો ભગવાન સ્વામિનારાયણ આપણી સમક્ષ સહાયમાં છે જ. જેની સહાયમાં ભગવાન હોય એના માટે શું અઘરું?

મહારાજે, મોટા સિદ્ધ અનાદિમુક્તે અને બાપાશ્રીએ તો એના માટે એમ કહ્યું છે કે તન અને મનની તમામ પ્રકારની બીમારીનું ઔષધ ભગવાનની મૂર્તિ અને ભગવાનના નામનું રટણ છે. બાપાશ્રી તો એમ કહે છે કે મૂર્તિ આવે તો રોગ પણ ભાગી જાય. કોઈ રોગ થાય નહિ. બાપાશ્રી તો એમ કહે છે કે પ્લેગ કે તાવ કે માથું પણ દુઃખે નહિ. કાંઈ આવે નહિ. ત્યારે આ બધી બીમારીઓ ભગવાનના ભક્તને દેખાય છે, તેનું શું કારણ? એનું કારણ એ પણ હોઈ શકે કે પાત્રતા કેળવવા માટે ભગવાનની ઇચ્છાથી આવે. બાપા કહે કે આજ્ઞા લોપે તો દુઃખ આવે. આજ્ઞા લોપ ન થાય એટલે દુઃખ આપે છે. એ દુઃખ એ દુઃખ નથી, એ સુખ છે. મને એમ લાગે છે કે ભગવાનના ભક્તને કોઈ બીમારી આવવાનો અવકાશ નથી, છતાં આવે છે એનું કારણ આપણા સુખને માટે. આપણને પાત્ર બનાવવા માટે. બીજું કારણ એ છે કે અનંત જન્મના પાપ કર્મો ભર્યાં હોય એ ભગવાન પોતે પ્રારબ્ધરૂપી શૂળીનું દુઃખ કાંટે કાઢે એવી રીતે થોડુંક દેખાડીને એ માફ કરે છે. એટલા માટે દેખાડે છે કે આ બુદ્ધિવાળાને જ્યારે ભગવાનની અનાદિમુક્તની સ્થિતિ થાય, ત્યારે એનો વિરોધાભાસ નષ્ટ થઈ જાય. એક બાજુ મહારાજ કહે છે કે મૂર્તિમાં રાખ્યા, મુક્ત કરી દીધો. હવે દુઃખ ક્યાં રહ્યું? દુઃખ રહ્યું જ નથી. જે દુઃખ દેખાય છે એ તો દેહને દેખાય છે. તો આપણી બીમારી તો રહી નથી. કારણ કે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. મહારાજે મૂર્તિમાં રાખ્યા છે. એમનો વિશ્વાસ છે અને એ વિશ્વાસે સહિત એનું અનુસંધાન રાખીએ છીએ. એટલે આપણને બીમારી આવવાનો અવકાશ નથી. છતાં આપણને દેહમાં બીમારી દેખાય તો એ આપણી બીમારી નથી. આ વાત એટલી જ બરાબર છે કે જ્યારે ભગવાનના સ્વરૂપમાં રોમે-રોમ રસબસ એક્તા થાય, ત્યારે આ દેહ સાથે કોઈ સંબંધ રહેતો નથી. એનો અર્થ એ કે દેહથી જુદા થઈ ગયા. વાસ્તવિકરૂપે એ બાધિતાનુવૃત્તિ ટળી ગઈ. મહારાજની સાથે એકતા થવાથી બાધિતાનુવૃત્તિ દૂર થઈ અને ભગવાનના સુખનો અનુભવ થવા માંડે. આ સ્થિતિમાં મહારાજ પોતે કામ કરે છે. મુકતને સુખ સિવાય જાણપણું નથી, છતાં પણ એમ કહીએ કે મહારાજ ને મહારાજના મુક્તો, જેટલું મહારાજ જાણે એટલું જ મુક્ત જાણે. એ સ્થિતિમાં કેવી રીતે સુખ ભોગવાય અને કેવી રીતે જાણપણું રહે એ વાત તો અનુભવથી જ ખબર પડે છે. અને આટલી કક્ષાએ એની કક્ષા સુધીનું જ સમજાવી શકાય. એ એટલું પૂરતું છે.

બાપાશ્રીએ જનનો મોક્ષ કર્યો. એ કેટલો પાપી જીવ હતો છતાં પણ. એ યોનીમાંથી સીધો પોતાના દર્શન થાય, ત્યાં મૂકી દીધો. એ કેવી દયા કહેવાય? મહારાજ ને મુક્ત ધારે તો બીજી યોનીમાંથી પરબારા મહારાજના સુખમાં લઈ જાય છે. ફરી આવવું પણ ન પડે.

મહારાજ પ્રગટ હતા ત્યારે પણ સર્વોપરીતા સમજવી અઘરી હતી. એ સમજવી અઘરી તો પડેને? જીવોની કક્ષા ન હોય અને સર્વોપરીતા સમજવી એ એટલું બધું દુર્લભ છે, એટલું બધું કલ્પનાતીત છે કે જ્યારે પાત્રતા આવે, ત્યારે જ આ વાત સમજાય. આપણે પૂર્વે પુણ્ય કર્યા હશે ત્યારે આ સર્વોપરીતા સમજાય છે. સાર્ધ શતાબ્દીએ અનાદિમુક્ત બાપાશ્રીની ઉજવણી કરવી એના જેવો કોઈ આનંદ, એના જેવું કોઈ મહાપર્વ નથી. આ લોકમાં મનુષ્યો પોતાનો જન્મદિન ઉજવે છે. કેટલી બધી ધમાલ મચાવે છે. કેટલો બધો ખર્ચ કરે છે? કેટલાક લગ્નની જયંતી પણ ઉજવે છે. પણ અનાદિમુક્તની જયંતી ઉજવવી એટલે મહારાજની મૂર્તિના સુખમાં રહેવા જેટલા પાત્ર બની જવું. એ પણ મહારાજની કૃપાથી. અને એ આશીર્વાદ ઝીલવા માટે તૈયાર રહેવું. સારામાં સારી કોઈ વાત જો આપણે ઝીલવાની હોય તો તે આ અભય આશીર્વાદ છે. ભગવાન અને ભગવાનના મુક્તો ગયા નથી, પણ એવાને એવા પ્રત્યક્ષ છે. અને એવું જ કામ કરે છે.

આપણે બીજા જે જે સંપર્કમાં આવે એને ગળે ઊતરે એવી રીતે આ વાત જો કરાય કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, કઈ રીતે છે એ વાતને જો સમજાવી શકીએ અને મહારાજની મૂર્તિરૂપ બનવા માટે ભગવાનની એકતા કરવાને માટેની જે અલૌકિક લટક છે એ પણ જો એને સમજાવી શકીએ. અને ભગવાનને જેમ છે તેમ ઓળખે એવું જો આપણે એક જીવને સમજાવીએ તો પણ મહારાજ એક-એક બ્રહ્માંડ ઊગાર્યા જેટલું ફળ આપે. તો અત્યારે સાર્ધ શતાબ્દી નિમિત્તે બાપાશ્રીએ આપણને સોંપેલું કાર્ય કરવું જોઈએ. આપણે બહુ જનના સમાસ માટે ભલે મહોત્સવ ઉજવીએ. પણ ખરું આ કામ છે કે જણ-જણ પ્રત્યે આ સંદેશો પહોંચે એવું કરવું. પ્રવૃત્તિમાં રહેતા હોઈએ. વ્યવહારમાં મથતા હોઈએ છતાં પણ કોઈ પ્રસંગ ઊભો કરીને પણ આ વાત તરફ જીવોનું ધ્યાન દોરવું. થોડો સમય લેવો. જીવન પર્યંત આ કામ કરવાનું. બાપાએ અને મહારાજે જીવન પર્યંત આ જ કર્યું. તો આપણે પણ એ કરીએ.

મોટા મોટાએ એમ કહ્યું છે કે મૂર્તિ આવી તો સર્વસ્વ આવ્યું. તો કોઈ એમ કહે કે મૂર્તિ આવે તો સર્વસ્વ આવ્યું તો મૂર્તિનું જ રટણ કર્યા કરીએ તો? તો સારું ત્યારે, પણ એમ કરનારાની સંખ્યા જ ઓછી હોય. જો બધા જ એવું કરવા માંડે તો બહુ સારું. આત્યંતિક પ્રલય થઈ જાય શું ખોટું? પણ આ જગતની કળ જ એવી છે કે એવું નથી થતું. એટલે એવી ચિંતા થતી હોય તો તે કરવાની જરૂર નથી. એકે ય રીતે ચિંતા કરવા જેવું નથી. જો બધા જ ભગવાન-ભગવાન કરી અને મૂર્તિનું સુખ અનુભવવા માંડે તો ભલે એવું થઈ જાય. આત્યંતિક પ્રલય થઈ જશે ભલે થાય. સારું ઊલટું. પ્રલય થાય અને એવો દિવસ આવે એ તો આ જગતનું અહોભાગ્ય કહેવાય. સર્વમનુષ્યો સુખમાં પહોંચી જાય.

પાત્રતાના અભાવે એવું નથી બનતું. ક્રમે - ક્રમે પાત્રતા આવતી જાય, તેમ જીવો એ સુખને પામતા જાય. ભગવાન અને ભગવાનના મુક્તો પ્રગટ થયા અને આશીર્વાદ આપતા ગયા કે, અમારું આ સદાવ્રત અમે મનુષ્ય દેહ અદૃશ્ય કરીશું તો પણ ચાલુ રહેશે. એ દિવ્ય સ્વરૂપે કૃપાવર્ષા કર્યા જ કરે છે. સત્સંગ ખૂબ વધતો જ જાય છે. સંખ્યા વધતી જ જાય છે. સાથે - સાથે ગુણવત્તા પણ પ્રમાણમાં વધે છે. સંખ્યા ઓછી છે એટલે બહુ દેખાતી નથી, પણ ધીમે-ધીમે સારું થશે. અને એનું પ્રમાણ થોડા વધારે પ્રમાણમાં દેખાશે. ત્યારે ખબર પડશે કે સંખ્યા સાથે ગુણવત્તા પણ મહારાજે વધારી છે. જો ભગવાન સત્સંગ વધારશે તો ગુણવત્તા નહિ વધારે? જરૂર વધારશે. જેણે ભગવાન સ્વામિનારાયણ ઓળખ્યા તેનામાં કોઈ કસર હશે તો પણ મહારાજ કોઈ ને કોઈ પ્રકારે ટાળશે. સત્સંગમાં રહીને સરખું નહિ જણાતું હોય તો પણ એવા સંજોગો ઊભા થશે કે જેથી ધીરે - ધીરે સારો ય સત્સંગ જેવો ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને એમના સંપર્કમાં આવ્યા એમને જેવો સત્સંગ ઉજળો દેખાતો હતો, એવો જ સત્સંગ આપણા સૌને લાગ્યા વગર નહિ રહે. એટલે જ મહારાજ ને બાપા કહે છે કે સારા ય સત્સંગ વિશે દિવ્યભાવ લાવવો. મનુષ્યભાવ લાવીને કોઈને અવળું થાય તેવો સંકલ્પ કરવો નહિ.

ભગવાનના આજ્ઞાલોપ સામે પ્રહારો કરીએ એ વ્યાજબી છે, પણ આજ્ઞા લોપનાર સામે કરુણા વરસાવવી, કૃપા વરસાવવી કે જેથી એમાંથી એ મુક્ત થાય. અને મુક્ત થાય એટલે તો સંત બની ગયો. ત્યારે બધા મોડા-વહેલા, આજ નહિ તો કાલ દરેકને સંત બન્યે જ છૂટકો છે. આ જન્મે નહિ તો આવતા જન્મે. જેટલું વહેલું બને એટલું વધારે સારું. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ! તમે અમને જેવા આશીર્વાદ આપ્યા. અમને જેવા સુખિયા કર્યા, અમને અભય બનાવ્યા, અને મૂર્તિમાં રાખવાનો જે વર આપ્યો એવો વર દિવ્યસ્વરૂપે તમે દરેકને આપો. કારણ કે આપ તો ઘટ-ઘટમાં વ્યતિરેક અને અન્વય બંને સ્વરૂપે વ્યાપક છો. આપ તો અનેક રૂપે, અનંતરૂપે થઈને જીવોને પોતાના સુખમાં લઈ જવા સમર્થ છો તો આપ એ સામર્થ્યનો ઉપયોગ કરી બધાયને એ સુખનો અનુભવ કરાવો. એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ.

મૂર્તિનું અનુસંધાન જે તૂટક-તૂટક છે એ અતૂટ થઈ જાય એવી આપણે શરૂઆત કરીએ. અને સમૈયા દરમ્યાન આપણને મૂર્તિ સિવાય કંઈ દેખાય જ નહિ એવી પાત્રતા કેળવીએ તો જુઓ કે સાક્ષાત્કાર ક્યાં દૂર છે? સાક્ષાત્કાર તો એક પળથી પણ એક ક્ષણ કરતાં પણ ઓછા સમયમાં થાય છે. બીજી બધી વસ્તુને વાર લાગે, પણ સાક્ષાત્કાર થતાં વાર લાગતી નથી. મહારાજનો સંકલ્પ થાય એ ભેગું જ એ મૂર્તિનું સુખ આવવા લાગે છે. બીજામાં તો એક શબ્દ બોલીએ એટલામાં એક સંકલ્પ થાય, પણ અહીં તો વાર જ લાગતી નથી.

સૌથી મોટામાં મોટી જો કોઈ ઉજવણી હોય તો મહારાજ અને મહારાજના અનાદિમુક્તની ઉજવણી છે. અનાદિમુક્તના પ્રાગટ્યદિનની ઉજવણી એટલે શ્રીજીમહારાજના પ્રાગટ્ય દિનની બંને ઉત્સવ એક જ છે. અવરભાવની દૃષ્ટિએ એમ અલગ દેખાય છે. સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન અને મુક્તનો પ્રાગટ્ય દિન એ અલગ વસ્તુ નથી. અવરભાવની દૃષ્ટિએ સમાસને અર્થે એવું જણાય છે કે આ મહારાજનો પ્રાગટ્ય દિન ને આ મુક્તનો પ્રાગટ્ય દિન. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને બધાયને અને વિશ્વના સર્વે મનુષ્યને મૂર્તિના સુખના આશીર્વાદ મળે. ભલે પાત્રતા હોય કે ન હોય દરેક જણને, દરેક પ્રજાને આશીર્વાદ મળે. ભગવાનનો સંકલ્પ તો ક્યાં ન પહોંચે? અનંત બ્રહ્માંડમાં જો ફરતો હોય તો આખા વિશ્વમાં ખૂણે-ખૂણે પહોંચવામાં ક્યાં તકલીફ રહે? જરૂર પહોંચી જાય. માત્ર જો ખામી હોય તો આપણા વિશ્વાસની. વિશ્વાસની ખામી એટલા માટે રહે છે કે સ્થિતિ થઈ નથી. જ્યારે એસ્થિતિ થાય, ત્યારે આપણને નજરે દેખાય છે, કે ભગવાનના સંકલ્પ શું કામ કરે છે? એ બધું અગાધ જ્ઞાન એ વખતે બધું સમજાઈ જાય. જ્ઞાનનો અંત ત્યારે જ આવે, જ્યારે સ્થિતિ થાય. ત્યાં સુધી જ્ઞાન સમજીને આગળ વધ્યા કરવું પડે.

હું જે વાતો કરતો હતો તેમાં મૂર્તિ સિવાય બીજું કંઈ હોય તો કહો? એક રહસ્યાર્થના વચનામૃતમાં દરેક પ્રશ્નોના ઉત્તરમાં મૂર્તિનું મુખ્યપણું આવે છે, પછી બાપાશ્રીની વાતો તો મૂર્તિ - મૂર્તિ અને મૂર્તિની જ વાતો. બાપાશ્રીની વાતો સારાય જગત માટે ઉપયોગી છે. શ્રીજીમહારાજ એમ સંકલ્પ કરે છે કે અમારા અનાદિમુક્ત અમારી મૂર્તિને જ ઓળખાવશે. અને જગતને ભૂલીને મૂર્તિને પામવાની વાત જ કરે છે. જ્યારે બીજા શાસ્ત્રો જગતને સુધારવા માટેની જ નકરી વાતો કરતા હોય છે. પાત્રતા કેળવવા માટે એટલા બધા ગ્રંથો લખાયા છે કે માણસ મૂંઝાઈને મરી જાય. ત્યારે આ તમે એકાદ પાઠ વાંચો ત્યાં મૂર્તિરૂપ થઈ જાઓ. ત્યારે મહારાજે એવું નક્કી કર્યું કે જેટલું બધા જીવોને પોતાનું જ્ઞાન પહોંચે એટલા માટે પોતે કેટલીય બાબતો કહી. જે ગણી ગણાય નહિ એટલી બધી છે. એટલે બાપાશ્રી દ્વારા મહારાજને એક કામ જબરજસ્ત કરવું હતું. તો એ બધા કામ કોના દ્વારા કરે? મુક્ત દ્વારા જ કરેને? પોતે તો કર્યું હતું, પણ એને વિસ્તારવું હતું. શ્રીજીમહારાજે તત્ત્વજ્ઞાનની કોઈ વાત બાકી રાખી નથી આ સ્પષ્ટ છે. તો એમના અનાદિમુક્તે શું કર્યું? અધૂરું કામ પૂરું નહિ. અધૂરું કામ હતું જ નહિ કે પૂર્ણ કર્યું, પણ એને વધારે સ્પષ્ટ રીતે સમજાવીને ઘંટ વગાડ્યો. કે ભાઈ, આ લ્યો, આ લ્યો. જેમ પેલી ગોપીઓએ કહ્યું ને? કૃષ્ણ લો, કૃષ્ણ લો. તો બાપાએ કહ્યું મૂર્તિ લો, મૂર્તિ લો. કોઈ લો, કોઈ લો. ત્યારે બાપાશ્રીની વાતો એ મહારાજે કરી છે. એ વાતો વાંચીએ તો ખબર પડે. એમાં મહારાજ સિવાય કાંઈ મને દેખાતું નથી.

તમને ખબર છે? હું સર્વેનો અંતર્યામી (અવલબાઈની જેમ) એમ ક્યારે બોલી શકાય? એવી સ્થિતિ થઈ જાય અને મહારાજ બોલે છે. અને મહારાજ બોલે ત્યારે એમ ન બોલે કે અમે બધાને સુખમાં લઈ જઈશું? મને કોઈએ એમ પ્રશ્ન કર્યો કે, બાપાએ એમ લખ્યું છે કે આ બધાને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશું. મહારાજ સુખમાં લઈ જાય એવી મહારાજને પ્રાર્થના કરીશું એમ ન બોલ્યા. પોતે કેમ અહમ્ રાખ્યો? ભાઈ, એમ નથી. જ્યારે એ સ્થિતિ ન થઈ હોય ત્યારે એમ કહેવું પડે. જ્યારે સ્થિતિ થઈ હોય ત્યારે એમ બોલે. કોણ બોલે છે? મહારાજ બોલે છે, કે આ જગનમાં જે આવશે અને પ્રસાદી જમશે એ બધાને મૂર્તિરૂપ બનાવીને મૂર્તિના સુખમાં લઈ જઈશું. એ દરેક વખતે કાંઈ એમ બોલે છે કે મહારાજ લઈ જશે? અરે બોલનારા મહારાજ પોતે હતા. અને તમે પણ એવી સ્થિતિ કરો પછી શું બોલો છો આ સભામાં? છતી દેહે અનાદિમુક્તની સ્થિતિ થઈ ગયા પછી કહે, ભાઈ, તમે પહેલા આમ બોલતા હતા અને હવે આવું કેમ બોલવા માંડ્યા? અરે ભાઈ, મહારાજ બોલે છે હું શું કરું? માટે નિર્વિકલ્પ બનવું. જ્ઞાન સમજતાં શીખવું, નહિતર અવળું પડે. અને આ સ્થિતિ થાય પછી કોઈ દિવસ અવળું પડે જ નહિ. બધું સવળું જ થાય.


સારાંશ

અનાદિમુક્ત પૃથ્વી ઉપર આવી આત્યંતિક મોક્ષનું કાર્ય કરે છે. આ સદાવ્રત સદાય ચાલુ રહેશે. પાત્રતા ન હોવાથી મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ અનુભવાતા નથી. અંતે મહારાજ અને મુક્તની કૃપાથી અનુભવાશે. આશીર્વાદ જીવને પાત્ર કરે છે. આશીર્વાદમાં નિર્વિકલ્પ વિશ્વાસ રાખવો તો વગર સાધને કામ પાર પડે. દેહના દુઃખ કે બીજા જે કાંઈ પણ દુઃખ આવે છે તે પાત્રતા કેળવવા ભગવાન આપે છે. અનંત જન્મના પ્રારબ્ધ શૂળીનું દુઃખ કાંટે કરી કાઢી નાંખે છે. મહારાજ અને મુક્ત ધારે તે કરી શકે છે. બીજી યોનીમાંથી સીધા જીવને ધામમાં પણ મૂકે છે. અનાદિમુક્ત મૂર્તિને પામવાની જ વાત કરે છે. બીજા શાસ્ત્રો જગતને સુધારવાની વાતો કર્યા કરે છે.

બાપાશ્રીએ મહારાજના તત્ત્વજ્ઞાનને વધુ સ્પષ્ટ રીતે સમાજ સમક્ષ મૂક્યું. અનાદિની સ્થિતિ થયા પછી તેમનામાં રહી મહારાજ બોલે છે. એ જ્ઞાન સમજતાં શીખવું, નહિ તો અવળું પડી જાય. મહારાજ અને મુક્તનો પ્રાગટ્ય દિન અવરભાવની દૃષ્ટિએ અલગ દેખાય છે, પણ છે નહિ. અનાદિમુક્તની જયંતી ઉજવવી એટલે મૂર્તિના સુખમાં રહેવા જેટલા પાત્ર બની જવું.

એક જીવને સર્વોપરીતા સમજાવી શકીએ તો બ્રહ્માંડ ઉગાર્યા જેટલું ફળ મળે. સમય જશે તેમ સત્સંગ વધશે. પાત્રતા પણ વધશે અને કોઈનામાં કસર હશે તો ભગવાન તેપણ દૂર કરશે. મૂર્તિમાં રાખવાના આશીર્વાદ મહારાજ બધાને આપે તેવી મહારાજને પ્રાર્થના કરવી.

મૂર્તિનું અનુસંધાન તૂટક - તૂટકમાંથી અતૂટ થાય તો સાક્ષાત્કાર થવો દૂર નથી. સાક્ષાત્કાર એક પળથી પણ ઓછા સમયમાં થઈ જાય છે.