૨૪. માતાપિતા, ગુરુ, બીમારની સેવા કરવી
એક વાર પરાગ સંત હરિભક્તદાસજીની સાથે નજીકના એક નાના ગામમાં હતો. સંત પરનો એનો ભક્તિભાવ દિવસે દિવસે વધતો જતો હતો; એ જ રીતે એના પરની સંતની કૃપા પણ વધતી જતી હતી. સંતના વાર્તાલાપોમાં એને ખૂબ રસ પડતો હતો, એમાંથી એના જીવનનું ભાથું બંધાતું હતું. સંત પણ એને સમજપૂર્વક અને ટકોરાબંધ ઘડી રહ્યા હતા.
એક દિવસ બાજુના ગામમાં ગયા હશે ત્યાં અચાનક એના પર ઘેરથી વિપુલનો તાકીદનો સંદેશો આવ્યો કે પિતાજી અચાનક બીમાર થઈ ગયા છે અને તને યાદ કરે છે.
પરાગે સંતની સામે જોયું. સંતે કહ્યું: 'પરાગ, ઝટ જા અને કહેજે કે હું પણ મારું અહીંનું કામ આટોપી બે દિવસમાં તમને આવી મળું છું.'
પરાગે કહ્યું: 'શું આપ મારે ઘેર પધારશો?'
સંતે કહ્યું: 'આમ તો ભિક્ષાપ્રસંગ સિવાય ગૃહસ્થને ત્યાં જવાનું સાધુને કંઈ કારણ નથી, પણ સત્સંગ મોટી ચીજ છે. તારા પિતા કોઈ મામૂલી માણસ નથી, મોટા મનના ઉદારચિત્ત પુરુષ છે. તેમની માંદગી વખતની વિચારધારા ધર્માનુરાગી જ હશે. મને તેમની સાથે વાર્તાલાપ કરવો ગમશે. આવા સજ્જનોનો સભાપ્રસંગ સાધુઓ માટે પણ આવકાર્ય છે, તેથી તો શ્રીજીમહારાજે 'શિક્ષાપત્રી'ના 193મા શ્લોકમાં કહ્યું છે કે: ભિક્ષા અને સભાપ્રસંગ-- એ બે કાર્ય વિના સાધુએ ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ. (193) અર્થાત્ એ બે પ્રસંગે જવામાં વાંધો નથી.'
પરાગ ખુશ થયો. ઘેર આવી એણે ખૂબ ભાવથી પિતાની સેવાચાકરી કરવા માંડી. પિતાએ એની સેવાથી પ્રસન્ન થઈ કહ્યું: 'બેટા, વિપુલ પણ એની સેવામાં કંઈ કચાશ રાખતો નહોતો, પણ તારી સેવાની મને ભૂખ હતી, એટલે મેં તને તેડાવ્યો. સંતની સેવામાં એથી વિક્ષેપ પડ્યો હશે, નહિ?'
પરાગે કહ્યું: 'સંત તો સંત છે, બાપુજી, હું ઘણું કહું છું, પણ કદી મને તેમની કંઈ પણ અંગત સેવા કરવા દેતા નથી. તેમનાં વસ્ત્રો તેઓ જાતે ધૂએ-સૂકવે-વાળે છે, તેમનાં અજીઠાં પાત્ર તેઓ પોતે જ સાફ કરે છે, પાથરણું પણ પોતે જ પાથરે છે ને ઉપાડે છે, તેઓ તો કહે છે કે અમારામાં તો જે હલકી ટહેલ કરે તે મોટો!'
તેના પિતાના મુખમાંથી ઉદગાર નીકળી પડ્યા: 'આવા સાધુસમાજની સાથે એવો જ ગૃહસ્થસમાજ હશે ત્યારે સંસાર અસાર હશે અને જીવનમાં સુવાસ હશે.'
બે દિવસ પછી સંત પણ ગામમાં પાછા આવી ગયા. પરાગના પિતાને માંદગીમાંથી સાજા થતા જોઈ એ રાજી થયા. તેમણે તેમની સાથે સાધુધર્મની, ગૃહસ્થધર્મની અને સામાન્ય ધર્મની ઘણી વાતો કરી.
થોડા દિવસમાં પરાગના પિતા તો સાજા થઈ ગયા, પણ હવે ઘરનો નોકર માંદો પડ્યો. તેની પણ પરાગે ખૂબ હેતપ્રીતથી સેવાચાકરી કરી. નોકર શરમાઈ-સંકોચાઈને કહે: 'બાપુ, અમે તમારી સેવાચાકરી કરવા માટે છીએ, તમે અમારી સેવાચાકરી કરો એ શોભે નહિ.'
પરાગે કહ્યું: 'કેમ ન શોભે? સેવાચાકરી તો જે કરે તે સૌને શોભે!'
નોકરે કહ્યું: 'હું નોકર, તમે શેઠ. મારાથી તમારી સેવાચાકરી લેવાય નહિ!'
પરાગે કહ્યું: 'આમાં લેવાની કે દેવાની વાત ક્યાં છે? એક જણ માંદુ છે, બીજું સાજું-નરવું છે. સાજું છે તે માંદાને સંભાળે છે. બસ, આટલું જ છે. આમાં નોકર-શેઠ ક્યાં છે?'
નોકરની આંખો લાગણીથી ભરાઈ આવી.
નોકર પણ થોડા દિવસમાં સાજો થઈ ગયો.
* * *
આ ઘટનાને મહિનો બે મહિના વીતી ગયા.
એક દિવસ પરાગના પિતાએ ઘરનાં બધાંને પોતાના કમરામાં બોલાવ્યાં.
પરાગ, વિપુલ, પરાગની માતા, પરાગની વિધવા ફોઈ-- જે એમના ઘરના આશ્રયે રહેતાં હતાં, તે બધાં જ ભેગાં થયાં. બધાં રાજુ ભૈયાની સામે જોઈ રહ્યાં હતાં.
રાજુ ભૈયા એકદમ ગંભીર મુખમુદ્રા કરી બેઠા હતા.
ફોઈએ પહેલ કરી પૂછ્યું: 'રાજુ ભૈયા, શી વાત છે?'
રાજુ ભૈયાએ ગજવામાંથી એક કાગળ કાઢી કહ્યું: 'આપણા એક દૂરના સંબંધી સંતુદાદાનો પત્ર છે. લખે છે કે-- ના, હું એમનો પત્ર જ વાંચી સંભળાવું. તમે સૌ સાંભળો!
સ્વસ્તિ શ્રી મંગલપુર ગામ મધ્યે સર્વ શુભોપમાલાયક ભાઈ રાજુ ભૈયાને તથા ઘરનાં બધાંને ઘણા માનથી જે ભગવાન! બાદ લખવાનું કે હું હવે ઘણો જ ઘરડો થયો છું-- એકાશી વર્ષનો થયો. બીજા લોકોને મરતા જોઉં છું તે હિસાબે તો મારે ઘણું વહેલું મરી જવું જોઈતું હતું; ભગવાનને એવી પ્રાર્થના પણ મેં ઓછી નથી કરી, પણ એને એ સાંભળવાની ફૂરસદ મળી નહિ. હવે વાત કંઈક એના ધ્યાન પર આવી લાગે છે, પણ સીધુ ને સટ મોત મોકલે એવો એ સીધો સરળ થોડો છે? એણે જમરાજાને હુકમ કર્યો કે આ બુઢ્ઢાને રોવડાવે તો તું ખરો? એટલે જમરાજાએ કાળોતરા નાગ જેવા રોગ કેન્સરને મોકલ્યો છે અને તેણે આવી મને બોચીમાંથી પકડ્યો છે. એના મનથી કે હવે હું ભગવાનનું નામ લઈ રહ્યો! પણ એ હજી આ સંતુડોસાને ઓળખતો નથી. હું નથી હરિને છોડવાનો કે નથી હરિનું નામ છોડવાનો! પીડાથી હું ડરવાનો નથી. ધ્રુવજી મોતના માથા પર પગ દઈને આ લોક છોડી ગયા હતા, તેમ હું યે મોતના માથા પર પગ દેવા ટાંપીને બેઠો છું! બાળકના હાથમાંથી જૂનું રમકડું લઈ મા તેને નવું રમકડું આપે તેવી આ ઘટના છે. જૂનું રમકડું છૂટવાની આ પળ તે મૃત્યુ! જૂનું રમકડું જતાં બાળક રડે છે, કારણ કે તેને ખબર નથી કે નવું રમકડું મળવાનું છે, પણ મને તો ખબર છે કે જૂના રમકડા જેવું આ જૂનું શરીર છૂટ્યા પછી નવું દિવ્ય શરીર મળવાનું જ છે. એટલે હું શું કરવા રડું? જમરાજા જખ મારે છે અને એનો સિપાઈ કેન્સર પણ જખ મારે છે! બંદો સંતુદાદો મોજથી ઘરમાં એકલો બેઠો છે-- જમરાજાને મોઢામોઢ ચેલેન્જ આપીને!'
કાગળ વાંચવાનું પૂરું કરી રાજુ ભૈયાએ આંખો લૂછી.
બધાં સ્તબ્ધ બની જોઈ રહ્યાં.
થોડી વાર પછી રાજુ ભૈયાએ કહ્યું: 'કહો, આપણે આમાં કંઈ કરી શકીએ ખરા, એ જાણવા મેં તમને બધાંને અહીં ભેગાં કર્યાં છે.'
'આપણે શું કરી શકીએ એ તમે જ કહો!' પરાગની માતાએ કહ્યું.
રાજુ ભૈયાએ કહ્યું: 'બંદો સંતુદાદો મોજથી ઘરમાં એકલો બેઠો છે- આ છેલ્લું વાક્ય હૃદયદ્રાવક છે. સંતુદાદા એકાશી વર્ષે ઘરમાં એકલા છે અને કેન્સરની પીડાથી પથારીવશ છે. તેમણે પત્રમાં કંઈ મદદ માગી નથી કે પોતાની હાલત પ્રત્યે દયા પ્રેરે એવો એક અક્ષરે લખ્યો નથી. આજ લગી જે ખુમારીથી એ જીવ્યા છે એ ખુમારી હજી એવી ને એવી અકબંધ છે. કેન્સર સામે એકલે હાથે લડી રહેલો એ એકલવીર કોઈની સેવાચાકરી માગતો નથી, પણ મને થાય છે કે આપણે સામેથી એમની સેવાચાકરી માગવી જોઈએ. જે થોડો સમય, મહિનો બે મહિના કે વરસ બે વરસ એમને હવે જીવવાનાં હોય એ આપણા ઘરની સેવાચાકરી હેઠળ વીતે એવી મારી ઇચ્છા છે. પણ આમાં મારો નિર્ણય ન ચાલે, કારણ કે એમની સેવાચાકરીનો ભાર મારા કરતાં તમારા સૌ પર વધારે રહેવાનો છે. થાકી જવાય એવી આ સેવાચાકરી છે. હવે તમે કહો તેમ કરીએ.'
તરત ફોઈ બોલી ઊઠ્યાં: 'એ સેવાચાકરીનો ભાર મારે માથે. આવા ભગત જીવની સેવાચાકરી કરવા મળે ક્યાંથી?'
પરાગે કહ્યું: 'હું પણ એવું માનું છું. હું સેવાચાકરીમાં ફોઈની પડખે રહીશ.'
બીજાં બધાંએ પણ તેવું જ કહ્યું.
સંતુદાદાને સમજાવીને ગામડેથી અહીં લઈ આવવાનો ભાર પરાગ અને વિપુલને શિરે મૂકવામાં આવ્યો. બીજે જ દિવસે તેઓ વાહન ભાડે કરીને ઊપડી ગયા. સંતુ દાદાએ પોતાની સેવાચાકરીનો ભાર બીજાને માથે નાખવાની અનિચ્છા દર્શાવી, પણ સૌનો ભાવ જોઈ તેમણે તેનો સ્વીકાર કર્યો.
આ થોડા દિવસ પરાગ સંતનાં દર્શને જઈ શક્યો નહોતો. તેથી જ્યારે તે ગયો ત્યારે સંતે તેને ગેરહાજરીનું કારણ પૂછ્યું. જવાબમાં પરાગે બધી ઘટના કહી.
એ સાંભળી સંત ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે પરાગનો ખભો થાબડી કહ્યું: 'વાહ, તેં શ્રીજીની આજ્ઞાનું પાલન કરી કુળ ઉજાળ્યું અને વિદ્યા પણ ઉજાળી!'
પછી 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી તેમણે કહ્યું: 'આ શ્લોક વાંચ.'
પરાગે મોટેથી વાંચ્યું:
અને અમારા આશ્રિત જે ગૃહસ્થ, તેમણે માતાપિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય, તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવી. (139)