પ્રસંગ : ૧૦૮
મહારાજ અને મહારાજના અનાદિમુક્તના આશીર્વાદથી રોગ દૂર થાય છે, આર્થિક, સામાજિક, કૌટુંબિક વગેરે મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે કે દૂર થઈ જાય છે. અશક્ય કાર્યો શક્ય બને છે. વ્યક્તિનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે, તેની પ્રકૃતિ બદલાઈ જાય છે. દરેક કાર્ય સિદ્ધ થાય છે અને સૌથી અગત્યનું આધ્યાત્મિક ઉન્નતિમાં તેમના આશીર્વાદ પુષ્ટિ કરતા બની રહે છે. આ બધું જ સત્ય છે, પરમ સત્ય છે, પરંતુ એ ક્યારે શક્ય બને? જ્યારે આશીર્વાદમાં પૂર્ણ શ્રદ્ધા હોય અને આશીર્વાદ આપનારમાં મહિમાએ સહિત સંપૂર્ણ વિશ્વાસ હોય, ત્યારે જ એ વાત બને છે.
મામાને ત્યાં એક હરિભક્ત ઘણી વખત દર્શને આવતા. જીવનમાં તેમને ખાસ કહી શકાય તેવી કોઈ તકલીફ નહિ. મામા પાસે જ્યારે આવે, ત્યારે વારંવાર આશીર્વાદ માગ્યા કરે. મામા દર વખતે આશીર્વાદ આપે. કોઈ વખત કહે પણ ખરા, "હજી હમણાં જ તો તમે આવ્યા હતા. પાછા આવ્યા? તમને તો આશીર્વાદ છે જ." છતાં હરિભક્ત સમજે નહિ અને વારંવાર આવ્યા કરે. એક દિવસ મામાએ તેમને પાસે બેસાડ્યા ને કહ્યું "હું જે વાત કહું છું તે બરાબર સમજજો દુઃખ લગાડતા નહિ. તમે સમજુ છો અને વાત સમજી શકો તેમ છો માટે કહું છું. મહારાજ કે મહારાજના અનાદિમુક્તના આશીર્વાદની જીવનમાં એક જ વખત જરૂર પડે છે. એક વખત આશીર્વાદ મળી ગયા, પતી ગયું. વારંવાર આશીર્વાદની આવશ્યકતા રહેતી નથી. એક વખત જીવ મુક્તની નજરમાં ચડે એટલે મુક્ત તેનું કાંડુ ઝાલી લે. પછી તેને છોડતા નથી. જીવ છોડવવા ઘણા પ્રયત્નો કરે છતાં છોડતા નથી. જીવની દરેક રીતે રક્ષા કરી જીવને ઠેઠ મહારાજની મૂર્તિમાં પહોંચાડે છે. બીજા સામાન્ય જીવોની જેમ બોલવા ખાતર નથી બોલતા. મુક્ત ખરેખર આશીર્વાદ આપે છે. જીવની સાથે એ આશીર્વાદ કાયમ રહે છે. પણ એ ક્યારે બને, જ્યારે આશીર્વાદ આપનારમાં અને આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય. એ બંનેમાં વિશ્વાસ નથી, તો એનો અર્થ એ થયો કે ભગવાનમાં પણ પૂર્ણ વિશ્વાસ નથી. કારણ કે મુક્ત દ્વારા આશીર્વાદ ભગવાન આપે છે. આશીર્વાદ ઝીલનાર યોગ્ય પાત્ર ન હોય તો આશીર્વાદ પાછા મૂર્તિમાં લીન થઈ જાય છે. બીજી વખત આશીર્વાદની જરૂર એટલા માટે પડે છે કે મનમાં ઢચુ-પચુ છે. આશીર્વાદ કામ કરશે કે નહિ? આશીર્વાદ સત્ય છે કે કેમ? આવા અનેક સંકલ્પ-વિકલ્પ મનમાં ચાલ્યા કરે છે. જેથી અવિશ્વાસ ઉત્પન્ન થાય છે.
જેવો આશીર્વાદમાં અવિશ્વાસ આવે કે તરત આશીર્વાદ પાછા જતા રહે છે. આ વૈજ્ઞાનિક સત્ય છે. જે રીતે લાઈટ ચાલુ કરવા બટન દાબો છો અને જેવું બટન બંધ કરો કે તરત લાઈટ બંધ થઈ પાછી ચાલી જાય છે, તેવી રીતે જેવો અવિશ્વાસ થયો કે તરત આશીર્વાદ પાછા જતા રહે છે. માટે બીજી વખત આશીર્વાદની આવશ્યકતા ઊભી થાય છે.
જ્યારે આશીર્વાદ મેળવવા જવું, ત્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે જવું. આશીર્વાદ મેળવ્યા પછી તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી તો જ કામ બને. અશ્રદ્ધા સાથે આવવાથી બંને પક્ષે સમય અને શક્તિ વેડફાય છે. કાર્યસિદ્ધિ થતી નથી. માટે ઢચુ-પચુ ક્યારેય કરવું નહિ. ભગવાન મળ્યા છે તેની ખુમારી રાખવી. તેમનો જેમ છે તેમ મહિમા સમજવા પ્રયત્નો કરવા. ભગવાન અને મુક્ત તો સદાય સાથે જ છે. ક્યાંય ગયા નથી. જો શ્રદ્ધા હોય તો અનુભવ થયા વગર રહેતો નથી. શ્રદ્ધા નથી તો આશીર્વાદ પાછા મૂર્તિમાં લીન થઈ જાય છે. સાવ સાદો હિસાબ છે, બરાબર છે ને?" હરિભક્ત વાત બરાબર સમજી ગયા હતા. મામાને પગે લાગી બોલ્યા, "તમે સાચા ગુરુ છો મારી ઊણપ ઓળખાવી. હવેથી આશીર્વાદમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીશ વારંવાર આવી આપને પરેશાન નહિ કરું."
"સત્પુરુષ વાક્યં ન ચલતિ ધર્મ" મુક્તના વચનો, તેમના આશીર્વાદ ક્યારેય ખાલી જતા નથી. એ યાદ રાખી તેમના આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો આજે પણ મામા સદાય આપણી સાથે જ છે. તેમના આશીર્વાદ આપણી સાથે છે. તેમનો રાજીપો સદાય આપણા પર વરસતો રહે છે તેવું અનુભવાયા વગર રહેશે નહિ. માટે બીજે ક્યાંય ભટક્યા વગર તેમના વચનો અને આશીર્વાદમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી મહારાજની પ્રસન્નતાના સાધનો કરવા મંડ્યા રહેવું તે જ આપણું કર્તવ્ય! એ જ તેમનું ઋણ અદા કરવાનો ઉપાય!