૨૭. દેશવિદેશના સમર્થ તત્ત્વચિંતકો અને મહાપુરુષોની દૃષ્ટિએ શ્રી સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ ધર્મ
1. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહેલું કે--
'હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે પણ સ્વામિનારાયણ ધર્મ પ્રશંસનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મ વિષે ઘણું માન છે.'
2. સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના માજી-ગૃહમંત્રીએ નોંધ કરી છે કે--
'સ્વામી શ્રી સહજાનંદ અને શ્રી સ્વામિનારાયણ ધર્મના સાધુઓનાં પવિત્ર જીવનથી મહાગુજરાતમાં સહકારની સૌરભ પ્રસરી હતી. ઘણા સામાન્ય માણસોનાં તથા પછાત કોમનાં બિનકેળવાયેલાં માણસોનાં જીવન પશુકોટીમાંથી ઊંચે લાવીને તેમને સંસ્કારી બનાવવામાં આ ધર્મનો ફાળો મહત્ત્વનો છે.'
3. આચાર્ય શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છે કે--
'સ્વામી શ્રી સહજાનંદના ઉપદેશથી ગુજરાત, કાઠિયાવાડની ઘણી ક્રૂર અને લડાયક જાતો કોમળ ને શાંત થઈ છે તથા પ્રભુ તરફ વળી છે. 'વચનામૃત' નામે તેમનાં ઉપદેશવચનોનો જે સંગ્રહ છે, તે ઘણો ગંભીર, મનન કરવા યોગ્ય તેમ જ જ્ઞાન અને ઉપાસનાના નિરૂપણથી ભરપૂર ગ્રંથ છે.'
4. ગુજરાતના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી જણાવે છે કે--
'ગુજરાતના મહાન જ્યોતિર્ધરોમાં સ્વામી શ્રી સહજાનંદજીનું સ્થાન અગ્રસ્થાને રહ્યું છે.'
5. ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે નોંધે છે કે--
'સ્વામી શ્રી સહજાનંદ મધ્યયુગીન હિંદુ ધર્મના છેલ્લા સુધારક હતા.'
6. શ્રી ગુલઝારીલાલ નંદા, ભારતના માજી ગૃહપ્રધાન પોતાનો સ્વાનુભવ નોંધતા કહે છે કે--
'સ્વામિનારાયણે આપેલો અહિંસાનો સિદ્ધાંત જગતના સર્વ અહિંસાના સિદ્ધાંતોમાં મને શ્રેષ્ઠ લાગ્યો છે. તેમના એ અસાધારણ સિદ્ધાંતે મારા પર એટલો પ્રભાવ પાથર્યો છે કે મારી જાતનું તેમાં રૂપાંતર થઈ ગયું છે.'
7. ગુજરાતી ભાષાના વિવેચક શ્રી વિજયરાય કલ્યાણરાય વૈદ્ય લખે છે કે--
'મહાગુજરાતમાં ત્રીસેક વર્ષના ધર્મચક્રપ્રવર્તનરૂપે સાર્થવન્તું ઠરતું સ્વામિનારાયણનું અવતારકાર્ય જગતઇતિહાસે વિરલ છે; ગુજરાતઇતિહાસે અદ્વિતીય અને વિપ્લવકારી છે.'
8. મનુ સૂબેદાર, પ્રમુખ, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, કહે છે કે--
'સ્વામી સહજાનંદે એક અણીને પ્રસંગે આવીને પ્રજાજીવનમાં અદભુત ક્રાંતિ પ્રકટાવી છે. ઠેઠ નીચલા થર સુધી તેમણે સત્ય અને સદાચારનાં અમૃત સિંચ્યાં છે. કોઈ વ્યક્તિવિશેષને હાથે જ એ બની શકે. સ્વામી સહજાનંદ એક મહાન સુધારક છે, ધર્મચક્રના પ્રવર્તક છે અને ઉજ્જ્વલ રાષ્ટ્રવિધાનના પયગંબર છે.'
9. શ્રી મહેંદીનવાઝ જંગ, ભૂતપૂર્વ ગવર્નરશ્રી, ગુજરાત રાજ્ય, લખે છે કે--
'સ્વામિનારાયણના ઉપદેશો પાણીના વહેતા પ્રવાહ જેવા સ્વચ્છ અને નિર્મળ તેમ જ બધાને ઉપયોગી થાય તેવા છે. માણસ ગમે તે જ્ઞાતિ કે ધર્મનો હોય પણ તેને સત્યનું દર્શન કરાવવાને પ્રકાશની જરૂર હોય છે, અને જે આવો દિવ્ય પ્રકાશ આપે તે ભગવાન કે પયગંબર હોય.'
10. સમર્થ ચિંતક શ્રી કિશોરલાલ મશરૂવાલાએ શ્રી સ્વામિનારાયણના અવતારકાર્યની મૂલવણી કરતાં લખ્યું છે કે--
'જે સમયે કચ્છ, ગુજરાત અને કાઠિયાવાડમાં અંધકાર છાઈ રહ્યો હતો, તે વખતે શ્રી સહજાનંદ સ્વામીએ લગભગ 30 વર્ષ સુધી સતત પરિશ્રમ લઈ લોકોને શુદ્ધ માર્ગે ચઢાવ્યા; પોતાના પ્રતાપથી અનેકનાં હૃદયોને પ્રકાશ પમાડ્યો. ઊંચી, હલકી, હિન્દુ, અહિન્દુ સર્વ કોમોને પોતાનો સંદેશો પહોંચાડવા એમણે જે યોજક બુદ્ધિ ખર્ચી, જોખમો ખેડ્યાં અને સાધકો તૈયાર કર્યા તે બુદ્ધદેવની સ્મૃતિ કરાવે છે. પોતાના કાળના પ્રસિદ્ધ પુરુષોમાં સહજાનંદ સ્વામી સૌથી મહાન હતાં. તે કાળના મુમુક્ષુઓને પુરુષોત્તમ તરીકે ઉપાસના કરવા યોગ્ય હતા. જો અવતારો પૃથ્વી પર થતા હોય તો એમને અવતાર સંજ્ઞા બેશક અપાય.'
11. મહાકવિ ન્હાનાલાલ જણાવે છે કે--
'શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય? એ ધર્મમાર્ગ છે આચારસ્વચ્છતાનો, વિધિસ્વચ્છતાનો, ઉપાસનાસ્વચ્છતાનો, વ્યવહાર-સ્વચ્છતાનો, અને સર્વદેશીય આંતર્બહિર્ સ્વચ્છતાનો. ભાંગ, ગાંજો, તમાકુ આદિ ત્યજાવી શ્રીજીએ ગૃહસ્થીનાં જીવન નિર્માદક કીધાં, રંગેલાં તૂંબડા ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધા, બાઈભાઈનાં દર્શનદ્વાર નિરનિરાલાં સ્થપાવી શ્રીજીએ દેવ મંદિરોને પવિત્ર કીધાં, પંચ વર્તમાન ધરાવીને અનુયાયીઓને આચારશુદ્ધ કીધા, શિક્ષાપત્રી આપી વ્યવહારશુદ્ધ કીધા, વચનામૃતો સંભળાવી જ્ઞાનશુદ્ધ કીધા, પ્રેમભક્તિ વરસાવી અંતરશુદ્ધ કીધા, પર્વોત્સવો-સમૈયા ઊજવી જનતામાં ઉત્સાહ ઊભરાવ્યો; ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજાવિધાન, પારણાં, હિંડોળા, વસંતપંચમી, જન્માષ્ટમીના વૈષ્ણવી મહોત્સવો, જલઝીલણી ને રામનવમીના સમારંભો કરી જનતાને જગાડી. પરિવ્રાજકની પેઠે ગામડેગામડે ઘૂમી જનતાને ઉમંગી કીધી, ભાવહિંડોળે હીંચકાવી પ્રજાને ઉત્સાહ પાયો, સંસારને સજીવન કીધો. સ્વામિનારાયણે શું કર્યું એ ઇતિહાસપ્રશ્નનો ઉત્તર એક જ સૂત્રમાં પૂછો તો એટલો જ છે કે શ્રીજીમહારાજે ગુજરાતને સરયૂ નીરથી ધોઈ બ્રહ્મભીનો કીધો. નવયુગના પ્રભાતના સ્વામિનારાયણ પ્રભાતસૂર્ય હતા.'