૫. વનવિચરણ અને ભારતપરિક્રમણ

0:000:00

હવે ઘનશ્યામ, નીલકંઠને નામે ઓળખાવા લાગ્યા. નિર્ભય નીલકંઠે 7 વર્ષ, 1 માસ અને 11 દિન હિમાલયના ઘોર વનમાં તથા સારાયે ભારતનાં તીર્થોમાં પગપાળા વિચરણ કર્યું. વનમાં ગોપાલ નામના યોગી પાસે કિશોર નીલકંઠે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને હઠયોગની સર્વ કળાઓ શીખી લીધી. વનવાસ દરમિયાન નીલકંઠે અતિ કઠિન તપશ્ચર્યા કરી શરીરને સૂકવી નાંખ્યું, તે એટલી હદે કે શરીરમાં જો કાંઈક વાગે તો ઘામાંથી પાણીનું ટીપું નીકળતું, પણ રુધિર તો નીકળતું જ નહિ! આવી સ્થિતિમાં પણ નીલકંઠ હંમેશ સ્વસ્થ અને તેજસ્વી લાગતા હતા.

વનવિચરણ અને ભારતપરિભ્રમણ દરમિયાન પ્રતાપી નીલકંઠે જ્ઞાનોપદેશ આપી હજારો સાધુબાવાઓને સન્માર્ગે વાળ્યા. તેમના દિવ્ય પ્રભાવ માત્રથી અનેક પાપીજનો પાસે તેમનાં પાપકર્મો મુકાવ્યાં અને તેમને દૈવી બનાવ્યાં. અનેક મુમુક્ષુ જીવોનાં જીવન ફેરવી નાંખ્યાં. અવતારી પુરુષથી શું અશક્ય હોય?

માનવ-સંસ્કૃતિનો સમગ્ર ઇતિહાસ જોતાં આપણને લાગે છે કે નીલકંઠવર્ણીના વનવિચરણની સમગ્ર ઘટના અદભુત અને અદ્વિતીય છે. નીલકંઠવર્ણી પોતાનાં વિચરણ અને પરિભ્રમણ જેમ જેમ આગળ ધપાવે છે તેમ તેમ એમની અસાઘારણતાનાં આપણને દર્શન થાય છે.