૧. પરાગની પરીક્ષા
બે ભાઈ હતા.
મોટાનું નામ પરાગ, નાનાનું નામ વિપુલ.
પરાગ નવમા ધોરણમાં ભણતો હતો, વિપુલ આઠમામાં.
ભણવામાં બેઉ હોંશિયાર, પણ પરાગને ભણવા સાથે રમતગમત પણ ગમે. શાળામાં જેટલી રમતો રમાતી તે બધીમાં તે આગળ પડતો ભાગ લેતો. તેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં તે ખૂબ માનીતો હતો. બધા કહેતા કે પરાગ આપણી શાળાની શોભા છે.
ફરી ફરી આવાં વખાણ સાંભળી પરાગને થયું કે હું કંઈ સાધારણ ખેલાડી નથી. હું ધારું તો મારી રમતગમતથી આખા દેશમાં મારું નામ રોશન કરું.
આ વિચારે એણે રમતગમતમાં વધારે ધ્યાન આપવા માંડ્યું અને શાળાના અભ્યાસમાં ઓછું.
એમ કરતાં વાર્ષિક પરીક્ષાનો સમય આવ્યો.
પરાગને બીક લાગી કે હું નાપાસ થઈશ તો? તો તો મારાં બારે વહાણ ડૂબી જાય. મારે પાસ તો થવું જ જોઈએ અને તે ય બને એટલા સારા ગુણે.
ભટો એનો ખાસ દોસ્ત હતો. એનું નામ તો હતું સુભટ, પણ બધા એને ભટ કે ભટો કહેતા.
પરાગે ભટાને કહ્યું: 'ભટા, વાર્ષિક પરીક્ષા તો આવી! આ વખતે મારાથી વંચાયું નથી, કેમ થશે?'
ભટાએ કહ્યું: 'થવાનું વળી શું? પાસ થવાનું-- સારા નંબરે જ તો!'
પરાગે કહ્યું: 'પણ કેવી રીતે? વાંચ્યા વિના? પ્રશ્નોના જવાબ તો લખવા પડે ને!'
'તે લખવાના! એમાં તકલીફ શી છે?'
પરાગ વિચારમાં પડી ગયો.
ભટાએ ધીમું ધીમું હસતાં કહ્યું: 'હું તને ફક્કડ કીમિયો દેખાડું. તારી આગળની પાટલી પર કો'ક તો બેઠો હશે ને! એ જે લખે તે એનામાં જોઈ જોઈને તારે તારી ઉત્તરવહીમાં લખવાનું! આમે તારી આંખો ખૂબ સારી છે. તું ચૌદ હાથ છેટેથી ઝીણા અક્ષરે લખેલું ટાઈમટેબલ વાંચી શકે છે, અને તારી આગળની પાટલી પર બેઠેલાની ઉત્તરવહી નહિ વાંચી શકે? બસ, એ લખે એ જોઈ જોઈને તારે લખવાનું.'
પરાગ વિચારમાં પડી ગયો. પછી કહે: 'ભટા, આ તો ચોરી કરી કહેવાય! છેતરપિંડી કહેવાય!'
ભટાએ કહ્યું: 'ચોરી-છેતરપિંડી વળી શાની? કોઈનો ધનમાલ કે સોનું-રૂપું ઉપાડી જઈએ તો ચોરી કરી કહેવાય. આ તો વિદ્યા છે, વિદ્યા કંઈ સોનું-રૂપું નથી. આપણા સાહેબે જ આપણને શીખવ્યું છે કે વિદ્યાની ચોરી થઈ જ શકતી નથી અને વિદ્યા એવી ચીજ છે જે બીજાને દેવાથી ઘટતી નથી, ઊલટી વધે છે. માટે આને ચોરી કહેવી એ ભૂલ છે. આમાં છેતરપિંડી પણ ક્યાં છે? તું કોઈની ઉત્તરવહીમાંથી જોઈને લખે તેમાં કોઈને એક કાણી કોડીનું પણ નુકસાન થવાનું નથી, તારા આ કૃત્યની તો એને ખબર પણ પડવાની નથી. કીમિયો કોનું નામ!'
વાત એકદમ પરાગને ગળે ઊતરી તો નહિ, પણ તે સમજી ગયો કે પાસ થવા માટે આ સિવાય બીજો ઉપાય નથી. તેણે પરીક્ષાની તૈયારી લેખે વાંચવાનું સાવ માંડી વાળ્યું. ચોપડી ઉઘાડવાનું એને મન જ થયું નહિ.
બીજાને આ ન દેખાયું, પણ વિપુલને દેખાયું. એ પોતે પરીક્ષાની પાકી તૈયારી કરતો હતો ખરો ને!
તેણે એક દિવસ પરાગને કહ્યું: 'ભાઈ, પરીક્ષા તો આવી, તું કેમ કંઈ તૈયારી કરતો નથી?'
પરાગે હસીને કહ્યું: 'કોણે કહ્યું નથી કરતો? પરીક્ષાનું પરિણામ આવે ત્યારે જોજે!'
હવે વિપુલ કંઈ બોલ્યો નહિ. મોટા ભાઈની સાથે વાદ કરવો શોભે નહિ, એની એને ખબર હતી.
***
પરીક્ષાઓ થઈ ગઈ.
પરાગે ભટાની સલાહ પ્રમાણે જ કર્યું. એની આગળની પાટલી પર એના વર્ગનો હોંશિયારમાં હોંશિયાર વિદ્યાર્થી હર્ષદ બેઠો હતો. તેની ટેવ પ્રમાણે એ ધીરે ધીરે અને સારા અક્ષરે પ્રશ્નોના જવાબ લખતો હતો, અને એક પ્રશ્નનો જવાબ લખી રહ્યા પછી ફરી ચીવટથી તે વાંચી જતો હતો. તેથી તેની પાછળ બેઠેલા પરાગને તેની નકલ કરવાનું બરાબર ફાવ્યું. આમ એનાં બધાં જ પેપરો લખાઈ ગયાં.
સમય જતાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું.
પરાગ એના વર્ગમાં સૌથી પહેલા નંબરે પાસ થયો!
બધાએ એને ધન્યવાદ આપ્યા. તેમાં ભટો સૌથી મોખરે હતો.
તેણે કહ્યું: 'દોસ્ત, કમાલ કરી તેં! તેં ખુદ હર્ષદને પાછળ પાડી દીધો!'
પરાગ પોતે વિચારમાં પડી ગયો હતો કે આ કેવી રીતે બન્યું! એની ઇચ્છા માત્ર પાસ થવાની હતી, પહેલો નંબર લેવાની નહિ! હવે એને લાગ્યું કે મેં હર્ષદના હકનું કંઈક ખૂંચવી લીધું છે. મેં તેનું કંઈક ચોર્યું છે, તેની સાથે છેતરપિંડી કરી છે!
તેણે ભટાને કહ્યું: 'ભટા, મને આ ન ગમ્યું! મને લાગે છે કે મારા હાથે કંઈક ખોટું થયું છે!'
ભટાએ હસીને કહ્યું: 'કશું જ ખોટું નથી થયું. દીવા જેવી વાત છે કે તું પહેલે નંબરે પાસ થયો છે, ને હર્ષદ બીજા! હા હા હા હા!'
પણ આ વખતે પરાગમાં પહેલાંના જેવો ઉત્સાહ દેખાયો નહિ.
મોટા ભાઈનો પહેલો નંબર આવ્યો તેથી વિપુલ ખુશ થયો હતો, પણ તેને નવાઈ લાગી કે આ બન્યું કેમ કરીને?
તેણે પરાગને જ કહ્યું: 'ભાઈ, વગર વાંચ્યે પહેલો નંબર લાવવાની તારી આ વિદ્યા મારે શીખવી છે.'
પરાગે બોલી નાખ્યું: 'એમાં અઘરું કશું નથી. બીજાની ઉત્તરવહીમાં જોઈ જોઈને લખવાનું!'
વિપુલ ચોંક્યો. તેણે કહ્યું: 'એટલે તેં બીજામાં જોઈને લખેલું? એની સંમતિથી?'
પરાગે કહ્યું: 'ના, એને-- હર્ષદને તો ખબરે નહિ હોય!'
વિપુલ વિચારમાં પડી ગયો. તેણે કહ્યું: 'એટલે હર્ષદને ખબર ન પડે તેમ તેં એનો પહેલો નંબર ઝૂંટવી લીધો! એના હકનો યશ તેં પડાવી લીધો!'
પરાગે બચાવ કરતો હોય તેમ કહ્યું: 'પણ મારો ઉદ્દેશ એવો હતો નહિ!'
વિપુલે કહ્યું: 'તેથી શું? માણસ દારૂ પીએ ને કહે કે છાકટા થવાનો મારો હેતુ હતો નહિ! પંખી પર પથરો ફેંકે ને કહે કે એને મારવાનો મારો હેતુ હતો નહિ, તો એને તું શું કહેશે? માણસ જે કાર્ય કરે તેની જવાબદારી તો તે માણસની જ ગણાય ને? ઢેખાળો નાખ્યો અને રસ્તે જનારને વાગ્યો તો એમાં ઢેખાળો નાખનારનો કોઈ દોષ નહિ એમ તારું કહેવું છે? હું શું કરું છું તે શું માણસે જાણવું નહિ જોઈએ?'
વિપુલ શાળાની ચર્ચા-પરિષદોમાં ઉત્સાહથી ભાગ લેતો હતો. અત્યારે પણ જાણે કોઈ ચર્ચા-પરિષદમાં દલીલ કરતો હોય તેમ બોલતો હતો.
એના શબ્દોની પરાગ પર અસર થઈ. તે વિચારમાં પડી ગયો.
તેણે કહ્યું: 'મને આમાં કંઈ સમજ પડતી નથી. હું મૂંઝાઉં છું.'
વિપુલે કહ્યું: 'તો આપણે કોઈ સમજદાર માણસને પૂછીએ. બાજુના મંદિરમાં એક નવા સાધુજી આવ્યા છે, તેમને પૂછીશું?'
પરાગે કહ્યું: 'ભલે, ચાલ!'
બેઉ ભાઈ સાધુજી પાસે ગયા.
સાધુજી તે વખતે એક ગ્રંથ વાંચતા હતા.
તેમને પ્રણામ કરી બેઉ ભાઈ વિનયપૂર્વક તેમની સામે બેઠા.
વિપુલે ધીરેથી બધી વાત કરી કહ્યું: 'મહારાજ, આવી રીતે પાસ થવામાં પરાગે સારું કર્યું છે કે ખોટું?'
સાધુએ કહ્યું: 'ખોટું. આ કંઈ ભણ્યા ન કહેવાય!'
હવે પરાગે કહ્યું: 'મહારાજ, આજના ભણતરમાં ભણવાનું હોય છે જ ક્યાં? એ ભણેલું જીવનમાં કંઈ કામ આવતું નથી અને ભણેલું ભૂલી જઈએ ત્યારે જ કંઈ કામધંધો સૂઝે છે!'
નવાઈ પામી સાધુ તેની સામે જોઈ રહ્યા. પછી કહે: 'આ તમે કહો છો?'
પરાગે દૃઢ સ્વરે કહ્યું: 'મારો મિત્ર ભટો કહે છે.'
'ભટો? કોણ છે એ?'
'મારો ખાસ મિત્ર છે. એ ઘણી ઘણી બાબતોમાં ઘણો હોંશિયાર છે.'
સાધુએ કહ્યું: 'ત્યારે તો પરીક્ષામાં પાસ થવાની આ વિદ્યા પણ કદાચ એણે જ દેખાડી હશે!'
'હા, એણે જ દેખાડેલી. મેં કહ્યું ને કે એ ઘણું જાણે છે.'
સાધુએ કહ્યું: 'જરૂર એ ઘણું જાણે છે, પણ જે જાણવું જોઈએ એ નથી જાણતો.'
પરાગ ભોંઠો પડ્યો. તે બોલ્યો: 'મહારાજ, શું જાણવા જેવું એ નથી જાણતો?'
સાધુએ પોતાના હાથમાં રહેલો ગ્રંથ ઉઘાડી તેના એક પાના પર આંગળી મૂકી કહ્યું: 'આ સત્તરમો શ્લોક વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું. તેમાં લખ્યું હતું:
ધર્માર્થે પણ ચોરી કરવી નહિ! (17)
સાધુએ કહ્યું: 'તેં હર્ષદની ઉત્તરવહીમાં જોઈ જોઈને લખ્યું તે એક પ્રકારની ચોરી જ છે. તેં એનો નંબર ચોર્યો એ તો ઠીક, પણ બીજા કેટલાયે વિદ્યાર્થીઓને પાછળ પાડી તેં તેમના નંબર ચોરી લીધા છે. તેં એ સૌના હકના યશની ચોરી કરી છે. કેટલાક ચોર-લૂંટારાઓની વાતો તેં સાંભળી હશે. એ લોકો શ્રીમંતને લૂંટી ગરીબોને ધન આપતા અને સમજતા કે અમે ધર્મકાર્ય કરીએ છીએ, પુણ્યકર્મ કરીએ છીએ. પરંતુ ચોરી એટલે ચોરી! ધર્મના નામે કે પુણ્યના નામે ચોરી કરવાથી પણ ચોરી તો ચોરી જ રહે છે. દુષ્કૃત્ય એ દુષ્કૃત્ય જ રહે છે. તારી ચોરી પણ એવી છે.'
પરાગે કહ્યું: 'મેં હર્ષદની સંમતિથી આ કર્યું હોત તો?'
સાધુએ કહ્યું: 'તો પણ એ ચોરી જ હોત. હર્ષદ એ ચોરીનો ભાગીદાર ગણાત એ વધારામાં! લે, હવે આ સાડત્રીસમો શ્લોક વાંચ!'
આમ કહી સાધુએ ગ્રંથનું બીજું પાનું ઉઘાડી પરાગની સામે ધર્યું:
પરાગે મોટેથી વાંચ્યું: 'કોઈનો વિશ્વાસઘાત કરવો નહિ!' (37)
વાંચ્યા પછી પરાગે કહ્યું: 'આ મને લાગુ પડતું નથી. મેં કોઈનો વિશ્વાસઘાત કર્યો નથી.'
સાધુએ હસીને કહ્યું: 'નથી કર્યો? તારા શિક્ષકોએ અને ગુરુજનોએ શું એવી અપેક્ષા નહિ રાખેલી કે તેમના બધા વિદ્યાર્થીઓ પ્રામાણિકપણે પરીક્ષામાં પાસ થવાનો પ્રયત્ન કરશે? તારાં માતા-પિતાએ પણ શું એવી અપેક્ષા નહિ રાખેલી? એ સૌને તેં હતાશ કર્યાં છે, એ સૌનો તેં વિશ્વાસઘાત કર્યો છે.'
પરાગના મુખમાંથી 'ઓહ' નીકળી ગયું.
સાધુએ આગળ કહ્યું: 'એ બધાં તને સાચો વિદ્યાર્થી-- વિદ્યાનો અર્થી માનતાં હતાં. તેં પારકાની ઉત્તરવહીના જોરે પાસ થઈ તેમના એ વિશ્વાસનો ભંગ કર્યો છે. તેમની નજરે તું હવે ખૂબ નીચો ઊતરી ગયો છે. આ શું સારું કહેવાય?'
પરાગ ગળગળો થઈ ગયો. તેણે નીચું મોં કર્યું.
સાધુએ ગ્રંથનું બીજું પાનું ઉઘાડી કહ્યું: 'હવે આ સત્તાવીસમો શ્લોક વાંચ!'
પરાગે વાંચ્યું: 'ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી અને કીમિયો કરી ઠગનારાનો કદી સંગ કરવો નહિ.' (27)
સાધુએ કહ્યું: 'તારો દોસ્ત ભટો આમાં કયા વર્ગમાં આવે છે એ તું જ કહે!
હવે પરાગને ભટાના પેલા શબ્દો યાદ આવ્યા કે 'હું તને પાસ થવાનો ફક્કડ કીમિયો દેખાડું.'
તેણે કહ્યું: 'કીમિયો કરી ઠગનારો!'
સાધુએ કહ્યું: 'ખરું કહ્યું! હવે સાંભળ, એવાનો સંગ ન કરવાની શાસ્ત્રની આજ્ઞા છે. તેં એ આજ્ઞાનો ભંગ કર્યો અને એનું ફળ ભોગવ્યું. કહે, હવે શું કરવું છે?'
'શું કરું? આપ જ કહો!' પરાગે શરણભાવથી કહ્યું.
સાધુએ કહ્યું: 'પહેલું તો એ કે એવા કીમિયાગરનો સંગ કાપી નાખવો અને બીજું એ કે કર્યા કર્મનું પ્રાયશ્ચિત્ત કરવું.
આમ કહી ગ્રંથનું નવું પાનું ઉઘાડી કહ્યું: 'આ બાણુંમો શ્લોક વાંચ!'
પરાગે વાંચ્યું:
'ક્યારેક જાણ્યે-અજાણ્યે નાનું-મોટું પાપ થઈ જાય તો શક્તિ પ્રમાણે તેનું પ્રાયશ્ચિત્ત કરવું.' (92)
પરાગ વિચારમાં પડી ગયો. તેણે કહ્યું: 'મહારાજ, આ સમજાયું નહિ! શું મેં કર્યું એ પાપ છે? મેં કોઈને માર્યો નથી, હણ્યો નથી, કોઈની ધનદોલત લૂંટી નથી, કોઈનું કંઈ લીધું-દીધું નથી!'
સાધુએ હસીને કહ્યું: 'તું કહે છે તે સાચું છે. તેં કોઈની હત્યા કરી નથી કે તેં કોઈનું કંઈ લીધું-દીધું નથી-- પણ કોઈને છરી ભોંકીએ તો જ હત્યા કરી કહેવાય? કોઈની ધનદોલત પડાવી લઈએ તો જ લીધું-દીધું કહેવાય? ના, એવું નથી. તું જ વિચાર કર. તારા આ કૃત્યથી હર્ષદની કેવી હાલત થઈ હશે? તેને લૂંટાઈ ગયા જેવું લાગતું હશે કે નહિ? તેનાં મા-બાપ, તેના ગુરુજનો તેને જે યશ આપતાં હતાં તે તેનો યશ એકદમ ધૂળભેગો થઈ ગયો કે નહિ? તેને કેવું હીણું લાગતું હશે! તેને થતું હશે કે હું ખાલી મહેનત કરી મર્યો. તું કેવી રીતે પાસ થયો છે એ વાત પણ વહેલી મોડી બહાર આવ્યા વિના નહિ રહે. તે વખતે બીજા વિદ્યાર્થીઓ તારો દાખલો લેશે અને પ્રામાણિકપણે વિદ્યાભ્યાસ કરવાનું કોઈ નામ નહિ લે! હોંશિયાર વિદ્યાર્થી બીશે કે મને મારી મહેનતનું મળવું જોઈતું ફળ નહિ મળે અને દુષ્ટ આળસુ વિદ્યાર્થી એના પ્રપંચોમાં ગળાડૂબ રહેશે. તારા એક નાનકડા અપકૃત્યથી વિદ્યાના કેવા ભૂંડા હાલ થશે એનો તને કંઈ ખ્યાલ આવે છે?'
પરાગની આંખોના ખૂણામાં અશ્રુબિંદુ ચમક્યાં.
તે ભયભીત સ્વરે બોલ્યો: 'મહારાજ, બચાવો!'
સાધુએ કહ્યું: 'ભાઈ, તું તારી ભૂલ સમજે છે, તેથી જરૂર બચી જશે; અને બીજાઓને પણ બચાવી શકશે. તું તારા આ અપકૃત્યનું પ્રાયશ્ચિત્ત કર. તું ખેલાડી છે, રમતવીર છે, તો તારી ખેલદિલી દેખાડ, તારી સચ્ચાઈ દેખાડ! એ જ સાચું શૌર્ય છે.'
પરાગે દૃઢ સ્વરે કહ્યું: 'કહો, શું કરું?'
સાધુએ કહ્યું: 'હિંમતથી જાહેર કર કે મેં આ ભૂલ કરી છે અને એની સજા ભોગવવા હું તૈયાર છું.'
'ક્યાં જાહેર કરું? કોની આગળ?'
'તારી શાળાના આચાર્યશ્રી આગળ!'
***
સાધુની રજા લઈ પરાગ સીધો શાળાના આચાર્યશ્રી પાસે ગયો. વિપુલે તેની સાથે રહેવાનું કહ્યું, તો એણે કહ્યું: 'ના, હું એકલો જ જઈશ.'
આચાર્યશ્રી તે વખતે કેટલાક શિક્ષકોની સાથે શાળાનાં વાર્ષિક પરિણામોની ચર્ચા કરતા પોતાના ખાસ કમરામાં બેઠા હતા.
પરાગે અંદર આવવાની રજા માગી. એ એવો આકુળ-વ્યાકુળ દેખાતો હતો કે આચાર્યે તેને તરત અંદર બોલાવ્યો ને કહ્યું: 'તું બહુ ગભરાટમાં લાગે છે. શાંતિથી બેસ, પછી જે કહેવું હોય તે કહે.'
પરાગ એક બાંકડા પર બેઠો. હવે તેનો શ્વાસ હેઠો બેઠો.
તે બોલ્યો: 'સાહેબ, હું એક અરજ કરવા આવ્યો છું.'
આચાર્યે કહ્યું: 'ભલે, કહો!'
પરાગે ઝટઝટ બોલી નાખ્યું: 'હું મારા વર્ગમાં પહેલે નંબરે પાસ થયાનું જાહેર થયું છે તે ખોટું છે.'
નવાઈ પામી આચાર્યે કહ્યું: 'એટલે?'
પરાગે એ જ આવેગમાં કહ્યું: 'સાહેબ, હું પાસ થતો જ નથી. હું નાપાસ છું. મેં કશું વાંચ્યું નથી, મેં કશું લખ્યું નથી!'
બીજા શિક્ષકો પણ હવે આશ્ચર્યથી પરાગને જોઈ રહ્યા!
આચાર્યે કહ્યું: 'આમ કહી તું કહેવા શું માગે છે?'
ધડ દઈને પરાગે બોલી નાખ્યું: 'સાહેબ, મેં હર્ષદની ઉત્તરવહીમાંથી તેને ખબર ન પડે તેમ જોઈ જોઈને બધું લખ્યું છે.'
આચાર્યે કહ્યું: 'તો હર્ષદ કરતાં તારા ગુણ વધારે કેવી રીતે આવે?'
પરાગે કહ્યું: 'રમતગમતમાં મને હર્ષદ કરતાં વધારે ગુણ મળ્યા છે, એટલે!'
આ સાંભળી આચાર્યશ્રીએ પ્રત્યક્ષ પુરાવા માટે પરાગ અને હર્ષદ બંનેની બધા જ વિષયોની ઉત્તરવહીઓ મગાવી જે તે વિષયોના શિક્ષકોને ફેરતપાસ કરવા કહ્યું. ઝીણવટપૂર્વક ફરી તપાસતા શિક્ષકોને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો કે પરાગે હર્ષદના લખાણમાં થોડા ઘણા શબ્દો ફેરવીને જ લખી કાઢ્યું હતું, પણ શબ્દોની ફેરવણીને લીધે કોઈ પણ શિક્ષકનું ધ્યાન આ બાબત પર ગયું નહોતું.
હવે આચાર્યશ્રીનો કંઠસ્વર કડક થયો.
તેમણે કહ્યું: 'પરાગ, તું ગુનો કબૂલ કરે છે? આનું શું પરિણામ આવશે તે જાણે છે?'
પરાગે નમ્રતાપૂર્વક કહ્યું: 'જી, મેં નિર્ણય કર્યો છે કે જે સાચેસાચું હોય તે કહી દેવું અને અપરાધની જે સજા થાય તે ભોગવવી.'
આચાર્યે કહ્યું: 'શાળાની પ્રતિષ્ઠાનો આ પ્રશ્ન છે. તને કદાચ શાળામાંથી કાઢી મૂકવામાં આવે.'
પરાગમાં હવે સંત સાધુના સત્સંગથી હિંમત આવી હતી.
તેણે કહ્યું: 'જે સજા થશે તે હું રાજીખુશીથી માથે ચડાવીશ, અને એથી મોટી સજા ન થઈ તે માટે આપનો અને પ્રભુનો આભાર માનીશ.'
આ શબ્દોએ આચાર્યશ્રી અને બીજા શિક્ષકોનાં દિલ પર અસર કરી.
આચાર્યે કહ્યું: 'ઠીક, તો હવે તું જઈ શકે છે.'
સૌને નમસ્કાર કરી પરાગ હવે પાછો ફરી ગયો.
***
શાળાના આચાર્યશ્રીની આગળ પોતાના અપરાધની કબૂલાત કર્યા પછી પરાગ સીધો વિદ્યાર્થી હર્ષદને મળવા ગયો. હર્ષદ તે વખતે શાળાના મેદાનમાં એક ઝાડ હેઠળ ઉદાસ ચહેરે બેઠો હતો.
પરાગે તેને બોલાવ્યો: 'ભાઈ હર્ષદ!'
હર્ષદે ઊંચે જોયું. પરાગને જોઈ તેણે તેના સ્વાભાવિક સ્વરે કહ્યું: 'અભિનંદન! પરીક્ષામાં પહેલો નંબર મેળવવા માટે!'
આ સાંભળી પરાગનું મોં પડી ગયું. તેણે કહ્યું: 'એ અભિનંદનનો અધિકારી હું નહિ, તું છે.'
હર્ષદ નવાઈ પામી પરાગની સામે જોઈ રહ્યો.
પરાગે ખુલાસો કર્યો: 'ભાઈ હર્ષદ, તું ઉત્તરવહી લખતો હતો, ત્યારે તારી પાછળ બેઠેલો હું એમાં જોઈ જોઈને મારી ઉત્તરવહી લખતો હતો, અને એ રીતે જ મેં પહેલો નંબર મેળવેલો છે. ખરેખર તો હું નાપાસ છું. હમણાં જ હું આચાર્યશ્રીને આ કહી આવ્યો!'
હર્ષદે નવાઈ પામી કહ્યું: 'શું તેં મારી ઉત્તરવહીમાં જોઈ જોઈને બધું લખેલું? મને તો આ વિશે કશી ખબર નથી. આચાર્યશ્રી કદાચ એવું સમજશે કે આ રીતે ચોરી કરી પરીક્ષકોને છેતરવામાં મેં તને મદદ કરી છે!'
પરાગે કહ્યું: 'મેં એમને સ્પષ્ટ કહ્યું છે કે તું આમાં કંઈ જ જાણતો નથી, અને મારા અપરાધની મેં સજા પણ માગી લીધી છે. કદાચ મને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે.'
હર્ષદે કહ્યું: 'તો તો બહુ ખરાબ!'
આ વાત આટલેથી અટકી.
ઘરે જઈ વિપુલને સાથે લઈ તે ફરી પેલા સાધુ મહારાજ પાસે ગયો. તેમને બધી બિના કહી, છેલ્લે તેણે કહ્યું: 'મહારાજ, મારી એક વિનંતી છે.'
'બોલો.'
'આપે જે ગ્રંથ મને વંચાવ્યો તેનું નામ શું? એ ક્યાં મળશે?'
સાધુજીએ પ્રસન્ન હાસ્ય કરી કહ્યું: 'એ ગ્રંથનું નામ 'શિક્ષાપત્રી'. કોઈપણ સ્વામિનારાયણ મંદિરમાં એ મળશે, પણ અત્યારે તો હું જ તને એ ગ્રંથ મારા તરફથી ભેટ આપું છું. રોજ સવારે નાહીધોઈ ભગવાનનું નામ લઈ એ વાંચવાનું રાખશો તો તમારું જીવન આખું ઉજ્જવળ બની જશે. આ કોઈ સાધારણ ગ્રંથ નથી, પણ ભગવાન સ્વામિનારાયણની-- સહજાનંદ સ્વામીની પોતાની દિવ્ય વાણી છે. ભગવાનની વાણી એટલે ભગવાનનું જ સ્વરૂપ. અનંત કોટિ બ્રહ્માંડોના માલિક સર્વ કર્તાહર્તા એવા શ્રીહરિ પોતે આજથી બસોએક વર્ષ પર મનુષ્ય રૂપે પૃથ્વી પર વિચરતા હતા, ત્યારે પૃથ્વી પરના મનુષ્ય માત્રને માર્ગદર્શક થાય એવો આ ગ્રંથ તેમણે સ્વહસ્તે લખ્યો હતો. આ ગ્રંથનો એક એક શબ્દ અનંત શક્તિનો ભંડાર છે. એની સામર્થીનો પાર નથી. 'શિક્ષાપત્રી' એ માનવકુળ માટે શ્રેષ્ઠ આચારસંહિતા છે.'
પરાગે કહ્યું: 'એની સામર્થી મેં પ્રત્યક્ષ જોઈ! શબ્દો વાંચતાં જ મારા પર એની અસર થઈ હતી અને મારામાં નવું બળ પ્રગટ્યું હતું.'
સાધુએ કહ્યું: 'એવું જ છે, ભાઈ! તું તો શાળામાં ભણતોગણતો યુવાન છે, પણ જેણે કદી શાળાનું પગથિયું જોયું નથી તેવા, જેને ગળથૂથીમાંથી જ ચોરી કરવાના, લૂંટફાટ કરવાના અને મારવા-હણવાના જ સંસ્કાર મળ્યા છે તેવા અશિક્ષિત, અસંસ્કારી કોળી, ભીલ કોમના માણસોનાં કઠોર દિલ પણ આ વાણી સાંભળી કરુણાળુ બની ગયાના અસંખ્ય દાખલા આપણા સત્સંગમાં છે. તારી ઇચ્છા હોય તો એવાં એક-બે દૃષ્ટાંત કહું.'
પરાગે કહ્યું: 'ઘણી કૃપા આપની, મહારાજ!'
સાધુએ કથા માંડી.