૮. શ્રીજીમહારાજ પ્રત્યે સમર્પણભાવ
એક વાર પરાગે સંત હરિભક્તદાસજીના ચરણમાં મસ્તક મૂકી કહ્યું: 'સ્વામી, આપનો મારા પર એટલો બધો ઉપકાર છે કે જ્યારે હું તેનો વિચાર કરું છું ત્યારે મને તમારા પર ઓળઘોળ થઈ જવાનું મન થાય છે અને આપને માટે હું શું કરું અને શું નહિ એમ થાય છે!'
સંતે તેના ખભા પર હાથ મૂકી કહ્યું: 'સ્વાભાવિક છે, વત્સ! માતાપિતા બાળકનું લાલનપાલન કરી તેને ઉછેરે છે, તેની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરે છે, તેને ભણાવે ગણાવે છે; તેનામાં પોતાની રુચિ, આવડત અને શક્તિ પ્રમાણે સંસ્કારનું સિંચન કરે છે. પરંતુ ગુરુ તે કરતાં કંઈ વિશેષ કરે છે. સાધારણ રીતે માબાપ બાળકની સ્થૂળ જરૂરિયાતો જુએ છે, જ્યારે ગુરુ તેની આત્મિક જરૂરિયાતો જુએ છે; ગુરુની નજર કેવળ શિષ્યનાં તનમન પર નહિ, એના સમગ્ર અસ્તિત્વ પર હોય છે. શિષ્ય જ્યારે આ સમજે છે ત્યારે તેનું અંતર ગુરુ પ્રત્યે અત્યંત આદરથી ભરાઈ જાય છે; તેનામાં પૂજ્યભાવ જાગૃત થાય છે અને તે યોગ્ય જ છે. એકલા શિષ્યમાં જ આવો આદરભાવ પેદા થાય છે તેવું નથી, ગુરુમાં પણ આજ્ઞાંકિત અને નિષ્ઠાવાન શિષ્યને જોઈને ભાવ પેદા થાય છે. પરસ્પરના આ ભાવ વગર વિદ્યાનું કે ગુણનું આદાનપ્રદાન શક્ય નથી.'
'ભગવાન જ્યારે શ્રીજીમહારાજ રૂપે પૃથ્વી પર વિચરણ કરતા હતા, ત્યારે તેમની વાણી સાંભળીને કે તેમનાં દર્શન કરીને તો ઠીક, પણ તેમની નાનકડી એક ચેષ્ટા જોતાં કે તેમની પાદુકા જોતાં કે તેમની જ્યેષ્ઠિકા (લાકડી)નું દૂરથી દર્શન થતાં સંતો અને હરિભક્તોનાં અંતર ભાવાવેગથી ઊછળી આવતાં, તેમનામાં અપૂર્વ સુખાનુભવની ભરતી ચડતી. ભક્તોને થતું કે શ્રીજીમહારાજ માટે શું કરીએ અને શું નહિ!'
પરાગે હાથ જોડી પ્રાર્થના કરી: 'સ્વામી, મને સંતો-હરિભક્તોનાં આવાં કથાનકો સાંભળવાં બહુ ગમે છે.'
સંતે કહ્યું: 'તેનું પણ એક કારણ છે. સંતો-હરિભક્તોની કથાઓ એ નિષ્ઠાની અને સર્વસમર્પણની કથાઓ છે. વળી તે બધી ઘટનાઓ આપણી નજર સમક્ષ જ બની હોય એટલી તાજી છે. આપણી પૌરાણિક કથાઓ જેવી એ દૂરની નથી, પણ અતિ નિકટની, હાથ લાંબો કરીને પકડી લઈએ એટલી બધી નિકટની છે અને તત્કાલીન કવિઓ, લેખકો, સંતો, આચાર્યોએ એ પ્રમાણિત કરેલી છે. આ કથાઓના શ્રવણથી મનુષ્યના આચારવિચાર અને જીવતરનું ઘડતર થાય છે. અત્યારે હું તને એવું એક પાવનકારી કથાનક કહું છું તે સાંભળ!
સૌરાષ્ટ્રમાં બાલા નામે એક નાનકડા ગામમાં એક બાઈ રહેતી હતી. બાઈ વિધવા હતી અને ગૌધનની સેવાચાકરી કરી બે દીકરાઓને મોટા કરતી હતી. બાઈ શ્રીજીમહારાજની ભક્ત હતી અને રાત ને દિવસ કામકાજ કરતી વખતે તેની જીભે મહારાજનું નામ રહેતું અને અંતરમાં મહારાજને પ્રસન્ન કરવાની અભિલાષા રહેતી. જ્યારે ને ત્યારે એ ગાયા કરે:
હાં રે મારે આજ પ્રીતમ ઘેરે આવશે,
હાં રે મને હેતે કરીને બોલાવશે જી રે.
મારે આજ પ્રીતમ ઘેરે આવશે.
એક વાર એવું બન્યું કે શ્રીજીમહારાજ એ ગામમાં પધાર્યા અને બાઈની આરજૂનો જવાબ દેતા હોય તેમ બાઈને ઘેર જઈ ઊભા. ઘરઆંગણે શ્રીજીમહારાજ પધાર્યા એ જોઈને બાઈ તો હરખથી ગાંડીઘેલી થઈ ગઈ. એણે દોડીને મહારાજને ફૂલડે વધાવી લીધા અને ઘરમાં બાજઠ ઉપર બિરાજમાન કરી એમની આરતી ઉતારી, પૂજન કર્યું.
બાઈ એવી ભાવવિભોર બની ગઈ હતી કે એ બોલી ઊઠી: 'મહારાજ, મારે તમને કંઈક દેવું છે.'
મહારાજે હસીને કહ્યું: 'તમારે કશું જ દેવાની જરૂર નથી. અમારી સ્પષ્ટ આજ્ઞા છે કે જે ખાધેપીધે સુખી હોય અને જેને પોષાતું હોય તે પોતાની પદરની કમાણીમાંથી ધર્મકાર્ય માટે દશમો ભાગ આપે, નબળો હોય તે વીસમો આપે, પણ વિધવા સ્ત્રીએ પોતાનો દેહનિર્વાહ થાય એટલું જ ધન હોય તો તે ધર્મકાર્ય માટે પણ આપવું નહિ. તમારી સ્થિતિ હું જાણું છું. તમે માંડ તમારું પૂરું કરો છો, વળી તમારે માથે બે દીકરાઓને ઉછેરી મોટા કરવાનો ભાર છે.'
બાઈએ કહ્યું: 'ભાર વળી મારે માથે કેવો? અને હું વળી ક્યાં પૂરું કરું છું? પૂરું તો તમે કરો છો! અને આપે ન દેવાની આજ્ઞા કરી પણ દેવું હોય તેણે ય ન દેવું એવી આજ્ઞા ક્યાં કરી છે?'
શ્રીજીમહારાજ હસ્યા. કહે: 'સારું, દેનાર દે, પણ લેનાર ન લે તો?'
બાઈ કહે: 'ન કેમ લે? ભગવાન થઈને ભક્તની ભક્તિ લેવાની ના કહેતો હશે ખરો? ભગવાનનું એવું ભૂંડું મારાથી તો નહિ બોલાય, મા!'
શ્રીજીમહારાજ હસ્યા. તેમણે કહ્યું: 'ભલે, તો કહો, શું દેવું છે?'
બાઈએ પટ કહ્યું: 'તમે કહો તે દઉં!'
'તમે કહો એ દઉં' સાંભળી ગામના બીજા ભક્તો જે ત્યાં હાજર હતા તે નવાઈ પામ્યા. બધા મનમાં હસીને કહે: 'બાઈ માંડ માંડ પોતાનું ને છોકરાઓનું પૂરું કરે છે તે વળી શ્રીજીમહારાજને શું દેવાની છે? પાછી કહે છે કે તમે કહો તે દઉં! વાહ રે બાઈ, અનંત બ્રહ્માંડોનો જે માલિક છે તેને તું કહે છે કે તમે કહો તે દઉં! ચોખંડ પૃથ્વીના રાજા-મહારાજાઓ જેની આગળ ખોબો ધરીને યાચના કરતા ઊભા રહે છે તેને તું કહે છે કે તમે કહો તે દઉં!
ત્યાં તો મહારાજનો મધુર સ્વર સંભળાયો: 'તો એમ કરો, મા! તમને જે વહાલામાં વહાલું હોય તે મને આપો!'
બાઈ રાજી રાજી થઈ ગઈ. કહે: 'ભગવાનને તો વહાલામાં વહાલું જ અપાય ને!'
તેણે ઘરમાં ચારે બાજુ નજર કરી. માટીનાં બેચાર હાંલ્લાં અને બેચાર કોઠલા સિવાય બીજું કંઈ હતું નહિ, પણ આવું કંઈ શ્રીજીમહારાજને દેવાય? તેણે આંગણામાં નજર કરી તો ત્યાં ગાય બાંધેલી હતી. આ ગાય એને ખૂબ વહાલી હતી, એના પર જ એના ઘરનો આધાર હતો. એને થયું દઈ દઉં એ ગાય શ્રીજીને?
પણ શ્રીજીએ તો વહાલામાં વહાલું હોય તે દેવાનું કહ્યું છે.
વિચાર કરતાં એને મરણમૂડી તરીકે જાળવી રાખેલા કેટલાક રૂપિયા અને દાગીના યાદ આવ્યા. તેને થયું કે આ દાબડો જ મહારાજને દઈ દઉં!
એટલામાં બાઈના બે દીકરા બહાર રમવા ગયા હતા તે આવી ગયા. તેમણે માને ઘરમાં કંઈ ખોળંખોળ કરતી જોઈ પૂછ્યું: 'મા, શું ખોળો છો?'
બાઈએ કહ્યું: 'આપણે ઘેર ભગવાન પધાર્યા છે.'
છોકરાઓએ કહ્યું: 'પધાર્યા જ છે તો! અમે એમને પગે લાગીને જ અંદર આવ્યા. મહારાજ અમને બેઉને જોઈને હસ્યા! મા, આવું હસતાં ભગવાનને જ આવડે હોં!'
આ સાંભળી બાઈ વધારે ખુશ થઈ. તેણે કહ્યું: 'દીકરાઓ, મહારાજે મને કહ્યું છે કે તને જે વહાલામાં વહાલું હોય તે મને આપ!'
બંને દીકરાઓએ કહ્યું: 'તો દઈ દેને, મોડું શીદ કરે છે?'
બાઈએ બંને દીકરાઓના મસ્તક પર હાથ ફેરવી કહ્યું: 'પહેલાં મને થયું કે મને ગાય વહાલી છે, પછી થયું કે ના, ધન વહાલું છે; અને હવે થાય છે કે ના, મને--'
'મને શું, મા? તને જે વહાલામાં વહાલું હોય તે ઝટ દઈ દેને! આવો અવસર ફરી નહિ આવે!'
'નહિ જ આવે!' કહી બાઈએ બંને દીકરાઓને સોડમાં લઈ કહ્યું: 'મને વહાલામાં વહાલા છો તમે બે!'
તરત દીકરાઓએ કહ્યું: 'તો અમને બેઉને દઈ દે! અમારાં એવાં ભાયગ (ભાગ્ય) ક્યાંથી કે અમે મહારાજના થઈએ?'
હવે બાઈએ બેય દીકરાઓને એકને જમણે હાથે અને બીજાને ડાબા હાથે વહાલથી પકડીને મહારાજની સામે ધરી કહ્યું: 'મહારાજ, મને વહાલામાં વહાલા આ બે દીકરા છે, તે હું તમારી સેવામાં સમર્પિત કરું છું. સ્વીકારો!'
આમ કહી એણે બેય દીકરાઓના કપાળમાં કંકુના ચાંલ્લા કરી તેમને મહારાજના ચરણમાં ધરી દીધા. જોનારા સ્તબ્ધ થઈ ગયા. ગજબ કર્યો આ અકિંચન બાઈએ!
મહારાજે હાથ લંબાવી બેયને પોતાના પડખામાં ખેંચી લીધા ને કહ્યું: 'મા, તમારી વહાલામાં વહાલી ચીજ આજથી મારી પણ વહાલામાં વહાલી થઈ! તમારા આ દીકરાઓ સત્સંગના સ્તંભ બની ઝળહળશે અને અસંખ્ય જીવોને કલ્યાણના માર્ગે લઈ જશે.'
મહારાજનો કંઠસ્વર પણ ભક્તો પ્રત્યેની અપાર કરુણાથી ભીનો થયો.
પરાગ એકદમ તાળી પાડી બોલી ઊઠ્યો: 'વાહ, કેવું ભવ્ય સમર્પણ!'
તેણે પૂછ્યું: 'સ્વામી, શું નામ એ બાઈનું? આટલી બધી એમની સમજ છે, તો શાસ્ત્રજ્ઞાન પણ હશે ને?'
સંતે કહ્યું: 'કમનસીબે એ બાઈનું નામ ક્યાંય ગ્રંથસ્થ નથી, પણ તેથી શું? નામ વિના સત્સંગમાં બાઈનું જે 'નામ' થયું છે તે અપૂર્વ ઘટના છે અને શાસ્ત્રજ્ઞાનની બાબતમાં કહું તો બાઈ કાંઈ ભણેલીગણેલી નહોતી, પણ એને શ્રીહરિનું જેવું કોઠાજ્ઞાન થયું હતું તેવું જ્ઞાન તો શાસ્ત્રોનો ગઢ જીતનારાઓને ય ભાગ્યે જ થતું હશે. બાઈ એક વાત બરાબર સમજી હતી કે ભગવાનને પૂરા ભાવે ભજવા, જગતમાં જે કંઈ છે તે બધું ભગવાનનું જ સ્વરૂપ છે, ભગવાન જ કર્તાહર્તા, માલિક છે. એ જ એક માત્ર સત્ય છે, બીજું બધું અસત્ય છે. એક વાર જેણે ભગવાનનું શરણ લીધું એણે પછી પોતાનું કરીને રાખવા જેવું કંઈ રહેતું જ નથી.'
થોડી વાર અટકી સંતે કહ્યું: 'આવું સમર્પણભાવનું બીજું પણ એક દૃષ્ટાંત કહું. આમાં નામઠામ બરાબર જાણીતાં છે.
રતનપુર કરીને એક ગામમાં જસમત પટેલ કરીને એક ખેડૂત રહેતો હતો. એ શ્રીજીમહારાજનો ભક્ત હતો. ઘેર ગાયો, ભેંશો ને બળદોનો પાર નહોતો. આમ એ ખાધેપીધે સુખી હતો. સંતાનમાં પટેલને માત્ર એક દીકરો હતો. નામ એનું મોહન.
મોહન પચીસ વર્ષનો થયો. બાપને ખેતીના અને ઘરના કામમાં એ ખૂબ મદદરૂપ હતો. બાપની પેઠે એ પણ શ્રીજીનો ભક્ત હતો અને સત્સંગની આજ્ઞાઓનું બરાબર પાલન કરતો હતો.
હવે બન્યું એવું કે મોહનનો આયુષ્યકાળ પૂરો થવા આવ્યો. પટેલને કંઈ ખબર નથી. દીકરાને પણ કંઈ ખબર નથી. એ શરીરે સાજોતાજો ને સ્વસ્થ છે, પણ ભગવાનની ગતિવિધિ ભગવાન સિવાય બીજું કોણ જાણે?
એક રાતે જસમત પટેલ આંગણામાં ઢોલિયો ઢાળી સૂતા હતા ત્યાં મધરાતે શ્રીજીમહારાજ માણકી ઘોડી પર સવાર થઈને પધાર્યા અને ઘોડી પર બેઠાં બેઠાં જ તેમણે હાથમાંની છડી લાંબી કરીને પટેલે માથે ઓઢેલું તે ખેંચી કાઢ્યું.
પટેલ સફાળા જાગી ગયા અને મહારાજને જોઈ એકદમ આનંદ ઉલ્લાસમાં આવી એમના પગે પડ્યા અને બોલવા લાગ્યા: 'ધન ભાયગ મારાં! ધન ભાયગ મારાં!'
મહારાજે કહ્યું: 'ભગત, તમારાં ભાયગ તો મોટાં છે. તમારા દીકરા મોહનને અક્ષરધામમાં અમારી સેવામાં લઈ જવાના છે.'
આનો અર્થ એ થયો કે દીકરો દેહ તજી દેવાનો છે.
કોઈ પણ માણસ આવું સાંભળી આઘાત પામે, પણ પટેલે કહ્યું: 'મને ય ભેળો લઈ જાઓને, મહારાજ!'
મહારાજે કહ્યું: 'તમારે હજી વાર છે, પણ એનો સમય થઈ ગયો છે, તેથી તમને પૂછવા આવ્યો છું કે તમે રજા આપો તો લઈ જાઉં, નહિતર નહિ!'
એકનો એક જુવાન દીકરો જેના સહારે ખેતીવાડી, ઘરબાર, ઢોરઢાંખર બધું સંભાળાતું હતું તેને કાયમને માટે જતો કરવાનો હતો, પણ ભગત કહે: 'મહારાજ, જેવી આપની ઇચ્છા! દીકરો કંઈ અવળે મારગે જતો હોય તો રોકું, પણ ભગવાનનો તેડ્યો ભગવાનના ધામમાં જતો હોય તેને કેમ રોકું? ગામનો ઠાકોર એના ઘરના કામે બોલાવે તો ના નથી કહેવાતી, ત્યારે આ તો અનંત કોટિ બ્રહ્માંડનો ધણી જાતે આવી આજ્ઞા કરે છે, તેને ના કેમ કહેવાય? રાજીખુશીથી લઈ જાઓ, મહારાજ! આ તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવી હોય એવું મને તો લાગે છે!'
મહારાજ પ્રસન્ન થયા. તેમણે કહ્યું: 'તો તૈયાર રહેજો! કાલે બપોરે ત્રણ વાગે!'
આટલું કહી મહારાજ અંતર્ધાન થઈ ગયા.
પટેલે રાતે ને રાતે દીકરાને જગાડી આ વાત કરી.
છોકરો એ જ વખતે માળા લઈને બેસી ગયો અને ભગવાનના સ્મરણ ચિંતનમાં ડૂબી ગયો ને બીજા દિવસે શ્રીજીમહારાજે કહેલા સમયે શ્રીજીમહારાજનું નામ જપતાં જપતાં એણે દેહ છોડી દીધો. દેહ છોડતાં પહેલાં એકદમ હરખમાં આવી જઈ એ બોલી ઊઠ્યો: 'બાપા, શ્રીજીમહારાજ મને તેડવા આવ્યા છે, હું જાઉં છું.'
દિલ્હીનું રાજપાટ મળે તો ય રાજી ન થાય એટલા પટેલ આજે રાજી હતા. તેમણે ગામમાં ઘેરઘેર ખોબે ખોબે સાકર વહેંચી. દીકરો અક્ષરધામમાં ગયો એ કંઈ જેવી તેવી વાત હતી!
આખું ગામ આ અદભુત ઘટના જોઈ આશ્ચર્યમાં પડી ગયું.
સૌએ પ્રત્યક્ષ જોયું કે શ્રીજીમહારાજના ભક્તો જેમ હસતે મોઢે જીવી જાણે છે તેમ હસતે મોઢે મરી પણ જાણે છે-- જીવન અને મૃત્યુનું રહસ્ય તેમને સમજાયું છે એમાં શંકા નહિ!'
પરાગ રોમેરોમ પ્રસન્ન થઈ ગયો.
સંતે હવે શિક્ષાપત્રી ઉઘાડી તે પરાગના હાથમાં આપી કહ્યું: 'આ વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું:
અને જે ગૃહસ્થાશ્રમી સત્સંગી, તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો; અને જે વ્યવહારે દુર્બળ હોય, તેમણે વીસમો ભાગ અર્પણ કરવો. (147)
અને તે વિધવા સ્ત્રીઓ, તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય, તો તે ધન, જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું, અને જો તેથી અધિક હોય તો આપવું. (167)
અહીં શ્રીજીમહારાજે દુન્યવી ધનનો દશમો-વીસમો ભાગ આપવાનું કહ્યું છે, પણ એની પાછળની ભાવના સર્વ સમર્પણભાવની છે, જે અંતરંગ ભક્તો બરાબર સમજે છે ને તે પ્રમાણે વર્તે છે તે આપણે ઉપરનાં બે દૃષ્ટાંતોમાં જોયું.