૨૬. સ્વામિનારાયણ ધર્મની વિશિષ્ટતાઓ

0:000:00

(1) આ ધર્મના અનુયાયી વર્ગમાં અનેક વર્ણ, વર્ગ અને ધર્મના લોકોનો સમાવેશ થયો છે. કોઈ પણ વ્યક્તિ નાતજાતના કે અન્ય કોઈ પ્રકારના ભેદભાવ વગર આ ધર્મમાં પ્રવેશી શકે છે. એ બધાં જ મનુષ્યોને સમદૃષ્ટિથી અપનાવવામાં આવે છે.

(2) આ ધર્મમાં પ્રવેશ કરનારે 'દારૂ, માંસ, ચોરી ને અવેરીનો ત્યાગ અને વટલવું નહિ ને વટલાવવું નહિ' એ પંચ વર્તમાન આંતર-બાહ્ય શુદ્ધિ અર્થે સ્વીકારવાં અનિવાર્ય છે.

(3) સ્વામિનારાયણે ધાર્મિક ઇમારતનો પાયો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને સાકાર પરબ્રહ્મની ઉપાસનાના ચાર સિધ્ધાંતો પર રચેલો છે.

(4) સ્વામિનારાયણે પરમાત્માના સ્વરૂપનો યથાર્થ નિર્ણય સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચારેય શાસ્ત્રનો સમન્વય કરીને કર્યો છે.

(5) આ ધર્મમાં, પ્રચલિત વાદો પૈકી, દ્વૈતવાદમાંથી જ્ઞાન ને મહિમાયુક્ત ભક્તિ; અદ્વૈતવાદમાંથી સાધનચતુષ્ટય અને જીવનમુક્તિ; શુદ્ધાદ્વૈતમાંથી સેવારીતિ અને વિશિષ્ટાદ્વૈતમાંથી શરીર-શરીરી સંબંધસિદ્ધાંત અને શરણાગતિ એમનાં યોગ્ય સ્વરૂપમાં ગ્રહણ કરાયાં છે.

(6) પ્રાચીનકાળથી આપણે ત્યાં જે સર્વ ધાર્મિક અને નૈતિક સર્વોચ્ચ પરંપરાઓ ઊતરી આવી છે તે સર્વ આ ધર્મમાં એના શુદ્ધતમ સ્વરૂપમાં જણાય છે, એટલું જ નહિ પરંતુ જગતના તમામ ધર્મોના ઉત્તમ તત્ત્વોનો તેમાં સમાવેશ કરાયો છે.

(7) આ ધર્મ કેવળ આધ્યાત્મિક બાબતો પૂરતો મર્યાદિત નથી; પણ ભૌતિક જીવનને સુધ્ધાં સાંકળી લેતો શુદ્ધ વ્યવહારધર્મ છે. વળી એ કેવળ સુખી, શિક્ષિત અને ઉચ્ચ વર્ણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ નીચેના, છેલ્લા છેવાડા સુધીના બહુજન સમાજને સ્પર્શતો વ્યાપક ધર્મ છે.

(8) આ ધર્મ ત્યાગ, જ્ઞાન અને તપશ્ચર્યાથી દીપી ઊઠે છે; તેના સાધુઓ અને હરિભક્તો સદાચારશુદ્ધિની એક આગવી ભાત પાડે છે. એમાં વિશુદ્ધ વાતાવરણ, બ્રહ્મચર્યનું નિર્વિકારીપણું, સેવા, સદાવ્રત ને સંયમના આદર્શો તથા જ્ઞાન, વૈરાગ્ય અને પ્રેમભક્તિની શીતળતા અનુભવાય છે. તેમાં જે કાંઈ વિધિવિધાન, આચાર ને તત્ત્વબોધ રહેલાં છે, તે સંપૂર્ણ સત્ય અને મુક્તિ આપનારાં છે.

(9) આ ધર્મનો ફેલાવો દેશભરમાં તેમજ વિદેશમાં ધણો જ વધ્યો છે ને વધતો રહે છે, જે એની સર્વદેશીયતા દર્શાવે છે.

(10) આ એવો માર્ગ છે જે હજારો વર્ષ બાદ પણ તત્કાલીન દેશકાળને અનુકૂળ રહેશે.

આમ શ્રી સ્વામિનારાયણે સર્વગ્રાહી, સર્વોચ્ચ અને કલ્યાણકારી વિશ્વધર્મનું સ્થાપન કરવામાં, અપ્રતિમ વ્યવહારબુદ્ધિ અને સમન્વયાત્મક દૃષ્ટિ દાખવી છે. આ જ સ્વામિનારાયણની ખરી મહાનતા છે.