પ્રસંગ : ૯૬

ગુરુપૂર્ણિમાનો દિવસ હોવાથી હેતવાળા હરિભક્તો મામા પાસે આશીર્વાદ લેવા આવતા હતા. મોટા ભાગના આ લોકની વસ્તુઓ જ માંગતા હતા. આવું આખો દિવસ ચાલ્યું. રાત્રે બધા સેવકો મામા પાસે બેઠા હતા. ત્યારે હરિભક્તોની અવર-જવર હતી નહિ. મામાએ જાણે સેવકો પાસે પોતાની વ્યથા ઠાલવી. "અમને ભગવાને જીવોના કલ્યાણ કરવા, મૂર્તિ આપવા મોકલ્યા છે, પરંતુ કોઈ એ માંગતું નથી અને આ લોકની ક્ષણિક સુખ આપતી વસ્તુઓ માંગ્યા કરે છે. જે દિવ્ય છે, અલૌકિક છે, અખંડ છે તે કોઈ માંગતું નથી. આ લોકનું માંગે તે આપવાનો એવો તો કંટાળો આવે છે. કોઈ આવીને એમ પૂછતું નથી કે મારે મૂર્તિ મેળવવા શું કરવું? કઈ રીતે મૂર્તિ મળે? કેવા સાધનો કરવાં? એ મૂર્તિનું સુખ આવે અને સાધના સફળ થાય તેવા આશીર્વાદ આપો. આખા દિવસમાં એવું કહેનારું કોઈ નહોતું. કોઈ સાધના કરતું હોય તો મૂંઝવણ થાય, પ્રશ્નો ઊભા થાય, એ પ્રશ્નોનું સમાધાન જોઈએ. આ લોકના વ્યવહારમાં બધા એવા ખૂંપી ગયા છે કે ધ્યાન કેમ કરવું તે જાણવાનો તે જાણ્યા પછી થોડો સમય તેનો અભ્યાસ કરવાનો કોઈ પાસે સમય જ નથી."

સેવકોમાંથી એક સેવકે હાથ જોડી કહ્યું, "ગુરુદેવ, આજે અમને આપ એ વિશે જ્ઞાન આપો." બીજો સેવક કહે, "આજે મામા બહુ થાકી ગયા હશે આખો દિવસ બહુ શ્રમ લીધો છે. તેમને આરામ કરવા દઈએ. ફરી ક્યારેક મામા પાસેથી એ વિશે જ્ઞાન મેળવીશું." મામા કહે, "આવી વાતો કરવા જ તો ભગવાને મને મોકલ્યો છે. આ વાત તો મારે જરૂર કરવી છે. આવી વાતોથી તો ઊલટો થાક ઊતરી જાય. આજે હું તમને મહારાજની મૂર્તિનું ધ્યાન કઈ રીતે કરવું એ વિશે ટૂંકમાં સમજાવીશ. સૌ પ્રથમ તો આપણને ગમતું મહારાજનું કોઈ પણ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ ગમે તે દ્વિચક્ષુવાળું સ્વરૂપ લેવું. તે સ્વરૂપમાં સાક્ષાત્ શ્રીજીમહારાજ બિરાજે છે તેવો ભાવ લાવવો. પ્રતિમા સ્વરૂપનો ભાવ કાઢી નાખવો. ત્યાર બાદ શ્રીજીમહારાજ તથા તેમના અનાદિમુક્તને પ્રાર્થના કરવી કે મારી સાધનામાં ભેળા ભળી મારી સાધના સફળ કરજો. પ્રાર્થના ગદગદ કંઠે ભાવે સહિત કરવી.

ત્યાર બાદ સમગ્ર સ્વરૂપને ધ્યાનથી નિરખવાનો પ્રયત્ન કરવો. ખુલ્લી આંખે જેટલું સ્પષ્ટ એ સ્વરૂપ દેખાય છે, તેટલું જ સ્પષ્ટ બંધ આંખે અંતરમાં નખ-શિખ દેખાય ત્યાં સુધી નિરખવાનો અભ્યાસ કર્યા કરવો. તે માટે સમગ્ર સ્વરૂપ ન નિરખતાં ભગવાનના એક-એક અંગ નિરખવાં. કપાળ, નેણ, આંખ, પાંપણ, કીકી આમ ઝીણી-ઝીણી બાબતો બરાબર નિરખી પૂરતો અભ્યાસ કરવો. આમ કરતાં જ્યારે સમગ્ર સ્વરૂપ બંધ આંખે સ્પષ્ટ દેખાય, ત્યારે એ સ્વરૂપને પલટાવીને, પોતાનો દેહભાવ ભૂલી, દેહની જગ્યાએ મહારાજનું સ્વરૂપ ધારવું. મારા હાથની જગ્યાએ મહારાજના હાથ છે, ચરણની જગ્યાએ મહારાજના ચરણ છે, મસ્તકની જગ્યાએ ભગવાનનું મસ્તક છે. આમ દેહભાવ ભૂલી જઈ પ્રભુરૂપ થઈ જવું. આ અભ્યાસ કર્યા કરવો. એ અભ્યાસ દ્રઢ થયા પછી દરેક ક્રિયા એ રૂપ થઈ કરવી. જેથી ક્રિયા પણ ધ્યાનરૂપ થઈ જાય. ભગવાનની માનસીપૂજા પણ પ્રતિલોમપણે કરવી. રાત્રે સૂતી વખતે મૂર્તિરૂપ થઈ સૂવાથી નિદ્રા પણ યોગનિદ્રા બને છે. આ અભ્યાસની સાથે-સાથે મોટા પાસેથી જીવન-જીવવાનો સૂક્ષ્મ અર્થ, પંચ વર્તમાનના સૂક્ષ્મ અર્થ સમજી એ પ્રમાણેનું નીતિપૂર્વકનું જીવન જીવવાથી સાધનામાં સફળતા પ્રાપ્ત થાય છે. ધીમે-ધીમે એ સાધનાનો નિદિધ્યાસ કરવાથી સમગ્ર જીવન યોગમય બની જાય છે અને એ જ સમગ્ર જીવનનો યોગ છે. યોગ એટલે ભગવાનના સ્વરૂપમાં જોડાવું તે જ યોગની સાચી પરિભાષા છે. આ તો સંક્ષિપ્તમાં ધ્યાન કેમ કરવું એ મેં તમને સમજાવ્યું."

સેવકોને ગુરુપૂર્ણિમાને દિવસે ગુરુ પાસેથી ધ્યાન કેમ કરવું તેના જ્ઞાનરૂપી આશીર્વાદ મળી ચૂક્યા હતા. સેવકો પોતાને ધન્ય માનવા લાગ્યા. બધા મામાને પગે લાગ્યા અને આશીર્વાદ માંગ્યા કે તેઓ પણ ધ્યાન કરી આગળ વધે અને મહારાજના દિવ્ય સુખને પામે. મામાએ રાજી થઈ બધાને આશીર્વાદ આપ્યા.