૧૧. આત્મનિવેદી ભક્તની શ્રદ્ધા
હજી પરાગના મનમાં ઘણો ધૂંધવાટ હતો. તેણે કહ્યું: 'કેટલાક કહે છે કે હું જ બ્રહ્મ છું. અહમ્ બ્રહ્માસ્મિ! આ પણ એક જાતનો અહંકાર નહિ?'
સંતે કહ્યું: 'જેને આત્મા-પરમાત્માનું યથાર્થ જ્ઞાન થયું છે તેને પરમાત્મા સાથેના એકાત્મભાવનું દર્શન જરૂર થાય, પણ એવો માણસ હું હું કરે નહિ. જે હું હું કરે છે તે મોટા ભાગે પોતે રચેલાં જાળાં પાછળ ફરતા હોય છે. તેઓ પામવા જેવું કંઈ પામ્યા હોતા નથી અને પામતા પણ નથી. અભિમાન જો કરવું જ હોય તો ભક્તિનું કરો. શરણાગતિનું કરો, સમર્પણનું કરો! એ કરવામાં તમને કશું વળગશે નહિ અને તમે પામવા જેવું પામશો.
અહીં આપણા બ્રહ્માનંદ સ્વામીનો દાખલો વિચારવા જેવો છે.
'સ્વામી બન્યા એ પહેલાં એ લાડુ બારોટ તરીકે ઓળખાતા હતા. તેઓ શીઘ્ર કવિ હતા. તેમની વાણીમાં એવો જાદુ હતો કે ભલભલા તે સાંભળીને ડોલી ઊઠે. કેટકેટલા રાજામહારાજાઓએ તેમને માન-શરપાવ આપ્યા હતા. શ્રીજીમહારાજના મહિમાની વાતો સાંભળી તેઓ તેમની પરીક્ષા કરવા ગયા હતા, પણ ત્યાં તો એમની જ પરીક્ષા થઈ ગઈ. એમનું અભિમાન ઓગળી ગયું અને એ રાજામહારાજાઓના દરબારોને મૂકી શ્રીજીમહારાજના દરબારમાં એમના સેવક બની રહી ગયા. તેમણે શ્રીજીનાં ચરણમાં આત્મસમર્પણ કર્યું. માન ભૂલી આવું આત્મસમર્પણ કરનારા વિરલ હોય છે.'
થોડી વાર અટકી સંતે આગળ કહ્યું: 'જેણે ભગવાનને પોતાનું સર્વસ્વ તન-મન-ધન અર્પણ કર્યું છે તેને આત્મનિવેદી ભક્ત કહે છે. આવો આત્મનિવેદી ભક્ત સદાસર્વદા પ્રભુપરાયણ જ રહેવાનો. એ વિચાર કરે તો ય પ્રભુની પ્રીતિ અર્થે, એ કર્મ કરે તો પણ પ્રભુની પ્રીતિ અર્થે-- એનું પ્રત્યેક કર્મ, પ્રત્યેક વિચાર અને પ્રત્યેક શબ્દ પ્રભુ સમર્પિત જ હોવાનો. તેનું સમગ્ર અસ્તિત્વ પ્રભુમય હશે. એનું ખાવું-પીવું, સૂવું-બેસવું, બોલવું-ચાલવું, ટૂંકમાં જીવવું-મરવું બધું જ પ્રભુમય! પોતાનું એવું એની પાસે કશું જ નહિ. પ્રભુ જેમ સત્ત્વ, રજસ ને તમસ ત્રણે ગુણોથી પર, તેમ આત્મનિવેદી ભક્ત પણ ત્રણે ગુણથી પર. એ સંસારમાં રહે, છતાં સંસારથી અલિપ્ત-- જળકમળવત્! આવો આત્મનિવેદી ભક્ત હાલેચાલે તો ય પ્રભુની ઇચ્છાને આધીન, કર્મ કરે તો ય પ્રભુની ઇચ્છાને આધીન! એનું સમસ્ત જીવન પ્રભુના પ્રસાદ રૂપે! એ જમે તો ય પ્રભુનો પ્રસાદ, શ્વાસ લે તે પણ પ્રભુનો પ્રસાદ અને છેલ્લો શ્વાસ મેલે તે ય પ્રભુનો પ્રસાદ!'
આમ કહી સંતે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી પરાગની સામે ધરી કહ્યું: 'આ શ્લોકો વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું:
અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ, તેમણે સર્વકાળને વિષે પ્રીતિએ કરીને, શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું. (58) અને નિર્ગુણ કહેતાં માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વ ક્રિયા તે નિર્ગુણ થાય છે, તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત, તે જે તે નિર્ગુણ કહ્યા છે. (59) અને જે આત્મનિવેદી ભક્ત, તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું; અને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ, તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. (60)
થોડી વાર સહુ શાંત રહ્યા.
પછી પરાગે કહ્યું: 'આવા આત્મનિવેદી ભક્તો અને સંતો વિષે મને વધુ જાણવાનું મન છે. આ મહામંડલેશ્વરની ઘટનાએ મને ક્ષુબ્ધ કરી નાખ્યો છે કે આવા મોટા પૂજાતા માણસો પણ જો વિનયવિવેક ભૂલી એલફેલ બોલતા હોય તો સામાન્ય માણસનું શું કહેવું? સામાન્ય માણસ તો અજ્ઞાન અને વહેમમાં ડૂબેલો જ છે! હજી આજે આ હાલત છે, તો બસો વર્ષ પહેલાં કેવું હશે!'
સંતે કહ્યું: 'બસો વર્ષ પહેલાં, એટલે શ્રીજીમહારાજ પૃથ્વી પર વિચરણ કરતા હતા તે વખતે, ખરું ને? એ કાળે સંતોએ, હરિભક્તોએ જે સહ્યું છે તેની તો કલ્પના યે કરાય તેમ નથી. એક વાર એક બાવો સ્વામી મુક્તાનંદ અને સ્વામી બ્રહ્માનંદનાં નાક-કાન કાપવા તૈયાર થઈ ગયો હતો.'
પરાગે કહ્યું: 'મને જરા વિસ્તારથી એ કથા કહો, સ્વામી!'
સંતે કહ્યું: 'એક વાર મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બેઉ ક્યાંક જતા હતા. આપણા સાધુઓ હંમેશાં બેની જોડમાં ફરે છે તે તો તું જાણે છે. આમ તો આ બંને સ્વામી સદગુરુ હતા અને એમનું દરેકનું નાનું-મોટું શિષ્યમંડળ હતું, જે હંમેશાં એમની સાથે રહેતું, પણ આજે આ બે સદગુરુઓની જોડ બની હતી.
તેઓ શ્રીજીમહારાજનું સ્મરણ કીર્તન કરતા જતા હતા, ત્યાં એક ગામમાં પેસતાં જ તેમને એક બાવો મળ્યો. બાવો કહે: 'પધારો, સંતજી! આપનાં દર્શનથી આનંદ થયો!'
શ્રીજીના આ સાધુઓ ચોખ્ખા દિલના, એમનામાં જૂઠ કે કપટનું નામનિશાન નહિ, એટલે અજાણ્યા ગામમાં આવો સત્કાર થતો જોઈ બંને સ્વામી ખુશ થયા. તેમણે નિમંત્રણનો સ્વીકાર કર્યો.
બાવો એમને પોતાની જગ્યામાં લઈ ગયો અને 'અહીં પધારો! અહીં પધારો!' કહી તે બંનેને એક છેવાડેના ઓરડામાં લઈ ગયો. તેણે બંનેને ત્યાં સાદડી પાથરી બેસાડ્યા, પછી 'આવું છું' કહી બારણું બંધ કરી તેણે બહારથી બારણાને સાંકળ ચડાવી દીધી.
પછી ખી ખી ખી ખી કરી જોરથી હસી પડી કહે: 'આજે હું તમારા બેયનાં નાક-કાન કાપી લેવાનો છું. સ્વામિનારાયણના સાધુઓ કેવા નાકકટ્ટા હોય છે તે મારે આખી દુનિયાને દેખાડવું છે.'
આમ કહી એ પથરા પર છરાની ધાર કાઢવા બેઠો. છરો ઘસતો જાય, ખી ખી ખી ખી કરી હસતો જાય અને મોટેથી બોલતો જાય: 'સ્વામિનારાયણના આ બે જોગટા આજે મારા હાથમાં આવ્યા છે, તો એવાં ઘસીને બેયનાં નાક-કાન કાપું!' -- હી હી હી હી!
બેય સ્વામીઓ ઓરડામાં પુરાઈને આ બધું સાંભળે છે.
હવે તેમને ખ્યાલ આવ્યો કે આપણે વેશ જોઈ ભૂલ્યા! પણ હવે શું થાય? બાવો ભલે નીચ, પણ એનો વેશ તો સાધુનો ખરો કે નહિ? એવા સાધુ વેશનો અવિશ્વાસ કેમ થાય? બીજાથી કદાચ થાય, પણ સાધુથી કેમ થાય?
હવે શું કરવું?
બંને સ્વામી એકબીજાને કહે છે: 'નાક-કાન કપાય એની ચિંતા નથી, પણ દુનિયામાં સ્વામિનારાયણના સાધુઓનું ભૂંડું બોલાય એની ચિંતા છે. લોકો કહેશે કે સ્વામિનારાયણના આ સાધુઓએ કંઈ બૂરાં પાપ કર્યાં હશે ત્યારે એમનાં નાક-કાન કપાયાં હશે ને?
આ તો આપણા લીધે આખો સત્સંગ વગોવાય એવું થયું.'
તો કરવું શું?
મુક્તાનંદ સ્વામી કહે: 'દુનિયા ભલે આપણને નિંદે કે ભાંડે, પણ આપણાં નાક-કાન કપાશે તો ય ભગવાનની ખાતર કપાશે ને? ભગવાનની એવી ઇચ્છા હશે તો તેમ થશે. આપણે આપણામાં આપણું એવું તો કંઈ રાખ્યું નથી. તન-મન-આત્મા બધું ભગવાનને દઈ દીધું છે. બધું પ્રભુસમર્પિત છે. નાક-કાન પણ પ્રભુસમર્પિત છે. આપણો એના પર અધિકાર નથી, અધિકાર કેવળ પ્રભુનો છે. આપણે ખાઈએ-પીએ તે ય પ્રભુ માટે, ઊંઘીએ-જાગીએ તે ય પ્રભુ માટે, જીવીએ-મરીએ તે ય પ્રભુ માટે અને નાક-કાન કપાય તે ય પ્રભુ માટે! રૂડા દેખાઈએ તે ય પ્રભુ માટે અને નાકકટ્ટા દેખાઈએ તે ય પ્રભુ માટે! શ્રીજીની ઇચ્છા વગર તો કાંઈ થતું નથી-- જે થાય છે તે શ્રીજીની ઇચ્છાથી જ થાય છે.'
બ્રહ્માનંદ સ્વામી એકદમ તાળી પાડી બોલી ઊઠ્યા: 'શ્રીજીની ઇચ્છાથી જ થાય છે. એ નટખટને હું બરાબર ઓળખું છું. આ બધી એની જ કરામત છે. આની પાછળ પણ એનો કોઈ ગૂઢ હેતુ હશે, માટે આપણે બધું એના પર છોડી એનું નામસ્મરણ કરીએ!'
બંને જણે મુક્ત સ્વરે મંત્ર જપવા માંડ્યો: 'સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!'
ઓરડાની દીવાલોમાંથી જાણે મંત્રના પડઘા પડવા લાગ્યા:
સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!
એ વખતે રાઘવજી જત નામનો એક જુવાન તે બાજુ થઈને જતો હતો. તેણે આ મંત્રજાપ સાંભળ્યો. જગ્યાના બાવાને એ ઓળખતો હતો ને જાણતો હતો કે બાવો મહા ભરાડી છે અને સ્વામિનારાયણના સાધુઓનો કટ્ટર દ્વેષી છે. એની જગ્યામાંથી આજે સ્વામિનારાયણનો મંત્રજાપ સંભળાય છે એ કેવું? એને નવાઈ લાગી.
એ ઊભો રહી ગયો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો.
ત્યાં અચાનક મંત્રજાપની વચ્ચે એને બાવાના હસવાનો અવાજ સંભળાયો: ખી ખી ખી ખી કરી બાવો હસતો હતો અને બોલતો હતો: 'સ્વામિનારાયણિયા બાવા આજે બરાબર મારા હાથમાં સપડાયા છે. હમણાં એક ઝાટકે એ બેયનાં નાક-કાન કાપી નાખું છું. હી હી હી હી!'
રાઘવજીને સમજાઈ ગયું: હં.... આ બધું બાવાનું કરતૂત છે. એ કોઈ બે સ્વામિનારાયણના સાધુઓને પકડી લાવ્યો છે અને હવે એમનાં નાક-કાન કાપવાનું કરે છે! કોણ હશે આ બાવા? જે હોય તે! આવા સંકટમાં પણ એ સાધુઓ ભગવાનનું નામ છોડતા નથી, માટે એવાને તો બચાવવા જ જોઈએ. મારા ગામમાં મારી જાણમાં આ સાધુઓનાં નાક-કાન કપાવા જેવું હીણું કામ થાય તો મારી ને મારા ગામની આબરૂ શી?
એણે જગ્યાનો દરવાજો ખખડાવ્યો, પણ બાવાએ દરવાજો ખોલ્યો નહિ.
રાઘવજીએ બૂમ પાડી: 'બાવાજી, હું રાઘવ છું, દરવાજો ખોલો, નહિ તો તોડી નાખીશ!'
બાવો રાઘવજીને ઓળખતો હતો. એ કેવો બળુકો જુવાન છે તેની એને ખબર હતી.
એ બીન્યો કે વખતે રાઘવજીને લીધે મારી યોજનામાં કંઈ વિક્ષેપ પડે એટલે એ ચૂપ રહ્યો!
હવે રાઘવજીને ખાતરી થઈ ગઈ કે બાવો કંઈ ઊંડી તરકીબમાં છે. એકદમ વંડી ઠેકી એ જગ્યાની અંદર ઊતરી આવ્યો. બાવો તે વખતે હાથમાં છરો પકડી સ્વામીઓવાળા કમરા તરફ જતો હતો. દોડીને રાઘવજીએ એને બોચીમાંથી પકડ્યો અને એના હાથમાંથી છરો પડાવી લઈ ગર્જના કરી: 'બોલ, કોનાં નાક કાન કાપવાં છે તારે?'
બાવાએ કહ્યું: 'મેં આ ઓરડામાં પૂર્યા છે એ બે સ્વામિનારાયણી બાવાઓનાં! ઘણે દિવસે મારા હાથમાં આવ્યા છે, આજે હું એમને છોડવાનો નથી.'
રાઘવજીએ કહ્યું: 'તો હું યે તને છોડવાનો નથી. હું આજે તારાં નાક-કાન કાપીશ. ઘણા દિવસે તું હાથમાં આવ્યો છે.'
બાવાએ કહ્યું: 'મેં તારું શું બગાડ્યું છે?'
રાઘવજીએ કહ્યું: 'તેં તો કંઈકે મારું બગાડ્યું છે-- આખું ગામ જાણે છે; પણ આ સાધુઓએ તારું શું બગાડ્યું છે એ કહે ને!'
બાવાએ કહ્યું: 'એ સાધુઓ અમારી આખી વૈરાગી જમાતની બદબોઈ કરે છે. કહે છે કે ત્યાગીથી ગાંજો-ગડાકુ પીવાય નહિ, ભાંગ પીવાય નહિ, આ ખવાય નહિ, તે ખવાય નહિ! અલ્યા ભાઈ, આ ખવાય નહિ, તે ખવાય નહિ તો ઘર છોડી બાવા થવાનું કારણ શું?'
આ સાંભળી રાઘવજી હસી પડ્યો: 'ખરું, બાપજી, ખરું! મફતનું ખાવાપીવાનું અને ગાંજો-ગડાકુ લઈ પડી રહેવાનું! પણ હવે આવા ચાળા નહિ ચાલે, બાવાજી! ગામમાં રહેવું હશે તો આવાં નખરાં તમારે છોડવાં પડશે અને શ્રીજીના સાધુઓની પેઠે સાચા સાધુ થઈને રહેવું પડશે. બોલો, શું કરવું છે? હું કહું તે કરવું છે કે પછી નાક-કાન કપાવવાં છે?'
બાવો કરગરી પડ્યો. રાઘવજીનો હુકમ થતાં એણે સાંકળ ખોલી બંને સ્વામીઓને બહાર કાઢ્યા. 'શ્રીજીમહારાજનો જય!' બોલી બંને સ્વામી બહાર આવ્યા.
રાઘવજી એમને પગે પડ્યો. રાઘવજીના હુકમથી બાવો પણ એમને પગે પડ્યો.
તેણે બંને સ્વામીઓની માફી માગી.
બંને સ્વામીઓનાં દિલમાં બાવા પ્રત્યે જરા પણ રોષ નહોતો. હવે ચારે જણે સાથે બેસી ત્યાં સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી.
બાવાના આગ્રહથી તેની જગ્યામાં ભોજન કરી બંને સ્વામીઓએ વિદાય લીધી. આત્મનિવેદી ભક્તને ભગવાન કેવી રીતે ઉગારે છે તેનું આ દૃષ્ટાંત છે.