૪. વિદ્યા અને વિદ્યાભ્યાસ
બીજે દિવસે આચાર્યશ્રીએ જાહેર કર્યું કે હર્ષદ પરીક્ષામાં પહેલે નંબરે પાસ થાય છે અને પરાગ નાપાસ થાય છે, પણ પરાગે સાફ દિલે ગુનાનો એકરાર કર્યો છે અને ફરી આવો ગુનો નહિ કરે તેવી તેણે ખાતરી આપી છે અને અમને વિશ્વાસ છે કે અમારો વિદ્યાર્થી અમારા વિશ્વાસને સાચો ઠેરવશે, તેથી અમે એને એક તક આપીએ છીએ-- બે મહિના પછી તેની ફરી પરીક્ષા લેવામાં આવશે અને તેમાં જો એ પાસ થશે તો એને ઉપલા ધોરણમાં ચડાવવામાં આવશે.'
આ સાંભળી પરાગના માથેથી એક મોટો ભાર ઊતરી ગયો.
તે જ વખતે હર્ષદ દોડતો તેની પાસે આવ્યો ને બોલ્યો: 'દોસ્ત, બે મહિનાની મુદત મળી ગઈ! તું જરૂર પાસ થવાનો!'
પરાગે નીચું મોં કરી કહ્યું: 'પણ મેં મહિનાઓ લગી અભ્યાસમાં ધ્યાન આપ્યું જ નથી! હું કેવી રીતે પાસ થવાનો?'
હર્ષદે કહ્યું: 'ગભરા મા! તું કંઈ ઠોઠ નથી, અને હું તને મદદ કરીશ. હું રોજ તારે ઘેર આવીશ-- તારા અભ્યાસનાં પુસ્તકો આપણે બે સાથે વાંચીશું.'
પરાગે કહ્યું: 'ના, હું તારે ઘેર આવીશ.'
બસ, તે દિવસથી બંનેનો આ સહિયારો પુરુષાર્થ શરૂ થયો. બંને સાથે ફરવા જાય, સાથે સ્કૂલમાં જાય, જ્યારે પણ વખત મળે ત્યારે બંને જણ અભ્યાસનાં પુસ્તકો લઈને બેસે. રસ્તે જતાં-આવતાં પણ બંને જણ પરીક્ષાના વિષયોની જ વાતો કરે. પરાગના ઉત્સાહનો પાર નહોતો.
એ ઉત્સાહનું ફળ પણ સારું આવ્યું. બે માસ પછી પરાગ ખૂબ સરળતાથી, સારા ગુણ મેળવી પાસ થયો અને તેને દશમા ધોરણમાં ચડાવવામાં આવ્યો.
તે સાંજે પરાગ સંતનાં દર્શન કરવા ગયો, ત્યારે તે ઉત્સાહથી થનગનતો હતો: 'હું પાસ થયો.' કહી તેણે સંતને પ્રણામ કર્યા.
સંતે કહ્યું: 'કુસંગનો ત્યાગ અને સત્સંગના સેવનનું આ ફળ છે.'
આમ કહી તેમણે શિક્ષાપત્રીનું એક પાનું ઉઘાડી તેની સામે ધરી કહ્યું: 'છત્રીસમો શ્લોક વાંચ.'
પરાગે વાંચ્યું: 'પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.' (36)
પછી સંતે કહ્યું: 'હર્ષદે એનું કર્તવ્ય બજાવ્યું- એ ખરો વિદ્યા વ્યાસંગી છે. ભણીને ભૂલી જવા માટે વિદ્યા ભણવાની નથી, પણ વિદ્યાને આત્મસાત્ કરવાની છે. આવી આત્મસાત્ કરેલી વિદ્યા બીજાને ખોબલે ખોબલે દઈએ તો યે ઘટતી નથી, ઊલટી વધે છે. હર્ષદે તેની વિદ્યા તને દઈ તેની વિદ્યાને બલવતી અને ફલવતી કરી છે. શ્રીજીમહારાજના સંતોએ પણ આ જ કામ કર્યું છે.'
થોડી વાર અટકી તેમણે કહ્યું: 'શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં સૌ ભક્તોને આજ્ઞા કરી છે કે જીવના કલ્યાણ માટે અહિંસા આદિક સદાચારનું જેમાં પ્રતિપાદન કરેલું હોય તેવા સત્શાસ્ત્રના ગ્રંથો જ વાંચવા. અને એ શાસ્ત્રોના રહસ્યરૂપે ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું છે.'
આમ કહી તેમણે શિક્ષાપત્રી ઉપાડી તેના 95 થી 102 સુધીના શ્લોકો પરાગની પાસે વંચાવ્યા. પછી તેમણે કહ્યું: 'શ્રીજીમહારાજે વિદ્યાકળાને ઉત્તેજન આપવા અથાક્ પ્રયત્નો કર્યા છે. શ્રીજીમહારાજની આજ્ઞા થતાં એકાવન વર્ષની પ્રૌઢ વયે મુક્તાનંદ સ્વામી સંસ્કૃત ભણવા બેઠા હતા અને તેમાં પાર ઊતર્યા હતા. વિદ્યાભ્યાસ કોઈ પણ ઉંમરે થઈ શકે છે, ઘણા વિદ્વાનો જીવનભર વિદ્યાની ઉપાસના કરે છે, પરંતુ કિશોરાવસ્થા એ વિદ્યાભ્યાસ માટે સારામાં સારી અવસ્થા છે, કારણ કે તે વખતે કોઈ પણ જાતની ચિંતા કે વિક્ષેપ વગર અભ્યાસ કરી શકાય છે. માટે નાની વયે જેને અભ્યાસની તક મળી છે તેણે પોતાને મહા ભાગ્યશાળી સમજવો.'
આટલું કહી તેમણે મુક્તાનંદ સ્વામીની કથા આગળ ચલાવી.
તેમણે કહ્યું: 'મુક્તાનંદ સ્વામી 'સત્સંગની માતા' કહેવાય છે. શ્રીજીમહારાજ કરતાં તેઓ ઉંમરમાં વીસ વર્ષ મોટા હતા. વળી રામાનંદ સ્વામીના તેઓ પટ્ટ શિષ્ય હતા, અને રામાનંદ સ્વામીની ગાદી પર તેમનો હક હતો. છતાં તેમણે શ્રીજીમહારાજને એ ગાદી પર પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. કારણ, તેમને કલ્યાણનો ખપ હતો, માન કે મોટાઈનો નહિ.
વડોદરામાં એક શાસ્ત્રીબુવા હતા. તેઓ જ્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરતા ને કહેતા કે એ વેદવિરુદ્ધ છે એવું હું શાસ્ત્રોના આધારે સાબિત કરી આપું-- તાકાત હોય તો સ્વામિનારાયણ ધર્મવાળાઓ મારી સાથે વાદમાં ઊતરે.'
શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું: 'તમે વડોદરા જાઓ!'
મુક્તાનંદ સ્વામીએ કહ્યું: 'મહારાજ, મારા જેવા સાધારણ સાધુનું આ કામ નહિ, શાસ્ત્રોની આંટીઘૂંટી હું જાણતો નથી.'
શ્રીજીમહારાજે કહ્યું: 'જાણવાની જરૂર નથી. તમે જે જાણો છો તે પૂરતું છે. આપણું બળ આંટીઘૂંટીઓ જાણવામાં નથી, સત્ય અને સદાચારમાં છે. તમે બેધડક જાઓ-- તમારી વાણીમાં તમારી સાધુતા બોલશે.'
શ્રીજીમહારાજના આશીર્વાદ લઈ સ્વામી વડોદરા ગયા.
વડોદરાના મહારાજાની હાજરીમાં શાસ્ત્રચર્ચા ગોઠવાઈ.
શાસ્ત્રીબુવા બનીઠનીને પાલખીએ ચડીને સભાગૃહમાં પધાર્યા. મુક્તાનંદ સ્વામી બીજા સંતોની સાથે ઉઘાડા પગે ચાલતા અને હરિગુણ ગાતા સભામાં આવ્યા. એક બાજુ સાક્ષાત્ ઘમંડ, બીજી બાજુ સાક્ષાત્ નમ્રતા!
શાસ્ત્રીબુવા ઘાંટા પાડીને, બરાડા પાડીને સામા પર છાપ પાડવાનો અને બિવડાવી આંજી દેવાનો પ્રયત્ન કરતા હતા. એમના મનથી કે સાધુ ગભરાઈ જશે અને વાદ છોડી ભાગી જશે, પણ સ્વામી અચલ-અક્ષુબ્ધ રહ્યા. તેમણે ખૂબ જ વિનયપૂર્વક શાસ્ત્રીબુવાની દલીલોનું ખંડન કર્યું અને પોતાના પક્ષનું મંડન કર્યું. સૌ પર તેની રૂડી અસર થઈ. શાસ્ત્રીબુવાની ઘાંટાઘાંટ નકામી ગઈ. સ્વામી વિજયી બની બહાર આવ્યા.
આ કેવળ વિદ્યાભ્યાસનો વિજય નહોતો. વિદ્યાભ્યાસ તો શાસ્ત્રીબુવાનો ઓછો નહોતો, પણ એમની વિદ્યામાં ઘમંડ ભળેલો હતો, મિથ્યાભિમાન ભળેલું હતું. સ્વામીની વિદ્યા શુદ્ધ, નિષ્કપટ વિદ્યા હતી. વિદ્યા સાથે વિનય હતો, તપસ્યા હતી, શ્રીજીમહારાજ પ્રત્યેની અખંડ શ્રદ્ધા હતી. માણસમાં વિદ્યા સાથે વિનય હોય તો જરૂર જીતી જાય; ઉપરાંત જો એમાં તપોબળ ભળે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભળે, તો જંગ જિતાયો જ સમજો! જંગ જિતાય અને જગ પણ જિતાય!
શ્રીજીમહારાજના સંતોમાં કેટલાક મહાન કવિઓ હતા. બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, પ્રેમાનંદ વગેરે સમર્થ સંત કવિઓનાં કાવ્યો આજે ગુજરાતમાં ઘેર ઘેર ગવાય છે. કેટલાક કવિઓએ હિન્દીમાં અને કેટલાકે સંસ્કૃતમાં પણ કાવ્યરચનાઓ કરી છે. ગોપાળાનંદ સ્વામીએ ગીતા, ઉપનિષદ અને ભાગવત ઉપર સંસ્કૃતમાં ભાષ્યો લખ્યાં છે. નિત્યાનંદ સ્વામીએ 'હરિદિગ્વિજય' નામે ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે. શતાનંદ સ્વામીએ 'સત્સંગિજીવન' નામે ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે. વાસુદેવાનંદ સ્વામીનો 'સત્સંગિભૂષણ' ગ્રંથ પણ એટલો જ પ્રખ્યાત છે. આમ આ 'નંદ' સંતોનો ઉચ્ચતમ અધ્યાત્મ સાહિત્ય વિકસાવવામાં મોટો ફાળો છે.
વાત આટલેથી અટકતી નથી.
શ્રીજીમહારાજે સંગીતકલા, ચિત્રકલા, શિલ્પસ્થાપત્યકલા જેવી ભુલાતી જતી કલાઓને ઉત્તેજન આપી સામાન્ય માણસના હૃદય સુધી તે કલાઓને પહોંચાડી છે. શ્રીજીમહારાજે સ્થાપેલાં મંદિરો, શિલ્પ સ્થાપત્યના સુંદર નમૂના જેવાં આજે ઊભાં છે-- કાષ્ઠ, પાષાણમાં કંડારેલાં એ કાવ્યો છે! શ્રીજીમહારાજના સંતોની એ કૃતિઓ છે. ધોલેરા, મૂળી, વડતાલ કે અમદાવાદનું સ્વામિનારાયણ મંદિર જુઓ અને ચિત્ર-શિલ્પ-સ્થાપત્યનું સાક્ષાત્ સ્વરૂપ તમને દેખાશે.
ભગવાન જ્યારે અવતાર લઈને મનુષ્યરૂપે પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાની સાથે દિવ્ય વિભૂતિઓને લઈને આવે છે. સંસારમાં જુઓ, મારા-તમારા કહેવાથી કોઈ પોતાના ખિસ્સામાંથી એક દોકડો જતો કરતું નથી, જ્યારે શ્રીજીમહારાજનો એક બોલ પડતાં સેંકડો માણસો ઘરબાર, માલમિલકતનો ત્યાગ કરી સાધુ બની નીકળી પડે છે અને શ્રીજીમહારાજ એક સાથે પાંચસો સાધુઓને પરમહંસપદની દીક્ષા આપે છે! જગતના ઇતિહાસમાં ક્યાંય આવો બનાવ જોવા જડતો નથી. દિવ્ય વિભૂતિનું આ દલબલ છે. આવી સેના વિના દુષ્ટોનું દમન અને ધર્મનું પુન:સ્થાપન થાય કેવી રીતે?
અહીં પરાગે પ્રશ્ન કર્યો: 'મહારાજ, વિદ્યા કે કલા પ્રાપ્ત કરવાનો હેતુ શો? કેટલાક તો કહે છે કે શાળાઓનું આ ભણતર સાવ નકામું છે, નોકરી-ધંધામાં એ કંઈ કામ લાગતું નથી. ત્યાં તો ભણેલું ભૂલીને નવેસરથી ભણવું પડે છે.'
સંત હસ્યા. તેમણે કહ્યું: 'એક રીતે એ સાચું છે. આજનો ભણેલો હતાશ થયેલો છે, તેનું કારણ એ છે કે તેને નાનપણથી એવું કહેવામાં આવ્યું છે કે શાળામાં જઈને પ્રાપ્ત કરેલી વિદ્યા એ એક ઓજાર છે અને એ ઓજારના જોરે તમારે કમાઈ ખાવાનું છે; પણ વિદ્યા જડ ઓજાર નથી. વિદ્યાને જડ ઓજારની પેઠે ધારણ કરી એને વટાવી ખાઈ કમાવા નીકળેલો હતાશ થવાનો, પણ વિદ્યાને ઓજાર ગણવાને બદલે જો માણસ પોતે વિદ્યાના હાથનું ઓજાર બની જાય તો વિદ્યા અપૂર્વ તેજે ઝળહળી ઊઠશે. વિદ્યા ઓજાર બને છે, ત્યારે એ માત્ર બાહ્ય દેખાવની વસ્તુ હોય છે, પણ આપણે વિદ્યાના ઓજાર બનીએ છીએ ત્યારે વિદ્યા ચૈતન્યમયી શક્તિરૂપે દર્શન દે છે; આપણા સંસ્કારરૂપે એ પ્રગટ થાય છે. એમાં માન, દંભ કે અહંકાર નથી હોતો, વિનય, વિવેક ને સુશીલતા હોય છે. વિદ્યાર્થી વિદ્યાને કેદ કરી મગજની બરણીમાં પૂરી સીલ મારે એ વિદ્યોપાર્જન નથી, પણ વિદ્યાર્થી રોમે રોમે વિદ્યા-સમર્પિત થઈ જાય એ વિદ્યોપાર્જન છે. તમે એવું વિદ્યોપાર્જન કરો!'
'આપના આશીર્વાદ!' કહી પરાગે સંતના ચરણમાં માથું મૂક્યું.