૯. પાખંડ ધર્મનો વિરોધ

એક વાર પરાગ ગામની એક દૂરની શેરીમાં થઈને જતો હતો ત્યાં તેણે બચાવો! બચાવો!ની ચીસો સાંભળી.

જોયું તો બાજુના ઘરમાંથી એ ચીસો આવતી હતી.

તે ઘર આગળ લોકોનું મોટું ટોળું ભેગું થયેલું હતું.

ટોળામાં ઘૂસીને પરાગે જોયું તો એક માણસ એક બાઈનો ચોટલો ઝાલી તેના ઉઘાડા વાંસા પર ચાબખા મારતો હતો અને ભયાનક ઘોંટાં પાડી બાઈને કહેતો હતો: 'બોલ, કોણ છે તું? અહીંથી જાય છે કે નહિ?'

પરાગે બાજુમાં ઊભેલા માણસોને પૂછ્યું તો ખબર પડી કે એ ભૂવો છે અને બાઈને ભૂત વળગ્યું છે તે કાઢે છે!

પરાગે કહ્યું: 'પણ એ બાઈને મારે છે શું કરવા?'

પેલા માણસે કહ્યું: 'એ બાઈને નથી મારતો, ભૂતને મારે છે. ભૂત બાઈના શરીરમાં પેઠું છે તે માર ખાઈ ખાઈને છેવટે ભાગી જશે અને બાઈ સાજી થઈ જશે. જો, સાંભળ, હવે બાઈ શું કહે છે.'

બાઈની પીઠ ચાબખા ખાઈ ખાઈને લોહીલુહાણ થઈ ગઈ હતી. તે હાથ જોડી રોતી કકળતી કહેતી હતી: 'બાપજી, તમે કહો એ નામ બોલું, મને છોડો!'

ભૂવાએ ખી ખી ખી હસીને કહ્યું: 'હવે કેવું કબૂલ કર્યું? તું મોનિયાની વહુ મોતલી છે, ખરું ને?'

બાઈએ ડોકું હલાવી હા કહી. ભૂવાએ ભેગા થયેલા લોકો સામે વિજયની દૃષ્ટિ કરી.

પછી તેણે બાઈને કહ્યું: 'બોલ, હવે તારે આ શરીરમાંથી જાવું છે કે ફરી આ ચાબખો ચલાવું?'

બાઈએ કહ્યું: 'ના, બાપજી, ના, તમે જેમ કહો તેમ કરીશ. કહેશો તો કૂવે પડીશ ને કહેશો તો ઝેર પીશ.'

ભૂવાએ કહ્યું: 'બસ, મોતલી, સાંભળ! હું તને બે મહિનાની મુદત આપું છું. બે મહિના પછી જો તું દેખાઈ છે તો તારાં નાક-કાન કાપી તારી એવી વલે કરીશ--'

વચમાં જ બાઈ બોલી: 'ના, બાપજી, ના! તમારો હુકમ હું નહિ ઉથાપું!'

હવે બાઈનાં સગાંએ ભૂવાને કહ્યું: 'બે મહિનાની મુદત શા સારુ આપો છો?'

એમને નહિ ખબર કે ભૂવો પોતાનું ઘરાક એકદમ હાથમાંથી છૂટી જાય એવું ઇચ્છતો નહોતો.

ભૂવાએ હસીને કહ્યું: 'મુદત આપવી પડે. કોરટમાં જજ સાહેબ પણ મુદત આપે છે.'

સામાએ કહ્યું: 'દરમિયાન એ કંઈ આડું-અવળું કરશે તો?'

'તો હું ક્યાં મરી ગયો છું? હર મંગળવાર-શનિવારે હું અહીં ખબર કાઢવા આવીશ. તમે એ વખતે નૈવેદ તૈયાર રાખજો!' ભૂવાએ કહ્યું.

બાઈ મારથી અધમૂઈ થઈ ઢગલો થઈને નીચે પડી હતી. તેને ઊંચકીને કેટલાક માણસોએ ઘરમાં લઈ જઈને સુવાડી.

ભૂવો નૈવેદ અને દક્ષિણા લઈ વિદાય થયો-- થોડા રૂપિયા અને એક કૂકડો!

પરાગે ભૂવાઓ અને ભૂતપ્રેત વિષે સાંભળ્યું તો ઘણું હતું, પણ નજરે જોયું આજે.

તે વિચારમાં પડી ગયો કે ભૂત શું ને ભૂવો શું? માર પડે છે બાઈને અને ભૂવો કહે છે કે હું ભૂતને મારું છું, બાઈને નહિ! વળી ભૂવો ભૂતને બે મહિનાની મુદત આપી પોતાનાં નૈવેદની અને દક્ષિણાની બે મહિનાની જોગવાઈ કરી લે છે! લોકો મૂંગા મોંએ બધું જોઈ રહે છે ને ભૂવો કહે તેમ ડોકી હલાવે છે. મને તો આમાં પાખંડ લાગે છે. લોકો અજ્ઞાન અને વહેમથી પીડાય છે અને પાખંડી એમના અજ્ઞાનનો લાભ લઈ પોતાનો સ્વાર્થ સાધે છે.

સાંજે સંતનાં દર્શને ગયો ત્યારે પરાગે તેમને આ ઘટનાની વાત કરી.

વાત સાંભળી સંત થોડી વાર વિચારમાં પડી ગયા. પછી કહે: 'ભાઈ, આપણો દેશ પરદેશી હકૂમતની પકડમાંથી છૂટ્યો, પણ હજી અજ્ઞાન અને વહેમની પકડમાંથી છૂટ્યો નથી. આજે આપણા દેશની આ હાલત છે, તો બસો વર્ષ પહેલાં કેવી હશે તેની કલ્પના કરો! લોકો ભૂવાનાં ડાકલાં, દોરાધાગા, જંતરમંતર, શૂકન-અપશૂકન, ભૂતપ્રેત, ડાકણશાકણ વગેરેમાં માનતા. માંદા પડે ત્યારે વૈદને છોડી ભૂવાને કે બાવાને બોલાવે. બાવો અષ્ટમ્ફષ્ટમ્ બોલી જંતરમંતર કરી કાળો દોરો મંતરી આપે ને તે દરદીના હાથે, પગે કે ડોકે-- છેવટે ખાટલાના પાયે બાંધે, અને માને કે બાવાનો આ દોરો દરદીને સાજો કરી દેશે. મોટા ભાગનો તાવતરિયો ગંભીર પ્રકારનો હોતો નથી, એની મેળાએ તે મટી જાય છે. એવું થાય ને દરદી સાજો થાય તો બાવાને મોં માગ્યું ધન મળે અને જો ભોગજોગે દરદી મરી ગયો તો એમાં બાવાનો કોઈ દોષ કાઢે જ નહિ, કહેશે કે એનું નસીબ એવું!

આવા બધા બાવા-વૈરાગીઓનાં ઝૂંડનાં ઝૂંડ તે વખતે ફરતાં હતાં. કેવા હતા એ બાવાઓ જાણવું છે? ગાંજો, ભાંગ, અફીણનું સેવન કરવાવાળા, સાથે બાવીઓને લઈને ફરવાવાળા, વિનયવિવેકને દેશનિકાલ કરી ઘમંડનો ટોપ પહેરી ફરવાવાળા, વાતવાતમાં આંખો કાઢનારા, ગાળો દેનારા, ચીપિયો પછાડનારા, ધર્મશાસ્ત્રો અને યોગના નામે જંતરમંતર, દોરાધાગા, કામણટૂમણની વાતો કરી લોકોને ભયભીત કરનારા!

શ્રીજીમહારાજની સ્પષ્ટ આજ્ઞા હતી: 'પરમાત્મા સૌથી મોટા છે. પરમાત્માની જ બધે સત્તા છે, માટે દોરાધાગા, જંતરમંતર, બાધાઆખડ બધું છોડો અને એક ભગવાનનું જ શરણ લો! ભગવાનની ઇચ્છા વિરુદ્ધ કોઈને જીવાડવા-મારવાની કોઈ દેવદેવી કે ભૂતભૈરવની તાકાત નથી. મૂએલાંને જીવતાં કરવાં અને જીવતાંને મારી નાખવાં-- એ વિષે તો એક પરમેશ્વર નારાયણ જ સમર્થ છે. માટે હરિભક્તોએ એકમાત્ર ભગવાનના જ ભરોસે રહેવું.'

એક વાર એક હરિભક્ત માંદો પડ્યો. બેચાર દિવસ લગી તાવ ઊતર્યો નહિ ત્યારે એનાં સગાંવહાલાંએ કોઈ બાવાવૈરાગીને બોલાવી દોરો મંતરાવી લીધો. હરિભક્તને એની ખબર પડી નહિ.

બનવાકાળ તે બીજે દિવસે તાવ ઊતરી ગયો.

બાવાજી કહે: 'જોયો મારો ઇલમ? એક ફૂંકે તાવને તગડી મેલ્યો!'

હરિભક્તે એ સાંભળ્યું ત્યારે તેણે બાવાને કહ્યું: 'બાવાજી, તમારા હુકમથી તાવ આવતો-જતો હોય તો એને પાછો મારા શરીરમાં મોકલો!'

બાવો દાંત કચકચાવી કહે: 'મારો મોકલ્યો તાવ તને ખાઈ જશે!'

હરિભક્ત કહે: 'ભલે ખાઈ જાય! તમારા મંતરતંતરના નામે સાજા થવા કરતાં હું મરવું પસંદ કરું છું. મને તો એક સ્વામિનારાયણનો જ આશરો છે. તે જેમ રાખે તેમ હું રહીશ.'

બાવાજીએ ફરી ફરી જટા પછાડી શાપ પર શાપ દીધો કે તારું ધનોતપનોત નીકળી જશે. હું એવો તાવ મેલીશ કે તું બીજી સવાર જોવા નહિ પામે!'

હરિભક્તે કહ્યું: 'એવું જ કરો, બાવાજી!'

બાવાજીએ જટા છોડી નાખી કંઈ કંઈ ખેલ કર્યા, શાપ પર શાપ દીધા, પણ ભક્તને ફરી તાવ આવ્યો નહિ.

બાવાજીનું પાખંડ ઉઘાડું થઈ ગયું.

એક વાર શ્રીજીમહારાજ એક જણની માંદગીમાં એને જોવા ગયા, પણ જઈને જોયું તો દરદીના ખાટલાના પાયાને એક કાળો દોરો બાંધેલો હતો. તરત જ મહારાજ ત્યાંથી પાછા વળી ગયા.

કહે: 'જ્યાં વહેમ, જ્યાં દોરોધાગો, ત્યાં હું કેમ ઊભો રહી શકું? હરિને અને વહેમને એક સાથે ભજી શકાશે નહિ. હરિને ભજવા હશે તો વહેમની પકડમાંથી છૂટવું જ પડશે.'

તે જમાનામાં લગ્ન વખતે ફટાણાં ગાવાનો, ગાળો બોલવાનો રિવાજ હતો. શ્રીજીમહારાજે તે બંધ કરાવી તેની જગાએ નંદ સંતોએ રચેલાં ગરબીનાં કીર્તનો મંગળ ગીતો તરીકે ગવાતાં કર્યાં હતાં. હોળીના તહેવારોમાં પણ પુષ્કળ એલફેલ બોલવા-ચાલવાનું થતું. તે પણ તેમણે બંધ કરાવ્યું હતું અને શુદ્ધ નીતિનિયમોવાળા ફૂલડોલના ઉત્સવો શરૂ કર્યા હતા.

પરાગ પ્રસન્ન ચિત્તે આ બધું સાંભળી રહ્યો હતો.

તેણે કહ્યું: 'જનજીવન પર એની ખૂબ જ અસર થઈ હશે.'

'થઈ જ. મહારાજે શરૂ કરેલા એ ઉત્સવો, સમૈયાઓ આજે પણ એટલા જ આનંદ ઉલ્લાસથી સંપ્રદાયનાં તીર્થસ્થળોમાં ઉજવાય છે. હજારો હરિભક્તો અને સંતો એમાં ભાગ લે છે.'

હરિભક્તોની શ્રીજીમહારાજ પ્રત્યેની નિષ્ઠા પણ કેવી અખંડ હોય છે!'

પરાગે કહ્યું: 'કૃપા કરી એકાદ દૃષ્ટાંત કહો!'

સંતે કહ્યું: 'સૌરાષ્ટ્રમાં દંતડ કરીને એક ગામમાં ગોપાળભાઈ વેકરિયા કરીને એક ખેડૂત હતા. લોકો એમને ગોપાળ ભગત કહેતા.મોટી ઉંમર સુધી તેમને ઘેર પારણું ન બંધાયું ત્યારે તેમનાં પત્નીનું મન સંતાનની ઝંખનાથી ચંચળ બની ગયું.

તેવામાં ફરતો ફરતો એક બ્રાહ્મણ તેમના આંગણે આવી ચડ્યો. સાદ પાડી કહે: 'હું માતાજીનો ચુંદડિયો ભગત છું, અગમનિગમનું દેખું છું અને માતાજીની કૃપાએ ભીખ ભેગું બીજાનું ભલું કરું છું.'

ગોપાળ ભગતનાં પત્ની આ સાંભળી ઘરમાંથી બહાર આવી કહે: 'મહારાજ, જોષ જુઓ છો?'

બ્રાહ્મણે કહ્યું: 'જોઉં છું. મારો જોયેલો જોષ કદી ખોટો પડ્યો નથી. પડે તો જનોઈવઢ ડામ દઉં!' આમ કહી જનોઈ દેખાડી.

બાઈને ખાતરી થઈ ગઈ કે અસલ બ્રાહ્મણ. એણે કહ્યું: 'તો મારો જોષ જુઓ, મહારાજ! મારા નસીબમાં દીકરો છે કે નહિ તે કહો.'

આટલા પરથી જ બ્રાહ્મણ જે સમજવાનું હતું તે સમજી ગયો. તેણે ટીપણું કાઢ્યું અને પ્રશ્નનો સમય નક્કી કરી આંગળીના વેઢા ગણવા માંડ્યા. પછી ગંભીર મોં કરી કહે: 'બાઈ, તમારો શનિ વક્રી છે અને મંગળની પનોતી છે. માતાજીને ચુંદડી-ચોખા અને નૈવેદ ધરાય તો માતાજીની કૃપા થાય અને રૂડોરૂપાળો કનૈયા જેવો કુંવર ઘરમાં રમતો થાય! થન થન નાચે બાળકનૈયો! આહા!'

બાઈનું મન એકદમ લોભાઈ ગયું. તેણે ખુશ થઈ બ્રાહ્મણે માગ્યા પ્રમાણે રેશમી ચુંદડીના, કંકુ-નાળિયેરના અને નૈવેદના પૈસા આપ્યા. સાથે બ્રાહ્મણને માગી દક્ષિણા પણ આપી.

બ્રાહ્મણ મનમાં કહે: 'આજનો દિવસ સુધરી ગયો.'

'માતાજી દીકરો દેશે!' કહી એ ચાલી ગયો.

બન્યું એવું કે વરસ દિવસ પછી બાઈએ દીકરાને જન્મ આપ્યો.

પેલો બ્રાહ્મણ આવી બધી ખબર રાખતો હતો. દીકરો થયાનું જાણ્યું એટલે એ ખુશ થતો થતો વધામણી લેવા આવી પહોંચ્યો.

પણ એના નસીબે આજે ગોપાળ ભગત ઘેર હતા.

'જે માતાજી! દુ:ખડાં હરનારી! દીકરા દેનારી! ચુંદડિયાળી મા!' કહી એ ભગતની સામે બેઠો.

પટલાણીએ બ્રાહ્મણને ઓળખ્યો. હરખમાં તેઓ ઘરમાંથી પારણામાં સૂતેલા છોકરાને લઈ આવ્યાં.

બ્રાહ્મણે કહ્યું: 'બહેન, માતાજીની બાધા ફળીને? માતાજીએ દીકરો દીધો ને? મારાં માતાજી હાજરાહજૂર છે, તમે નૈવેદ-ચૂંદડી ધરો એટલે માતાજી તમારી મનોવાંછના પૂરી કરે જ. હવે તમારે માતાજીને એક કૂકડાનું નૈવેદ ધરવું પડશે-- માતાજી તમારી લીલી વાડી કરશે.'

પટલાણી કંઈ બોલે તે પહેલાં ગોપાળ ભગતે કહ્યું: 'એટલે શું આ દીકરો મને તારાં માતાજીએ દીધો છે? તારાં માતાજીએ દીધો હોય તો લઈ જા એને, મારે એ ન જોઈએ! મારે તો મારો સ્વામિનારાયણ ભગવાન દેનારો બેઠો છે. તેનું જ દીધું હું ખાઉં છું ને પહેરું ઓઢું છું!'

બ્રાહ્મણ તો આ સાંભળી સડક થઈ ગયો.

તેણે તતપપ કરી કહ્યું: 'એમ આકળા ન થાઓ, ભગત! તમારાં ઘરવાળાએ માતાજીની બાધા રાખી માતાજીને ચૂંદડી-નૈવેદ ધર્યાં હતાં ને માતાજીએ દીકરો દીધો-- દીવા જેવી વાત છે!'

ભગતે કહ્યું: 'દીવા જેવી વાત તો એ છે કે માતાજી, માતાજી કરી તું પાખંડ રમી ગયો અને મારા ઘરમાં અંધશ્રદ્ધા ઘુસાડી ગયો! મારે નહિ જોઈએ એ પાખંડ! તારાં માતાજીએ દીધેલો દીકરો તું લઈ જા, મને તો દેવાવાળો હજાર હાથવાળો બેઠો છે. મારે તો કોઈ દેવી કે માતાજીનું કામ નથી ને તારું યે નથી.'

બે-ત્રણ માસના ધાવણા બાળકને લઈ જઈને એ શું કરે! બ્રાહ્મણ હવે બરાબરનો સલવાયો.

એણે કહ્યું: 'મને દક્ષિણા ન આપવી હોય તો ન આપશો, માતાજીને ચૂંદડી-નૈવેદ ન ધરવાં હોય તો ન ધરશો, હું જાઉં છું.'

ત્યાં તો ભગતે પડકાર કર્યો: 'જાય છે ક્યાં? આ ધોકો જોયો છે? એક પડતાં તું લાંબોસોડ થઈ જશે. માટે ભગવાન માથે રાખીને સાચું બોલ-- આ દીકરો તારાં માતાજીએ દીધો છે કે મારા ભગવાને?'

બ્રાહ્મણે કહ્યું: 'તમારા ભગવાને!'

ભગતે કહ્યું: 'સાત વખત બોલ કે તમને દીકરો તમારા ભગવાને દીધો છે, મારાં માતાજીએ નહિ!'

બ્રાહ્મણ સાત વખત એ પ્રમાણે બોલ્યો ત્યારે એનો છૂટકો થયો. જતાં જતાં બ્રાહ્મણે કહ્યું: 'માતાજીનો આ પ્રસાદ લો; હું એ તમારા માટે જ લાવ્યો હતો.'

ભગતે એકદમ લાલ આંખ કરી કહ્યું: 'જીવતા જીવનો ભોગ લેતી હોય એવી કોઈ માતાજીનો પ્રસાદ મારે નહિ જોઈએ.'

બ્રાહ્મણ તરત ત્યાંથી વિદાય થઈ ગયો.

આ કથાનક સાંભળી પરાગને ખૂબ હસવું આવ્યું.

પછી સંતે 'શિક્ષાપત્રી' ઉઘાડી તે પરાગના હાથમાં મૂકી કહ્યું: 'આમાંથી આ ત્રણ શ્લોક વાંચ!' પરાગે મોટેથી વાંચ્યું:

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. (22)

સત્સંગીએ પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. (24)

અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો-- એ છ પ્રકારના જે મનુષ્ય, તેમનો સંગ ન કરવો. (27)