પ્રસંગ : ૬૯
મનુષ્ય દેહ મળ્યા પછી જીવે કરી-કરીને કરવાનું હોય તો તે એક જ વસ્તુ છે અને તે છે પરમકૃપાળુ પરમાત્માની પ્રસન્નતાના સાધન કરી, તેમની વધુ નજીક પહોંચવું, તેને પામવું અને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી. જ્યાં સુધી એ પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી આ લોકમાં વારંવાર આવી પ્રયત્નો કર્યા જ કરવા પડે છે. એ પ્રાપ્તિ થયા પછી સઘળું બંધ. પછી એ દિવ્ય સુખ માણ્યા કરવાનું બસ માણ્યા જ કરવાનું. આ વાત દરેક શાસ્ત્ર કહે છે. મોટા-મોટા મુક્તો પણ આ વાત કહે છે અને પોતાના જીવન દ્વારા ચરિતાર્થ કરી બતાવે છે.
બાપાએ પણ પોતાના સમગ્ર જીવન દ્વારા આ જ વાત કહી, "કે આ કરો, આ કરો બીજું બધું પડ્યું મૂકો." મામા પણ આ જ વાત સમજાવતા કે અનંત જન્મો સુધી બાહ્ય વૃત્તિ કરતા આવ્યા છીએ. ત્યારે કદાચ સમજણ ન થઈ હોય, પરંતુ અત્યારે તો એ હાથ આવી છે. એને સમજાવનારા મળ્યા છે, તો હવે આળસ-પ્રમાદ મૂકી પ્રભુ પ્રાપ્ત કરી લેવા. દરેક મોટા પુરુષો આ વાત કહી ગયા છે અને કહે છે. ત્યારે અને અત્યારે પણ જે ખરા મુમુક્ષુ જીવ હોય તેમણે એ વાત પકડી અને મંડી પડ્યા હોય તો તેમને સાધના પથ પર જરૂરથી સહાય મળી રહી હોય. એ હકીકત છે કે, મુક્ત પ્રગટ બિરાજતા હોય એ વખતે સાધના કરવાથી ઘણો ફરક પડી જાય છે. જોઈતું માર્ગદર્શન મળી રહે છે. મુક્તના આશીર્વાદ મળે છે અને તેમનો રાજીપો પ્રાપ્ત થતાં એ માર્ગે સહેલાઈથી આગળ વધી શકાય છે.
આવું જ્ઞાન મામાના એક સેવકને હોવાથી તેને મનમાં એમ રહ્યા કરે કે મામા બિરાજે છે ત્યાં સુધીમાં તેમના આશીર્વાદ મેળવી મારે મહારાજનું ધ્યાન કરી મૂર્તિ સિદ્ધ કરી લેવી. અનાદિમુક્ત પ્રત્યક્ષ હોય ત્યારે વાત જુદી થઈ જાય છે અને તેમાંય બળદિયા જેવા ધામમાં બાપાના જ ઘરમાં જો ધ્યાન કરવાનો અવસર મળે તો ધન્ય થઈ જવાય. આવા સંકલ્પો સેવકને ઘણા સમયથી થયા કરે. પોતે મામાની સેવામાં હોવાથી મામાની સેવા મૂકી કઈ રીતે જવાય? એવા સંકલ્પો પણ થયા કરે, પરંતુ સાથે-સાથે એવું પણ મનોમંથન થયા કરે કે, અનાદિમુક્ત જીવો પ્રભુજીને પામે તેવા આશયથી જ પૃથ્વી પર પધાર્યા હોય અને આપણે પુરુષાર્થ ન કરીએ-પાત્ર ન થઈએ તો મુક્ત કઈ રીતે સહાય કરે? મારે પુરુષાર્થ તો કરવો જ રહ્યો. આમ સંકલ્પ-વિકલ્પ ચાલ્યા કરે. એક દિવસ તેણે મામાને પોતાના મનોમંથન વિશે વાત કરી. મામા કહે, "તમે ખુશીથી જાઓ હું ભલામણપત્ર લખી આપીશ. તમને બાપાશ્રીનું ઘર ખોલી આપશે." સેવકના ચહેરા પર ખુશીને બદલે હજી પણ મૂંઝવણના ભાવો ડોકાઈ રહ્યા હતા. મામાએ કહ્યું, "તમારી જે કાંઈ મૂંઝવણ હોય તે કહો." સેવક કહે, "હું અમદાવાદથી બળદિયા એટલે દૂર જાઉં તો ખરો, ત્યાં રહી સાધના પણ કરું, પરંતુ સાધના દરમ્યાન મને કોઈ મૂંઝવણ થાય, કોઈ માર્ગદર્શનની આવશ્યકતા પડે તો એટલે દૂરથી કઈ રીતે આપની સહાયતા લઉં? આવા કેટલાય પ્રશ્નોથી મન મૂંઝાયા કરે છે. સાધના પથ પર અનાદિમુક્તનું માર્ગદર્શન આવશ્યક છે. તેમના માર્ગદર્શન વગર જરાય આગળ વધી ન શકાય તેનું મને જ્ઞાન છે. આથી હું જરા વિચારમાં પડી ગયો છું." મામા હસ્યા કહે, "સ્થળ અને સમયનું તારે આવરણ છે. મારે ક્યાં એવા કોઈ આવરણ છે. તું અહીં ન આવી શકે, પરંતુ હું તો અહીં રહ્યા થકા પણ તને ત્યાં માર્ગદર્શન આપી જ શકું ને! મને ક્યાં કાંઈ નડે છે. મને નહિ ખબર પડે કે ક્યારે તને કેવા પ્રકારના માર્ગદર્શનની આવશ્યકતા છે? મારે ક્યાં તારા કહેવાની રાહ જોવી પડે તેમ છે. તારે જ્યારે જે પ્રકારના માર્ગદર્શનની આવશ્યકતા પડશે, ત્યારે તેવું માર્ગદર્શન તને હું આપી દઈશ. તને એમ લાગે છે કે એ માટે મારે ત્યાં આવવું પડશે? અહીં રહ્યા થકા હું નહિ કરી શકું?" સેવક ભાવવિભોર થઈ મામાના પગમાં પડી ગયો કહે, "ગુરુદેવ, મારી ભૂલ થઈ. આપ કેવા સમર્થ છો. આવરણેરહિત, નિરાવરણ દિવ્ય સ્થિતિવાળા છો, અંતર્યામી છો, સાચા માર્ગદર્શક છો. સાધનામાં નડતી ગૂંચ ઉકેલવામાં આપ જ મને સમર્થ લાગો છો. તેવું જ્ઞાન હોવા છતાં હું અલ્પમતિ અત્યારે સંકલ્પ કરી બેઠો. માટે મને ક્ષમા કરશો. હવે હું નિશ્ચિંત થઈ જાઉં છું. આપ મને આવશ્યકતાનુસાર માર્ગદર્શન આપશો જ તેવી મને ખાતરી થઈ છે."
અનાદિની સ્થિતિને પ્રાપ્ત મુક્તમાં મહારાજના સર્વ કલ્યાણકારી ગુણો આત્મસાત થયેલા હોય છે. આથી તેમના માટે કોઈ કાર્ય અશક્ય નથી. સાધના પથ પર આગળ વધવા ઇચ્છુકને પ્રત્યક્ષરૂપે, કે તેના મનમાં પ્રેરણા ઉદભવિત કરીને, કે સ્વપ્નમાં દર્શન આપીને કે પછી બીજા એવા કોઈ સાધક પાત્રને પ્રેરણા આપીને ગમે તે રીતે તે મુમુક્ષુ જીવને માર્ગદર્શન પૂરું પાડી તેને સાધના પથ પર આગળ વધવા બળ પ્રેરે છે.