૨૫. શ્રી સ્વામિનારાયણની વ્યક્તિવિશેષતા
(1) આજ દિવસ સુધીમાં થઈ ગયેલ બધા મહાપુરુષોના જીવન કરતાં ચઢિયાતું, ગતિશીલ અને ચારિત્ર્યસંપન્ન દિવ્ય જીવન સ્વામિનારાયણનું જોવા મળે છે. તેઓ એકાંતિક ધર્મના પ્રચારાર્થે સતત પગપાળા કે ઘોડા પર 28 વર્ષ સુધી ફરતા રહ્યા. એ દરમિયાન એમણે હજારો ગામડાં અને શહેરોની મુલાકાત લીધી અને સંખ્યાબંધ મનુષ્યોને સદુપદેશ આપી પ્રભુપરાયણ બનાવી દીધા.
(2) કોઈ પણ મનુષ્ય ચાહે તે હિંદુ હો, પારસી હો, મુસલમાન હો, ખોજા હો, અંગ્રેજ હો, વેદ ન માનનાર હો, જૈન હો કે ગમે તે ધર્મનો હો તેના પર શ્રી સ્વામિનારાયણની દિવ્ય પ્રભા પડ્યા વિના રહી નથી.
(3) અનેક જનોનાં કલ્યાણ અને શિક્ષણને અર્થે તેઓ પોતે જ સાધક, સાધન અને સાધ્ય બન્યા. તેમનું સમસ્ત જીવન જ જીવતુંજાગતું ધર્મશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર બની રહ્યું હતું.
(4) ગહનમાં ગહન તત્ત્વદર્શનને તેઓ લોકભાષામાં મૂકી શકતા. સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવું વિવેચન સહજાનંદ સ્વામી કરી શકતા. સીધી, સરળ, મિતાક્ષરી, તળપદી અને વાર્તાલાપની પ્રવચનશૈલી તેમને વરી હતી.
(5) જનસમૂહની જે અશુદ્ધિઓ તેઓ કાઢવા માગતા હતા તેમાં એ હંમેશાં રચનાત્મક વલણ દાખવતા.
(6) તેમનો સિદ્ધાંત હતો કે બૂરાઈનો બદલો ભલાઈથી આપવો. પોતાનું બૂરું કરનાર ઉપર પણ એ દયા કરવા તત્પર રહેતા. એમના જીવનમાં કોઈ પણ વ્યક્તિને એમણે શાપ દીધો હોય કે એમનું ભૂંડું ઇચ્છયું હોય એવું બન્યું નથી. તેમના અનુયાયીથી કદાચ કોઈ અપરાધ થઈ જાય, તો જાતે જઈને તે બદલ ક્ષમાયાચના કરતા.
(7) બાળકો પ્રત્યે તેમને અપાર પ્રેમ અને અનુકંપા હતાં. તેઓશ્રી પોતાના રોજિંદા કાર્યમાંથી ચોક્કસ સમય કાઢીને બાળકોને બોધ આપતા. બાળકનું દિલ દુઃખાય તો તે દુઃખી થતા. બાળક પાસે પણ બાલભાવે માફી માગતાં તેઓ નાનપ અનુભવતા નહિ.
(8) સદ્. પ્રેમાનંદસ્વામીએ તેમને 'કરુણાલોચન' કહી ગાયું છે કેઃ
'કોઈને દુખિયો રે, દેખી ન ખમાય,
દયા આણી રે, અતિ આકળા થાય.
અન્ન, ધન, વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે,
કરુણાદૃષ્ટિ રે, દેખી વાન જ વાળે.'
(9) સ્વામિનારાયણે એક પ્રસંગે પોતાનો પ્રગટ થવાનો હેતુ પ્રદર્શિત કરતાં કહ્યું: 'હું વિસંવાદ જગાડવા નહિ પણ સંવાદ ઊભો કરવા આવ્યો છું.'
(10) સ્વામિનારાયણમાં પોતાના પ્રભાવ દ્વારા સામાને આકર્ષવાની યૌગિક શક્તિ હતી. તેમ જ ઊંચા આધ્યાત્મિક જીવન દ્વારા લોકોને કાયમ પ્રેરણાબળ આપવાની અજબ શક્તિ હતી. એ જ એમની મોટાઈ ને પ્રભુતા હતી.
(11) જેણે જેણે સ્વામિનારાયણને જોયેલા તેમનો એક અનુભવ ચોક્કસ હતો કે:
1. એમની આંખોમાં અજબનું જાદુ હતું તેવું જ એમની વાણી અને ચાલમાં હતું;
2. એમનાં નેત્રોમાંથી પ્રેમળ અમૃત ઝરતું હોય એવું જણાતું;
3. તેમના તેજસ્વી સ્વરૂપથી આકર્ષાઈને સૌ નમી પડતાં. આજે પણ તેમની કાષ્ઠ-પાષાણની મૂર્તિઓમાં એમની ચિત્તાકર્ષકતા જણાઈ આવે છે. તેમની વરદ હસ્તમુદ્રાથી અભય પ્રાપ્ત થવાની લાગણી અનુભવાય છે.
(12) સ્વામિનારાયણનાં જમણા ચરણમાં નવ અને ડાબા ચરણમાં સાત એમ કુલ સોળ વિલક્ષણ ચિહ્નો હતાં.