૨૨. લલિત કળાઓને ઉત્તેજન
પ્રેમાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને 'સર્વેર્ લલિત કળાની ખાણ' કહ્યા છે. એ પ્રમાણે સ્થાપત્યની કળા, વસ્ત્રો અને આભૂષણોની કળા, ભાતભાતનાં ભોજનોની કળા, ચિત્રો અને મંડપ રચનાની કળા, સંગીતકળા, લેખનકળા આદિ કળાઓને તેમણે ખૂબ જ ઉત્તેજન આપ્યું હતું. શિલ્પકળાની દૃષ્ટિએ બાંધેલા સુંદર મંદિરો; સહજાનંદ સ્વામીના જીવનના આબેહૂબ ભાવો રજૂ કરતાં પ્રસંગચિત્રો, મૂર્તિઓ; મહાન સંતકવિઓની સાહિત્યકૃતિઓ; શિષ્યોએ જાતે બનાવીને ભેટ તરીકે અર્પણ કરેલ કારીગરીવાળી વસ્તુઓ, વસ્ત્રો, આભૂષણો, ચાખડીઓ, માળાઓ, વાસણો, બાજઠો, આસનો, ખાટલીઓ, ગાડીઓ; અન્નકૂટોત્સવ પ્રસંગે તૈયાર કરવામાં આવતી ભાતભાતની વાનગીઓ વગેરે એ સમયની વિવિધ કલા-કારીગીરીની સ્થિતિનો સુંદર ખ્યાલ આપે છે.