પ્રસંગ : ૭૨

અનાદિમુક્તને વિશે ખરો ભાવ હોય અને સાચા ભાવે પ્રાર્થના કરવાથી ચમત્કારિક રીતે કાર્યો પાર પડતા હોય છે. અને જીવો મુસીબતમાંથી બહાર નીકળી આવતા હોય છે.

સંપ્રદાયના એક કચ્છી હરિભક્તને બે હાર્ટએટેક આવી ગયેલા અને બાયપાસ સર્જરી કરાવવી પડે તેમ હોવાથી તેઓ મામાના આશીર્વાદ લઈ ઑપરેશન કરાવવા ગયા. ઑપરેશન દરમ્યાન અચાનક તેમનું હાર્ટ ચાલતું બંધ થઈ ગયું. ઑપરેશન કરનાર ડૉક્ટર મૂંઝવણમાં મૂકાઈ ગયા કે હવે શું કરવું? ડૉક્ટર પોતે પણ મામાના મહિમાવાળા હતા. તેઓ જાણતા હતા કે પૂર્ણ મુક્તના સામર્થ્ય પાસે વિજ્ઞાન કોઈ વિસાતમાં નથી. જ્યાં વિજ્ઞાન પાછું પડે છે, ત્યાં મુક્તના આશીર્વાદ કામ કરી જાય છે. આવું દ્રઢપણે માનતા હોવાથી તેમણે મામાને તાત્કાલિક ફોન કર્યો ને હકીકતથી વાકેફ કર્યા. મામાએ આશીર્વાદ આપતાં કહ્યું, "મહારાજ બધું સારું કરશે અને ઑપરેશન પણ સફળ થશે. મહારાજને સંભારી ઑપરેશન ચાલુ રાખો." ડૉક્ટરને વિશ્વાસ બેઠો કે હવે વાંધો નહિ. મુક્તરાજને પ્રાર્થના પહોંચી ગઈ છે અને તેમણે સફળતાના આશીર્વાદ આપી દીધા છે, માટે હવે વાંધો નહિ આવે. અને થયું પણ તેવું જ. થોડી જ વારમાં હરિભક્તનું હૃદય ફરી પાછું ધબકતું થઈ ગયું અને ઑપરેશન સફળ રહ્યું. હાલ પણ તેઓ સ્વસ્થ છે અને પોતાની બધી ક્રિયાઓ કરી શકે છે.

અત્યારના વૈજ્ઞાનિક યુગમાં પણ મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ હવે ધીમે-ધીમે આધ્યાત્મિક શક્તિ, પ્રભુની દિવ્ય શક્તિને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. પ્રાર્થનાના મહત્ત્વને સમજી રહ્યા છે. અને માનતા થયા છે કે પ્રાર્થનાથી અશક્ય લાગતું શક્ય બની શકે છે.