૩૨. સમકાલીન મહાન સંત-પરમહંસોનો સ્વાનુભવ શું કહે છે તે જોઈએ
હરિલીલાકલ્પતરુ: રામાનંદ સ્વામીનો અનુભવ--
રામાનંદ સ્વામી લાલજી ભક્તને આ પ્રકારે કહેવા લાગ્યા:
स इत्यथाऽवदद् भक्तं मतः कृष्णो यथाऽधिकः ।
तथाऽत्यधिक एवेशात् तस्माद्दपि स विद्यते ॥
'હે ભક્ત! જેમ શ્રીકૃષ્ણ ભગવાન મારા થકી મોટા છે, તેમ લોજમાં આવ્યા છે તે નીલકંઠ બ્રહ્મચારી, ગોલોકધામનિવાસી, શ્રીકૃષ્ણ ભગવાન થકી પણ અતિશય મોટા છે.'
વળી સ્વામી આગળ કહે છે:
सर्वेषामवताराणां कारणं च परात्परः ।
सोऽपाकृतगुणैश्वर्यो विद्यते पुरुषोत्तमः ॥
'હે ભક્ત! એ બ્રહ્મચારી તો દિવ્ય ગુણ ઐશ્વર્યવાળા અને સર્વ અવતારોના કારણ છે અને પરાત્પર પુરુષોત્તમ પરમાત્મા છે.'
સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો
વાર્તા 167--
એક હરિભક્તે સ્વરૂપાનંદ સ્વામીને પૂછયું: 'આ શ્રીજીમહારાજનો અવતાર કેવો જાણવો?' ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું , 'આ અવતાર નહિ, આ તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ છે; અને બીજા અવતાર જેવી કળાઓ તો પોતાના ભક્ત દ્વારા બતાવે છે.'
વાર્તા 168--
એક વાર એક સાધુ કહે: 'મને તો બધુંય બ્રહ્માંડ દેખાય છે.' ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા: 'તમને તો એક બ્રહ્માંડ દેખાય છે ને મને તો અનંત આશ્ચર્ય, અનંતકોટિ બ્રહ્માંડ ને ગોલોકાદિક ધામ હસ્તામલકવત્ દેખાય છે. એ તો રામકૃષ્ણાદિ સર્વે અવતારના અવતારી શ્રી સહજાનંદ પુરુષોત્તમની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે.'
શ્રી સહજાનંદ સ્વામીના પ્રશ્નનો સાધુઓએ આપેલો સુંદર જવાબ--
ખુદ સહજાનંદ સ્વામીએ પોતે એક વાર સાધુઓને પ્રશ્ન કર્યો: 'અમે બીજા અવતારોનાં જેવાં પરાક્રમો કર્યાં નથી, સમુદ્ર પર પાળ બાંધી નથી, દસ મસ્તકનો રાવણ માર્યો નથી, મંદરાચળ પીઠ પર ધર્યો નથી અને કંસ, શિશુપાલનો વધ પણ કર્યો નથી. તો પછી તમે અમને શું કરવા પરમેશ્વર કહો છો?'
સાધુઓએ જવાબ આપ્યો: 'રામે રાવણને માર્યો, પણ એ રાવણ તો કામ અને અભિમાનથી હણાયેલો જ હતો. વામને બલિને છળ્યો, પણ એ લોભ, મોહથી છળાયેલો જ હતો. કૃષ્ણે કંસ, શિશુપાલનો વધ કર્યો, પણ માનાદિક ષડ્રિપુઓએ તેમનો વધ કરી જ રાખ્યો હતો; એ કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અમારા અંતઃશત્રુઓને તમે માર્યા. માટે અમે તમને અવતારી કહીએ છીએ. તમે સમુદ્ર પર પાળ નથી બાંધી, પણ તમે ભવસાગર અને પ્રભુના ધામ વચ્ચે સળંગ રસ્તો બાંધી દીધો છે. તમે મંદરાચળ કે ગોવર્ધન પર્વત નથી ધાર્યા, પણ અમારા પાપપર્વતોને ક્ષણમાં હટાવી દઈ અમારાં ચિત્તને શુદ્ધ કરી દીધાં છે. એ કારણથી અમે તમને પ્રગટ પુરુષોત્તમ કહીએ છીએ.'
હરિસ્મૃતિચિંતામણિમાં સદગુરુ નિષ્કુળાનંદજીએ ગાયું છે કે--
'અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર;
જોતાં ના'વે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર.
સમર્થ મૂર્તિ સુખભરી, ધરી ન ધરશે કોઈ;
સર્વોપરી છે શ્રીહરિ, સહજાનંદ પ્રભુ સોય.'