14
આજે આપણે અહીંયા આપણા સર્વોપરી ગુરુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. મહારાજના અનાદિમુક્તો એવા ગુરુ છે કે જે સર્વોપરી ગુરુ ભગવાન પાસે આપણને પહોંચાડી અને મૂર્તિમાં વિલીન થઈ જાય. એ સર્વોપરી ગુરુ એ સુખદાતા છે અને એ અનાદિમુક્તો સુખભોક્તા છે. એ સુખદાતા પ્રભુના હાથમાં આપણને એ અનાદિમુક્તો સોંપી દે છે. ભગવાન આપણો હાથ પકડી લે છે. કદી છોડતા નથી. એ પ્રભુને પામવાનો આજ ગુરુપૂર્ણિમાનો દિવસ ગણાય છે. આપણે તો જ્યારથી મહારાજના આશીર્વાદ મળ્યા, જ્યારથી મહારાજ જેમ છે તેમ ઓળખાયા ત્યારથી સદાય ગુરુપૂર્ણિમા છે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી ગુરુ છે. એ પૂર્ણતામાં એટલે કે એના દિવ્ય સુખમાં રહી અખંડ અનુસંધાન રાખીએ એ જ ગુરુપૂર્ણિમા. ગુરુપૂર્ણિમાનો ધ્યેય એ એક જ. આજનો દિવસ જ ગુરુપૂર્ણિમા બની રહે એ પૂરતું છે? નહિ. ગુરુપૂર્ણિમા સદાય રહેવી જોઈએ. પૂર્ણમાં પૂર્ણ થઈને રહેવું, અનાદિમુક્ત, સેવક થઈને રહેવું એ જ ગુરુપૂર્ણિમાનો અંતિમ ધ્યેય છે. એ ભગવાન ગુરુ છે, એ પરમાત્મા ગુરુ છે. આપણે ગુરુ નથી. અવરભાવમાં જ્ઞાન આપે તે ગુરુ ગણાય; પણ એ ગુરુ પણ શિષ્ય જ છે, અંતે સેવક જ છે. તે સેવકનું કાર્ય એ છે કે પોતે જે સુખમાં પહોંચ્યા હોય એ સુખમાં બીજાને પહોંચાડી દેવા. તે આ કાર્ય ભગવાનના સંકલ્પથી જ કરે છે. મહારાજ હંમેશાં મુખ્ય રહેવા જોઈએ. આધ્યાત્મિક ગુરુ એ કેવળ પ્રેરણારૂપ છે.
આપણે મહારાજનું ધ્યાન કરતાં પહેલાં એમના અનાદિ મહામુક્તોની સ્મૃતિ સહેજવાર કરવી. અને બળ મેળવીએ અને પ્રાર્થના કરીએ કે જે સુખમાં આપ રહો છો તે સુખમાં રહીને અમને સુખ અનુભવાય તથા મહારાજની મૂર્તિનું નખશિખા સરસ દર્શન સદાય રહ્યા કરે એવી તમે દયા કરજો. એવી અંતરની પ્રાર્થના કરવી. પ્રાર્થના પ્રાર્થનામાં પણ ફરક છે. આ લોકનું સુખ - ભલે તે શુભ હોય ગમે તેટલું છતાં પણ એની પ્રાર્થના એ સકામ છે અને ભગવાનના સુખમાં રહીને મહારાજની મૂર્તિનો સંબંધ રાખવાની પ્રાર્થના તે નિષ્કામ પ્રાર્થના છે. એવી પ્રાર્થના પણ નિરંતર કરવી પડે. તે પ્રાર્થના ક્યાં સુધી કરવી જોઈએ? જ્યાં સુધી આપણે એ મૂર્તિમાં મૂર્તિમય થઈ જઈએ, આપણે મટી જઈએ ત્યાં સુધી કરવી જોઈએ.
આપણો આ સ્થૂળ દેહ તે આપણે નથી. આપણે તો મહારાજના સુખમાં રહેલા અનાદિમુક્ત છીએ. એની હા પડવી જોઈએ. ભલે અત્યારે આપણને આપણી પાત્રતા ઓછી લાગતી હોય, પણ એથી કંઈ મૂંઝાવાની જરૂર નથી. એવા ભગવાન મળ્યા છે કે કોઈ કસર રહેવા દે એવા નથી. મહારાજે આપણો આ છેલ્લો જન્મ કર્યો છે તે હકીકત છે. કોઈને એમ થાય કે અહોહો! છેલ્લો જન્મ! હા, છેલ્લો જન્મ. કરનારે કર્યો છે. જેના હાથમાં છે એ તો કરી શકે કે નહિ? આપણા ખિસ્સામાં સો રૂપિયા હોય તો આપણે કોઈને આપવા હોય તો આપી શકીએ કે નહિ? તો જો પ્રભુને પોતાના સુખમાં રાખવા હોય, તો તેને કોણ ના પાડી શકે? અરે! પશુ-પક્ષીઓ જેવી અધમ યોનિમાં રહેલા જીવોને પણ મુક્તાનંદ સ્વામી જેવાએ ભગવાનના સુખમાં પહોંચાડી દીધા. એ પરમાત્મા આપણને મળ્યા છે. જેવી તેવી વસ્તુ નથી મળી. આથી આપણે આ વાતનું ધ્યાન રાખીને આપણે પોતે આ સ્થૂળ દેહ નથી એમ થઈ જવાનું. એટલે મહારાજ સર્વકર્તા રહ્યા કે નહિ? જરા પણ આપણે કંઈ કરીએ છીએ એમ માનવું નહિ. આપણે કંઈ કરતા જ નથી; છતાં કરીએ છીએ એવું દેખાય છે.
આપણે બધા આશીર્વાદથી-કૃપાથી થયેલા અનાદિમુક્ત છીએ. એવા આશીર્વાદ કેમ ભૂલાય? એ આશીર્વાદમાં રહી અને અખંડ આનંદમાં રહીએ એ જ કરવાનું. કદી પણ દુ:ખનું ગાણું ગાવું નહિ. મહારાજ કહે છે કે હું કોઈ પણ દુ:ખ આપતો જ નથી. મારી ઝોળીમાં તો સુખ જ ભર્યું છે; એમાં બીજું કાંઈ છે જ નહિ. જો એમની ઝોળીમાં સુખ હોય તો તે સુખમાં આપણને રાખ્યા તો આપણું દુ:ખ કોઈ રહ્યું ખરું? કદીએ ન માનવું કે હવે આપણને દુ:ખ છે. અરે! દુ:ખ ક્યાં? મહારાજની મૂર્તિના સુખમાં રહીને મઝા કરો.
વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, કે આપણે ધંધો કરતાં હોઈએ તો આપણને એમ થાય કે સ્મૃતિ રાખીશું તો ધંધો સરખો નહિ થાય, કામ બગડી જશે. એ હકીકત છે. મૂર્તિમાં સ્મૃતિ અખંડ જોડાઈ રહે તો પ્રવૃત્તિ સરખી ન થાય ત્યારે શો ઉપાય કરવો? ઘણા સર્વિસ કરતા હોય ને જો મૂર્તિરૂપ થઈ જાય તો વૃત્તિઓ બધી મૂર્તિમાં ખેંચાઈ જાય. તો બધું કાર્ય પડ્યું રહે અને જેની નોકરી કરતા હોઈએ એ તો ચર્મચક્ષુથી આપણને દેખેને? તો એને તો એમ થાય કે આ બરાબર કામ નથી કરતા. કાં તો એમ થાય કે આમનું કંઈ મગજનું ઠેકાણું નથી. એવું થાય. એટલે મહારાજ એવી આપણી સ્થિતિને રૂંધી રાખે છે કે જેથી આપણે બધી પ્રવૃત્તિ કરી શકીએ.
એક વાત કહી દઉં કે આપણે કદીએ મહારાજને ભૂલતા નથી. ભૂલીએ છીએ એવું લાગે છે તે ભ્રમણા છે. મૂર્તિમાં આપણને રાખ્યા, આપણી ભેળા એ રહે અને કહે કે હું અખંડ તમારા ભેળો છું; પછી ભૂલવાની વાત ક્યાં રહી? આપણે આખો દિવસ જમણો હાથ, ડાબો હાથ એમ સંભાર્યા કરીએ છીએ કે છે કે નહિ? એમ સંભારવાનું ક્યાં રહે? એ આપણા ભેળા થઈ ગયા. આપણે ધ્યાન જરૂર રાખીએ કે આપણી નોકરીનું કામ, પ્રવૃત્તિનું કામ કરતાં પહેલાં પાંચ સેકન્ડ ભગવાનની સ્મૃતિ કરીને શરૂ કરવું. એનાથી મહારાજ રાજી થાય અને ભેળા રહે. પછી જે જે કામ કરો એ મહારાજ કરે છે. આપણને એમ લાગે છે કે આપણે કરીએ છીએ. એ આપણે ભૂલી જવું. તો મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠિનમાં કઠિન સાધન મહારાજે સહેલું કરી દીધું કે નહિ? જમતી વખતે પણ સ્મૃતિ કરીને જમવું. કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્ય કરતાં પહેલાં બેથી ત્રણ સેકન્ડ ભગવાનની સ્મૃતિ કરવાની. આ એક નિયમ રાખવો કે કોઈ પણ પ્રવૃત્તિમાં મહારાજની મૂર્તિનું ધ્યાન બે કે ત્રણ સેકન્ડ કરવું. આનાથી તે મૂર્તિ કેવી પાકી થઈ જાય તે વિચારજો. જો આટલું જ કરીએ તો મૂર્તિમાં અખંડ વૃત્તિ જ રહી. અરે! નિદ્રા જેવું પણ ના રહે. નિદ્રા પણ યોગનિદ્રા થઈ જાય. દેહ આરામ કરે ને ચૈતન્ય મૂર્તિના સુખમાં રમે! અગમ નિગમ તે સુગમ કરી દીધું!
તો એવી દિવ્ય ખુમારી રાખવી. આ લોકની ખુમારીમાં અહમ્ છે. દિવ્ય ખુમારીમાં પ્રભુ જ છે. એમાં તો પ્રભુની જ મસ્તી છે અને હું અનાદિમુક્ત એવો સેવક થઈને મૂર્તિમાં રહીને સુખ ભોગવું છું એય અહમ્ અને દેહભાવમાં રહીને જીવનો અહમ્ છે એ એક મર્યાદિત અહમ્ છે અને તે માયામાં અહમ્-મમત્ત્વ કરાવનારો છે. ત્યારે દિવ્ય ખુમારી "હું મહારાજનો મુક્ત છું, મહારાજે મને દિવ્ય કરીને મૂર્તિમાં રાખ્યો છે" એમાં અહમ્ નથી. એ દિવ્ય અહમ્ એટલે કે Divine ego છે. જીવનો જે અહમ્ છે એ Limited ego છે. એ Limited egoથી પર થઈ Divine ego રૂપ થઈ જવાનું છે. એ Divine ego શું? પુરુષોત્તમરૂપ થઈ જવાનું. ત્યારે એ સુખમાં આપણે રહીને બધું કરવાનું. એ સુખમાં આપણને રાખ્યા છે.
આજે ગુરુપૂર્ણિમાનો આનંદ. દરેક ઉત્સવ-સમૈયા અખંડ ચાલ્યા જ કરે છે. જેવા અવરભાવમાં ચાલે છેને? એવા દિવ્યરૂપે અલૌકિક રીતે પરભાવમાં પણ ચાલે છે. એ ઉત્સવ-સમૈયાની રીત અલૌકિક છે. સમય આવશે ત્યારે મહારાજ આપણને એ દેખાડશે અને જો શ્રદ્ધા અને વિશ્વાસ અડગ હશે તો એ દિવ્ય સુખ મળશે જ.
એક છોકરો કોસ વડે કૂવામાંથી પાણી કાઢતો હતો. બ્રહ્માનંદ સ્વામી અને એવા દિવ્યસ્વરૂપ મુક્ત ત્યાંથી નીકળ્યા. સંતોને અને પોતાને જળપાન મહારાજને કરાવવું હતું. તે છોકરાને કહે કે થોડું પાણી જોઈએ છે, પણ કોસનું પાણી ન જોઈએ તો છોકરો કહે કે આ ઘડામાંથી કાઢી આપું? તો બ્રહ્માનંદ સ્વામી કહે કે આ સંતો છે તેને તું ઘડો આપ એ માંજીને પાણી કાઢશે. તું દોરડું આપ, મદદ કર. પછી સંતોએ ઘડાને માંજી કરીને સાફ કરીને પાણી કાઢ્યું. સાફ કરીને પાણી ગાળીને પીધું. પેલો છોકરો રાજી થયો અને કહે કે હું તો પામર જીવ છું, મારા ઉપર દયા રાખજો. તો બ્રહ્માનંદ સ્વામી કહે કે આ ફાંદ સંભારજે એટલે હું તને અંત સમયે તેડવા આવીશ અને ભગવાનના સુખને પમાડીશ. તો છોકરો કહે કે તમારી ફાંદ સાંભરે ખરી? હું તો પામર છું. તો બ્રહ્માનંદ સ્વામી કહે કે તું આજથી પામર મટી ગયો એમ જાણ. છોકરો કહે કે એ વખતે ફાંદ ન સાંભરે. બ્રહ્માનંદ સ્વામી કહે કે કાંઈ નહિ, હું સંભારી આપીશ. છોકરો કહે કે તો ભલે. તો અંત સમયે બ્રહ્માનંદ સ્વામી મહારાજને લઈને તેડવા આવ્યા અને પોતાની ફાંદ ઉઘાડી કરી અને છોકરાને યાદી આપી. છોકરો કહે કે અહોહોહો! આવ્યા આવ્યા! કહેતા ભેગો જ ચૈતન્યને મુક્ત કરીને એને સુખમાં મૂકી દીધો! વિચાર કરો! એક આટલી નાની સરખી સેવા આપી. શું કામ એવું થયું? કે તેણે નિષ્કામભાવે એટલી સેવા કરી.
મહારાજ કહે છે કે કોઈ ભક્તને જો પોતાપણું બિલકુલ ન હોય અને હું સાથે છું અને હું જ કામ કરું છું. જો એમ રહે અને બધો યશ મને આપે તો હું એને ન્યાલ કરી નાંખુ છું. તો આપણે પણ એવું કરવું કે હે મહારાજ! આ બધો યશ તમને; મારામાં કાંઈ નથી. એ વાત તો બરાબર છેને? શું આપણું પોતાનું કહો? એ મળ્યા એ આપણી પાસે રહે તે આપણી મૂડી. એ અબજો રૂપિયા ખર્ચતાં ય ક્યાંય મળે? ત્યારે આપણે એ મૂડીના પીરસનારા-નિ:સ્વાર્થ પીરસનાર થવું. મહારાજ મારા દ્વારા પોતાનું જ્ઞાન બીજા જીવોને આપે છે એમ ધારવું. એવું કરીએ તો બીજા જીવને બીજબળ થાય કે નહિ? ધારો કે આપણે અત્યારે કંઈ ને કંઈ નોકરી કે કોઈક પ્રવૃત્તિ કરીએ ત્યાં આપણા સંબંધમાં બીજા નવા માણસો આવવાના. આપણે ભગવાનને સાથે રાખી રહ્યા છીએ. તો એ ભગવાનની દૃષ્ટિ એના ઉપર નહિ પડે? ચોક્કસ પડે. ત્યારે એ ભગવાન આપણા દ્વારા આપણી સાથે રહીને તે પોતે બીજાના કલ્યાણ કરી નાંખે. તો આપણે આ જોગમાં આવી ગયા તો આપણો લાભ ભગવાન બીજાને આપે છે તે આપણા અહોભાગ્ય નહિ? એને જ કર્તા રાખવાના.
"સહજાનંદ ગુરુ ભજે સદા" એવું લખ્યું છેને? સહજાનંદરૂપી ગુરુ. એમની ઉપાસના કરવાની. અનાદિમુક્ત ગુરુ ખરા, પણ એ ઉપાસ્ય ગુરુ નથી. ઉપાસ્ય ગુરુ તો શ્રીજીમહારાજ એક જ. અદ્વિતીય. એના જેવો કોઈ નહિ. એવા એક ભગવાન સ્વામિનારાયણ. અનાદિમુક્તો આપણને એ સુખમાં લઈ જનારા છે, માટે એ આપણા ગુરુ. જે દિવ્ય સુખને પમાડે એ સાચા સાધુ. એવા અનાદિમુક્તો, એવા સદ્ગુરુઓ, એવા અનાદિમહામુક્તો આપણને મળ્યા. હવે શું જોઈએ? અખંડ હવે એટલું જ કરવાનું રહ્યું કે આનંદથી કામ કરી અને આ જીવનયાત્રા પૂરી કરી નાંખવાની. તે જીવનયાત્રા કેવી બનાવવી? મૂર્તિના સુખના સંબંધવાળી. એમાં રહીને આનંદ જ કરવાનો.
દુ:ખ શું? દુ:ખ આપનારેય એ છે અને એ દુ:ખ કાઢી નાંખનાર- અદૃશ્ય કરનાર પણ એ જ છે. આપણને દુ:ખ જો કંઈક દેખાય તો એ કોણ દેખાડે છે? મહારાજ. જો ભગવાન ભેળા હોય તો બીજા કોઈની તાકાત ખરી આપણને દુ:ખ આપવાની? કદીએ નહિ. આપણે એક જ કામ કે દિવ્ય ભાવ રાખવો, એનો અર્થ વિશાળ અર્થમાં: આપણા ભેળા ભગવાન.
દરેક જીવનો ચૈતન્ય એ નિર્મળ જ છે. એના ઉપર આવરણો વળગેલાં છે માટે દરેક ચૈતન્ય જીવ કહેવાય. કોઈ પણ અશુદ્ધિ ચૈતન્યની અંદર પ્રવેશ કરતી નથી. આ ચૈતન્યનો મહાન ગુણ ભગવાને આપ્યો છે તો કામ એટલું જ રહ્યું કે એ આવરણો હટાવી દેવાના. જો કોઈ પણ જીવના આવરણો હટી જાય પછી એ દેવતા થઈ ગયો કે નહિ? એટલે ભગવાનની કૃપા વરસે એટલે અનાદિમુક્ત થઈ જાય. ભગવાન બધાને આ સ્થિતિ પમાડવા માગે છે; કોઈ એકને નહિ. ભગવાન સર્વોપરી પરમાત્મા એમ ઇચ્છે કે વહેલામાં વહેલા જીવોને પોતાના સુખમાં લઈ જવા. કેટલા દયાળુ!
ભગવાનને કંઈ જોઈએ? કશું જોઈતું નથી. આપણે સેવા કરીએ કોઈવાર તો એ પૈસા કોના? એના. એની લીલા તો જુઓ! એના એ આપે અને એમ કહે કે તું એમાંથી પાંચ રૂપિયા મને અર્પણ કરજે. હવે એ પાંચ રૂપિયા અર્પણ કરીએ એ વીસમો ભાગ. તે સેવારૂપ ગણીને અંગીકાર કરીને એના બદલામાં સુખ આપે. એના ને એના પૈસા એને ને એને અર્પણ કરવાના! ત્યારે મહારાજ એમ કહે છે કે જેના ઉપર મારી કે મારા મુક્તની મારા દ્વારા દૃષ્ટિ પડી નથી તેવો જે જીવ છે તે અર્પણ કરી શકતો નથી. વીસમો ભાગ કાઢી શકતો નથી. એટલે ભગવાન કહે છે કે મારી ને મારી વસ્તુ મને અર્પણ કરતો નથી. માટે આપણે અર્પણ કરવી જોઈએ. એમનું ને એમનું છે. ત્યારે કદીયે એમ ન માનવું કે આપણે આપણી વસ્તુ ભગવાનને અર્પણ કરીએ છીએ. આપણી પાસે છે શું અર્પણ કરવાનું? એના એ આપે છે. સમૃદ્ધિ પણ એ આપે છે. એ સમૃદ્ધિમાંથી થોડું એને અર્પણ કરીએને તો કરુણાસાગર ભગવાન રાજી રાજી થઈ જાય અને એ સુખમાં આપણને રાખે. આટલી સમજણ કેળવવી જોઈએ.
ગમે તેટલા પુસ્તકો વાંચીએ અને દિવસ આખો સદ્વાંચન કરીએ, પરંતુ આ વસ્તુ તો શાસ્ત્રનો સારનો સાર છે. છેલ્લી ઘડીએ પુસ્તકો ક્યાં ખોળવા જઈશું? કેટલાં વાંચ્યા હોય? વિવેકાનંદજીએ આખી દુનિયાનું પોણું સાહિત્ય વાંચી નાંખ્યું હતું. અગિયાર encyclopediaના અક્ષરે અક્ષર મોઢે! શું કરવાનું? એને કરવાના શું? એ તો કેવળ અજ્ઞાન. એના ગુરુએ જ એને કહ્યું કે જો તારે ભગવાનને પામવું હોય, તો તેં વરસો સુધી એકઠું કરેલું જે આ અજ્ઞાન છે તેને તારે ટાળવું પડશે અને તે ટળશે પછી સાચું જ્ઞાન પ્રાપ્ત થશે.
મહારાજ એમ કહે છે કે ભગવાન સિવાય બધું ય અજ્ઞાન. એનાથી ઓરું બધું જ અજ્ઞાન. કેવડી મોટી વાત! એમ ભગવાનથી ઓરા અવતારો ખરા કે નહિ? તે ભગવાન એમ કહે છે કે મને પામે નહિ ત્યાં સુધી એ બધું જ અજ્ઞાન. અવતારો પામવા જો પ્રીતિ રહે તો એ અજ્ઞાન. કારણ કે આ અવતારોમાં આવિર્ભાવ કોનો? મારો. અવતારોનો આદર કરો, કારણ કે એ મારું ભજન કરીને એ અવતારસ્થિતિને પામ્યા છે. મારા આવિર્ભાવને લીધે જ અવતારોએ બધું કાર્ય અત્યાર સુધી કર્યું છે. એ મેં કર્યું છે એમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે. ભગવાને કહ્યું કે મારાથી ઓરું એ બધું અનાત્મા. હું આત્મા સર્વનો. ત્યારે આવું સરસ જ્ઞાન થોડા શબ્દોમાં આપણને આપી દીધું! વધારે વાંચવાનું કે અન્ય કોઈને સંભારવાની કોઈ જરૂરિયાત નથી. કેવળ મૂર્તિની સ્મૃતિ રાખીને કામ કરવું. મારી દરેક ક્રિયા સ્વામિનારાયણ ભગવાન કરે છે મારી સાથે રહીને એવું રાખો અને એનું એને અર્પણ કરવું.
કોઈ દિવસ કર્તાપણું માનવું નહિ. આપણું કર્તાપણું નહિ માનવું. એ પાઠ બરાબર પાકો કરી દરેક ક્રિયા કરતાં પહેલાં થોડી મહારાજની સ્મૃતિ કરીને કરવી. પછી તે ક્રિયા કરે છે કોણ? મહારાજ. આપણે નથી કરતા. એ વખતે જરાકે ય એમ સંકલ્પ થઈ જાય કે હું કરું છું તો એ અજ્ઞાન પેઠું. એ અજ્ઞાન આવવા ના દેવું. મહારાજ જ કરે છે. આપણે એમના આશ્રિત થયા. એમણે કહ્યું કે હું તમારી સાથે છું. જેમ કે એક સારો સદ્ગૃહસ્થ કરોડપતિ હોય તે કહે તો ય બધાને આવવું પડે છે. તો આ તો અનંત બ્રહ્માંડોનું નિયમન કરે છે, જાળવણી કરે છે તો એની રક્ષા વિશેષ કાર્યક્ષમ કે નહિ? બીજા તો અવરભાવના નિમેલા છે.
પ્રહલાદજીએ ભગવાનને કહ્યું કે ભગવાન! બધા એમ કહે છે કે ભગવાને તારું રક્ષણ કર્યું. મહારાજ! હું માનતો નથી. તમે મને ઉગાર્યો. દરેક બાબતમાં તમે રક્ષણ કર્યું, પણ કોનું રક્ષણ કર્યું? દેહનું. મારા જીવનું રક્ષણ કરો ત્યારે સાચી રક્ષા માનીશ. તો ભગવાન કહે એના માટે તપ કરવું પડશે. તો કહે ભગવાન! તપમાં હું સમજતો નથી. તપ તો ઘણા પ્રકારના છે. તો કહે તારે ગંગાના કિનારે ઊભા રહીને અને મારી મૂર્તિનું અખંડ સ્મરણ કરવું એ તપ. પ્રહલાદ કહે કે હવે બરાબર સમજ્યો. અત્યાર સુધી હું એમ સમજ્યો હતો કે ભૂખે રહેવું, ઉપવાસ કરવા એવું બધું દેહદમન કરવું એ તપ છે એવું માનતો હતો પણ હવે મને ખબર પડી.
પછી એણે ગંગાના કિનારે પ્રભુરૂપ થઈને સ્તુતિ કરવા માંડી. ત્યારે એને ભગવાનના દિવ્ય દર્શન થયા. ત્યાં સુધી ભક્તિ ખૂબ કરતા હતા. માગી માગીને પણ માગ્યું કેવું! ત્યારે આફુડી ભગવાને પોતે જ રક્ષા કરી. પોતે યોગ્ય સમયે યથા સમયે આવીને ઊભા રહીને દિવ્ય દર્શન કરાવ્યા. એટલે જો શ્રદ્ધા રહી જાય, ભગવાન મળે ત્યાં સુધી એ શ્રદ્ધાને ન મૂકે તો પછી મહારાજ છેલ્લી ઘડીએ એને દર્શન આપે. દર્શન આપે એટલે એના આવરણો હટી જાય. દર્શન ક્યારે થાય? આવરણો હટી જાય ત્યારે દર્શન થાય. આવરણો હટાવે એ ભેગા દર્શન થાય ને એ ભેગી બધી વાસનાઓ ભૂંસાઈ જાય. નિર્મળ ચિત્ત થઈ જાય. કંઈ યાદ જ ન રહે, પછી ક્યાં રહ્યું?
સારાંશ
આપણા સૌના સર્વોપરી ગુરુ ભગવાન સ્વામિનારાયણ છે. તેમના અનાદિમુક્ત આપણને પાત્ર કરી એ સર્વોપરી ગુરુને આપણી સોંપણી કરી પોતે વિલીન થઈ જાય છે. ભગવાનના અનાદિમુક્ત થઈ રહેવું તે ગુરુપૂર્ણિમાનો અંતિમ ધ્યેય છે.
ધ્યાન કરતા પહેલા અનાદિમુક્તને સંભારી તેમને પ્રાર્થના કરવી કે, તમે જે સુખમાં છો તેવું અમને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. આવી પ્રાર્થના મૂર્તિમય થઈ જઈએ ત્યાં સુધી કરવી. શ્રીજીમહારાજે આપણો છેલ્લો જન્મ કરી દીધો છે અને આપણે અનાદિમુક્ત છીએ એ વાત હંમેશાં યાદ રાખવી. અત્યારે પાત્રતા ન જણાતી હોય, પણ ભગવાન પાત્ર કરી દેશે જ. સર્વ કર્તા-હર્તા મહારાજને જાણવા. આપણે ભગવાનની કૃપાથી અનાદિમુક્ત થયા. ભગવાન પાસે સુખ જ છે એટલે આપણે આપણા દુ:ખનું ગાણું ગાવું નહિ. તેઓ આપણને સુખ જ આપશે.
મહારાજે કહ્યું હું ભેળો છું પછી એમને ભૂલી શકાય નહિ, તેઓ ભેળા જ હોય. વારંવાર યાદ કરવાની જરૂર રહેતી નથી. દરેક ક્રિયા કરતા પહેલા બે-ત્રણ સેકન્ડ મહારાજને સંભારવાથી ધીમે ધીમે મૂર્તિ પાકી થઈ જાય. હું અનાદિમુક્ત છું. મહારાજનો સેવક છું. તે વાતની દિવ્ય ખુમારી રાખવી. શ્રદ્ધા અને વિશ્વાસ અડગ રાખવાથી દિવ્ય સુખ મળે જ છે.
આપણું જે કાંઈ પણ છે બધું યશ-પદ-ધન બધું જ એમનું છે એવો ભાવ રહે તો ભગવાન રાજી થાય. સદાય આપણી ભેળા રહે તેથી એનો લાભ બીજા જીવોને પણ મળે.
અનાદિમુક્ત આપણને ભગવાન સુધી લઈ જાય છે તેથી તેઓ આપણા ગુરુ, પણ ઉપાસ્ય સ્વરૂપ તો એક સ્વામિનારાયણ ભગવાન જ. અનાદિમુક્ત નહિ. આપણા ભેળા ભગવાન એ વાત હંમેશાં યાદ રાખવી. ચૈતન્ય નિર્મળ છે, ફક્ત તેના ઉપર આવરણો છે જે આપણે હટાવવાના છે.
ભગવાનના જ આપેલા પૈસામાંથી ધર્માદા નિમિત્તે વીસમો ભાગ ભગવાનને પાછો આપીએ, છતાં તેઓ રાજી થઈ આપણને અનાદિમુક્તની પંક્તિમાં બેસાડી દે છે.
અંતકાળે પુસ્તકોનું જ્ઞાન કામમાં નથી આવતું. મોટા ગુરુના વચનો જ કામ લાગે છે. ભગવાન સિવાય બીજા કોઈ અવતારોને સંભારવા નહિ. ક્યારેય કર્તાપણું માનવું નહિ. એક મહારાજને જ કર્તા રાખવા. અંતસમય સુધી ભગવાનમાં શ્રદ્ધા રાખવી. તો ભગવાન રક્ષા કરી અંતે પણ આવીને તેડી જાય છે.