પ્રસંગ : ૮૬

પ્રસંગ એ વખતનો છે જ્યારે મિશનનો નાનો હૉલ તૈયાર થતો હતો. કામ ધમધોકાર ચાલતું હતું. કારીગરો કામ કરતા હતા ને સેવકો જોઈતો માલ-સામાન લાવવો તેની વ્યવસ્થા કરવી વગેરે અનેક પ્રકારની સેવા કરવામાં આખો દિવસ પરોવાયેલા રહેતા. મામાની સૂચના પ્રમાણેના કામમાં દરેક જણ વ્યસ્ત રહેતા. તેમાંય તે દિવસે હૉલનું ધાબું ભરાતું હોવાથી દરેક જણના ભાગે કામ આવ્યું હતું. મજૂરો-કારીગરો બધા સતત કાર્યરત હતા. કલાકો કામ ચાલ્યા પછી ધાબાનું કામ પૂર્ણ થયું ને સૌને કામ પૂર્ણ થયાનો આનંદ થયો. પરંતુ ત્યાં તો અચાનક આકાશમાં વાદળો ઘેરાયા ને વરસાદના મોટા ફોરા પડવા શરૂ થઈ ગયા. સેવકો મૂંઝવણમાં પડી ગયા. હજી તો હમણાં જ ધાબું ભર્યું છે ને જો વરસાદ પડે તો બધી મહેનત નકામી જાય.

આકાશમાં વાદળો બરાબર ઘોરાયા હતા ને ધોધમાર વરસાદ પડશે અને થોડો વરસી રહી જાય તેવું પણ લાગતું નહોતું. સેવકો મામા પાસે દોડ્યા. મામાને વાત કરી કે ધાબું ભરવાનું કામ હમણાં જ પૂરું થયું છે ને આકાશમાં વાદળો બરાબર ઘેરાયા છે. જો વરસાદ વરસશે તો મુશ્કેલીમાં મૂકાઈ જઈશું. આપ દયા આણી આનો ઉકેલ લાવો. મામા વાત સાંભળી બોલ્યા, "આ તો ભગવાનનું કામ થાય છે એમાં ઇંદ્ર વિઘ્ન કરે તે કેમ ચાલે?" સેવકો કહે, "એણે વિઘ્ન કરવાની શરૂઆત કરી દીધી છે. વરસાદના મોટા ફોરા પડવા લાગ્યા છે." મામા ઝડપથી ઘરની બહાર આવ્યા અને જરા ઊંચા અવાજે હાથ ઊંચો કરીને જાણે કોઈને આજ્ઞા કરતા હોય તેવી રીતે સત્તાવાહી અવાજમાં બોલ્યા, "જા જતો રહે અત્યારે કસમયે આવી ભગવાનના કાર્યમાં વિઘ્ન કરે છે. અત્યારે નથી પડવાનું." મામાનું બોલવું પૂરું થયું ને જાણે ચમત્કાર થયો. તરત જ વરસાદ બંધ થઈ ગયો. એક સેવકે મામાને પૂછ્યું, "મામા, તમે આમ અત્યારે કોની સાથે વાત કરી અને કોને વરસાદ બંધ કરવા કહ્યું?" મામા કહે, "એ તો મેં ઇંદ્રને ના પાડી કે હમણાં વરસવાનું બંધ કર. આ તો ભગવાનનું કામ થાય છે." સેવકે પોતાની બુદ્ધિ પ્રમાણે થોડી દલીલ કરી કે "મામા, આમાં ક્યાં ઇંદ્ર આવ્યો? આ તો વૈજ્ઞાનિક રીતે વરાળના વાદળો થાય અને પાણી પડે." મામા કહે, "એ બરાબર છે, પરંતુ તેનું નિયમન કરનારા ઇંદ્ર દેવ હોય છે. જેમને વરસાદના નિયમનનું કાર્ય સોંપાયેલું છે. તેઓ મૂર્તિમાન હોય છે. અને મહારાજના તો ઠીક, પરંતુ મહારાજના અનાદિમુક્તના દર્શન પણ તેને દુર્લભ છે. મહારાજની ઇચ્છાથી તેમને મુક્તમાં રહેલા મહારાજના દર્શન થાય. તેથી અત્યારે એ બે હાથ જોડીને ઊભા હતા કે મહારાજ, આપ જ્યારે આજ્ઞા કરશો ત્યારે જ વરસીશ, ત્યાં સુધી અહીં વરસીશ નહિ.

આ દેવતાઓના સામર્થ્ય આગળ અનાદિમુક્તનું સામર્થ્ય અનંતગણું અધિક છે. આથી તેઓ અનાદિમુક્ત સમક્ષ દીન થઈ રહે છે. જુઓ અત્યારે તરત વરસવું બંધ થઈ ગયું કે નહિ? અત્યારે મહારાજનું કાર્ય થઈ રહ્યું છે તેમાં તે વિઘ્ન નાખે તે કેમ ચાલે? તે તો મહારાજને પણ ન ગમે."

મામાનું આવું સામર્થ્ય જોઈ સેવકો ચકિત થઈ મામાના ચરણોમાં ઝૂકી ગયા.