પ્રસંગ : ૧૦૪
કોઈ પણ સંપ્રદાયમાં થયેલા મોટા પુરુષો ભગવાનને પામવાની જ વાત કરતા હોય છે. તેઓએ જે પ્રાપ્ત કર્યું હોય, જે ઇષ્ટદેવનો તેમને સાક્ષાત્કાર થયો હોય તેને પામવાની વાત તેઓ કરે. પરંતુ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમપણાની વાત જુદી થઈ જાય છે. મામાની વાતોનો મુખ્ય ઝોક પણ સર્વોપરી ભગવાનને પામવું એ જીવનનું અંતિમ લક્ષ છે. તેને પામવાના સાધનો કઈ રીતે કરવા, એ સાધનોમાં ધ્યાન કરવું શ્રેષ્ઠ છે એવો રહેતો. અને સભામાં પણ આ રીતનો જ જ્ઞાનોપદેશ કરતા. તેમના આવા ઉપદેશથી ઘણા એ પથ પર ચાલવા પ્રયત્ન પણ કરતા. આ પથ પર અનુભવીનું માર્ગદર્શન અતિ આવશ્યક છે. નહિ તો ક્યાં અટકી પડ્યા અને શા માટે તે ખબર જ ન પડે અને વર્ષોના વર્ષો નાહક વ્યર્થ જતા રહે.
મામાના પ્રવચન સાંભળી એક હરિભક્તને થયું મારે સાધના કરી મૂર્તિ મેળવી એ મૂર્તિના સુખનો અનુભવ કરવો છે. પ્રવચનમાં સાંભળ્યા પ્રમાણે એમણે પુરુષ પ્રયત્ન શરૂ કર્યા. પરંતુ તેમને અંતઃશત્રુઓ પીડવા લાગ્યા. કામ-ક્રોધ-લોભ આદિ જાણે વધતા હોય તેવું લાગ્યા કરે. જેમ દૂર કરવાના પ્રયત્ન કરે તેમ તે વધુ નડતા ભાસે. આમ થતાં તેઓ ભારે મૂંઝવણમાં મુકાયા. ભયભીત થઈ ગયા કે જ્યાં સુધી આ દોષો દૂર નહિ થાય, ત્યાં સુધી હું સાધના કરી શકીશ નહિ. દોષો ક્યારે દૂર થાય અને હું ક્યારે સાધના કરું. આવું વિચારી મૂંઝાયા કરે. મૂંઝવણનો ઉકેલ મેળવવા તેઓ મામા પાસે દોડી આવ્યા. મામા કહે, "એ અંતઃશત્રુઓ તો જીવ સાથે જોડાયેલી સૂક્ષ્મ ગ્રંથિઓ છે. ચૈતન્યસ્વરૂપે તે અંતઃશત્રુઓનું અસ્તિત્વ હોતું નથી. તેનાથી ભયભીત થવાની જરૂર નથી. સાધનદશામાં તેની સાથે યુક્તિપૂર્વક કામ પાર પાડવું જોઈએ તો તેઓ હટી જાય છે. તેને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે મહારાજ સાથે પ્રતિલોમપણે જોડાઈ જવું. પછી એમ વિચારવું કે હું તો ભગવાનરૂપ છું તો ભગવાનને આવા દોષ હોય? મારા ચૈતન્યને તો મુક્ત કરી મૂર્તિમાં મૂકી દીધો છે પછી મને આવા દોષો ક્યાંથી નડી શકે? હું તો ભગવાનના સ્વરૂપમાં જોડાયેલો છું.
આવા વિચારોનો નિરંતર અભ્યાસ કર્યા કરવાથી દોષો દૂર થઈ જાય છે. આ સાવ સરળ અને સચોટ ઉપાય છે. નિરંતર આવા વિચારોથી દોષોનું જોર શમી જઈ ધીમે-ધીમે તે દૂર થઈ જશે. જરૂર છે ફક્ત ધીરજપૂર્વક પ્રયત્ન કર્યા કરવાની. તે કરવાથી સાધના પથ પર આગળ વધી શકાશે. દોષોથી ભયભીત થઈ તે દૂર થયા પછી સાધના શરૂ કરાશે એવું વિચારવું ભૂલ ભરેલું છે." આવું સરળ તથા સચોટ માર્ગદર્શન મળતાં હરિભક્તમાં હિંમત આવી. તેને થયું આ તો હું જે સાધના કરતો હતો તે જ કરવાની છે. ફક્ત થોડા વિચારો બદલવાના છે. અંતઃશત્રુઓ દૂર કરવા કોઈ વિશિષ્ટ પ્રકારની મુશ્કેલ સાધના કરવાની નથી. મામાએ દર્શાવેલ ઉપાય સાવ સરળ છે. આવો સરળ માર્ગ મળતાં હરિભક્ત ભયરહિત થયા. તેમને ઘણો આનંદ થયો. મામાના પગમાં પડી ગયા કહે, "હું બહુ ભયભીત થઈ મૂંઝાતો હતો. આજે મારી મૂંઝવણ દૂર થઈ. હવે હું પાછો સાધના પથ પર આગળ વધી શકીશ." મામાએ તેને આશીર્વાદ આપ્યા.
સાધનાપથ પર ક્યાં અટક્યા છીએ? તેનો ઉપાય શું છે? તે અનાદિમુક્ત સિવાય બીજા કોઈને ખબર હોતી નથી. અનુભવ સિદ્ધ જ એ પથ પરની મુશ્કેલીઓનો સચોટ માર્ગ દર્શાવી શકે છે.