૧૪. રૂડા અક્ષરે નામું લખવું અને કરજ કદી કરવું નહિ

પરાગના એક કાકા સપરિવાર મુંબઈ રહેતા હતા. મુંબઈમાં તેમનો મોટો વેપારધંધો હતો. એ કાકાનો એક દીકરો જિમુત પરાગની જ ઉંમરનો હતો અને મુંબઈની શાળામાં દશમા ધોરણમાં ભણતો હતો.

તેનો પરાગ પર કાગળ આવ્યો કે હું અઠવાડિયું તારી સાથે રહેવા માટે આવું છું. તું શનિવારે મને સ્ટેશને લેવા આવજે!

પરાગ ખુશ થઈ ગયો.

શનિવારે રેલગાડીના ટાઈમે તે સ્ટેશને જઈ ઊભો. ગાડી આવી, પણ જિમુત દેખાયો નહિ. 'જિમુત! જિમુત!' કહી બૂમો પાડતો પરાગ એકેએક ડબો જોઈ વળ્યો, પણ ક્યાંય જિમુત દેખાયો નહિ. તેણે નક્કી કર્યું કે જિમુતે કોઈ કારણસર છેલ્લી ઘડીએ આવવાનું માંડી વાળ્યું હશે. એણે મને એ મતલબનો કાગળ લખ્યો પણ હશે, જે હવે પછી મને મળશે.

પણ બીજે દિવસે એ જ ટાઈમે એક ઘોડાગાડી એના ઘર આગળ આવી ઊભી, અને એમાંથી જિમુત ઊતર્યો. પરાગને આશ્ચર્ય સાથે આનંદ થયો. એ દોડીને જિમુતને ભેટી પડ્યો.

જિમુત તરત બોલ્યો: 'મેં કાગળ લખ્યો તો ય તું સ્ટેશને ન આવ્યો ને?'

પરાગે કહ્યું: 'કોણે કહ્યું નહિ આવ્યો? ગઈ કાલે બે કલાક મેં સ્ટેશને તારી રાહ જોવામાં બગાડ્યા છે!'

નવાઈ પામી જિમુતે કહ્યું: 'ગઈ કાલે? મેં લખ્યું તો હતું કે હું રવિવારે આવવાનો છું.'

પરાગે કહ્યું: 'નહિ, તેં શનિવારે આવવાનું લખ્યું હતું. જો, આ રહ્યો તારો કાગળ!'

જિમુતે કાગળ હાથમાં લઈ કહ્યું: 'આમાં રવિવારે આવવાનું જ લખ્યું છે.'

પરાગે કહ્યું: 'રવિવારે નહિ, શનિવારે લખ્યું છે.'

એટલામાં જિમુત આવ્યો છે જાણી પરાગના પિતા ત્યાં આવ્યા. પરાગે પેલો કાગળ તેમના હાથમાં મૂકી કહ્યું: 'પિતાજી, આ વાંચોને, આમાં કયો વાર લખ્યો છે?'

પરાગના પિતા કાગળ હાથમાં લઈ કેટલીય વાર સુધી તેની સામે જોઈ રહ્યા. પછી કહે: 'મને તો કંઈ ઉકલતું નથી, પણ શનિવાર લખ્યું લાગે છે.'

પરાગ અને જિમુત બે ય હસી પડ્યા.

થોડી વાર પછી બેઉ ભાઈ એકલા પડ્યા એટલે પરાગે જિમુતને કહ્યું: 'ભાઈ, તું તારા અક્ષર કેમ સુધારતો નથી? વંચાય એવું તો લખવું જોઈએ ને?'

જિમુતે કહ્યું: 'આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અક્ષર ખરાબ હતા, અને દુનિયામાં કેટલાય મોટા મોટા માણસોના અક્ષર ખરાબ હતા. ખરાબ અક્ષર હોવા એ કંઈ ખરાબ નથી. વળી હું ભણીને દાક્તર થવાનો છું અને દાક્તરના અક્ષર તો ખરાબ હોવા જ જોઈએ.'

પરાગ હસ્યો. તેણે કહ્યું: 'વાહ, મહાપુરુષ થવાનો બહુ સહેલો રસ્તો તને જડી ગયો! તું દાક્તર થવાનો અને તું મહાપુરુષ પણ થવાનો, પણ મને એક નાનકડો ડર છે. જેમ તારા કાગળમાં તેં રવિવાર લખ્યું અને અમે બધાએ શનિવાર વાંચ્યું તેમ યુનિવર્સિટીના પ્રશ્નપત્રોના તારા જવાબોમાં અવળું વંચાશે તો તું પાસ થતાં થતાં નાપાસ થઈ જશે અને તારી ભવિષ્યની ઉન્નતિનું તારું આખું સ્વપ્ન રોળાઈ જશે એનો કંઈ વિચાર કર્યો?'

જિમુત કંઈ બોલ્યો નહિ.

એને શાંત જોઈ પરાગે આગળ ચલાવ્યું: 'આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અક્ષર ખરાબ હતા એ સાચું છે, પણ એ ખરેખર એટલા ખરાબ નહોતા. પણ તેઓ મહાપુરુષ થયા તે એમના ખરાબ અક્ષરને લીધે નહિ, પણ સત્ય અને અહિંસા પરની એમની અચળ શ્રદ્ધાને લીધે થયા છે. પોતાના ખરાબ અક્ષર બાબત તેમણે ઊંડું દુ:ખ પ્રગટ કર્યું છે અને ચોખ્ખું કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરા ભણતરની નિશાની છે. આપણા મનની વાત બીજા લોકો નિઃશકપણે સાફ સાફ સમજી શકે તેવી રીતે ચોખ્ખા અક્ષરે આપણે કાગળ પર લખી ન શકીએ તો એ અધૂરું જ ભણતર કહેવાય. તારા કાગળમાં જેમ રવિવારનું શનિવાર વંચાયું તેમ કોઈ વાર ખરાબ અક્ષરને લીધે અર્થનો અનર્થ પણ થઈ જાય; ધંધામાં કે નોકરીમાં ક્યાંય આવું પોસાય નહિ!'

જિમુતે કહ્યું: 'તું ગામડામાં રહે એટલે તને ખબર નથી, પણ ધંધામાં ને નોકરીમાં આજે ઘણી પ્રગતિ થઈ ગઈ છે. હાથે લખવાનું કદી આવતું જ નથી. મારા એક મિત્રના પિતા મોટી કંપનીના ચીફ છે. તેઓ કહે છે કે દસ વર્ષ થયાં મેં કદી મારા હાથે કાગળ પર એક લીટી લખી નથી-- મોઢે બોલવાનું અને શૉર્ટ હેન્ડવાળો તે લખી ટાઈપ કરે! હિસાબ ગણવા માટે કેલક્યુલેટર અને મુદ્દાઓના નિકાલ માટે કૉમ્પ્યુટર! વિજ્ઞાને આજે એટલી પ્રગતિ કરી છે કે હાથે લખવાની તકલીફ લેવી જ ન પડે.'

મુંબઈગરા વિદ્યાર્થીની આ દલીલ સામે પરાગ ચૂપ થઈ ગયો.

સાંજે જિમુતે કહ્યું: 'પરાગ, મારે થોડા પૈસા જોઈશે.'

'કેટલા?'

'પચાસ રૂપિયા!'

'એટલા બધા? શા સારુ? ગાડીની વળતાંની ટિકિટ લઈને જ તો તું આવ્યો છે. ઘેરથી તને કાકાએ બીજા પૈસા પણ આપેલા છે અને અહીં તું અમારો મહેમાન છે. તારે ફાલતુ ખર્ચ શા સારુ કરવો પડે?'

જિમુતે કહ્યું: 'જો ભાઈ, ખર્ચ શા સારુ કરવું જોઈએ અને શા સારુ નહિ એ બાબતમાં હું કોઈને સલાહ આપતો નથી અને કોઈની સલાહ લેતો નથી. હું માત્ર એટલું જાણું છું કે મારે પૈસા જોઈએ છે અને તારે તે આપવાના છે.'

પરાગે કહ્યું: 'આપવાની ના નથી, પણ મારી પાસે જે પૈસા છે તે મારા નથી, કોઈ જનહિતના કાર્યમાં વાપરવા માટેના છે.'

જિમુતે હસીને કહ્યું: 'જે પૈસા તારા હાથમાં છે એ તારા જ કહેવાય. તું તે મને ઉછીના દઈ શકે છે અને હું તને તેની પાવતી લખી આપી શકું છું. પાવતી લખી દીધા પછી એ પૈસા મારા થાય છે અને હું એનું ગમે તે કરી શકું છું. સાવ સ્પષ્ટ વાત છે.'

પરાગ પહેલી જ વાર આવું તત્ત્વજ્ઞાન સાંભળતો હતો.

અતિથિ બનીને આવેલા પિતરાઈ ભાઈને એ ના કહી શક્યો નહિ. એણે એને પચાસ રૂપિયા આપ્યા અને શાહસોદાગરની પેઠે જિમુતે વટથી એની પાવતી લખી આપી!

આમ ત્રણ-ચાર દિવસ વીત્યા. પછી જિમુતે એકાએક પરાગને કહ્યું: 'દોસ્ત, બીજા સો રૂપિયા જોઈએ. બે-ત્રણ દિવસ પછી મુંબઈ જવાનું છે. નાના ભાઈ તથા બહેન માટે તથા કેટલાક મિત્રો માટે અહીંથી કંઈ લઈ જવું છે.'

પરાગે કહ્યું: 'તે માટે કાકાએ પૈસા આપેલા છે ને?'

જિમુતે હસીને કહ્યું: 'એ તો ક્યારનાયે વપરાઈ ગયા. કોઈ રીતે તું મને બીજા સો રૂપિયા આપ!'

પરાગે કહ્યું: 'ભાઈ-બહેન અને મિત્રો માટે એવી કિંમતી ભેટો લઈ જઈને શું કામ છે? એ લોકો જાણે જ છે કે તું વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી પાસે એવી મોંઘી ભેટો આપવાના પૈસા હોય નહિ.'

જિમુતે કહ્યું: 'ભાઈ-બહેન માટે કશું ન લઈ જાઉં તો ચાલે, પણ મિત્રો-દોસ્તારો માટે તો લઈ જવું જ પડે. એ લોકો જાણે છે કે મારી પાસે પૈસા હોય જ છે અને હું એમને માટે કંઈક લાવીશ. હું એમના એ વિશ્વાસને ખોટો પાડવા ઇચ્છતો નથી!'

પરાગે કહ્યું: 'એ ખરું, પણ મિત્રોને રાજી રાખવા આવો ગજા બહારનો ખોટો ખર્ચો કરવાનો?'

જિમુતે કહ્યું: 'ગજા બહારનો ક્યાં છે? અને તે ખોટો ય ક્યાં છે ? આ તો કેવળ મિત્રધર્મ છે. એમાં રૂપિયા આના પાઈનો હિસાબ ન કરાય!'

પરાગે કહ્યું: 'મૈત્રીમાં એવો હિસાબ ન ગણાય એ તારું કહેવું સાચું છે. તો ય તું વિદ્યાર્થી છે. તું જાતે કંઈ કમાતો નથી, તું શા સારુ આટલું ખર્ચ કરે છે? કાકાએ તને જે હાથખરચી દીધી હોય તેમાંથી જ તારે તારા બધા ખર્ચની જોગવાઈ કરવી જોઈએ.'

હવે જિમુતને ખોટું લાગ્યું. તેણે કહ્યું: 'તું આવો ઉપદેશ દેતો ક્યારથી થઈ ગયો? વિપુલ કહે છે કે તું કો'ક સાધુનો ચેલો થયો છે, એનું તો આ પરિણામ નથી ને?'

પરાગે કહ્યું: 'એનું પરિણામ હોય તો ય શું ખોટું છે? માણસે પછેડી પ્રમાણે સોડ તાણવી જોઈએ. દેવું તો કોઈ કાળે ન કરવું જોઈએ.'

જિમુતે કહ્યું: 'હું દેવું કરતો જ નથી. હું મુંબઈ જઈને તરત જ તારા પૈસા તને પાછા મોકલવાનો છું. સોના સવાસો યે મોકલું. પછી એને દેવું કેમ કહેવાય?'

છેવટે પરાગને નમતું આપવું પડ્યું. તેણે જિમુતને સો રૂપિયા આપ્યા.

આ વખતે પણ જિમુતે વટથી પાવતી લખી આપી.

આવી રીતે અઠવાડિયું મોજ કરીને જિમુત પાછો મુંબઈ ગયો.

પરાગ જિમુત પાસેથી પૈસા પાછા આવવાની રાહ જોઈ રહ્યો. દિવસો પર દિવસો વીત્યા, પણ પૈસા આવ્યા નહિ ત્યારે નાછૂટકે પરાગે તેને એક કાગળ લખ્યો. તેમાં લખ્યું: 'પૈસા પારકા છે, એટલે આ ઉઘરાણી કરું છું. તને કાયમ પૈસાની તકલીફ રહેતી હશે એવું લાગે છે. સ્નેહભાવે તને ફરી કહું છું કે કાકા તને જે કંઈ હાથખરચી આપે તેમાં જ તારે તારા ખર્ચની મર્યાદા જાળવવી જોઈએ. દેવું કોઈનું પણ કોઈ હિસાબે નહિ કરવું જોઈએ.'

આ કાગળના જવાબમાં જિમુતના કાગળને બદલે જિમુતના પિતાનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું:

ચિ. ભાઈ પરાગ,

તારો જિમુત પરનો પત્ર મારા હાથમાં આવ્યો. આમ તો હું એના કાગળ ના ફોડું કે ન વાંચું, પણ આજે અસાધારણ પરિસ્થિતિમાં મારે તેમ કરવું પડ્યું છે. આજે ત્રણ-ચાર દિવસથી જિમુત ઘેર નથી અને એ ક્યાં છે તેની અમને કોઈને ખબર નથી; તેના માથે ઘણું દેવું થઈ ગયું છે તેથી તે છુપાતો ફરે છે એવું તેના દોસ્તારો કહે છે. એ બધા દોસ્તારો તેના મોટા ભાગના લેણદારો છે અને તેમની પાસેથી નાની-મોટી રકમો તેણે લીધી છે અને એ લઈને એ દોસ્તારો સાથે જલસા કર્યા છે. કોની પાસેથી કેટલી રકમ લીધી છે એની એણે ક્યાંય નોંધ રાખી નથી અને જેણે જેમ કહ્યું તેમ પહોંચો લખી આપી છે. સો લઈને સવાસો યે લખ્યા હશે. હવે તારા આ પત્રે મારી આંખો ઉઘાડી નાખી છે. છોકરો કેવા દોસ્તો કરે છે, ક્યાંંં જાય-આવે છે, શું કરે છે, પૈસા ક્યાંથી લાવે છે તે બાબત આજ સુધી હું અજાણ રહ્યો એ મારી ભૂલ મને આજે સમજાઈ છે. તારી પાસે તારા પૈસા હતા નહિ, જે હતા તે ધર્માદાના હતા અને તે અનિચ્છાએ તારે જિમુતને આપવા પડ્યા એ જાણી મને દુ:ખ થયું. એ પૈસા આ સાથે હું તને મોકલી આપું છું. એના મિત્રોની બાકી રકમોની પણ મારે જોગવાઈ કરવી પડશે, એ રકમો ચૂકતે નહિ થાય ત્યાં લગી એ દોસ્તો એને ઘેર આવવા નહિ દે એવું લાગે છે. આ મિત્રો કેવા? આવા મિત્રોની મૈત્રી કરી જિમુતે શું મેળવ્યું? લાચારી ને બદનામી કે બીજું કંઈ?'

આ પત્ર વાંચી પરાગની આંખોમાં આંસુ આવી ગયાં. તેને જિમુત માટે ખૂબ લાગણી થઈ આવી.

તે સાંજે તે સંતનાં દર્શન કરવા ગયો ત્યારે કાકાનો પત્ર તેણે તેમને વંચાવ્યો.

સંતે કહ્યું: 'અસાધુનો સમાગમ કરવાનું આ ફળ છે, ભાઈ! શ્રીજીમહારાજે 'શિક્ષાપત્રી'ના 125મા શ્લોકમાં સત્સંગના શિરોમણિ આચાર્યશ્રીને પણ એવી સ્પષ્ટ આજ્ઞા કરી છે કે-

કોઈ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરવો, પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. (125)

પછી 'શિક્ષાપત્રી' ઉઘાડી પરાગના હાથમાં આપતા કહ્યું: 'આ બે શ્લોક વાંચ!'

પરાગે મોટેથી વાંચ્યું:

અને પોતાની ઉપજનું જે દ્રવ્ય, તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે તેને મોટું દુ:ખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. (145)

અને પોતાના વ્યવહારકાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય, તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. (146)