5

0:000:00

પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદ્‌ગુરુઓ તથા સ્વામિનારાયણ ભગવાનની, સંત હરિભક્તોની સભાને કોટાનકોટી વંદન કરું છું.

મહારાજ અને મહારાજના મુક્તના જે શબ્દો છે તેના શબ્દે-શબ્દ આગળ પહોંચીએ તો મહારાજ હાથ આવી જાય. પરમ કૃપાળુ બાપાએ તેમની વાતોમાં શ્રીજીમહારાજના તત્ત્વજ્ઞાનની બધી જ સ્પષ્ટતા કરી છે. મહારાજ અને મુક્ત પરમાર્થને અર્થે પૃથ્વી પર આવ્યા. પરમાર્થ એનું નામ કે જીવોનું આત્યંતિક કલ્યાણ. તે એટલી હદ સુધી કર્યું કે મહારાજના સમયમાં જીવો સર્વોપરી પરમાત્માને સમજવાની ગતિશક્તિ ધરાવતા નહોતા. એટલે સંતોએ કીર્તન, વાતો, વચનામૃતમાં માર્મિક રીતે એ સર્વોપરીતા અને મૂર્તિમાં રહેવાની વાતો કરી છે.

અહીંયા મહારાજની મૂર્તિ સાથે બાપાના સ્વરૂપનું સ્થાપન કર્યું તેનું કારણ એ છે કે બાપાશ્રીના જીવન ચરિત્રોને જો મનનપૂર્વક વાંચે તો મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવાયા સિવાય રહેવાય નહિ. માત્ર પારાયણ નહિ. એ જીવનચરિત્રમાંના શબ્દે-શબ્દે મહારાજની મૂર્તિ સુધી પહોંચી જવાય. મહારાજના જીવનચરિત્રની સાથે સાથે લીલા ચરિત્રની સાથે-સાથે તેમના સંતોના જીવનનું અધ્યયન કરવું જોઈએ.

આ સભામાં બાળકોની સંખ્યા ઓછી છે. કેટલાક પોતાના બાળકોને લાવ્યા છે. એ ઘણી સારી બાબત છે. બાળકો અત્યારથી જ જો સભામાં આવતાં થાય તો મોટાં થતાં મૂર્તિ કેટલી બધી દૃઢ થઈ જાય. બાળકોએ આપણી સાથે કેટલીક વાતો સાંભળી કે મહારાજની આજ્ઞાઓ પ્રમાણે અણિશુદ્ધ વર્તન કરવું તો તેમને મહારાજના સ્વરૂપનો આનંદ આવે. આપણા સ્વામિનારાયણ ભગવાનના તત્ત્વજ્ઞાનનો પાયો નિષ્કામ વર્તમાનની દૃઢતા પર રચાયેલો છે. મહારાજ કહે છે કે જો નિષ્કામ વર્તમાન બરાબર પરિપક્વ થાય તો તેને મૂર્તિ સિવાય બધેથી વૃત્તિ તૂટી જાય. આસક્તિ જતી રહે. છતે દેહે ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ જરૂર અઘરો છે. કારણ કે પહેલા વચનામૃતમાં કહ્યું છે કે મારા સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે કઠિનમાં કઠિન છે. જો કઠિનમાં કઠિન સાધન હોય તો સાક્ષાત્કાર કરવા માટે મહારાજના અનાદિમુક્તનો સહારો જોઈએ. એ મુક્ત તો દિવ્ય છે. કોઈને એમ થાય કે અહીંયા બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીની મૂર્તિ કેમ નથી પધરાવી? એનો ઉત્તર એ છે કે ટોરડા જાવ તો ત્યાં ગોપાળાનંદ સ્વામી બિરાજે છે. ખાણમાં અને મૂળીમાં બ્રહ્માનંદ સ્વામી બિરાજે છે. એનો અર્થ એ નથી કે ટોરડામાં બ્રહ્માનંદ સ્વામી નથી કે મૂળીમાં ગોપાળાનંદ સ્વામી નથી. આ બધા મુક્તોના નામો અવરભાવના છે. તમે મહારાજના સ્વરૂપમાં કિલ્લોલ કરતા કોઈ પણ મુક્તને બિરાજિત કરો તે એક જ છે. કારણ કે એક મુનિમાં અનેક મુનિના વૃંદ છે.

હવે એવો સમય આવી ગયો છે કે જો સમજણ શક્તિ વિશાળ નહિ બનાવીએ અને સંકુચિત રાખીએ તો મહારાજની મૂર્તિ કેવી રીતે હાથ આવશે? દરેક વાતમાં સંકલ્પ થઈ જાય તો શ્રદ્ધામાં એટલી ખામી ગણાય. અનાદિમુક્તે દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. બ્રહ્માનંદ સ્વામીને કે ગોપાળાનંદ સ્વામીને સ્થાપિત કરો તેમાં કોઈ ફરક નથી. બંને એક જ છે. કારણ કે તેમના દ્વારા શ્રીજીમહારાજનું કર્તાપણું છે. એવી સંકુચિતતા પોતામાં રહે છે કે જૂની માનીનતા રહે છે તે અજ્ઞાન છે તે કાઢવું જોઈએ.

પ્રણાલિકા તો બદલ્યા જ કરે. મહારાજે કેટલા પ્રકરણ બદલ્યા? 114 પ્રકરણ બદલ્યા. જેમ-જેમ સંજોગો બદલાય તેમ- પ્રકરણ બદલાતાં રહે. સિદ્ધાંત તો તે જ રહે છે. મહારાજે કહ્યું અમારા અનાદિમુક્ત અમારા સંકલ્પ છે. અમારા પડછંદા છે. અનાદિમુક્ત દ્વારા બોલનારા કોણ? મહારાજ. મુક્ત દ્વારા મહારાજ બોલે છે. એ પડછંદા નહિ? તો આમાં સંકલ્પ કરવાની ક્યાં જરૂર છે? જો સંકલ્પ કરશો તો ભગવાન બાજુ પર રહી જશે. કેટલીક વાર જ્ઞાન કરતાં વાદ-વિવાદમાં પડી જાય. વાદ-વિવાદને લીધે છેડો હાથ આવે નહિ. કેટલા બધા વાદો ઊભા થયા છે. તેની ચર્ચા કર્યા કરીએ તો ભગવાન હાથ આવે નહિ. એનો વાદ લઈએ તો માથું ભમી જાય. બાપાશ્રીએ કહ્યું છે કે સર્વોપરી ભગવાનને જાણવા પડશે એ વાત ચોક્કસ છે. તો બીજી બધી વાત પડી મૂકો. જે ગામ જવું નહિ તેનો રસ્તો જોઈને શું કામ? જે વસ્તુ પામવી હોય તેમાં લક્ષ કેન્દ્રિત કરવું. તુલસીદાસજીએ રામનું ભજન કર્યું કે નહિ? એ કક્ષાએ પતિવ્રતાપણું જાળવવું પડે. પતિવ્રતાની ટેક મુક્તોએ પણ રાખી છે. તો સર્વોપરી પરમાત્માના મુક્તોને વિશે શા માટે સંકલ્પો કરવા જોઈએ? સંકુચિતતા ને અજ્ઞાન એ બધું છોડીશું તો પાર આવશે. નહિતર જીવન ચાલશે ત્યાં સુધી એ ચાલ્યા જ કરશે. જ્યાં સુધી સંકલ્પ-વિકલ્પ થયા કરે, ત્યાં સુધી સમજવાનું છે તે બરોબર ન સમજાય. જો સમજ્યા નથી તો શું કરવું? મહારાજની મૂર્તિનું મનન કરવું. મહારાજનું ધ્યાન કરવું. બાપા કહે છે કે મહારાજનું ધ્યાન કરો, ધ્યાન કરો. હાલતાં-ચાલતાં જેટલું શક્ય હોય તેટલો મૂર્તિનો સંબંધ કરતાં રહેવું. આપણે કાર્ય કરીએ એ વખતે મૂર્તિમાંથી વૃત્તિ તૂટી જાય તો એ પ્રવૃત્તિ બની જાય. વૃત્તિ તૂટી જાય તો અંતરવૃત્તિ ન થાય. માટે દરેક કાર્ય કરતાં પહેલાં થોડીવાર મૂર્તિની સ્મૃતિ કરીને પછી તે કાર્ય એકાગ્રતાપૂર્વક કરવું તો કાર્ય સરસ થાય. નોકરી વગેરે એકાગ્રતા કરવાના કાર્યમાં એ કાર્યમાં જ વૃત્તિ એકાગ્ર કરવી, નહિતર કાર્ય બરોબર ન થાય પણ નાતાં-ધોતાં, ખાતાં-પીતાં એવે વખતે મૂર્તિ સંભારવી. એ વખતે મહારાજરૂપ વૃત્તિ કરી શકીએ કે નહિ? એમ કરીએ તો રસ્તો સહેલો થઈ જાય.

કેવળ બાહ્યવૃત્તિ નહિ, અંતરવૃત્તિથી ખુશી મળે છે. આંતર શું તો જો ભક્તિ બહારથી કરીએ એના કરતાં આંતરિક કરીએ તો આડંબર અને દંભ ન થાય. આપણાથી એટલું ન થાય? બીજા આપણી ભક્તિ કે અંગ વખાણે એમાં નુકસાન કોને? આપણને. એટલા માટે ભક્તિ અંદર કરવી. મહારાજના સ્વરૂપમાં રહીને ભક્તિ કરીએ એ કોને ખબર પડે? બાપાશ્રીએ કહ્યું છે કે છ મહિનામાં સાક્ષાત્કાર થઈ જાય. બરોબર છે. એ કઈ રીતે થઈ શકે? આખું જીવન બાહ્યવૃત્તિમાં જાય, પણ કોઈ પ્રાપ્તિ ન થાય. પણ બાપાશ્રીએ કહ્યું છે તેમ છ મહિના અંતરવૃત્તિએ ધ્યાન કરે તો સાક્ષાત્કાર થાય.

'નિષ્કુળાનંદ સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો તો કેટલાકે કહ્યું કે કેટલા પાપ કર્યાં હશે? એમ જીવો સંકલ્પ- વિકલ્પ કર્યા કરે છે, પણ મંદવાડની લીલા મહારાજ દેહમાં બીજાને સેવાનો લાભ આપવા દેખાડે છે. મુક્તને મહારાજના સુખ સિવાય બીજું જાણપણું જ નથી હોતું.'

અયોધ્યાપ્રસાદજી મહારાજને વીંછી કરડ્યો તો પણ વીંછીના ડંખની વેદના ન થઈ કારણ કે તેઓ મૂર્તિરૂપે વર્તતા હતા. મંદવાડ દેહમાં હોય છે, પણ ચૈતન્યમાં નથી. એનો અર્થ એ થયો કે ચૈતન્ય દેહથી જુદો છે. મૂર્તિરૂપ વર્તે તો કોઈ મંદવાડ ન રહે. બાપાશ્રીનું જીવન જુઓ. તેમનું જીવનચરિત્ર વાંચો તો મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિની જ વાત કરી છે. મૂર્તિનું મનન થાય તો બધા રોગ મટી જાય.

ભગવાનના સ્વરૂપમાં અખંડ સ્થિતિ કરાવે એવા અનાદિમુક્તને સદાય સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર છે. એવા મુક્ત દ્વારા પ્રતિલોમ ધ્યાનની લટક શીખી દરેક ક્રિયામાં મહારાજના સ્વરૂપનું ધ્યાન કર્યા કરવું. એમ કરતાં કરતાં મહારાજનું સ્વરૂપ તદાકાર થઈ જાય. આપણું આખું સ્વરૂપ જ બદલાઈ જાય. જેમ આંખ મીંચીને ઊભા રહીએ તો આપણું આખું સ્વરૂપ દેખાય છે. ભૂલાય છે? એમ મહારાજનું સ્વરૂપ દેખાય. એમ કરતાં કરતાં મહારાજરૂપ થઈ દર્શન કરતાં પછી ક્યાં કશું બાકી રહ્યું? અનાદિમુક્તની, રસબસભાવની સ્થિતિ થઈ જાય.

મહારાજ અક્ષરધામમાં શું કરે છે એ કોઈ પ્રશ્ન છે? અક્ષરધામ એ કોઈ સ્થળ છે? આકાશમાં તારા છે એમ એ કોઈ સ્થાન છે? અક્ષરધામ તો અણુ અણુમાં સર્વત્ર છે. મહારાજના સુખમાં પહોંચીએ ત્યારે આવા કોઈ પ્રશ્નો જ રહેતા નથી. અવરભાવમાં જેમ આવવું-જવું છે, તેમ પરભાવમાં નથી. અવરભાવની દૃષ્ટિએ સમજીએ તો મહારાજ અન્વય અને વ્યતિરેક સ્વરૂપે ઘટ-ઘટમાં વ્યાપક છે. એમાંથી જ બધી શક્તિ ઉત્પન્ન થઈ છે. જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય પણ એ શક્તિ દ્વારા જ થાય છે.

મહારાજ અક્ષરધામમાં શું કરે છે એ પ્રશ્ન જ ક્યાં રહે છે? શું નથી કરતા એ કહો? અક્ષરધામમાં શું કરે છે એ પ્રશ્ન જ નથી ઊભો થતો. બધું જ કરે છે. મુક્તના સ્વરૂપોમાં રહીને બધું એ જ કરે છે. એ તો નિરંતર સતેજ અને સક્રિય છે. અને સક્રિય છતાં અકર્તા છે. આ બધું જ મૂર્તિનું સુખ મળે ત્યારે અનુભવાય છે. ત્યારે થાય છે કે મૂર્તિ જ બધું કરે છે.


સારાંશ

મહારાજ અને તેમના મુક્તના શબ્દો સુધી પહોંચીએ તો મહારાજ હાથ આવી જાય. મહારાજના જીવન ચરિત્રો સાથે મુક્તના જીવનનું અધ્યયન પણ કરવું જરૂરી છે બાળકો નાનપણથી સત્સંગ કરતાં થાય તો મોટા થતાં મૂર્તિ દૃઢ થઈ જાય. મહારાજના સુખમાં કિલ્લોલ કરતાં કોઈ પણ મુક્તની મૂર્તિ સ્થાપિત કરીએ તે એક જ કહેવાય. ગમે તેવા પ્રકરણો સંજોગો પ્રમાણે બદલાય સિદ્ધાંત એ જ રહે છે. અનાદિમુક્તમાં રહી મહારાજ બોલે છે. અનાદિમુક્ત મહારાજના પડછંદા છે. બીજી વાત પડતી મૂકી એક સર્વોપરી ભગવાનને ઓળખવા, તેમાં પતિવ્રતાની ટેક રાખવી. સંકલ્પ-વિકલ્પ ચાલે ત્યાં સુધી સાચી વસ્તુ સમજાય નહિ. દરેક કાર્ય કરતાં પહેલાં થોડીવાર મહારાજને સંભારી કાર્યની શરૂઆત કરવી એમ કરતાં અખંડ સ્મૃતિ રહે. બાહ્યાડંબર સિવાય અંતરવૃત્તિએ ભગવાન ભજવા. મંદવાડ દ્વારા બીજાને સેવાનો લાભ મળે માટે મહારાજના મુક્તો મંદવાડ ગ્રહણ કરે છે. અનાદિમુક્તનું જીવન ચરિત્ર વાંચવાથી મૂર્તિનું મનન થાય ને બધા રોગ મટી જાય.

અનાદિમુક્ત દ્વારા ધ્યાનની લટક શીખવી. સ્થિતિ થાય પછી મહારાજ શું કરે છે એવા કોઈ પ્રશ્નો રહેતા નથી. મહારાજ મુક્તના સ્વરૂપમાં રહી બધું કાર્ય કરે છે.