૨૧. ફળના લોભે ધર્મ તજવો નહિ
પરાગના પિતાજીનું નામ રાજમોહનલાલ હતું, પણ એમને સૌ રાજુ ભૈયા કહી બોલાવતા.
એક વાર પરાગ અને વિપુલ ઘરમાં પિતાની સાથે વાતો કરતા બેઠા હતા, એવામાં ગામના બે પ્રતિષ્ઠિત ગૃહસ્થો ત્યાં આવ્યા. એકનું નામ નરોત્તમ શેઠ અને બીજા હતા પારસી પેસ્તનજી બાવા.
રાજુ ભૈયાએ તેમનો હર્ષથી સત્કાર કર્યો.
વાતની શરૂઆત કરી નરોત્તમ શેઠે. તેમણે કહ્યું: 'રાજુ ભૈયા, આપણે અહીં માથાનો પરસેવો પગે ઉતારીએ તો યે કદી માલદાર થવાના નહિ! ગામડું તે ગામડું અને શહેર તે શહેર!'
પેસ્તનજીએ કહ્યું: 'આવું કાં બોલો, શેઠ? હવે તો શહેર ઊડીને ગામડામાં આવી રહ્યું છે. બે કલાકમાં અહીંથી સાઠ ગાઉ દૂર શહેરમાં પહોંચી જવાય છે અને ટેલિફોન પર તર્તઘડી વાત કરી શકાય છે. અહીં ઘેર બેઠા લાખોનો ધંધો કરી શકાય છે. એ જેવી તેવી વાત છે! એવી જ એક વાત લઈને તો આપણે અત્યારે રાજુ ભૈયાની સાથે વાત કરવા આવ્યા છીએ.'
રાજુ ભૈયાએ કહ્યું: 'બોલો, શી વાત છે?'
નરોત્તમ શેઠે કહ્યું: 'હમણાં હમણાં આખી દુનિયાની નજર આપણા દેશ પર પડી છે. અહીં વસ્તી મોટી છે અને વસ્તીની જરૂરિયાતો એથી યે મોટી છે. એટલે રોજ અબજો રૂપિયાની હેરફેર કરતી મોટી મોટી કંપનીઓ આપણા દેશમાં કારખાનાં નાખી રહી છે અને આપણને તેના ભાગીદાર થવા નોતરી રહી છે. આજે તો જેમ મોટી થાપણ, તેમ મોટું કારખાનું, અને જેમ મોટું કારખાનું તેમ મોટી કમાણી! પરસેવો પાડી કમાવાની વાત હવે ખોટી! પરસેવો પાડનારો કમાઈ કમાઈને શું કમાવાનો? માંડ ઘરનો ખરચો કાઢી શકે, પણ બુદ્ધિ ચલાવનારો ગાદીતકિયે આળોટતો, પેટ પર હાથ ફેરવતો લાખો લાખો કમાઈ લે છે એ આપણે નજરે જોઈએ છીએ!'
રાજુ ભૈયાએ કહ્યું: 'જોઈએ જ છીએ તો! પણ હજી તમારી વાતનો મુદ્દો મારા હાથમાં આવ્યો નહિ.'
પેસ્તનજીએ કહ્યું: 'મુદ્દો બહુ સ્પષ્ટ છે. આપણે આ અબજો અબજોની કંપનીઓમાં ભાગીદાર થઈ જઈએ!'
રાજુ ભૈયાના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે કહ્યું: 'ભાગીદાર થઈ જઈએ? કાંઈ ગાંડા થયા છો? આપણી પાસે એટલા પૈસા ક્યાં છે?'
પેસ્તનજીએ કહ્યું: 'પૈસા જે છે તે! આ કંપનીઓ કંઈ આપણી પાસે લાખો કરોડો નથી માગતી, માત્ર રૂપિયા દશ આપીએ તો યે તેઓ આપણો ભાગ રાખે છે. એ ભાગને એ લોકો શૅર કહે છે. આપણે એવા સો-બસો-હજાર શૅર લઈ લઈએ. તો બહુ રૂપિયા આપવા ન પડે અને આપણને આપણા રૂપિયાના પ્રમાણમાં કંપનીના નફામાંથી ભાગ મળે, કંપનીની કુલ મિલકતમાં યે આપણો ભાગ ગણાય. હું આવા એક હજાર શૅર લેવા વિચારું છું; તમે પણ એમાં જોડાઓ તો સારું એ કહેવા આવ્યો છું. બસ, લાભ લાભ ને લાભ જ છે. તગડો નફો થવાનો જ છે. આજે જે શૅર તમને દશ રૂપિયામાં મળે છે તે થોડા મહિનામાં વીસ-ત્રીસ ને ચાલીસ રૂપિયાનો થઈ જશે. પરસેવો પાડ્યા વિના કમાવાનો આ કીમિયો છે.'
નરોત્તમ શેઠે હસીને કહ્યું: 'ચાલીસ નહિ, ચારસો! પાંચસો!! હજાર પણ થઈ જાય!!! કારણ કે વિદેશી કંપની છે, એ લોકો ટૂંકા નફામાં ને ટૂંકા આંકડામાં માનતા નથી-- એમને બધું વિરાટ જોઈએ. કારખાનું વિરાટ, નફો પણ વિરાટ! શૅરના ભાવ વધે એટલે તે વેચી નફો ગાંઠે કરી લેવાનો! હું છાતી ઠોકીને કહું છું કે વરસમાં લાખ ના બે લાખ થઈ જશે.'
રાજુ ભૈયાએ વિચારવશ થઈ કહ્યું: 'આ તો જુગાર જેવું લાગે છે.'
પેસ્તનજીએ કહ્યું: 'આને જુગાર ન કહેવાય, આ તો કાયદેસરનો ધંધો છે, સરકારી ધારાધોરણ પ્રમાણે ચાલે છે. કોઈ કંપની લૂલીલંગડી હોય કે કોઈનો વહીવટ ખોટો હોય તો એનો દશ રૂપિયાનો શૅર કોઈ દશ પૈસામાં યે ન લે! પણ આ તો અસલ અમેરિકન કંપની છે. એ કંપની હજારો ગાઉની ખેપ કરી અહીં આવી છે તે શું પૈસા ખોવા આવી છે? કંપનીના અડધોઅડધ પૈસા તો એ લોકોના પોતાના છે.'
રાજુ ભૈયાએ કહ્યું: 'એ ખરું, પણ એ કંપની ધંધો શો કરે છે એ કહેશો?'
પેસ્તનજીએ કહ્યું: 'ધંધો ગમે તે કરે, આપણે શું?'
'તો ય?'
'એ ચામડાંની ચીજો બનાવે છે-- ખાસ કરીને જૂતાં! પહેલે જ વર્ષે દશ કરોડ જૂતાં બનાવવાની એની ક્ષમતા છે-- વર્ષે વર્ષે એ વધતી જશે!'
રાજુ ભૈયાએ કહ્યું: 'આવડી એક કંપની કરોડો કરોડો જૂતાં બનાવશે, તો પછી ગામડાંમાં જૂતાં બનાવતા આપણા મોચી તો ધંધા વગરના થઈ ભૂખે જ મરવાના ને? વળી કંપની એટલું ચામડું ક્યાંથી લાવશે? આપણા દેશનાં બધાં જ મરેલાં ઢોર એ ખેંચશે?'
પેસ્તનજીએ કહ્યું: 'ના, મરેલાં ઢોરનું ચામડું એટલું મુલાયમ નથી હોતું. એ માટે જીવતાં ઢોર કાપવાં પડે છે. આપણા દેશનાં કતલખાનાંને ધૂમ કામ મળશે!'
આ સાંભળી રાજુ ભૈયા ખુરશીમાં ઊંચા થઈ ગયા. કહે: 'હેં, તે આપણે આ કંપનીના ભાગીદાર બની આ ઢોર કાપવાના ધંધામાં ભાગીદાર થવાનું છે? એ ન બને, શેઠ! એવું ધન મારે નથી કમાવું! ધન માટે જીવતાં જાનવરો કાપવાનાં? નર્યો અધર્મ કહેવાય, આ!'
પેસ્તનજીએ કહ્યું: 'અરે રાજુ ભૈયા, આમાં અધર્મ ક્યાં જોયો તમે? આપણે કંઈ જાનવર મારવા જવાના નથી, આપણે એ આંખે દેખવાના યે નથી! અને ધર્મ-અધર્મની વાત તો ધન ઘરમાં આવ્યું નથી ત્યાં લગી. પછી બધું કોઠે પડી જશે. તમે જાણો છો કે હું આફ્રિકામાં ઘણાં વરસ રહ્યો છું. ત્યાં મેં નજરે જોયું છે કે આપણા દેશના ચોટલીબંધા અને જનોઈબંધા બ્રાહ્મણો ત્યાં ગાયના માંસના ડબ્બા પરદેશથી મગાવી વેચતા હતા! કેમ, તો કહે, અહીં એનું વેચાણ સારું છે અને એમાં નફાનો અંશ વધારે છે. એવા ગોમાંસ વેચનારાઓએ પરદેશમાં કમાઈને અહીં દેશમાં બંગલા બંધાવ્યા છે અને અહીંની ધરમાદા સંસ્થાઓમાં લાખોનું દાન કરી વાહ વાહ લીધી છે. માટે ધંધાની એવી સૂગ રાખવી નહિ! મુદ્દો સમજવો કે આપણે ક્યાં જાતે કોઈ જાનવરની કતલ કરીએ છીએ? કતલ કરનારો કરે છે, વેચનારો વેચે છે ને નફો આપણને મળે છે!'
રાજુ ભૈયાએ કહ્યું: 'પેસ્તનજી બાવા, તમે કહો છો એવું બધે છે એ હું માનું છું, પણ મને આ વાત ગળે ઊતરતી નથી. નરોત્તમ શેઠ, તમે કેમ કંઈ બોલતા નથી?'
નરોત્તમ શેઠે કહ્યું: 'મને ય ડંખે તો છે!'
રાજુ ભૈયાએ કહ્યું: 'તો એમ ખોંખારીને બોલો ને! પેસ્તનજી બાવા--'
નરોત્તમ શેઠે કહ્યું: 'પેસ્તનજી બાવાને ય ડંખે છે-- મારા તમારા કરતાં વધારે! પણ તમારું મન જાણવા એ આવી અવળી દલીલ કરે છે. પેસ્તનજી તો એટલે સુધી કહે છે કે મૂંગા ઢોરની કતલ, તેમાં યે ખાસ કરીને ખેતી ઉપયોગી ગાય-બળદની કતલ સરકારે આપણા દેશમાં સદંતર બંધ કરાવવી જોઈએ અને આપણે કોઈએ આવાં જીવતાં કપાયેલાં જાનવરોનાં ચામડાંના જોડા કોઈ કાળે પહેરવા નહિ જોઈએ; એવા ચામડાની કોઈ ચીજ નહિ વાપરવી જોઈએ. એ વાપરીને આપણે એ કતલને ઉત્તેજન આપીએ છીએ અને એના પાપના ભાગીદાર બનીએ છીએ. એના નફામાં જેમ આપણે ભાગીદાર થતા નથી, તેમ એના ક્રૂર કર્મમાં પણ આપણે ભાગીદાર થવું ન જોઈએ!'
રાજુ ભૈયાએ કહ્યું: 'બિલકુલ બરાબર! પેસ્તનજીને શોભે એવું જ પેસ્તનજી બોલે છે!'
દરમિયાન પેસ્તનજી મરક મરક હસતા હતા. હવે તેમણે કહ્યું: 'અને રાજુ ભૈયા, મારે આ જ મતલબની એક બીજી વાત તમને કહેવાની છે. ઝટઝટ ધન કમાવા માટે આપણા લોકો કેટલાંક ન કરવાનાં કામો કરે છે તે પણ આપણે નહિ ચલાવી લેવું જોઈએ. કેટલાક લોકો દવાઓમાં ભેળસેળ કરે છે, તો કેટલાક ખાધાખોરાકીની ચીજોમાં, ઘી, તેલ, હળદર, મીઠું, મરચું, લોટ જેવી અસંખ્ય ચીજોમાં અખાદ્ય ચીજો ભેળવે છે અને અસંખ્ય નિર્દોષ માણસોના સ્વાસ્થ્યનો ભોગ લે છે. બધાને ઝટપટ પૈસાદાર થઈ જવું છે. બધાને લોભ વળગ્યો છે. શું વાત કરું, રાજુ ભૈયા! ભેળસેળવાળી દવાઓ ખાઈ દરદીઓને રિબાતા અને મરી જતા મેં જોયા છે! ભેળસેળવાળો ખોરાક ખાઈ માંદા પડે અને ભેળસેળવાળી દવા ખાઈ મરે!'
રાજુ ભૈયાએ કહ્યું: 'આવા બે-ચાર કિસ્સા આપણા ગામમાં યે મારા ધ્યાનમાં આવ્યા છે. મને લાગે છે કે આપણે આ વિષે કંઈ કરવું જોઈએ.'
પેસ્તનજીએ કહ્યું: 'બિલકુલ સહી વાત કહી! પણ હજુ થોડું વધુ વિચારવા જેવું છે. હું માનું છું કે જે માણસ પોતાનો વ્યવસાય પ્રામાણિકપણે નથી કરતો તે પણ આવો લોકદ્રોહી જ છે.'
'એટલે?' રાજુ ભૈયાએ પૂછ્યું.
પેસ્તનજીએ કહ્યું: 'દાખલા તરીકે-- વેપારી પેઢીનો, શાળાનો, બૅન્કનો, વીમાનો કે સરકારના કોઈ ખાતાનો નાનો કે મોટો કર્મચારી જો પ્રામાણિકપણે એનું કામ ન કરે અને લાગતાવળગતાને હેરાન કરે કે લાંચ-રૂશવત લે, તો એ પણ મૂંગા જાનવરની હત્યા કરનારા જેટલો જ હત્યારો છે. આજે આવા હત્યારાઓ બહુ વધી પડ્યા છે અને એવું બોલવાની ફેશન થઈ ગઈ છે કે દુનિયામાં તો આવું જ ચાલે; પણ દુનિયામાં આવું ચાલે એ માનવું ભૂલ ભરેલું છે. સવાલ તો તમારે દુનિયામાં કેવું ચલાવવું ô છે તે છે. તમારે તમારા પછીની પેઢીને તમારાં સંતાનને કેવી દુનિયા સુપરત કરવી છે તે છે. તમારે તેમને ધર્મપરાયણ, નીતિપરાયણ દુનિયાનાં નાગરિક કરવાં છે કે લોભ અને દ્વેષના રવાડે ચડેલાં મનુષ્ય નામને લાયક નહિ એવાં દંભી જંતુ બનાવવાં છે?'
નરોત્તમ શેઠે કહ્યું: 'રાજુ ભૈયા, મને લાગે છે કે આપણે આ વિષે વિચારવાનો સમય પાકી ગયો છે.'
રાજુ ભૈયાએ કહ્યું: 'તમારી વાત સાચી છે. આપણે આ વિષે કોઈ સંતનું માર્ગદર્શન લઈશું?'
પેસ્તનજીએ એકદમ ઉત્સાહમાં આવી કહ્યું: 'એવા સંત તમારી જાણમાં હોય તો જરૂર કહો. સેવક તૈયાર છે.'
હવે રાજુ ભૈયાએ સીધું પરાગને કહ્યું: 'પરાગ, તું લઈ જશે અમને તારા સ્વામી પાસે?'
પરાગે કહ્યું: 'હમણાં જ! મારો એમને મળવાનો આ વખત છે.'
ત્રણે મિત્રો પરાગની સાથે સંત હરિભક્તદાસની પાસે આવ્યા અને પ્રણામ કરી બેઠા.
પેસ્તનજીએ માંડીને વાત કરી. પછી કહ્યું: 'આવા હત્યારાની કંપનીમાં ભાગીદારી કરાય? આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે-- જે પ્રામાણિકપણે કામધંધો ન કરતો હોય, માલમાં ભેળસેળ કરતો હોય, લાંચ-રૂશવત લેતો હોય તેની સાથે કેવો વ્યવહાર રાખવો?'
સંતે કહ્યું: 'હું મારો અભિપ્રાય આપું એ કરતાં પરમ પુરુષ શ્રીજીમહારાજે સ્વહસ્તે લખેલી આજ્ઞા બતાવું તો?'
પેસ્તનજીએ ઉત્સાહમાં આવી કહ્યું: 'ઉત્તમ.'
સંતે 'શિક્ષાપત્રી' ઉઘાડી પરાગના હાથમાં મૂકી કહ્યું: '73મો શ્લોક વાંચ.'
પરાગે મોટેથી વાંચ્યું:
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ, તે જો ધર્મે રહિત હોય, તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. (73)
સંતે બીજું પાનું બતાવી કહ્યું: 'હવે આ વાંચ!'
પરાગે વાંચ્યું:
જે અહિંસા આદિક સદાચાર તેમને જે પાળે છે, તે મનુષ્ય જે તે, આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયો થાય છે. (8)
અહિંસા છે એ જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. (12)
પેસ્તનજી ખુશ થઈ બોલી ઊઠ્યા: 'બિલકુલ સહી આજ્ઞા છે. હવે વ્યવહારાદિક વિષે કંઈ આજ્ઞા હોય તો બતાવો.'
સંતે પરાગને કહ્યું: 'આ વાંચ!'
પરાગે વાંચ્યું:
અને વ્યવહાર કાર્યને વિષે કોઈની લાંચ ન લેવી. (26)
અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો, એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. (27) અને જે મનુષ્ય સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદને વિષે અતિશય લોલુપ થકો પાપને વિષે પ્રવર્તતો હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. (28)
પેસ્તનજી થોડીવાર વિચારમાં પડી ગયા.
પછી કહે: 'બહુ સ્પષ્ટ આજ્ઞા છે: દ્રવ્યના લોભે પાપકર્મ આચરનારાનો સમાગમ ન કરવો, અને જનનો ઠગનારો જે મનુષ્ય તેનો સંગ ન કરવો. જનનો ઠગનારો એ ચોર પણ ખરો, પાપી પણ ખરો, પાખંડી પણ ખરો અને દવા તથા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારો એટલે કીમિયાવાળો પણ કહેવાય. ખૂબ સ્પષ્ટ વાત છે-- એનો સંગ ન કરવો, એટલે કે એનાથી દૂર રહેવું, એનો બહિષ્કાર કરવો. બિલકુલ સહી! ખૂબ સચોટ આજ્ઞા ફરમાવી છે, શ્રીજીમહારાજે!'
નરોત્તમ શેઠે કહ્યું: 'તો ઉત્સાહથી આપણે આ કામની શરૂઆત કરીએ. કોઈ મહાપુરુષના જન્મદિનથી શરૂ કરશું?'
પેસ્તનજીએ કહ્યું: 'વિચારવાનું વિચારાઈ ગયું. મારા મત પ્રમાણે આ ધર્મકાર્ય છે. ધર્મકાર્ય માટે મુહૂર્ત જોવાનું ન હોય!'
આ સાંભળી સંતે કહ્યું: 'પેસ્તન બાવા, તમે બિલકુલ આપ્તવચન બોલ્યા.'
આમ કહી 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી તેમણે પરાગને કહ્યું: 'આ વાંચ!'
પરાગે મોટેથી વાંચ્યું:
અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. (36)
પેસ્તનજી ખુશ થઈ બોલી ઊઠ્યો: 'બહુ મજેની વાત કરી શ્રીજીમહારાજે. મારે આ ગ્રંથ નિત્ય વાંચવો પડશે, કયો ગ્રંથ છે એ?'
સંતે કહ્યું: 'શિક્ષાપત્રી! શ્રીજીમહારાજે સ્વહસ્તે લખેલી છે. શ્રીજીમહારાજે પોતે એમાં કહ્યું છે કે સર્વે જે સત્શાસ્ત્રો તેનો આ સાર છે. (204) અને આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-- આ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે. (206)'
પેસ્તનજીએ કહ્યું: 'આ ગ્રંથની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ સાચો પુરુષાર્થ છે, બાબા!'
સંતને પ્રણામ કરી તેમનો આભાર માની સૌ વિદાય થયા.