૩. બાલ્યકાળ
શ્રી સ્વામિનારાયણનું બાળપણનું નામ ઘનશ્યામ હતું. આઠ વરસની ઉંમરે યજ્ઞોપવીત સંસ્કાર પામ્યા પછી પિતા પાસેથી થોડા જ સમયમાં પોતાની અલૌકિક બુદ્ધિ દ્વારા તેમણે વેદ, વેદાંત વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ અરસામાં એક વાર બાલ ઘનશ્યામ પોતાના પિતા ધર્મદેવ સાથે અદ્વૈતવાદી વિદ્વાનોની સભામાં ભાગ લેવા કાશી ગયા. અહીં અદ્વૈતવાદી પંડિતોનો બાલ ઘનશ્યામે પરાજય કર્યો. બાલ ઘનશ્યામની વિદ્વત્તા જોઈ પંડિતો દિગ્મૂઢ થઈ ગયા. એક નાના બાળકમાં આટલી બધી શક્તિ! નર્યું આશ્ચર્ય!!
એમના બાલ્યકાળનો એક વધુ પ્રસંગ આપણે જોઈએ. ઘનશ્યામ આઠ-દશ વર્ષના હતા, ત્યારે એક વાર છપૈયા ગામમાં એક માછીમારે મીનસરોવરમાંથી માછલાં પકડીને કિનારે મૂક્યાં. ઘનશ્યામે દૃષ્ટિમાત્રથી તેમને સજીવન કરી પાછાં જળમાં મૂકી દીધાં; અને માછીમારને અહિંસા ધર્મ સમજાવતાં કહ્યું: 'જેમ તને જીવવાનો અધિકાર છે તેમ આ જીવોને પણ છે.' નાના બાળકનું આ ઐશ્વર્ય જોઈ માછીમારે પોતાનો ધંધો જ છોડી દીધો.
બાલ્યકાળમાં આવી અદભુત અને ચમત્કારિક શક્તિનું દર્શન કોઈ વ્યક્તિવિશેષ પુરુષના જીવનમાં જ જોવા મળે.
હવે ઘનશ્યામ 11 વર્ષના થયા. 6 માસમાં જ તેમનાં માતા અને પિતા બંને અક્ષરધામનિવાસી થયાં. ત્યાર પછી એક દિવસ એવું બન્યું કે કુસ્તી લડતી વખતે ઘનશ્યામે એક છોકરાને ફેંકી દીધો. આ બનાવથી તેમના મોટાભાઈને ફરિયાદ મળી. મોટાભાઈ રામપ્રતાપજીએ ઘનશ્યામને ખૂબ મીઠો ઠપકો આપ્યો. ઘનશ્યામે કહ્યું: 'મોટાભાઈ, હવે પછી તમારે મારે વિષે કદી પણ કશું જ સાંભળવું નહિ પડે.' રામપ્રતાપજીને ઘનશ્યામના આ માર્મિક વાક્યના અર્થનો ખ્યાલ તે વખતે નહિ આવ્યો, પણ ઘનશ્યામને ઘર છોડવાનું કારણ મળી ગયું.