૧૨. વહેલા પરોઢિયે જાગવું

એક વાર પરાગના વર્ગના બે છોકરાઓ કોઈ વાત પર બાઝી પડ્યા અને સામસામે ગાળો દેવા લાગ્યા. પરાગથી આ જોયું ગયું નહિ, તે વચમાં પડ્યો ને બોલી ઊઠ્યો: 'અરે, તમે લોકો આ શું કરો છો? જીભે ભગવાનનું નામ લેવાને બદલે ગાળો કેમ બોલો છો?'

આ સાંભળી એક છોકરો એને જ મારવા ધસ્યો અને એને ગાળો દઈ કહેવા લાગ્યો: 'તું કેમ વચમાં પડે છે? અમે ગાળો દઈએ, મારામારી કરીએ કે મરી જઈએ, એમાં તારે શું? અહીં તારા ભગવાનને શું કામ વચમાં લાવે છે?'

પરાગે કહ્યું: 'ભગવાનને વચમાં લાવું છું, કારણ કે ભગવાન વચમાં છે જ. ભગવાન વિનાનું ક્યાંય કશું નથી અને હું વચમાં આવું છું, કારણ કે તમે મારા વર્ગના વિદ્યાર્થી છો એટલે મારા ભાઈ છો. મારા ભાઈઓ લડે-ઝઘડે, ગાળાગાળી કરે એ મને ગમે નહિ!'

પેલા છોકરાઓએ કહ્યું: 'ઓહોહો! જોયો ન હોય તો મોટો ભાઈ! તું વળી કોણ અમને શિખામણ દેવાવાળો? પરીક્ષામાં ચોરી કરીને પાસ થયેલો એ જ કે બીજો તું?'

પરાગને માથે આ જૂનું કલંક હજી ઝઝૂમતું હતું, પણ એનો શાંતિથી સામનો કર્યા વિના છૂટકો નહોતો. એક વાર માણસની ભૂલ થઈ જાય, પછી એ માણસ ભૂલ સુધારી લે, તો પણ પેલી ભૂલ તો ભૂલ જ રહે છે અને છિદ્રો જોનારા લોકો એની ખણખોદ કરતા જ રહે છે પણ જેને સુધરવું છે, સારા માર્ગે ચડવું છે, એણે તો ધીરજથી એવું બધું વેઠી લેવું પડે છે.

પરાગની પણ એ હાલત હતી. પોતાના પરના આક્ષેપથી એ મનમાં સમસમી રહ્યો, પણ શાંતિથી બોલ્યો: 'હા, ભાઈ! એક વાર મેં ચોરી કરી હતી, પણ પછી હું રીતસર પરીક્ષા આપી પાસ થયો છું. હું કદી મારી ભૂલનો બચાવ નથી કરતો, પણ પશ્ચાત્તાપ કરું છું.'

આ સાંભળી પેલો છોકરો છોભીલો પડ્યો. તે કંઈ બોલ્યો નહિ.

એ છોકરાનું નામ રમેશ.

હવે ઝઘડો પતી ગયો હતો અને બધા શાંત બેઠા હતા. ત્યાં રમેશે પરાગની પાસે આવી કહ્યું: 'પરાગ, મને આ દાખલો શીખવશે?'

પરાગે કહ્યું: 'વાહ, મને આવડતો હશે તો કેમ નહિ શીખવું?'

આમ કહી પરાગે તરત જ રમેશના હાથમાંથી નોટબુક લઈ દાખલામાં ક્યાં ભૂલ છે તે જોવા માંડ્યું. જોઈને પછી કહ્યું: 'અહીં જરી જેટલી ભૂલ છે-- એને લીધે તારો આખો દાખલો ખોટો પડે છે!'

આમ કહી એણે એને ભૂલ બતાવી.

પરાગની મદદથી દાખલો ગણતાં ગણતાં રમેશે કહ્યું: 'શું કરું? મને ઘેર દાખલા ગણવાનો કે પાઠ વાંચવાનો વખત જ મળતો નથી!'

પરાગે કહ્યું: 'એવું કેમ બને? શાળાએ તો અગિયાર વાગે આવવાનું હોય છે. પછી વખત કેમ ન મળે?'

રમેશે કહ્યું: 'કેવી રીતે મળે? હમણાં હમણાં તો મહોલ્લામાં ભવાઈ વેશ ચાલે છે, તે જોવા જાઉં છું-- તેમાં જ રાતના બાર વાગી જાય છે. ભવાઈ ન હોય તો ક્યાંક કંઈ નાટકચેટક હોય! અરે, હમણાં તો ઘરમાં જ સિનેમાનો પડદો આવ્યો છે-- ટેલિવિઝન! તેમાં મોડી રાત લગી કંઈ ને કંઈ ફિલ્મ ચાલતી હોય છે-- જોયા કરીએ! આમ રાતે મોડા ઊંઘવા પડીએ તે સવારે સૂરજ વાંસવા ચડે અને મા કેટલી બૂમો પાડે ત્યારે આંખો ચોળતો ઊઠું છું ને જેમ તેમ કરી નહાઈ-ધોઈ લૂસલૂસ બે કોળિયા પેટમાં નાખી સ્કૂલમાં દોડ્યો આવું છું. સ્કૂલમાં ચાલતા વર્ગે ઘણી વાર મને ઊંઘનું ઝોકું આવી જાય છે અને સાહેબ શું શીખવે છે તે યાદે રહેતું નથી. શાળા છૂટે એટલે રમવા દોડી જાઉં છું. રમીને ઘેર જઈ વાળું કરું છું ને પાછો મહોલ્લામાં દોડી જાઉં છું તે મધરાત લગી--'

પરાગ ધ્યાનપૂર્વક રમેશની દિનચર્યા સાંભળી રહ્યો હતો.

તેણે કહ્યું: 'રમેશ, તું હોંશિયાર છે એ તો હું આ દાખલો ગણવાની તારી રીત પરથી જોઈ શક્યો છું, પણ દાખલો ગણવામાં જેમ તારી જરીક ભૂલ થતી હતી, તેમ તારી દિનચર્યામાં પણ તારી જરીક ભૂલ થાય છે. તું એ ભૂલ સુધારી લે તો પછી તને જોઈએ એટલો વખત મળી રહેશે-- આપણી આ વિદ્યાર્થી અવસ્થા વિદ્યાના ઉપાર્જન માટે છે એ તો તું જાણે જ છે.'

'જાણું છું.' રમેશ બોલ્યો, પણ તેના કંઠસ્વરમાં હતાશા હતી.

પરાગે કહ્યું: 'કોઈ આપણને દૂધનો કટોરો પીવા માટે આપે અને આપણે એ દૂધમાં ચપટી ધૂળ નાખી દઈએ તો એ દૂધ પીવા જેવું રહે ખરું?'

'ના!' ફરી એવો જ હતાશ કંઠસ્વર.

પરાગે કહ્યું: 'વિદ્યાર્થી જીવન એ દૂધનો કટોરો છે, આપણે એ જીવનને હોંશેહોંશે કરીને આત્મસાત કરવાનું છે. તેમ કરવાને બદલે આપણે જો એ કટોરામાં આળસ અને પ્રમાદની ધૂળ નાખીએ-- વધારે નહિ, માત્ર ચપટીની પણ ચપટી-- તો પણ એ દૂધ પીવા જેવું રહેશે નહિ. ભાઈ, હું તારો દોષ નથી જોતો, તને ઠપકો પણ નથી દેતો, માત્ર આપણા બધાની ક્યાં ભૂલ થાય છે તે મારા ગુરુદેવના પ્રતાપે મને હવે ધીરે ધીરે સમજાવા માંડ્યું છે, એટલે તને આ કહેવાની હિંમત કરું છું. બાકી, મારી શી હેસિયત કે હું કોઈને શિખામણનો બોલ કહું?'

રમેશે ઝટપટ કહ્યું: 'ના, ના, એવું નથી. તું જરૂર કહે. તારી વાત સમજવા જેવી છે. મને એ સાંભળવી ગમે છે!'

પરાગે કહ્યું: 'મારા ગુરુદેવ કહે છે કે માણસને કોઈ એનો દોષ બતાવે અને જો એને એ સાંભળવો ગમે તો સમજવું કે એનો દિવસ ચડતો છે. જો, તું રાતમધરાત લગી જાગે છે, તેથી સવારે વહેલો ઊઠી શક્તો નથી... નાટકચેટક, ભાંડભવાયાના ખેલો જોવાની આ ઉંમર નથી, આ તો વિદ્યોપાર્જનની ઉંમર છે-- ટેલિવિઝનનો ડબ્બો કેટલીક સારી વાતો પણ કહેતો-દેખાડતો હોય છે, પણ સારી વાતોની ઓથે તે ખોટી-નઠારી વાતો વધારે કહેતો-દેખાડતો હોય છે. કપાળમાં કોઈ કંકુનો ચાંલ્લો કરે ત્યાં લગી બરાબર છે, પણ પછી આખું કપાળ મેંશથી લીપી નાખે તો એ કંકુના ચાંલ્લાની કાંઈ કિંમત ખરી? તે વખતે મેંશ ભેગું કંકુ યે ભૂંસી નાખવું પડે. માટે તું એક વાર મનમાં દૃઢ નિશ્ચય કર કે મારે રાતે દશ વાગતાં નિદ્રાધીન થવું જ છે, તો સવારે વહેલા જરૂર ઉઠાશે--શરૂઆતમાં તકલીફ પડશે, પણ એથી ગભરાવું નહિ. કોઈ મોટું કામ તકલીફ વગર સિદ્ધ થતું નથી. આપણા પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમોમાં વહેલા પરોઢિયેના ચાર વાગે વેદઘોષ શરૂ થતો અને વિદ્યાર્થીઓ ભણવા બેસતા. આજે પણ આપણાં ગુરુકુલોમાં આ પ્રથા ચાલુ છે અને તે બધી રીતે ઉત્તમ છે. આપણે ગૃહસ્થી ઘરોમાં રહેનારા વહેલા પરોઢિયે ચાર વાગે કદાચ ન ઊઠી શકીએ તો પણ બને એટલા વહેલા તો જરૂર ઊઠીએ, અને સૂર્યોદય થતાં પહેલાં નાહી-ધોઈ પૂજાપાઠ કરી તૈયાર થઈ જઈ વિદ્યાભ્યાસમાં બેસી જઈએ તો વિદ્યા દોડતી-રૂમઝૂમતી આવે. સવારનો પહોર એ વિદ્યાપ્રાપ્તિનો પહોર છે. તે વખતે વાતાવરણમાં શાંતિ હોય છે, શીતળતા હોય છે, તેથી વિદ્યાર્થીનું દિમાગ સારું કામ કરે છે, તેની સ્ફૂર્તિ વધે છે અને તેની સ્મૃતિશક્તિ પણ વધે છે!'

છેલ્લે તેણે કહ્યું: 'બસ, આ જ મારે તને કહેવાનું છે. તને ઠીક લાગે તો આ વિષે વિચારજે!'

રમેશે કહ્યું: 'ઠીક તો લાગે છે, પણ મારાથી એ બનશે? હા, તું મારી પડખે રહે તો બને!'

પરાગે કહ્યું: 'હું પડખે છું જ. તને ગમે તો થોડા દિવસ તું મારી સાથે મારે ઘેર જ રહે!'

એકદમ રમેશ ઉત્સાહમાં આવી બોલી ઊઠ્યો: 'બહુ સરસ! હું માત્ર જમવા પૂરતો જ મારે ઘેર જઈશ.'

થોડી વાર અટકી કહે: 'પણ તારાં માતાપિતાને આ ગમશે?'

પરાગે કહ્યું: 'મારાં માતાપિતા મને સમજે છે, પણ તારાં માતાપિતા તને રજા આપશે?'

રમેશે કહ્યું: 'એ વિષે મને જરી શંકા છે, કારણ કે હું મધરાત લગી રખડું છું ને ખૂબ મોડો ઊઠું છું તેથી અભ્યાસમાં કાચો છું એ મારાં માતાપિતા જાણે છે. એટલે તેમને કદાચ મારી વાત પર વિશ્વાસ નહિ આવે.'

પરાગ વિચારમાં પડી ગયો.

થોડી વાર પછી રમેશે કહ્યું: 'પણ તું મારાં માતાપિતાને વાત કરે તો તેઓ સમજશે.'

'નવાઈની વાત! પોતાના દીકરા પર વિશ્વાસ નહિ, અને પરાયા દીકરા પર વિશ્વાસ!' પરાગે નવાઈ પામી કહ્યું.

રમેશે કહ્યું: 'એનું કારણ છે, તારું પરીક્ષા-પ્રકરણ તેઓ જાણે છે. તેઓ તને સાચાબોલા વિદ્યાર્થી તરીકે ઓળખે છે.'

આજે પરાગને પોતાના પરીક્ષા-પ્રકરણનો ગર્વ થયો. અત્યાર સુધી તેને થતું હતું કે મેં પરીક્ષામાં ચોરી કરી, તેથી બધે હું નિંદાપાત્ર બન્યો છું, પણ હવે તેને લાગ્યું કે આમાંથી પણ કંઈક સુફળ આવ્યું છે-- મને એકલાને જ તેથી લાભ થયો છે એવું નથી, બીજા ઘણાઓને તેનો લાભ પહોંચ્યો છે. ભૂલની કબૂલાત કરી તેનું પ્રાયશ્ચિત્ત કર્યું એ મેં સારું જ કર્યું છે, અને જે સારું તે હંમેશ સારું જ છે એ વિશે શંકા નથી.

રમેશના કહેવા પ્રમાણે પરાગ એની સાથે એને ઘેર ગયો. રમેશના પિતા પરાગને જોઈ ખુશ થયા. તેમણે તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરી અને રમેશને મદદરૂપ થવાની એની દરખાસ્ત આનંદથી સ્વીકારી લીધી.

પરાગનાં માતાપિતા પણ ખુશ થયાં. પોતાનો પુત્ર, પોતાનો વિદ્યાભ્યાસ બરાબર કરે છે એ જોઈ એમને ગર્વ થતો હતો. વિપુલને પણ આ ખૂબ ગમ્યું. પરાગ, રમેશ અને વિપુલ-- ત્રણની મંડળી બની ગઈ. ત્રણે રોજ સવાર-સાંજ સાથે બેસી અભ્યાસનાં પુસ્તકો વાંચે, અને અભ્યાસ બહારનાં બીજાં પુસ્તકો, બીજા સદગ્રંથો પણ વાંચે. મહિનામાસમાં તો રમેશ આ નવી વ્યવસ્થાથી ટેવાઈ ગયો. તે પછી તે પોતાને ઘેર ગયો અને ઘરે પણ આ જ નિયમને અનુસરી તેણે પોતાની દિનચર્યા નક્કી કરી. એનું આ પરિવર્તન અને એની આ અભ્યાસની લગન જોઈ એના ઘરનાં બધાં ખુશ થયાં.

એક નાનકડું સત્કાર્ય કેટલાં બધાં માણસોને સુખી કરી શકે છે!

એક દિવસ રમેશે કહ્યું: 'ભાઈ પરાગ, હું એક મહિનો તારી સાથે રહ્યો, પણ મેં કદી તારા મોંએથી અપશબ્દ નીકળતો સાંભળ્યો નથી. ખરેખર નવાઈ જેવું છે. વળી આજ લગી હું તો એવું સમજતો હતો કે ખાવાપીવામાં નિયમ શું? ભાવે તે, ફાવે તે ખાવાનું! રમવા ફરવામાં વળી નિયમ શું? ગમે ત્યારે ગમે ત્યાં રખડવાનું! ભણવા ગણવામાં વળી નિયમ શું? ઊંઘવા-જાગવામાં વળી નિયમ શું? બોલવા ચાલવામાં વળી નિયમ શું? પણ હવે મને લાગે છે કે નિયમ વગર તો જીવાય જ નહિ! મને નવાઈ લાગે છે કે તું આ બધું ક્યાંથી શીખ્યો?'

જવાબમાં પરાગે 'શિક્ષાપત્રી' ઉઘાડી તેમાંથી એક પાનું તેની સામે ધરી કહ્યું: 'આ વીસમો શ્લોક વાંચ!'

રમેશે મોટેથી વાંચ્યું:

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. (20)

પરાગે કહ્યું: 'હવે આ 49મો શ્લોક વાંચ!'

રમેશે વાંચ્યું:

અને અમારા સત્સંગી, તેમણે નિત્ય સૂર્ય ઊગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. (49)

પરાગે બીજું પાનું ફેરવી કહ્યું: 'હવે આ પાંસઠમો શ્લોક વાંચ!'

રમેશે વાંચ્યું:

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ, તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. (65)

પરાગે રમેશને સાચા રસ્તે વાળ્યાનો આ પ્રસંગ જ્યારે સંત હરિભક્તદાસે જાણ્યો ત્યારે એ બહુ પ્રસન્ન થઈ બોલ્યા: 'મોટો થઈને પણ આવાં જ સત્કાર્યો કરતો રહેજે!'

પરાગે આશીર્વાદ માથે ચડાવ્યા.