૨૦. સાધુએ કિંમતી વસ્ત્ર ઓઢવું-પહેરવું નહિ
શિયાળાની સખત ઠંડીના દિવસો હતા. હાડ વીંધી નાખે તેવો ઠંડો પવન વાતો હતો, પણ સંત હરિભક્તદાસજીના પહેરવેશમાં એ જ ભગવું વસ્ત્ર, એ જ પાઘડી, એ જ ઉપરણો.
એક હરિભક્તને થયું કે અમે આટલું ગરમ પહેરીએ-ઓઢીએ છીએ, તો યે ટાઢે ફફડીએ છીએ, તો સાધુઓને ટાઢ નહિ વાતી હોય? બહુ વિચાર કરી એણે બે કિંમતી શાલ ખરીદી અને એક સાંજે સંત એમના હંમેશના નિયમ મુજબ પાટ પર બિરાજ્યા હતા, ત્યાં આવી તેમને પ્રણામ કરીને એક શાલ સંતના ચરણમાં ધરી દીધી અને બીજી તેમના સાથીદાર સંતના ચરણમાં ધરી.
તરત સંતે કહ્યું: 'ભગત, આ શું લાવ્યા?'
હરિભક્તે હાથ જોડી કહ્યું: 'ટાઢના દિવસોમાં આપને ઓઢવા થાય એ હેતુથી લાવ્યો છું. કૃપા કરી સ્વીકારો!'
સંત થોડી વાર વિચારમાં પડી ગયા.
પછી કહે: 'ભગત, તમારો ભાવ અમે સમજીએ છીએ, પણ અમારાથી આ ન લેવાય, ન ઓઢાય, ન પહેરાય!'
હરિભક્તે કહ્યું: 'મહારાજ, આપે ઇચ્છા કરી આ મંગાવ્યું નથી, હું મારી ઇચ્છાએ લાવ્યો છું. મને એટલી સાધુ-સેવા નહિ કરવા દો?'
સંતે કહ્યું: 'પળેપળ તમારી જ સૌની સેવા સ્વીકારીને તો હું અહીં આવ્યો છું. બાકી, આ બાબતમાં તો શ્રીજીમહારાજની સ્પષ્ટ આજ્ઞા છે કે રંગબેરંગી વસ્ત્ર કે કિંમતી વસ્ત્ર કે શાલદુશાલા કોઈ વણમાગ્યા દે તો પણ તે પહેરવા-ઓઢવા નહિ! સાધુને ટાઢે મારવા માટે શ્રીજીમહારાજે આ આજ્ઞા નથી કરી, પણ સર્વે મનુષ્યના કલ્યાણ ને સમાસ અર્થે કરેલી છે. કલ્યાણનો ખપ હોય એનાથી શ્રીજીમહારાજની આજ્ઞાના પાલનમાં ઢીલું કેમ મુકાય?'
એ હરિભક્ત ખૂબ ગૌરવ સાથે બોલી ઊઠ્યા: 'પોતાના ને અન્યના કલ્યાણ અર્થે સાધુઓ ટાઢ વેઠે, તડકો વેઠે, વરસાદ વેઠે, ભૂખ પણ વેઠે અને વખત આવ્યે તરસ વેઠે-- ધન્ય છે એમની સાધુતાને!'
સંતે હસીને કહ્યું: 'આપણા દેશમાં તો લાખો-કરોડો માણસો ટાઢ-તડકો, ભૂખ-દુ:ખ વેઠે જ છે ને? એ લોકો અનિચ્છાએ વેઠે છે, સાધુ-સંતો પ્રભુની આજ્ઞાથી સ્વેચ્છાએ અન્યના આત્માના શ્રેય માટે વેઠે છે. પણ એ વેઠવામાં એમનું આત્મબળ સામેલ હોય છે, તેથી તે સહ્ય બને છે. સાધુ-સંત માટે આ એક પારમાર્થિક તાલીમ પણ છે.'
આ સાંભળી કોઈ હરિભક્ત બોલ્યા: કોટી વંદન એવા એ સાધુ-સંતોને !!!
થોડીવાર રહી સંતે કહ્યું: 'આ તે શું ટાઢ છે અને અમે તે શું વેઠીએ છીએ! અમને ચાર દીવાલોની તો હૂંફ છે, પણ શ્રીજીમહારાજના સંતોને તો નીચે ધરતી ને ચારેકોર ઉઘાડું આકાશ! આ સંતો જીવોના શ્રેય-પ્રેય માટે દેશમાં ચારેકોર ફરતા. શ્રીજીમહારાજની એમને આજ્ઞા હતી કે દિવસમાં એક વાર ભિક્ષા લેવા વસ્તીમાં જવું, તે સિવાય ટાઢ-તડકો સહન કરી, જપતપમાં લીન રહ્યા થકા લોકોને ભગવાન સન્મુખ કરવા.
શ્રીજીમહારાજના આવા બે સંતો નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી આ રીતે ફરતા ફરતા એક સ્થળે આવ્યા. રાતનો વખત હતો. શિયાળવાં હુકો હુકો કરી લાળી કરતાં હતાં. હાડ થીજી જાય એવી ટાઢ પડતી હતી. ટાઢે આ બે સંતો ઠુંઠવાતા હતા.
પણ ગામમાં જવું નથી અને કોઈ ગૃહસ્થનો આશ્રય લેવો નથી.
જોયું તો બાજુમાં એક ખેતર હતું. ખેતરમાં એક ખૂણે ચારના પૂળાઓનો ઢગલો કરેલો હતો. એક સંતે કહ્યું: 'આપણે આ પૂળાઓમાં ભરાઈ જઈએ તો ટાઢથી રક્ષણ થશે અને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન પણ થશે.'
બીજા સંતને આ વાત ઠીક લાગી. એટલે બંને સંતો ઘાસના ઓઘલામાં ભરાઈ ગયા. ચારે બાજુ ઘાસના પૂળાથી ઢંકાઈને તેઓ સ્વામિનારાયણ મંત્રનો જપ કરવા લાગ્યા.
હવે બન્યું એવું કે ખેડૂતના બે દીકરાઓ આ ઘાસના પૂળાઓને ઘરભેગા કરવા માટે ઘેરથી ગાડું લઈને આવ્યા. પૂળાના ઓઘલા નજીક આવતાં એક ભાઈએ અંદરથી કંઈક અવાજ આવતો સાંભળ્યો.
તેણે બીજા ભાઈને કહ્યું: 'ભાઈ, આમાં કોઈ જાનવર ભરાયું લાગે છે. કેમ કરશું?'
બીજા ભાઈએ કહ્યું: 'ખેડૂતને કાયમ જાનવર સાથે કામ--ડરવાની જરૂર નથી. લે હાથમાં કુહાડી ને કર ઘા! હું યે લઉં છું.'
બંને ભાઈઓ હાથમાં કુહાડીઓ લઈ ઓઘલા તરફ આગળ વધ્યા.
પછી ઘાસનો એક પૂળો જરી ખસેડી જાનવરને ઉઘાડું કરવા જાય છે ત્યાં તો અંદરથી સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! એવો સ્પષ્ટ શબ્દ સંભળાયો, અને બે સંતપુરુષો ધ્યાનમગ્ન બેઠેલા દેખાયા!
બંને ભાઈ ચમક્યા ને બોલી ઊઠ્યા: 'અરે, આ તો સાધુઓ છે. હમણાં આપણા હાથે ગજબ થઈ જાત!'
બંને સંતોને ઉદ્દેશીને તેમણે કહ્યું: 'મહારાજ, ક્ષમા કરો!'
હવે સંતોએ આંખો ઉઘાડી.
પોતાની સામે બે જુવાનોને હાથમાં કુહાડીઓ લઈને ઊભેલા જોઈ તેમની નવાઈનો પાર ન રહ્યો. તેમણે કહ્યું: 'શી બાબત ક્ષમા?'
બંને ભાઈઓએ કહ્યું: 'અમે સમજ્યા કે ઓઘલામાં કોઈ જાનવર ભરાયું છે, એટલે અમે એના પર કુહાડીઓ ઝીંકવા જતા હતા, ત્યાં તમે સાધુઓ નીકળ્યા! એક પળ મોડું થયું હોત તો અમારે હાથે ભયાનક હત્યા થઈ જાત અને અમે કયા ભવે એમાંથી છૂટત? ભગવાને દયા કરી અમારા પર! અમે બચી ગયા!'
બચી ગયા છે સાધુઓ, પણ ખેડૂતો કહે છે અમે બચી ગયા! આપણી ભારતીય સંસ્કૃતિનું આ એક ઉત્તમ લક્ષણ છે-- સાધુ પ્રત્યે ભક્તિભાવ, પૂજ્યભાવ!
સંતોએ કહ્યું: 'ભગવાન દયાળુ છે. શ્રીજી દયાળુ છે! એની ઇચ્છા વગર તણખલું યે હાલતું નથી, પછી કુહાડી કેમ હાલે?'
હવે બંને ભાઈઓએ પૂછ્યું: 'મહારાજ, તમે અહીં પૂળામાં કેમ ભરાયા?'
સંતોએ હસીને કહ્યું: 'ટાઢે થથરતા હતા, તેથી પૂળાનું શરણું લીધું.'
ભાઈઓએ કહ્યું: 'તો અમારી સાથે ચાલો! અમે તમારી સેવા કરીશું.'
સંતોએ કહ્યું: 'સેવા લેવા અમે સાધુ નથી થયા ભાઈ, સેવા દેવા થયા છીએ. જે વિદ્યા ભણ્યા છીએ, જ્ઞાન નામે જે કંઈ મેળવ્યું છે તેનું છૂટે હાથે બધે વિતરણ કરતા ફરીએ છીએ અને શ્રીજીમહારાજનું નામસ્મરણ કરીએ છીએ.'
બંને ભાઈઓનો ઘણો આગ્રહ, છતાં એ સાધુઓ ગામમાં ગયા નહિ. એ રાત એમણે એ પૂળાના ઢગલામાં જ વિતાવી.
આનું નામ શ્રીજીમહારાજના સાધુ! અમે તો શું છીએ, ભાઈ!'
સૌ સ્તબ્ધ બની સાંભળી રહ્યા.
થોડી વાર રહી સંતે વાત આગળ ચલાવી. તેમણે કહ્યું: 'બીજું પણ એક દૃષ્ટાંત સૌએ જાણવા જેવું છે. શ્રીજીમહારાજ નીલકંઠ વર્ણી વેશે ફરતા ફરતા લૉજ ગામમાં મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા તે વખતની વાત છે.
એક વાર મુક્તાનંદ સ્વામીને કોઈએ પાણી પીવાની ફક્કડ તૂંબડી આપી. તૂંબડીને રંગ કરી સુશોભિત બનાવેલી હતી, પણ રંગ હજી તાજો હતો, તેથી સ્વામીએ તે તડકામાં સુકાવા મૂકી અને પછી પોતે નીલકંઠ વર્ણીની સાથે ધ્યાનમાં બેઠા. બેઠા તો ખરા, પણ એ ધ્યાનમાં એકાગ્ર થઈ શક્યા નહિ. એમનું મન પેલી તૂંબડીમાં ભરાયું હતું. નીલકંઠ વર્ણી આ સમજી ગયા. તેમણે કહ્યું: 'સ્વામી, તૂંબડીમાં શીદને ચિત્ત રાખો છો? હરિમાં રાખો ને! હરિમાં સુખ છે તેવું તૂંબડીમાં નથી!'
મુક્તાનંદ સ્વામીએ તરત ભૂલ કબૂલ કરી કહ્યું: 'તમારી વાત સાચી છે. સાધુને વળી આવી રંગબેરંગી તૂંબડીના શા ચાળા?'
તે જ વખતે એમણે એ નવી ને નવી તૂંબડી ફોડી નાખી! બીજા સાધુઓએ પણ એનું અનુકરણ કર્યું.'
દૃષ્ટાંત પૂરું કરી સંતે કહ્યું: 'સાધુજીવન આવું કઠોર હોય છે, ભાઈ! એમાં ક્યાંય ભગવાનના ચરણ સિવાયનું કંઈ ઘૂસે નહિ એની સાવચેતી રાખવી પડે છે, પળેપળ સાવધ રહેવું પડે છે. એ સાવધાનીમાં મદદરૂપ થાય તે માટે શ્રીજીમહારાજે આવી બધી આજ્ઞાઓ કરેલી છે. એ આજ્ઞાઓ પાળવામાં જ સૌનું કલ્યાણ છે.'
આમ કહી એમણે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી પરાગને કહ્યું: 'આ 192મો શ્લોક વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું:
અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાતનું હોય તથા કસુંબાદિક જે રંગ, તેણે કરીને રંગેલું હોય તથા શાલદુશાલા હોય, ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું-ઓઢવું નહિ! (192)