પ્રસંગ : ૯૭

જીવને આ મનુષ્ય જીવનમાં સુખ-દુઃખ, હર્ષ-શોક જેવી પરિસ્થિતિ આવ્યા કરે તેનું નામ જ જીવન. માનવી પોતાની જાતને એમાં ઢાળી દઈ જીવ્યે જતો હોય છે. આવી પરિસ્થિતિમાં આર્થિક સંકળામણ મૂંઝવણ ઊભી કરે છે અને સાથે શારીરિક તકલીફ આવે ત્યારે મૂંઝારાનું ભારણ અનેક ગણું વધી જાય છે.

એક બહેન મામાને ત્યાં આવે. માસી બતાવે તે સેવા કરે અને તેમનો વધુમાં વધુ રાજીપો મળે તેવા પ્રયત્નો કરે. પ્રારબ્ધકર્મે કરીને તેમને ડાબી કીડનીમાં બીમારી થઈ. યુરીક એસિડ હાઈ થઈ જાય. એ સિવાય રિપોર્ટમાં કાંઈ આવે નહિ. આથી ડૉક્ટરે બાયોપ્સી કરાવવાની સલાહ સાથે તીખું-તળેલું વગેરે ખોરાક ન લેવાની પરેજી પણ આપી. બહેન બહુ મૂંઝવણ અનુભવ કરવાં લાગ્યાં. બાયોપ્સી કરાવવાના પાસે પૈસા નહોતા શું કરવું તેના વિચારોમાં થોડા દિવસ વિતાવ્યા કોઈ ઉકેલ ન મળતાં મામા પાસે આવી દિલગીરી સાથે મામાને વિગતે વાત કરી બીમારી તેમ જ આર્થિક પરિસ્થિતિથી મામાને વાકેફ કર્યા. મામાએ બહેનને બધા રિપોર્ટ લઈ બીજે દિવસે આવવા કહ્યું અને કહ્યું, "હું મહારાજને પૂછીને પછી તમને જણાવીશ કે તમારે શું કરવું." બીજે દિવસે બહેન રિપોર્ટની ફાઈલ લઈ મામા પાસે આવ્યાં. મામાએ ફાઈલ મહારાજની મૂર્તિ પાસે રાખી થોડીવાર આંખો બંધ કરી ત્યાં જ ઊભા રહ્યા. થોડીવારે બહેનને કહે, "મહારાજ કહે છે કીડનીની તકલીફ માટે તમારે હૉસ્પિટલ જવું નહિ. દવા કરાવવી હોય તો વૈદની દવા કરાવજો. મહારાજની ચરણરજ પાણીમાં નાખી તે પાણી દરરોજ પીવું. મહારાજ સૌ સારું કરશે. તમારે બાયોપ્સી નહિ કરાવવી પડે." આર્થિક ખર્ચા નહિ થાય તે વાતથી બહેનને ઘણી રાહત થઈ. બહેનને મામાના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. મામાનો મહિમા પણ જાણતાં હતાં. માસી પાસે સેવામાં આવે ત્યારે માસી તેમને મહારાજની પ્રસાદી જમવા આપે. બહેન વિના સંકલ્પે તે પ્રસાદી જમે. તેમાં પરેજીથી વિરુદ્ધ પ્રકારના ખોરાક પણ હોય છતાં જમે, પરંતુ બહેનને ક્યારેય તકલીફ થતી નહિ. આ બાબત મામાના ઘર સુધી સીમિત રહેતી. ચાર મહિના બહેન પ્રસાદી જમ્યા પણ ક્યારેય કાંઈ થયું નહિ. આજે એ વાતને પંદર-સોળ વર્ષ થઈ ગયા છે. કીડનીની તકલીફ બાબતે બહેનને ક્યારેય હૉસ્પિટલ જવું પડ્યું નથી.

પૂર્ણ મુક્તના આશીર્વાદ શું ન કરે! વિશ્વાસ હોય તો બધું શક્ય છે. આર્થિક મૂંઝવણ અનુભવનારને મામા અવશ્ય મદદ કરી તેઓની મુશ્કેલી દૂર કરતા અને ચરણરજથી રોગો મટાડી દેતા.