ઉપસંહાર

શ્રીજીમહારાજ દયાના સાગર, કરુણામૂર્તિ હોઈ જીવોના કલ્યાણ કરવાના એક માત્ર હેતુથી દયાએ કરીને પોતાના અનાદિમુક્તને પૃથ્વી ઉપર મોકલે છે. અનાદિમુક્ત જીવોના કલ્યાણ કરવાની શ્રીજીમહારાજની એ આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરે છે. તેમનું વર્તન, તેમની વાણી, તેમનો વ્યવહાર, તેમનું સમગ્ર વ્યક્તિત્વ અને તેમનું સમગ્ર જીવન જીવોના કલ્યાણ અર્થે, જીવોના આધ્યાત્મિક ઉત્કર્ષ હેતુ જ હોય છે. અનાદિમુક્તની ખરી મહાનતા તો પાત્ર જીવને શ્રીજીમહારાજના સુખે સુખિયા કરવાના સામર્થ્યમાં રહેલી છે. અનાદિમુક્ત પોતે પૂર્ણ સ્થિતિને પામેલા હોવાથી એક એવા ભોમિયા છે જે ભગવાનના દિવ્ય સુખને પામવાના માર્ગથી સુપેરે પરિચિત હોવાથી જીવોને સાચો રાહ દર્શાવી, મહારાજના દિવ્ય સુખને પામવામાં સાચા મદદગાર સાબિત થાય છે.

પોતે આવા સમર્થ હોવાથી આ લોકના જીવો પર આવતી આર્થિક, સામાજિક, વ્યાવહારિક મુશ્કેલીઓ દૂર કરી, આશીર્વચનો વરસાવી જીવોને ભગવાન તરફ વધવા પ્રેરણા પૂરી પાડે છે. તેઓ જીવો પર દયા લાવી જે સહજ વર્તન કરે છે તે આ લોકમાં ચમત્કારમાં લેખાય છે. આવા ચમત્કારો જોઈને જ સીમિત બુદ્ધિ ધરાવનારા આ લોકના જીવો અનાદિમુક્તની મહાનતાને આંકે છે.

આપણા સૌના લાડીલા મામાએ પોતાના સમગ્ર જીવન દરમ્યાન જીવોનું આધ્યાત્મિક ઊર્ધ્વીકરણ થાય તેવા પ્રયત્નો કર્યા. આથી આપણે સૌએ આપણા જીવનું સાચા અર્થમાં આધ્યાત્મિક ઊર્ધ્વીકરણ થાય તેવા પ્રયત્નો કરતા રહી મામાએ જીવો પર દયા લાવી તેમને જે મદદ કરી આપણને જીવનભરના જે સંભારણા કરી આપ્યા છે તેને વાગોળી મામાની મહાનતા વિચારી આપણા જીવનમાં પણ તેવા ગુણો આવે તેવા પ્રયત્નો કરતા રહીશું તો તેમના આશીર્વાદ આપણા પર સદાય વરસતા રહેશે.

અનાદિમુક્તને અમસ્તા જ દયાળુ નથી કહ્યા, તેઓની કૃપા સદાય આપણા પર વરસતી રહે છે તે ફક્ત કહેવા માત્ર કે શબ્દો માત્ર નથી, પરંતુ ખરેખર તેમ થાય છે. એક રહસ્યની વાત એ છે કે અનાદિમુક્ત જ્યારે પૃથ્વી પરથી અદ્રશ્ય થવાનો સંકલ્પ કરે છે ત્યારે જીવોને નોંધારા નથી મૂકી દેતા. વાતાવરણમાં પોતાના આશીર્વાદ તેમના બળવાન સંકલ્પ દ્વારા મૂકીને જાય છે. જે તેમને મહિમાએ સહિત સંભારનારા પર સદાય વરસતા રહે છે. આથી આપણે સૌએ બીજે ક્યાંય પણ ભટક્યા વગર, ક્યાંય બીજે શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા વગર મામાએ શીખવ્યા પ્રમાણે એક સ્વામિનારાયણ ભગવાનમાં જ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેમને સંભારવા, તે મૂર્તિ પામવાનો પુરુષાર્થ કર્યા કરવો. તેમણે શીખવ્યા પ્રમાણે આદર્શ જીવન જીવવું. તેમના અનંત કલ્યાણકારી ગુણોમાંના કિંચીત આપણામાં પણ ઉતરે તેવું જીવન જીવી તેઓ આપણા માટે મૂકી ગયેલા આશીર્વાદના સદાય હકદાર બની રહીએ. તેવું કરીશું ત્યારે મામાએ આપણા ઉપર કરેલા અનંત ઉપકારોનું કાંઈક ઋણ અદા કર્યું કહેવાશે.