12

0:000:00

પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, પરમ કૃપાળુ બાપાશ્રી, સદગુરુ તથા અનાદિમુક્તની આ દિવ્ય સભાને કોટાનકોટી વંદન કરી ધન્યતા અનુભવું છું. માગસર સુદ ચોથ ખૂબ જ માંગલિક બની ગઈ છે. વચનામૃત જયંતી અને યોગાનુયોગ પરમ પૂજ્ય સોમચંદબાપાનું અંતર્ધાન થવા પણું, આ બંને યોગ ભેગા થયા. એ વિશેષતા છે. વચનામૃત શ્રીજીમહારાજના મુખમાંથી નીકળેલો દિવ્ય પ્રવાહ. અત્યારે એ જ સ્વરો સારાયે વિશ્વમાં હવામાં ગુંજન કરી રહ્યા છે. સમય આવશે ત્યારે વિજ્ઞાન દ્વારા એ સ્વરો વિશ્વના સર્વ મનુષ્યોને સાંભળવા મળશે. શ્રીજીમહારાજ મનુષ્યરૂપે હતા ત્યારે કેવો અવાજ હતો, એ સમય આવે જરૂર સાંભળવા મળશે. પરમ પૂજ્ય સોમચંદબાપાનો સ્વર તો અહીં આપણામાંના ઘણાના કર્ણમાં ગુંજન કરી રહ્યો છે. એ દિવ્ય ધ્વની ટેપરેકોર્ડર દ્વારા સાંભળી શકીએ છીએ. એ કેસેટમાં ઉતારવામાં પણ આવ્યો છે. એ આપણું સદ્‌ભાગ્ય છે. શ્રીજીમહારાજના સંકલ્પ સ્વરૂપ બાપાશ્રી પ્રગટ થયા તે વખતે શોધ તો થઈ હતી, પણ બહુ જ પ્રાથમિક અવસ્થામાં હતી. બાપાશ્રીનું સ્વરૂપ એવું અદ્‌ભુત હતું કે જે સંબંધમાં આવ્યા તે જાણી શકે. જેમ છે એમ જાણી શક્યા એ અહોભાગી બની ગયા, પરંતુ જ્યારે બાપાશ્રી અમદાવાદમાં પધાર્યા ત્યારે અમદાવાદની અટારીએ-અટારીએ માણસો એમના દર્શન કરવા ઊમટ્યા હતા. બાપા રસ્તામાં ચાંદલા કરતા આવે. એકવાર કંકુ ખૂટી જતાં એક બાળકે કહ્યું. "બાપા, મને ચાંદલો કરો." એણે ધૂળ હાથમાં લઈ બાપાને કહ્યું. એ ધૂળમાં પોતાનો અંગૂઠો બોળી બાપાએ ચાંદલો કર્યો તો એ કંકુનો થઈ ગયો. ધૂળ અને કંકુ એક બની ગયું. કંકુ અને ધૂળનું અંતિમ બંધારણ તો એક જ છે. વિજ્ઞાનની દૃષ્ટિએ, પણ પ્રક્રિયામાં ફેર. એકનો રંગ લાલ બન્યો અને બીજાનો રંગ ધૂળ જેવો ભૂખરો બન્યો.

બાપાશ્રીના સંબંધમાં આપણા આજના સમારંભના મુખ્ય લક્ષ્ય બિંદુ પરમ પૂજ્ય દિવ્ય સ્વરૂપ સોમચંદબાપા, બાપાશ્રી સાથે જ આવેલા, પણ બધાની શિક્ષાને અર્થે સૌએ અલગ-અલગ રીતે, વિવિધતારૂપે જીવનનો પ્રારંભ કર્યો. શ્રીજીમહારાજ સાથે અને બાપાશ્રી સાથે જે દિવ્ય મુક્તો આવેલા એ દરેકના અંગ અલગ-અલગ હતાં. મનુષ્યે-મનુષ્યે સ્વભાવ અલગ-અલગ જોવા મળે છે. સ્વભાવ પણ અનંત થયા. તેમ આ મુક્તો પ્રગટ થયા, ત્યારે બધાયના અંગ અલગ-અલગ. જો અલગ-અલગ ન હોય તો જ્ઞાન વાસ્તવિક રીતે સમજાય નહિ. વાસ્તવિકરૂપે સમજવાને માટે વિવિધ અંગ ધારણ કરવાં પડે છે. નિષ્કુળાનંદ સ્વામીનું અંગ અલગ, ગોપાળાનંદ સ્વામીનું અલગ, બ્રહ્માનંદ સ્વામીનું અલગ, મુક્તાનંદ સ્વામીનું અલગ. દરેકના અંગની એક પુસ્તિકા બહાર પાડી હોત તો મને લાગે છે કે જાણવાનું કંઈ જ બાકી ન રહે. એમાં બધું જ આવી જાય. કેટલા બધા પુસ્તકો બહાર પડે છે ક્યાં વાંચવા જાઓ? અને વાંચે કંઈ પાર આવે નહિ. ત્યારે આ ખરું તત્ત્વજ્ઞાન, ખરું જ્ઞાન મેળવવાને માટે મહાપુરુષોના અંગનો અભ્યાસ કરવો જોઈએ. એ અંગના અભ્યાસમાં એટલી બધી શક્તિ છે કે જીવનમાં, આપણા આચરણમાં ઊતરી જાય, ચૈતન્યનો પલટો થઈ જાય. ચૈતન્ય ઉપરના આવરણો હટી જાય, એવી એમાં તાકાત છે. એ અંગોનો અભ્યાસ કરો તો તરત જ ખ્યાલ આવશે કે આપણને અંતરમાં જે વિક્ષેપ થાય છે એ દૂર થઈ ગયેલો દેખાય છે.

નિષ્કુળાનંદ સ્વામીના વૈરાગ્યના અંગનો ઊંડાણથી જો વિચાર કરો તો જૈન ધર્મીઓ કે બીજા ધર્મીઓ વૈરાગ્ય કેળવવાના જે સાધનો કરે છે, જે કેટલું બધું તપ કરે છે એ કરવું ન પડે. કારણ કે એ એક અંગમાં જ એટલી શક્તિ છે કે આ બધા સાધનોનું કામ કરી નાંખે. આ હકીકત છે, પણ જેમ હીરાભાઈએ ગદગદ થઈને ભાવ વ્યક્ત કર્યોને એવો ભાવ એ અંગનો વિચાર કરતાં થવો જોઈએ. એ મુક્ત બનવું જોઈએ. મુક્તસ્વરૂપ બનવું એટલે? મુક્તે જે દેહ ધારણ કર્યો, એ આકાર ધારણ કર્યો એ રૂપ નહિ, પણ સ્વરૂપ બધાથી વિરક્ત હતું, બધાથી મુક્ત હતું, એ સ્વરૂપરૂપ થવું જોઈએ. તો એ આવા મુક્તોના પ્રસંગો, મુક્તોના આવા અલૌકિક દિનોની ઉજવણી દ્વારા સરળતાથી થઈ શકે. જુઓ આ સભામાં કોઈને નિમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે? નથી મોકલવામાં આવી. કારણ કે આ કંઈ ઔપચારિક પ્રસંગ નથી. આ તો સૌનો પ્રસંગ છે. મહારાજ અને મુક્ત સૌના છે. અમુકના છે એમ નથી. માટે સૌ આ પ્રસંગે આવે છે. આ દિન સોમચંદબાપા નિમિત્તે થયો, પરંતુ અનંત અનાદિમુક્ત એમાં તમે ગોપાળાનંદ સ્વામીનું નામ લો, કે બ્રહ્માનંદ સ્વામીનું નામ લો, કે નિષ્કુળાનંદ સ્વામીનું નામ લો, કે સદ્‌ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીનું નામ લો બધું એકનું એક. મને તો એમ લાગે છે કે આ વચનામૃત જયંતીનો દિન સોમચંદબાપા નિમિત્તે અનંત અનાદિમુક્તોનો અંતર્ધાન દિન છે. અંતર્ધાન દિન અને જન્મદિનમાં કોઈ જ ફરક નથી. મૃત્યુ અને જન્મ સામાન્ય મનુષ્ય માટે અલગ-અલગ છે. સામાન્ય મનુષ્ય માટે જન્મવું અને મૃત્યુ થવું એ બે જુદી પ્રક્રિયાઓ છે. જ્યારે મુક્તો ગર્ભમાં આવતા પણ નથી. એ એક ખૂબી છે. એ એક કલ્પનાનો જ વિષય રહે છે, પણ એ સ્થિતિને પમાય ત્યારે જેમ પાણીમાં કમળ, એવી જ રીતે એમનું પ્રગટ થવું છે.

પર્વતભાઈને કેટલા બધા દીકરા! બાપાને પણ દીકરા! તો શું એમણે જગતનો વ્યવહાર કર્યો? નહિ. એમને તો સંકલ્પ માત્રે કામ થયું. નહિ કે આ લોકના મનુષ્યની જેમ. હવે આવી કલ્પના કેવી રીતે આવે? જે બાયોલોજી ભણ્યા હોય, વિજ્ઞાન ભણ્યા હોય, એમ કેમ થયું એની કલ્પના કરી શકે નહિ, પરંતુ અત્યારે વિજ્ઞાનની પણ એક શાખા 'બાયોલૉજીકલ થિયરી ઑફ નૉલેજ' નીકળી છે. એ બાયોલૉજીકલ થિયરીનો અભ્યાસ કરવો. એના માટે વિજ્ઞાનનું ખૂબ જ્ઞાન જોઈએ. એના ઉપરથી એમ નક્કી થાય છે કે દિવ્ય પુરુષો કોઈ પણ જાતના સંબંધ કર્યા વગર આપોઆપ પ્રગટ થાય છે. ગમે તે રીતે They Can Come એને એની સાથે કોઈ લેવા-દેવા નથી.

શ્રીજીમહારાજ સાથે પાંચસો પરમહંસ આવ્યા. શું જરૂર હતી? મહારાજ મનુષ્યરૂપે દૃષ્ટિગોચર થાય ત્યારે બધાયના ચિત્ત પલટાઈ જાય. તો આટલા બધા મુક્તોને દૃશ્યમાન કરવાની જરૂર શી? દૃષ્ટિગોચર કરવાની? બરાબર છે. એનાથી કોઈ વસ્તુ અશક્ય નથી. કારણ કે એ All Mighty છે. સર્વશક્તિમાન છે, પણ એની અનાદિની રીત છે. Godને પણ પોતાની અલૌકિક રીત છે કે પોતાને ઓળખાવવાને માટે મનુષ્યો એ બાધિત છે. એની ભૌતિક આંખની સામે આવરણો છે. આવા એક હજાર કાગળના આવરણો હોય એ એક પછી એક ખસેડતા જાઓ, એક રહે ત્યાં સુધી તમે નહિ જોઈ શકો. હું આમ આડો રાખું તો તમારું મોઢું જોઈ ન શકું. એ છેલ્લું આવરણ હટે ત્યારે દેખાય. ત્યારે એમ થાય આ આવરણો હટતા હશે કે કેમ? અનંત કાળથી જન્મતા આવીએ છીએ, તો કેટલા બધા આવરણો થયા તો હોયને, કોઈ ભૂલો થઈ હોય, કોઈક ન કરવાના કામ પણ થઈ ગયા હોય. અને પ્રભુની એક દયા તો જુઓ કોઈ જ વસ્તુ યાદ ન આવે. નવો જન્મ લે એટલે ગયો જન્મ યાદ આવે છે? જો યાદ આવે તો ઠેકાણું ન રહે. ભગવાનની કળા એવી છે.

ભગવાનના દિવ્ય મુક્તોને કળવા એ ઘાંટી જબરી છે. એમની દૃષ્ટિ સામેથી આવરણો હટી ગયા. આથી મહારાજ જાણે એટલું એ જાણે છે. તેઓ જાણી શકે કે આપણા મનમાં શું વિચાર ચાલે છે. એ જોઈ શકે છે. ઘટ-ઘટમાં વ્યાપક છે. જ્યાં જ્યાં મહારાજ ત્યાં ત્યાં પોતે છે. પોતાને એમ થાય છે. I am everywhere. હું બધી જગ્યાએ છું. કણે કણમાં હું છું. મહારાજ કણે કણમાં તો મુક્ત પણ કણે કણમાં એવો અનુભવ થાય છે. થોડા સમય પછી આપણા મનમાં શું વિચાર ઉદ્‌ભવશે એની પણ ખબર પડે છે. ત્યારે વિચાર કરો કે ડિવાઇન એટલે દિવ્યતાને પામ્યા પછી કેટલું બધું જ્ઞાન પ્રગટ થાય છે.

એ દિવ્યજ્ઞાન સોમચંદબાપાના અનુસંધાનમાં જણાવું. એકવાર અમે સ્ટેશને જતા હતા. તો અચાનક સુખડની સુગંધી આવવા માંડી. મેં પૂછયું કે આ સુખડની સુગંધ કયાંથી? અહીં તો કોઈ દુકાન એવી છે નહિ કે અત્તરની સુગંધ આવે. આ સુગંધ ક્યાંથી આવે છે? મેં એમને પૂછયું તમને સુગંધ આવે છે ખરી? તો એમણે એમ ન કહ્યું કે મને સુખડની સુગંધ આવે છે. એમણે એમ કહ્યું કે મૂર્તિમાંથી અનેક વિવિધ પ્રકારની નવીન-નવીન ખૂશ્બુ નીકળે છે. એમાંની આ એક છે.

એક વાત એવી છે કે આટલું બધું સર્વજ્ઞપણું! મહારાજ સર્વજ્ઞ તો અનાદિમુક્ત પણ સર્વજ્ઞ કહેવાય. છતાં પણ કેટલું ઢાંકીને વર્તે છે. આપણને એક લૌકિક વસ્તુ પણ જીરવવી કઠણ પડે છે. એક સારું સ્વપ્ન આવે તો પણ ચાર-પાંચ જણાને કહી દઈએ છીએ. તો આટલી બધી અગાધ શક્તિ, આટલું બધું સામર્થ્ય. એને ઝટ-ઝટ વાપરી નાંખવાની ઇચ્છા પણ ન થાય એ કંઈ થોડી વાત છે? એ પાત્રતાનો વિચાર કરીએ તો ક્યાં આપણે ને ક્યાં એ! કીડી કુંજરનો મેળાપ. છતાં પણ એમ કહી દીધું કે તમારા ચૈતન્યને મુક્ત કરીને અમે મૂર્તિમાં રાખ્યો છે. કેટલી કૃપા કરી. કોણ કરી શકે? જે કરી શકે એ જ કરી શકે. બીજા નહિ કરી શકે. ગાંધીની દુકાને જાય ને કહે કે મારે હૃદયમાં કંઈક રોગ છે, તો તું જોઈ દેને, તો એ ન જોઈ શકે. એ એમ કહે કે હાર્ટ સ્પેશ્યાલિસ્ટને મળ મને ખબર ન પડે. એમ જાત-જાતની પ્રકૃત્તિવાળાને જ્યાં-ત્યાંથી જાળવવા ન પડે? એ તો મહારાજના અનાદિમુક્તનું કામ.

અહીંયા જે મુક્તોએ પોતાના અનુભવો રજૂ કર્યા તેમાંથી હું એક વસ્તુ સમજી શક્યો છું કે એમણે આપણા કેટલાક ગુણો જે આપણામાં હતા એ અંગે આપણને સભાન કરી દીધા. એનો એમણે ઉપયોગ કરી અને આપણને ભગવાનમાં જોડી દીધા અને ભલે બાધિત રહ્યા. આપણે સુખ નથી અનુભવતા. હજી આપણને કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અંત:શત્રુઓ અને દોષો ઓછા-વત્તે અંશે હેરાન કરે છે. તો મુક્ત કર્યા કેમ કહેવાય? મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. જો મુક્ત કરી નાંખ્યો તો દોષ જેવું કાંઈ હોવું જ ન જોઈએને? એ કેમ છે? તો કેટલીક ફરિયાદો છે કે ભાઈ હેરાન-હેરાન થયા. આ દોષો થકી મહારાજ રક્ષા કરે એવું કરો.

હમણા એક ભાઈએ પ્રૉફેસર કે. એમ. ધોળકિયાનું શિખરણી છંદમાં કાવ્ય વાંચ્યું ને એમાં એમણે બહુ સારું તત્ત્વ સમજણપૂર્વક મૂક્યું છે, એનું મનન કરતાં કરતાં લક્ષ્યાર્થ થાય ત્યારે આગળ વધાય. મહારાજે કહ્યું, તમે પૂર્ણકામ થઈ ચૂકયા બરાબર છે? તો આપણે કહ્યું હા. કેટલાકે એમ કહ્યું કે મહારાજ હા પડતી નથી તો એ પણ પૂર્વનો યોગ છે. હા પડી જવી એ પણ પૂર્વનો સંબંધ હોય એના લીધે શ્રદ્ધા આવે. એવી શ્રદ્ધા આવે કે ડગે પણ નહિ તો બહુ સરસ કહેવાય. એ તો રાખે જ છૂટકો. શ્રદ્ધાને ડગવા દેવી નહિ. Faith is a bridge to Akshardham. આપણી વચ્ચે અને અક્ષરધામ વચ્ચે શ્રદ્ધા એ પુલ છે. જેને અક્ષરધામમાં પહોંચવું હોય એને શ્રદ્ધા હોય તો મૂર્તિ સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ આવે જ નહિ. ગમે તેવા ચમત્કારો સર્જાય, અગમ-નિગમનું જાણતા હોય, અંતર્યામીપણે એ બધું કહી દે, એક જગ્યાએથી બીજી જગ્યાએ દેખાય, જાત-જાતના સ્વરૂપ ધારણ કરે, છતાં પણ બ્રહ્માનંદ સ્વામીનો છંદ છે એવા તો ઘણા શબ્દો છે. ઐશ્વર્ય હોવા છતાં પણ સબ માયા કા દાસ. એમ કહ્યું. (ત્યાર બાદ સભા ખંડમાં લોકોનો સમૂહ વધતા હરિભક્તો આગળ ખસવા લાગ્યા એટલે હસતા-હસતા મામા કહે છે.)

મઢી નાની ને બાવો મોટો. એટલે આ અનાદિમુક્તની સભામાં આ હૉલ નાનો જ પડેને. હું શું વાત કરતો હતો? જો આપણામાં ઉત્તરોત્તર શ્રદ્ધા ન વધે જો એ અંદર ઊતરીને વિચાર કરીએ તો ખામી હશે જ. કંઈક મુશ્કેલીમાં આવે ત્યારે કોઈક કહે કે આ ભાઈ તારી મુશ્કેલી ટાળી દેશે. મુશ્કેલીથી એવો કંટાળેને. ભગવાન એવી પરીક્ષા કરે કે મટાડે પણ નહિ. ગમે એટલી પ્રાર્થના કરે તો વધે અને એ વખતે સહન ન થતાં ગમે તેને શોધે. શોધે એટલે શ્રદ્ધા નથી એમ નક્કી થઈ ગયું. બીજે પ્રતીતિ આવી જાય. નહિ આવવી જોઈએ. બીજું શું થવાનું હતું? દેહ પડી જવાનો. અરે આટલા બધા દેહ પડી ગયા તો ય કંટાળ્યા નહિ. કેટલા દેહ ધર્યા એનો પાર ખરો? તો ય થાકયા નથી તો આ એક દેહ પડી જાય એમાં થાકી જવાનું? અરે, મૂવો પડી જાય તો. અરે મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય શ્રદ્ધા ન રાખવી.

એક ભક્ત બળવાન હતા. એને અંગ પાકું નહોતું. પણ એવા એક મુક્ત મળી ગયાને શી ખબર? કૃપા જેને કહીએ. એને લીધે એવું બળ આવી ગયું કે ડગે જ નહિ. પણ ક્રિયા બધી સરખી નહિ. મહારાજની આજ્ઞા પણ બરાબર પાળે નહિ. એટલે એમના શરીરમાં પચાસ જેટલા ભૂત પેસી ગયા. હવે વીતાડે બહુ. એ ખાય-પીએ એકદમ. ભૂત ન ખાય? ખાય. હવે સોમચંદબાપાએ જેમ કૃપાની વાત કરી એમ ભગવાનની કૃપા વરસે ત્યારે શું નથી થતું? એના ઉપર કૃપા વરસી એટલે શ્રદ્ધા ડગે નહિ. કોઈકે કહ્યું કે આ મુસલમાન તારા બધા ભૂત કાઢી નાંખશે, ચાલ મારી જોડે. ત્યારે કહે, આ તો પચાસ ભૂત છે ને બીજા પચાસ પ્રવેશ કરે તો પણ તારી જોડે ન આવું. ભલે રહ્યા અંદર શું નડે છે? એમ સમજશું કે જો આ શરીરમાં મળ, લોહી, હાડકાં શું નથી એ મને કહે? એ બધા ભેગા આ પણ વધારે. આ પણ એક જાતના મળ જ છે ને? એને એટલી બધી શ્રદ્ધા કે ડગી જ નહિ, કે સ્વામિનારાયણ સર્વ કર્તા-હર્તા છે. આવા ભલેને હજાર ભૂત મોકલે. મહારાજ એનું પણ ભેગું સારું કરશે. મારો દેહ પડશે ત્યારે ચૈતન્યનો મોક્ષ થશે. ત્યારે ભેગા એ પણ મોક્ષદશાને પામશે. કેટલો બળવાન બોલો! શ્રદ્ધા! એ શ્રદ્ધાને લીધે એ બધા ભૂતોની સદ્‌ગતિ થઈ ગઈ. એનામાં જે બધા ભૂતો હતા એ બધાની સદ્‌ગતિ થઈ ગઈ. કોણે કરી? શ્રદ્ધા, કૃપા. સોમચંદબાપા જેવા દિવ્ય સંતની કૃપા થકી થઈ.

શ્રદ્ધા જરા પણ ડગવી જોઈએ નહિ. ક્યાંય પ્રતીતિ નહિ. અરે ભલેને ગમે તે થઈ જાય. આપણે કરોડપતિ હોઈએ અને એક દિવસ એવો આવે કે આપણી પાસે કશું જ ન હોય. અંગ ઢાંકવા માટે વસ્ત્રોની માથાકૂટ થતી હોય તો પણ શું? અરે વસ્ત્રને શું કરવા છે? મહારાજને દિવ્ય વસ્ત્રો છે. જો મૂર્તિ છે તેને પહેરાવેલા વસ્ત્રોની આરપાર જોઈ શકાતું નથી. બરાબર છે. આ વસ્ત્રો કાઢી નાંખો, ઉતારી નાંખો તો આ મૂર્તિ વસ્ત્રોને શોભાડે છે. વસ્ત્રો એને શોભાડતાં નથી. એમ મહારાજના દિવ્ય વસ્ત્રો છે. એ દિવ્ય વસ્ત્રો છતાં ય મહારાજનું આખું સ્વરૂપ જેમ છે એમ દેખાય. અંદર રહીને દેખાય.

બીજી એક વાત. સોમચંદબાપા સાથે વાર્તાલાપ થતો હતો. આ બધી જે વાત કરું છું એ બધી મોટા મુક્ત થકી સાંભળી છે. એ તમને કહું છું. જેથી મને પણ મનન થાય. એ સારુ તમને વાત કરું છું બરોબર? (આમ પૂજ્યશ્રી નારાયણભાઈ પૂર્ણ મુક્ત હોવા છતાં ઘણીવાર દાસભાવ દેખાડતા.) એમ આપણે કશાયથી ડરવું નહિ. આપણે તો અક્ષરધામના અધિપતિના પાટવી કુંવરો, અનાદિમુક્તો છીએ. મગજમાં ભય જેવી વસ્તુ રહેવી જોઈએ નહિ. નિર્ભય કર્યા. અભયપદ આપ્યું. અભય હાથ નથી કહેતા? મહારાજે અભય હાથ મૂક્યો એનો અર્થ એ કે બધા ભયથી રહિત કરી નાંખ્યા. મૂળ અક્ષરકોટી સુધીના જે ભય છે એમાંથી મહારાજે મુક્ત કરી દીધા. પોતે આપણી એ વસ્તુ (ભય) લઈ લીધી. આપણને ભલે ખબર ન પડે. એની ચિંતા નહિ કરવાની. શ્રદ્ધા નહિ ડગાવવાની. એકજ વાત. ગમે તેવા દુ:ખનો સંબંધ થાય. આ જન્મે જ ભોગવી લેવું છે. દેહમાં ગમે-તેવો રોગ આવે, આ લોકની ગમે તેવી આપત્તિ આવે, અરે, આપત્તિ એ તો એક સ્વપ્ન માત્ર છે. સ્વપ્નમાં આવે પછી સ્વપ્ન જતું રહે એટલે કંઈ હોય? એવું જ આ છે. જુઓ જો સ્વપ્ન ન હોય તો ગયો જન્મ કેમ યાદ ન રહે? Every life is a dream. દરેક જન્મ છે એ તો સ્વપ્નવત જ છે. માટે સોમચંદબાપાએ આપણને આ શીખવી દીધું.

સૌએ પોત-પોતાના અનુભવની વાત કરી. એમ મેં આ બધાનો સાર કાઢ્યો તો મને એમ થયું કે આ...હા... હા... મઝા પડી ગઈ. આ સરસ વાતો સાંભળી મને અનંત આનંદ થયો. આવી સરસ વાતોથી હું ખૂબ રાજી થયો અને આપ સૌએ દર્શન આપ્યા એથી મને અતિ આનંદ થયો. તમે બધા મને પ્રાણ કરતાં વહાલા છો. એકે એક હરિભક્ત વહાલા છો. આવી વાત સાંભળીને એક હરિભક્તે મને પત્ર લખ્યો અને પાછા રૂબરૂ મળ્યા. ભાઈ, હું તો આવો, આમ-તેમ તો તમે મને મુલાકાત આપો તો સારું. મેં એમને તરત જ કહ્યું તમે અમારા મુકામે જરૂર દર્શને આવો. તો એ આવ્યા પછી કહે ભાઈ, મારા એવાં શું ગુના કે મને આવી બધી હેરાનગતિ થાય છે? એમાં જ તમે મને મળતા નથી. મેં કહ્યું એમ નથી. તમે તો પ્રાણ કરતાં વહાલા છો, પણ મારી આ એક નહિ મળવાની કૂટેવ છે. વહાલા એવાને એવા, પરંતુ નહિ મળવાની એક જાતની શું ખબર એવી કૂટેવ કે કોઈને ન મળવું, પરંતુ વહાલા એવા જ. અંતર્વૃત્તિએ તરત જ મળું કોઈ પણ હરિભક્ત આવે ત્યારે મને એમ થાય કે આ તો મુક્તને મળવાનું ઓહો! બરોબર? એકેએકને મળું છું. એક પણ પત્ર આવે તો એક પણ પત્રનો જવાબ નથી આપી શકતો, પણ એ પત્રની નોંધ એ જ ક્ષણ લઈ લઉં છું. એમ નહિ સમજવાનું કે મને ખબર નહિ હોય. બધી જ ખબર હોય.

બધાને એક પ્રાર્થના કરું કે હું શા માટે નથી મળતો એ નહિ પૂછતા બરોબર? એ જણાવવાની ઇચ્છા કરતો નથી. કેમ નથી મળતો એ મહારાજની ઇચ્છા છે. મારે ઘણા કારણો હોયને? કેટલુંક કામ કરવાનું હોય એ કામ કોઈને ખબર ન પડે એવી રીતે કરવાનું ભગવાન કહેતા હોય. જો બધાને દેહે કરીને મળું તો એ કામ થાય નહિ. મહારાજ કહે કોઈને દેહે કરીને મળવાની જરૂર નથી. આ અજ્ઞાન શું? બરાબર. બધા મળેલા જ છે. હવે મળવાની કંઈ જરૂરિયાત નથી. તમે આંહીં પધારોને. જો આ દિવ્ય મૂર્તિ, મૂર્તિ વિશે થોડી બે મિનિટ વાત કરી લઉં. (એમ કહી મૂળી મંદિરના સભામંડપમાં આ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ પધરાવવાનું બંધ રહ્યું અને એ સ્વરૂપ અહીં લાવીને પધરાવ્યું તે સંબંધી થોડી વાત કર્યા પછી કહે છે.)

આ દર્શનીય સ્વરૂપ છે. દર્શનનું સુખ આપે છે. મહારાજે એમ કહ્યું છે કે મારી મૂર્તિની પ્રતિષ્ઠા જેમ બાહ્ય રીતે કરવામાં આવે છે એવી રીતે આપણા ચૈતન્યમાં પ્રતિષ્ઠા કરી દેવી. એ પ્રતિષ્ઠા અવિચળ રહે છે. મંદિરની પ્રતિષ્ઠા અવિચળ નથી. આ પ્રતિષ્ઠા અવિચળ રહે. મહારાજ એમ કહે છે કે આ મૂર્તિ પ્રત્યક્ષ માનીનેઅમારી ખૂબ સેવા કરો, નવધા ભક્તિ કરો, પણ એ બધું કરતાં કરતાં ચૈતન્યની અંદર અમારી પ્રતિષ્ઠા કરી દો. એ ન થાય ત્યાં સુધી આનંદ આવે નહિ. એટલે આ મૂર્તિની વાત કરી. આ મૂર્તિ અહીં રહી છે. તમને બધાને દર્શન થયા અને મને પણ દર્શન થયા. આઠ મહિના પછી ભગવાનની ઇચ્છાથી આ સ્વરૂપ અહીં પધરાવ્યું છે.

હવે બધાય આ દિવ્ય સભા એવો સંકલ્પ કરો કે મહારાજ! આ તમારા દર્શનીય સ્વરૂપ દ્વારા એવી કૃપા વરસાવો કે જેમ પેલા હરિભક્તને પચાસ ભૂત ઘરી (ઘુસી) ગયા તો પણ એને કોઈ દિવસ સંકલ્પ ન થયો ને એ બધાનો ઉદ્ધાર કર્યો. ત્યારે એથી પણ ચડી જાય એવી અમારામાં અડગ શ્રદ્ધા આવે અને સોમચંદબાપા જેવા મુક્તને વિશે કોઈ દિવસ મનુષ્યભાવ આવે નહિ, દિવ્યભાવ જ દેખાય. અવરભાવ જેવું છે જ નહિ એના માટે, સમગ્ર પરભાવ જ. એ દેખાય ત્યારે અવરભાવ દેખાતો જ નથી. તો એ દિવ્ય સ્વરૂપને આ દિવસે કોટાનકોટી દંડવત્ તો ઓછા પડે. દંડવત્ સહિત ખૂબ ગદગદ થઈને એમ પ્રાર્થના કરીએ કે આ દિવસે આપણા ઉપર જે કૃપા વરસાવી છે તે કૃપા ઉત્તરોત્તર વધતી રહે, એનો અનુભવ થતો રહે. એવી આપણે શ્રીજીમહારાજ અને તેમની મૂર્તિમાં અખંડ રહેલા મહા અનાદિમુક્ત સોમચંદબાપા જેમની તિથિનો બ્રહ્મયજ્ઞ આજે આપણે કરી રહ્યા છીએ એમની આપણા ઉપર પ્રસન્નતા ઊતરે એવી પ્રાર્થના કરીએ.


સારાંશ

વાસ્તવિક રીતે જ્ઞાન સમજાય એ માટે દરેક મુક્તો પોતાના અંગ જુદા જુદા રાખે છે. મુક્તોના અંગોમાં એટલી બધી શક્તિ છે કે તેમના અભ્યાસથી ચૈતન્ય પલટાઈ જાય. ચૈતન્ય પરના આવરણો હટી જાય એવી એમાં તાકાત છે. મુક્તોના દિનોની ઉજવણી કરવાથી તેમના અંગ વિશેની વધુ જાણકારી પ્રાપ્ત થાય છે. અનાદિમુક્તના અંતર્ધાન તથા પ્રાગટ્યદિન બંને સરખા જ છે. માટે બંનેની ઉજવણી સરખી રીતે જ કરવી. તેઓ માટે જન્મવું અને મરણ પામવું એવું હોતું નથી. એ બધા આ લોકના શબ્દો છે. સામાન્ય જીવો માટે એક કલ્પનાનો જ વિષય છે. એ સ્થિતિને પમાય ત્યારે જ આ બધાથી વાકેફ થવાય. દિવ્યતાને પામ્યા પછી અગાધ જ્ઞાન પ્રગટ થાય છે. આવી સામર્થી, આવું સર્વજ્ઞપણું હોવા છતાંમુક્ત પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તે છે. જાત-જાતની પ્રકૃતિવાળાને જાળવવાનું અનાદિમુક્તનું જ કામ બીજાથી એ શક્ય નથી.

શ્રીજીમહારાજની અનાદિની રીત છે કે પોતાનું જ્ઞાન પોતાના મુક્તો દ્વારા જ આપણા સુધી પહોંચાડે છે. મહારાજ જાણે એટલું એમના અનાદિમુક્ત જાણે. મહારાજ કરે એટલું એના અનાદિમુક્ત કરી શકે.

અક્ષરધામમાં પહોંચવા શ્રદ્ધા અતિ આવશ્યક છે. ભગવાન કસોટી કરે છતાં એ શ્રદ્ધા ડગવી જોઈએ નહિ. એવી અડગ શ્રદ્ધા હોય ત્યારે મહારાજ રાજી થાય ને પાત્રતા આવે.

ચૈતન્યમાં મૂર્તિ પધરાવી દેવી. એ એક જ અવિચળ રહે છે.