પ્રસંગ : ૧૦૨

માનવીના જીવનમાં પુસ્તક અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. પુસ્તકથી માનવીનું વ્યક્તિત્વ ઘડતર થાય, ચારિત્ર ઘડતર થાય, માનસિક તેમ જ બૌદ્ધિક વિકાસ થાય. સંકુચિત મનોદશામાંથી બહાર નીકળી માનવી વિશાળ દ્રષ્ટિ ધરાવતો થાય. પુસ્તક જીવનમાં સાચા મિત્રની ખોટ સારે છે. દરેક ક્ષેત્રે પુસ્તક ઉપયોગી થઈ પડે છે. શારીરિક-માનસિક, સામાજિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક ગમે તે ક્ષેત્ર હોય પુસ્તક દ્વારા માનવી પોતાના વિચારો રજૂ કરી શકે છે. તેમ જ બીજાના વિચારો જાણી શકે છે. સાચા-ખોટાનું મૂલ્યાંકન કરી શકે છે. આમ પુસ્તકો ઘણા જ મહત્ત્વના છે.

મામા શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા તે વખતે પણ પોતાની ટૂંકી આવકમાંથી બચત કરીને પણ સારા પુસ્તકો વસાવતા. તે એટલા માટે કે જેઓને વાંચવાનો શોખ હોય, પરંતુ ખરીદી શકે તેમ ન હોય તેઓ વાંચીને જ્ઞાન મેળવી શકે. આ સીલસીલો છેવટ સુધી ચાલુ રહ્યો. અને અત્યારે તે એક પુસ્તકાલયના રૂપમાં સૌના લાભાર્થે ખુલ્લો મુકાયેલ છે. મામા દ્વારા ઘણાં પુસ્તકોની ખરીદી થઈ હોવાથી પ્રકાશકો, વિક્રેતાઓ મામાને સારી રીતે ઓળખતા. તેમાં નવભારત સાહિત્ય મંદિર, સસ્તું કિતાબઘર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, સસ્તું સાહિત્ય, આર.આર. શેઠની કંપની વગેરે મુખ્ય હતા. તેઓને મામા સાથે ઘણીવાર વાર્તાલાપ થતો ત્યારે ગમે તે વિષય હોય, ગમે તેનું લખેલું પુસ્તક હોય મામા તે દરેક વિશે સવિસ્તાર તેઓ સાથે ચર્ચા કરી શકતા, ત્યારે તેઓ કહેતા, "નારાયણભાઈને કેટલા બધા પુસ્તકોનો અસાધારણ અભ્યાસ છે. સ્વામી વિવેકાનંદ જેવી તેમની સ્મૃતિ શક્તિ છે. આવી સ્મૃતિ શક્તિ ભાગ્યે જ કોઈમાં હોય. દરેક વિષયનું ઝીણવટપૂર્વકનું જ્ઞાન તેઓ ધરાવે છે. આથી પુસ્તક હાથમાં લેતાં જ અંદરના એકાદ પાના પર નજર નાખે ને તેમને તરત ખ્યાલ આવી જાય છે કે કયા પ્રકારનું પુસ્તક છે અને તે ખરીદવા જેવું છે કે નહિ. એ પુસ્તક વિશેની બધી જાણકારી તેમની પાસે હોય, ત્યારે જ તેઓ આ રીતે પુસ્તક ખરીદી શકે. બાકી બીજી કોઈ વ્યક્તિ એકાદ પાનું ફેરવી પુસ્તક વિશે માહિતગાર ન થઈ શકે. તેઓ દરેક પુસ્તક આ રીતે જ ખરીદે છે. આવું અમે નજરે જોયું છે. કોઈક વખત અમે પુસ્તક વિશે માહિતી પૂછીએ તો તરત અમને આપતા."

આવી રીતે એકાદ પાનું ફેરવી લઈને જ મામાએ પુસ્તકાલય માટે ઉત્તમમાં-ઉત્તમ વીસ હજાર જેટલા પુસ્તકો ખરીદ્યાં છે. એક વખત સેવકે પુસ્તકના આવા અગાધ જ્ઞાન વિશે મામાને પૂછતાં મામાએ જવાબ આપ્યો, "મેં આટલા બધા પુસ્તકો ખરીદ્યાં, પરંતુ વાસ્તવિકતા એ છે કે મેં આમાંનું એક પણ પુસ્તક ક્યારેય વાંચ્યું નથી. સાંપ્રદાયિક ગ્રંથોનો અભ્યાસ પણ મેં કર્યો નથી. મારે તેની આવશ્યકતા નથી. દરેક પુસ્તક તેમ જ ગ્રંથોનું જ્ઞાન મને સહજ છે. પુસ્તક હાથમાં લઉં ને મને ખ્યાલ આવી જાય છે કે પુસ્તક કેવું છે? આથી સારું હોય તો પુસ્તક ખરીદી લઉં છું."

પૂર્ણ સ્થિતિને પામેલા અનાદિમુક્ત હોય તેઓને બધું જ્ઞાન સ્વયંસ્ફૂરિત હોય છે. મહારાજ જાણે તેટલું તેઓ જાણતા હોવાથી પુસ્તકો વાંચી તેનો અભ્યાસ કરવાની તેમને આવશ્યકતા રહેતી નથી. અને છતાંય કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ તેમની પાસે સમસ્યા લઈને આવે, ત્યારે પ્રશ્નને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં રાખી સમસ્યા સમાધાન કરી સચોટ રીતે સમજાવતા. જેમને બધું હસ્તામળ હોય તેમને પુસ્તકોનો અભ્યાસ કરવાની ક્યાં આવશ્યકતા રહે!