પ્રસંગ : ૭૦

સેવકો પાસે મામા ઘણી વખત વાત કરતા કે, અનાદિમુક્તને આવરણ જેવું કાંઈ હોતું નથી. તેઓ પ્રત્યક્ષ હોય ત્યારે અને અપ્રત્યક્ષ હોય ત્યારે બંને પ્રસંગોએ સરખી રીતે કાર્ય કરી શકે છે. દરેક પ્રસંગોએ તેમની પ્રત્યક્ષ હાજરીની આવશ્યકતા હોતી નથી.

મામા જ્યારે અમદાવાદમાં ઘરે હોય, ત્યારે આખો દિવસ લોક સમૂહ તેમને મળવા આવ્યા જ કરે. કોઈ ન હોય તો કોઈકના ફોન આવ્યા કરતા હોય. હવે કોઈ ઘરે આવે એટલે તે દરેક પાછળ મામાને સમય ફાળવવો પડે. આવનાર લોકોમાં કે ફોન કરનારમાં મોટા ભાગનાને કોઈ મોટો પ્રશ્ન ન હોય. ફક્ત દર્શન માટે અથવા આ લોકની ક્ષુલ્લક વસ્તુઓ માગવા આવ્યા કરતા. આથી મામાને બીજા અગત્યના કામો કરવા માટે સમય ન રહે. આમ થવાથી અગત્યના કાર્યો અટકી પડે અને જેને સમય ફાળવવાનો હોય તેને પૂરતો સમય ફાળવી શકાય નહિ. આથી ઘણી વખત મામા અજ્ઞાતવાસમાં જતા રહેતા. આવે વખતે તેમના અંગત એકાદ-બે સેવકો સિવાય તેઓ ક્યાં છે, તેની કોઈને જાણ રહેતી નહિ. એ સમયે પણ તેમના વિશે ભાવ રાખનારને મામા અચૂક સહાય કરતા. અને એવે વખતે હરિભક્તોને મળવાની કે ફોન કરવાની આવશ્યકતા રહેતી નહિ. અને છતાંય તેમની સમસ્યાનું સમાધાન મળી આવતું. આવા જ કોઈ એક વખતે મામા અજ્ઞાતવાસમાં હતા અને એક હરિભક્તના માતુશ્રીને અંત અવસ્થા જેવું થઈ ગયું. તેઓ સુષુપ્તિ અવસ્થામાં ચાલ્યા ગયા. એ હરિભક્ત મામાને વિશે ભાવ રાખનારા હતા. મામાની હૃદયના ખરા ભાવથી સેવા કરે. તેમના માતુશ્રીએ બાપાશ્રીના દર્શન કરેલા, બાપાશ્રીની સેવા કરેલી અને પોતે ખૂબ ભગવદીય હોવાથી મામાનો તેમના પર વિશેષ રાજીપો હતો. શારીરિક અવસ્થા થતાં તેમને પક્ષાઘાત થઈ જવાથી પથારીવશ થઈ ગયેલાં. એવી અવસ્થામાં પણ મહારાજ-બાપાને સંભાર્યા કરે, મામાને પ્રાર્થના કરે. આખો દિવસ ભજન-ભક્તિ કરી દિવસો પસાર કરે. રોગ મટાડો એવી ક્યારેય પ્રાર્થના કરે નહિ. ધીમે-ધીમે અવસ્થાને હિસાબે સુષુપ્તિમાં સરી પડ્યા હતા. મામા અજ્ઞાતવાસમાં હોવાથી તેમને કઈ રીતે સમાચાર પહોંચાડવા કે અંત વખતે બાને સંભાળી લેજો. ઘરના સર્વેને મૂંઝવણ ઘણી થતી, પણ દરેક જણ મામાને મનોમન પ્રાર્થના કર્યા કરતા હતા. એ વખતે એક સેવક બાની તબિયત જોવા ગયો હતો. થોડીવાર ત્યાં બેઠો એટલે ઘરનાએ કહ્યું, "આમને તો આવી જ અવસ્થા છે. અમે રોજ તેમની પાસે કથા-વાર્તા કરીએ છીએ, પણ કોઈ ફરક પડતો નથી. અત્યારે રાતના નવ વાગી ગયા છે. તમારે જવું હોય તો જાવ અને નહિ તો અહીં ઠાકોર જમાડી લો. સેવકે ઠાકોર જમાડવાની ના પાડી અને કહ્યું, "હું થોડીવાર બેસી પછી જઈશ." સેવક બા પાસે બેસી આંખો બંધ કરી જનમંગલ મંત્ર બોલતા હતા એવે વખતે જ જાણે મામાએ સેવકને દર્શન આપી કહ્યું, "તમે થોડીવાર બેસજો અમે મહારાજ-બાપા સાથે બાને ધામમાં તેડી જઈએ છીએ." આમ દર્શન થતાં સેવકે ઘરના સર્વેને કહ્યું, "આપણે બધા થોડીવાર ભગવાનની ધૂન બોલીએ." બધા ધૂન બોલવા લાગ્યા. સેવકે બાના મુખમાં મહારાજની ચરણરજ મૂકી અને શરીર પર નાંખી. થોડીવારમાં જ બા ધામમાં જતા રહ્યાં.

આમ મામા અજ્ઞાતવાસમાં હોવા છતાં પ્રેમી ભક્તની પ્રાર્થના સાંભળી બાને ધામમાં મૂકી દીધા. કેવું અલૌકિક સામર્થ્ય! કેવો અદભુત પ્રતાપ!!

આપણે આ લોકના જીવો પોતાની સીમિત બુદ્ધિને કારણે એવું વિચારતા હોઈએ કે મામા તો અજ્ઞાતવાસમાં છે તેમને કઈ રીતે જાણ કરવી? અત્યારે તેઓ હાજર હોત કે તેમને સમાચાર પહોંચાડી શકાયા હોત તો ઘણો ફેર પડત, તેઓને પ્રાર્થના પહોંચી ગઈ હોત તો સારું થાત વગેરે કેટલાય સંકલ્પ-વિકલ્પ કરી નાંખીએ, પણ એ જાણતા નથી કે મનોમન કરેલી પ્રાર્થના પણ તેમના સુધી પહોંચી જાય છે. જેઓ નિરાવરણ છે, સમર્થ છે, મનના સંકલ્પો ભૂત-વર્તમાન-ભવિષ્ય ત્રણેય કાળના જાણી જનારા છે. તેઓને પ્રત્યક્ષપણે હાજર રહેવાની ક્યાં આવશ્યકતા રહે છે? ભાવે સહિત પ્રાર્થના કરવાથી પણ તેઓ સહાયતા કરી પ્રત્યક્ષ હાજર હોય તે રીતે સમસ્યાનું સમાધાન આપે છે. એ વાત જુદી છે કે આપણી પાત્રતા ન હોવાથી એ વિશે આપણે જાણી શકતા નથી.

મામા ઘણી વખત સેવકને કહેતા પણ ખરા કે, પ્રત્યક્ષરૂપે મારી હાજરી ન હોય ત્યારે પણ મારે કાર્ય કરવું હોય તો પ્રત્યક્ષપણે હાજર હોઉં તેથી પણ વિશેષ રીતે કાર્ય કરી શકું.