પ્રસંગ : ૧૦૫

બળદિયા છત્રી સ્થાનમાં અત્યારે જે બાપાશ્રીના જીવન પ્રસંગોનું પ્રદર્શન છે તે પ્રદર્શન તૈયાર કરવા ચિત્રો તૈયાર થતા હતા. ચિત્રો બનાવનાર ભૂજના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી લાલજીભાઈ સોનીનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી મામા તેમને ઘરે પધાર્યા હતા. ચિત્રકાર હરિભક્ત મામાને કહે, "હવે અવસ્થાના હિસાબે તબિયત સારી રહેતી નથી, હાથ બરાબર ચાલતા નથી અને થાક પણ લાગી જાય છે. પ્રદર્શન માટેનું ચિત્રોનું કામ હવે મારાથી થાય તેમ લાગતું નથી." મામાએ તેમના શરીરે અને હાથે સંકલ્પ કરી હાથ ફેરવ્યો અને કહ્યું, "મહારાજ અને બાપાને તમારે હાથે જ આવું મહાન કાર્ય સંપન્ન કરાવવું છે. હવેથી તમે બધું કાર્ય કરી શકશો અને ચિત્રો બરાબર દોરી શકાશે. તમારા પર તો બાપાશ્રીના આશીર્વાદ અને રાજીપો છે. તેમનું આવું સુંદર કાર્ય તમારા દ્વારા જ થશે."

આ એ જ ચિત્રકાર હતા જેમને નાનપણમાં બાપાશ્રીએ રાજી થઈ માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા કે તું મોટો ચિતારો (ચિત્રકાર) થઈશ. એ પ્રમાણે તેઓ મોટા ચિત્રકાર બન્યા. તેમના ચિત્ર બદલ તેમને ભૂ.પૂ. વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી તરફથી એવૉર્ડ પણ મળ્યો હતો. જેમને બાપાશ્રીના આશીર્વાદ હોય પછી મોટા ચિત્રકાર થાય જ ને! એમને અવસ્થાને હિસાબે હાથ બરોબર ચાલતા નહોતા. આથી મામાએ સ્પર્શ ચિકિત્સા કરી આપી આશીર્વાદ આપ્યા. અને તેઓએ તે કાર્ય પૂર્ણ કર્યું. જેનો અત્યારે આપણે સૌ દર્શનરૂપે લાભ લઈ રહ્યા છીએ.