પ્રસંગ : ૬૦

મામાને જ્યારે કચ્છ કે મૂળી જેવા ધામોમાં જવાનું થાય, ત્યારે મોટા ભાગે તેઓ મોટરકારમાં મુસાફરી કરતા. અંતર લાંબુ થઈ જાય, પરંતુ મોટરકારમાં પોતાના સમયે નીકળી શકાય, પોતાના સમયે પાછું ફરી શકાય આથી મામાને મોટરકાર વધુ અનુકૂળ પડતી.

એક સમયે મામા મોટરકારમાં કચ્છ જવા નીકળ્યા હતા. અમદાવાદથી નીકળતાં જ મોડું થઈ ગયું હોવાથી તડકો થઈ ગયો હતો. મુસાફરી શરૂ થતાં જ સાથેના સેવકો અંદર-અંદર ધીમા અવાજે વાતો કરવા લાગ્યા, "આજે નીકળતાં મોડું થયું છે અને લાંબો રસ્તો કાપવાનો છે. આખા દિવસનો તડકો મોટરકારમાં કાઢવો પડશે." આમ વાતો કરે ને બહુ ગરમી છે, ગરમી છે, એમ બોલ્યા કરે. મામા તો સહેજ પણ અકળામણ વગર શાંતિથી આંખો બંધ કરી મહારાજ સંભારતા બેઠા હતા. સેવકો ગરમીથી અકળાઈ ગયા. મામાને જુએ તો મામાના મુખારવિંદ પર અકળામણના કે વધુ ગરમીના કોઈ જાતના ભાવ દેખાય નહિ. મુસાફરી શરૂ કરી એ વખતે મુખારવિંદ જેવું તાજગી ભરેલું હતું તેવું ને તેવું જ દેખાય. આ જોઈ સેવકો નવાઈ પામે. સેવકો ગરમી-ગરમી કર્યા કરે. મામા કહે, "મહારાજ સંભારવાની બદલે બેઠા ત્યારથી ગરમીને જ સંભાર-સંભાર કરો છો પછી ગરમી લાગે કે બીજું કાંઈ? બેઠા ત્યારથી માળા ફેરવતા હોય તેમ ગરમીનું રટણ કરો છો." સેવકો કહે, "આજે તાપ ઘણો છે તેથી ગરમી વધુ પડે છે, એટલે અમારાથી તે સહન થતી નથી. અને હજી ઘણું લાંબું અંતર કાપવાનું બાકી છે. એ વિચારે જ અકળાઈ જવાય છે." એક સેવકે મામાને પૂછ્યું, "આપના ચહેરા પર ગરમીના કોઈ ભાવ કેમ જણાતા નથી?" મામા કહે, "હું તો મહારાજના સુખમાં સદાય ગુલતાન રહું છું. એટલે ટાઢ-તડકો કાંઈ લાગતું જ નથી. તમે પણ મહારાજ સંભારો એટલે ગરમીનો અનુભવ નહિ થાય." સેવક કહે, "મામા, આપના જેવું સુખ અમને ક્યાં આવે છે? એ આવતું હોય તો-તો શું વાત! અત્યારે તો એક ગરમી સાંભરે છે. મહારાજ તો ક્યાંય સાંભરતા નથી. તમારા જેવું અમારાથી ન રહી શકાય." આવું સાંભળી મામા હસ્યા કહે, "ચાલો મહારાજને પ્રાર્થના કરીએ કે ગરમી ઓછી કરે." સેવક પણ હસ્યો કહે, "મહારાજ તો તમારું સાંભળે છે, અમારું ક્યાં સાંભળે છે? તમે કહો તો કાંઈક કરે." આવી રમૂજ સાંભળી મામા પણ હસવા લાગ્યા.

મામા આંખો બંધ કરી થોડીવાર બેઠા અને અચાનક જ ક્યાંકથી વાદળો આવ્યા ને બધાને ઠંડકનો અનુભવ થયો. બધા કચ્છ પહોંચ્યા ત્યાં સુધી વાદળો છાંયડો કરતા રહ્યા. બધાને ગરમી ઓછી થઈ અને મુસાફરીમાં સુખ આવ્યું. કચ્છ પહોંચ્યા એટલે બધા વાદળો ગાયબ! એક સેવકે મામાને પૂછ્યું, "મામા, આમ અચાનક વાદળો ક્યાંથી આવ્યા હશે? અને અત્યારે તો આકાશમાં એક વાદળુંય દેખાતું નથી." મામા કહે, "તમે ગરમી-ગરમીનું રટણ કર્યા કરતા હતા તે મેં મહારાજને પ્રાર્થના કરી તમારા માટે છાંયડો કરાવી તમને ઠંડકનો અનુભવ કરાવ્યો."

સેવકો અચરજ પામ્યા કે ઓ...હો! સંકલ્પ માત્રમાં વાદળો! અને મુસાફરી પૂરી થઈ એટલે બધા જ ગાયબ! બાપાશ્રી કહે છે ને કે, અનાદિમુક્ત ધારે તે કરે. અનાદિમુક્તથી શું ન થાય? તેનો આ સચોટ દાખલો છે.

સેવકોને બીજી ઘણી મુસાફરીના દિવસો યાદ આવ્યા કે જ્યારે આવી જ રીતે મુસાફરી દરમ્યાન વાદળો આવી જતા હતા. ત્યારે તેઓને આવો ખ્યાલ નહોતો, પરંતુ તે વાદળોનું અચાનક આવવાના રહસ્યની તેઓને આજે જાણ થઈ. સૌ આનંદ પામ્યા કે કોઈ હેરાન ન થાય તે માટે મામા સંકલ્પમાં વાદળો લાવી બધાને શાતા વાળતા. કેવા દયાળુ!