૨૬. સદાચારે વર્તવું

જટાએ પરાગની દોસ્તી કરી, તે પછી ભટા સાથેનો તેનો સંબંધ તૂટી ગયો અને ભટો એકલો પડી ગયો. હવે તે શાળામાં હાજરી આપતો નહોતો, એટલે શાળાના દફ્તરેથી તેનું નામ નીકળી ગયું હતું. એના પિતા દૂરના ગામમાં ટૂંકા પગારની નોકરી કરતા હતા, અને માતાના કહ્યામાં તે હતો નહિ. એ ફાવે તેમ રખડી ખાતો. એને એના જેવા બીજા દોસ્તારો પણ મળી ગયા હતા. આમ ભટાનો અડ્ડો જામ્યો હતો.

અડ્ડામાં રોજ પૈસાની જ વાતો થતી. પૈસા ક્યાંથી મેળવવા તેની રોજ નવી નવી તરકીબો વિચારાતી અને એ પ્રમાણે કામ થતું. કોઈ વાર માતાને પજવીને તેની પાસેથી પૈસા પડાવાય, તો કોઈ વાર કોઈ બીજાને છેતરીને કે ક્યાંક ધાપ મારીને પૈસા હાથ કરાય. આ થાય અને આ ન થાય એવું વિચારવાનું હવે રહ્યું નહોતું. બસ, પૈસા હાથમાં આવવા જોઈએ, અને એક વાર પૈસા હાથમાં આવ્યા એટલે બાદશાહ!

આ માટે એમણે એક સરસ દલીલ શોધી કાઢી. પંડિતોનાં પ્રવચનોમાંથી એમને એ જડી હતી. એ દલીલ હતી: પરસેવો પાડીને કોઈ પૈસાદાર થઈ શક્તું નથી, પરસેવો પાડનારો તો માંડ રોટલો પામે છે, પણ જે પરસેવો નથી પાડતો તે પૈસાવાળો છે; એણે એ પૈસો યુક્તિ-પ્રયુક્તિથી મેળવેલો હોય છે. અણસમજુ લોકોને છેતરીને, લૂંટીને એ મેળવેલો હોય છે. એ લૂંટનો પૈસો છે, પણ આજે રાજ્ય એવા લૂંટારાઓના હાથમાં છે કે એને કોઈ પકડતું નથી ને સજા કરતું નથી. ચાર પૈસાની ચોરી કરનારને સજા થાય છે, પણ આવા લાખોના લૂંટારાને કોઈ આંગળી અડાડતું નથી એવી આજની અર્થવ્યવસ્થા છે. માટે આપણે પણ એ ચોર ભેગા ચોર થઈ જવું, આપણે પણ આપણી અક્કલ લડાવી પરસેવો પાડ્યા વિના ધન કમાવું ને મોજ કરવી.

આમ ભટો છેતરપિંડી દ્વારા ધન ભેગું કરવાના રસ્તે ચડી ગયો.

અને એમ કરતાં એક દિવસ પોલીસના હાથમાં સપડાઈ ગયો.

હવે એને વાસ્તવિક્તાનું ભાન થયું. એ ગભરાયો. એણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને ફરી આવું નહિ કરવાની કબૂલાત આપી.

કોર્ટે જોયું કે છોકરો હજી પુખ્ત ઉંમરનો નથી અને કુસંગને લીધે અવળે રસ્તે ચડી ગયો છે, એટલે એના પર રહેમ કરી એને 'બાળ સુધાર ગૃહ'માં મોકલી આપ્યો.

'બાળ સુધાર ગૃહ' એ છોકરાઓને સુધારી કામ-ધંધો શીખવવા માટેની સંસ્થા હતી. તેમાં બધું નિયમ પ્રમાણે ટકોરાબંધ ચાલતું હતું. ભટાએ આ નિયંત્રણ સ્વીકારવું પડ્યું. પૂરા કલાક એણે કામ પણ કરવું પડતું. કામનો એને કંટાળો હતો, પણ અહીં તો કામ ન કરે તો ખાવાનું ન મળે! અહીંનો મુદ્રાલેખ હતો: 'કામ કરે તે ખાય!'

ભટાને ધીરે ધીરે થયું કે આના કરતાં તો શાળામાં ભણવું સારું!'

હવે એને પરાગ યાદ આવ્યો.

એણે સંસ્થાના સંચાલકને કહ્યું: 'મારે પરાગને મળવું છે.'

કેટલી કાકલૂદીઓ કરી ત્યારે એની આ અરજ મંજૂર થઈ.

પરાગ એને મળવા આવ્યો. ત્યારે એને જોઈ ભટો રડી પડ્યો. રડતાં રડતાં કહે: 'મેં મારી જાતે જ મારી ખરાબી કરી છે. મેં તને પણ છેતર્યો છે ને હેરાન કર્યો છે, પણ એ બધું ભૂલી તું હવે મને મદદ કર. તેં જટાને તારી ઓથમાં લીધો તેમ મને લે. હવે હું સીધે રસ્તે ચાલી રીતસર શાળામાં ભણવા માગું છું.'

પરાગનું હૃદય પીગળી ગયું. ભૂતકાળનો કડવો અનુભવ ભૂલી જઈ તેણે તેને મદદ કરવાનું સ્વીકાર્યું. પરાગના એક દૂરના સગા વકીલ હતા. તેમની મદદથી પરાગે ભટાને કોર્ટનો હુકમ મેળવી છોડાવ્યો.

ભટો હવે પરાગને આધીન બની રહેવા લાગ્યો.

આ દિવસોમાં જિમુત પણ પરાગને ત્યાં જ હતો. બધા જ એક બીજાના મિત્ર બની ગયા. તેમની ઉંમરના બીજા પણ ઘણા છોકરાઓ તેમની સાથે હતા. આમ 'શિક્ષાપત્રી' પ્રમાણે વર્તનારી પરાગની એક વિદ્યા-વ્યાસંગી મંડળી અસ્તિત્વમાં આવી.

એક દિવસ ભટાએ કહ્યું: 'પરાગ! આજે તો અમને બધાને તું તારા પેલા સંત પાસે લઈ જા! અમારે એમના મુખે કંઈક સાંભળવું છે!'

પરાગ ખુશ થયો. તેણે સંતને વાત કરી. સંતે કહ્યું:'ખુશીથી એ બધાને લઈને આવ! આપણે શ્રીજીમહારાજના મહિમાની વાત કરશું.'

બીજે દિવસે નક્કી કરેલા સમયે પરાગની મંડળી સંતની પાસે હાજર થઈ ગઈ.

પરસ્પર અભિવાદન થયા પછી સંતે કહ્યું: 'આપણે સૌએ પહેલી વાત જે સમજવાની છે તે સદાચાર છે. સદાચારી માણસ જ અહીં કે તહીં એટલે આ લોકમાં કે પરલોકમાં સુખી થાય છે, અને કુબુદ્ધિવાળો દુરાચારી અહીં કે તહીં એટલે આ લોકમાં કે પરલોકમાં હંમેશાં કષ્ટને જ પામે છે.

ભટો એકદમ તાળી પાડી બોલી ઊઠ્યો: 'બિલકુલ સાચી વાત! મારા અનુભવ પરથી હું કહું છું કે કોઈને એક વાર છેતરવા કરતાં આપણે જાતે સો વાર છેતરાવું સારું! હું સો વાર છેતરનારો હારી ગયો ને એક વાર છેતરાયેલો પરાગ જીતી ગયો!'

સંતે તેની સામે જોઈ કહ્યું: 'તું ખરું સમજ્યો છે.'

પછી તેમણે 'શિક્ષાપત્રી' ઉઘાડી તે પરાગના હાથમાં આપી કહ્યું: 'આ બે શ્લોક વાંચ!'

પરાગે મોટેથી વાંચ્યું:

અને સત્શાસ્ત્રોમાં જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર-- તેમને જે મનુષ્ય પાળે છે, તે મનુષ્ય જે તે, આ લોકને વિષે અને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (8)

અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે તો કુબુદ્ધિવાળો છે અને તે આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. (9)