૩. સત્સંગ સાથે જેના પ્રાણ જડાયેલા છે એવા ભક્તની કથા

થોડી વાર શાંત રહી કિશોર શ્રોતાઓના મનોભાવનું બારીકાઈથી નિરીક્ષણ કરી સંતશ્રી બોલ્યા: 'હવે બીજું દૃષ્ટાંત કહું તે સાંભળો.'

શ્રીજીમહારાજ જ્યારે મનુષ્યરૂપે આ પૃથ્વી પર વિચરતા હતા, ત્યારે આપણા આ દેશની કેવી હાલત હતી એ જાણો છો? ચારે તરફ અંધાધૂંધી અને અરાજકતા! જેની લાઠી એની ભેંસ અને ગામ પણ એનું જ! ગામ ગામના ધણી જુદા અને એ ધણીઓ પણ કેવા? પોતે ચોર-લૂંટારા ભેગા ભળેલા. ધર્મગુરુઓ ધર્મની મર્યાદાનો લોપ કરી, કામ-ક્રોધ-લોભમાં ફસાયેલા. લોકો અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમોમાં ડૂબેલા! સજ્જનોની પીડાનો પાર નહિ અને એ પીડા સાંભળનારું કોઈ નહિ. બીજી બાજુ દુર્જનોના અત્યાચારનો અંત નહિ.

આવો વિષમ કાળ હતો. જ્યારે અનંતકોટિ બ્રહ્માંડોના અધિપતિ ભગવાન શ્રીજીમહારાજ, રામનવમીના (શ્રી હરિ- જયંતીના) પવિત્ર દિવસે પૃથ્વી પર પ્રગટ થયા હતા.

ભગવાનના પ્રાગટ્ય સાથે પૃથ્વી પર નવી આશાનો ઉદય થયો હતો, નવી જાગૃતિ આવી હતી, નવું ચેતન આવ્યું હતું.

શ્રીજીમહારાજ પોતાના સંતો-હરિભક્તો સાથે ગામડામાં ફરતા હતા. તે વખતે એ ગામડામાં મૂળજી નામના બહારવટિયાનો ભારે ત્રાસ હતો.

મૂળજી હતો સારા ઘરનો, એનામાં બુદ્ધિશક્તિ પણ હતી, પણ એની બુદ્ધિ અવળે માર્ગે ચડી ગઈ હતી. એણે લૂંટફાટનો ધંધો લીધો હતો. ટોળી લઈને એ ગામ પર ત્રાટકી લોકોની માલમિલકત લૂંટી લેતો. કોઈ સામો થાય તો ચીભડાની પેઠે એને ચીરી નાખતો. પરણવા જતી કે પરણીને આવતી જાનો એ લૂંટતો અને ગામનાં ગામ સળગાવી દેતો.

એક વાર આ મૂળજી બહારવટિયો કોઈ ગામ લૂંટીને પાછો ફરતો હતો, ત્યાં સામેથી એને શ્રીજીમહારાજની સવારી આવતી દેખાઈ. કોઈ સંતનું દર્શન થાય તો સમજવું કે આપણાં પુણ્યનો ઉદય થાય છે.

મૂળજીએ ભગવાન સ્વામિનારાયણ વિષે ઘણું સાંભળ્યું હતું; પણ તેની તેણે પરવા કરી નહોતી. પણ આજે તેને થયું કે 'ચાલને, જરી જોઉં તો ખરો, આ ભગવાન કેવા છે!'

મૂળજી શ્રીજીમહારાજની સામે આવી ઊભો. મહારાજે કરુણાળુ નજરે તેની સામે જોયું. એ નજર એના હૃદય ઉપર ચડેલા કાળમીંઢ પડળને ભેદીને અંદર ઊતરી ગઈ.

અંદર ખળભળાટ મચી ગયો.

શ્રીજીમહારાજના શબ્દો મૂળજીના કાને પડ્યા: 'મૂળજી, તું આ શું કરે છે? આવું ક્યાં લગી કરશે?'

પિતા પોતાના અવળે રસ્તે ચડેલા દીકરાને વહાલ કરી સમજાવતા હોય એમ શ્રીજીમહારાજ કહેતા હતા: મૂળજી, તું આ શું કરે છે? આવું ક્યાં લગી કરશે? પેટ તો કાગડા-કૂતરાં યે ભરે છે, એ પેટ વાસ્તે અનેકનાં પેટનાં હાંલ્લાં ફોડવાં શું અનિવાર્ય છે? તું તો પાપ પુણ્યમાં સમજે છે, છતાં કેમ ભૂલે છે?

મૂળજીના અંતરમાં દેવ-દાનવનો સંગ્રામ જાગી ચૂક્યો હતો --દેવ કહેતો હતો કે પગે પડ, પાપનો એકરાર કર અને દયાની યાચના કર! દાનવ કહેતો હતો કે જોઈ શું રહ્યો છે? દે સામો લલકાર! તું કંઈ જે તે નથી! હજારોનાં માથાં ભાંગ્યાં છે --એક માથું વધારે! પાપ-પુણ્યની વાતો બધી ખોટી છે, નબળા માણસોને ફસાવવા માટે છે!'

દેવ-દાનવના આ સંગ્રામ વચ્ચે અચાનક મૂળજીની આંખો મીંચાઈ ગઈ. એણે આંખો ઉઘાડી રાખવાનો જોરદાર પ્રયત્ન કર્યો, પણ એકાએક એ એવો પરવશ બની ગયો હતો કે એનું કંઈ ચાલ્યું નહિ. એ આંખો મીંચી ઊંડા ધ્યાનમાં ઊતરી પડ્યો. ધીરે... ધીરે... ધીરે... મોટા ને મોટા અવકાશમાં તે તણાતો ગયો-- એનાં સેંકડો પાપો ખાઉં ખાઉં કરતાં એને ચારે બાજુથી ઘેરી વળ્યાં! ચારે કોરથી ખાંડાની ધાર જેવા અવાજો આવતા હતા -'તને પીસી નાખું, છૂંદી નાખું, તારો બોરકૂટો કરું, ઘાણીએ ઘાલું, તારા રાઈ રાઈ જેવડા ટુકડા કરું.'

મૂળજી ફફડી ઊઠ્યો. તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ: 'બાપ રે! આ ભૂતાવળમાંથી મને કોઈ બચાવો, કોઈ બચાવો.'

એકાએક આખું દૃશ્ય બદલાઈ ગયું. તેણે જોયું તો ચારે બાજુ પ્રકાશનો મહાસાગર રેલાતો હતો, અને તેની વચમાં શ્રીજીમહારાજ પોતે બિરાજમાન હતા! તેમની ચારે બાજુ સંતોની મંડળી શોભી રહી હતી. આ જોઈ મૂળજીનો જીવ હેઠો બેઠો. તેના મુખમાંથી વેણ નીકળી પડ્યું: 'હાશ, બચી ગયો!'

તે સાથે તેની આંખો ઊઘડી ગઈ.

તેણે જોયું તો શ્રીજીમહારાજ સ્મિતભરી કરુણાળુ મુખમુદ્રા સાથે તેની સામે જોઈ રહ્યા હતા!

એકદમ શ્રીજીમહારાજના પગમાં ઢળી પડી મૂળજી બોલ્યો: 'મહારાજ, દયા કરો! આજથી ચોરી-લૂંટફાટ બંધ, અનાચાર-દુરાચાર બંધ!'

બોલતાં બોલતાં તેની આંખોમાંથી વહેતો આંસુનો ધોધ શ્રીજીમહારાજના પગ પખાળતો હતો.

બસ, તે દિવસથી મૂળજી શ્રીજીમહારાજના પાર્ષદ તરીકે તેમની સાથે રહી ગયો.

પરાગ બોલી ઊઠ્યો: 'નસીબદાર! એક કૂદકે સાગર તરી ગયો!'

સંત આ સાંભળી હસ્યા- તેમણે કહ્યું: 'ભાઈ, દુષ્કર્મ જીતવું એટલું સહેલું નથી. માણસનો સ્વભાવ અને પડેલી ટેવો એમ પલકવારમાં બદલાતાં નથી. એને ઘણી આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. મૂળજીને માથે પણ એક વાર એવી કસોટીની પળ આવી.

એક વાર શ્રીજીમહારાજનો મુકામ એક ગામમાં હતો. ત્યાં બહારગામથી બે બાઈઓ તેમનાં દર્શન કરવા આવી. તેમણે સોનાના દાગીનાઓથી ભરેલો એક દાબડો મહારાજને અર્પણ કર્યો.

મૂળજી પાર્ષદ તે વખતે ત્યાં હાજર હતો.

મહારાજે દાબડો ખોલીને જોયો. પછી મૂળજીને કહ્યું: 'બાઈઓને કહો કે હાલ દાબડો તમારી પાસે રાખો, જરૂર પડશે ત્યારે હું તે મંગાવી લઈશ.'

મૂળજીએ બાઈઓને એ પ્રમાણે કહ્યું અને એમનાં નામઠામ પૂછી લીધાં.

એક જ ઠેકાણે આટલું બધું સોનું જોઈ મૂળજીનું મન ચંચળ બની ગયું હતું. તેને થયું કે આ બાઈઓને આ સોનાનું શું કામ? એમને કામ નથી, એટલે તો તેઓ તે મહારાજને દઈ દેવા આવી છે, અને મહારાજને ય તેનું કામ નથી. એટલે તો એમણે એ લીધું નથી. તો પછી હું જ શું કામ આ ધનનો માલિક ન થાઉં?

'અત્યારે હું સત્સંગી છું, મહારાજનો પાર્ષદ છું' એ વાત એ ભૂલી ગયો. લોભ એવી ચીજ છે. લોભ માણસને ભૂલાવામાં નાખી પોતાની સત્તા જમાવે છે.

મૂળજીને એ આખી રાત ઊંઘ આવી નહિ.

બીજે દિવસે એણે શ્રીજીમહારાજને કહ્યું: 'મહારાજ, મારું ગામ અહીં નજીકમાં છે, રજા આપો તો હું એક વાર ઘેર જઈ આવું.'

જેણે શ્રીજીમહારાજનો આશરો લીધો છે, એનું ઘર તો શ્રીજીમહારાજ પોતે! એને વળી બીજું ઘર કેવું? પણ મહારાજ મૂળજીના મનની ગતિવિધિ બધી સમજતા હતા. તેથી એ હસ્યા.

એમણે કહ્યું: 'ભલે, જા!'

ઝડપથી પગ ઉપાડી મૂળજી પેલી બાઈઓના ગામમાં પહોંચી ગયો અને એમને ઘેર જઈ ઊભો. શ્રીજીમહારાજના પાર્ષદને જોઈ બાઈઓએ ભાવથી તેનો સત્કાર કર્યો અને હોંશથી કંસાર કરી એને જમાડ્યો.

જમ્યા પછી મોડી રાત સુધી મૂળજીએ બાઈઓ આગળ શ્રીજીમહારાજના પ્રભાવની અને પ્રતાપની મોટી મોટી વાતો કરી--બાઈઓ એ સાંભળતી જાય અને મહારાજના પાર્ષદને મહારાજ તુલ્ય ગણી હાથ જોડી પગે લાગતી જાય.

આમ વાતોમાં મૂળજીએ સિફતપૂર્વક પૂછી લીધું: 'પેલી મહારાજની થાપણ બરાબર સાચવી છે ને?'

બાઈઓએ ભોળા ભાવે કહી નાખ્યું કે, 'ચૂલાની આગમણમાં બરાબર સાચવી છે -- કોઈ જાણે કે કરે!'

બસ, મૂળજીએ જે જાણવું હતું તે જાણી લીધું.

પાછલી રાતે બધાં ઊંઘી ગયાં એટલે મૂળજીએ ઊઠી ચૂલાની આગમણમાં ખાડો ખોદી દાબડો કાઢી લીધો ને પછી પોતાના ગામ તરફ પગ ઉપાડ્યો.

સવાર થતાં બાઈઓને ખબર પડી કે દાબડો ચોરાઈ ગયો છે, અને મૂળજી પાર્ષદનો પત્તો નથી. દાબડાનું શું થયું હશે તે બંનેને સમજાઈ ગયું, પણ તેમણે કશી હો-હા કરી નહિ. હો-હા કરે તો લોકો ભેગા થઈ જાય અને 'મહારાજના પાર્ષદ આવા કેવા?' કહી લોકો મહારાજની નિંદા કરે અને પાપમાં પડે એ બાઈઓને ગમ્યું નહિ. સાથે સાથે બાઈઓને મનમાં એવો દૃઢ વિશ્વાસ કે શ્રીજીમહારાજની ઇચ્છા વગર ઝાડનું પાંદડુંયે હાલતું નથી, તો આ ચોરી થઈ એ પણ એમની જ ઇચ્છા! એમનું ધન હતું અને એનું એમણે જે કરવું ઘટે તે કર્યું, તેમાં અમારે હર્ષ-શોક કરી લોકોને ભેગા કરવાનું શું કારણ?

રાતોરાત મૂળજી ગામ છોડી ભાગ્યો હતો અને ઘણે દૂર નીકળી ગયો હતો. દાબડો ખેસના છેડે બાંધી તેણે ખેસ ખભા પર નાખ્યો હતો. ઝડપથી પગ ઉપાડી એ ચાલતો જતો હતો, ત્યાં એકાએક એને શ્રીજીમહારાજ સામેથી આવતા દેખાયા!

એણે છટકવાનો પ્રયત્ન કર્યો, પણ જે લાખ લાખ આંખે દેખે છે તેની આંખમાંથી કેમ છટકાય? સીધો મહારાજે જ પ્રશ્ન કર્યો: 'મૂળજી? તું અત્યારે અહીં ક્યાંથી? અને શું છે તારા આ ખડિયામાં?'

મૂળજીએ બીતાં-ફફડતાં કહ્યું: 'પૂ...જા છે!'

'જોઉં, કેવી પૂજા છે?' શ્રીજીમહારાજે સ્મિત કરી કહ્યું.

આ સ્મિતે મૂળજીના શરીરમનના અણુએ અણુને ઉપરનીચે કરી નાખ્યું. એ ચીસ પાડી મહારાજના પગમાં ઢગલો થઈને પડ્યો અને દાબડો મહારાજના ચરણમાં ધરી દઈ ચોધાર આંસુએ રોતો રોતો બોલ્યો: 'મને માફ કરો, મહારાજ!'

મહારાજે કહ્યું: 'જો, ભાઈ મૂળજી, તેં મારો અપરાધ કર્યો હોય તો હું તને માફ કરું, પણ તેં મારો નહિ, ભક્તોનો અપરાધ કર્યો છે, જે માફ કરવાનું મારા હાથમાં નથી. તેં ભક્તોનો દ્રોહ કર્યો છે, ભક્તોનો વિશ્વાસઘાત કર્યો છે. માટે તેં જેમનો અપરાધ કર્યો છે તેમની પાસે જા, અને તેમની દયા માગ!'

બીજો ઉપાય નહોતો. મૂળજી તે જ વખતે પાછો ફર્યો અને ભક્ત બાઈઓને ઘેર આવી તેમની સામે દાબડો ધરી રડતો રડતો બોલ્યો: 'મને માફ કરો, માતાજી! હું લોભમાં ભાન ભૂલ્યો હતો અને તમારો દાબડો ચોરી ગયો હતો. કૃપા કરી દાબડો ઉઘાડી મુદ્દામાલ બરાબર છે કે નહિ એ જોઈ લો!'

બાઈઓ તો પહેલા જેવી સ્વસ્થ હતી તેવી જ અત્યારે પણ હતી.

તેમણે કહ્યું: 'દાબડો ઉઘાડીને જોવાની અમારે જરૂર નથી. દાબડો મહારાજનો છે. મહારાજના ભક્ત એ લઈ જાય છે અને એ જ તે પાછો આપે છે-- મહારાજના ભક્ત ઉપર અમને પૂરો વિશ્વાસ છે.'

હવે મૂળજી ચોંક્યો: 'ઓહોહોહો! આ અભણ બાઈઓને શ્રીજીમહારાજ પર તો વિશ્વાસ હોય, પણ મહારાજના ભક્તો પર પણ આટલો બધો વિશ્વાસ છે! આ બધાં જ સિદ્ધ છે, હું જ કેવળ એક ગાંગડું છું. હવે આ બાઈઓ મારો અપરાધ માફ કરી મને આશીર્વાદ આપે તો હું ઊગરું!'

તેણે હાથ જોડી કહ્યું: 'માતાજી, મને માફ કરો!'

બાઈઓએ કહ્યું: 'શી બાબત? દાબડો અમારો નથી, શ્રીજીમહારાજનો છે; તમે એમનો અપરાધ કર્યો છે, અમારો તો કોઈ અપરાધ કર્યો નથી.'

મૂળજી વ્યાકુળ બની ગયો. તેણે કરગરીને કહ્યું: 'શ્રીજીમહારાજે પોતે મને તમારી માફી માગવાની આજ્ઞા કરી છે.'

બાઈઓ થોડીવાર વિચારમાં પડી ગઈ. પછી કહે: 'જેવી મહારાજની આજ્ઞા!'

આ પછી અપાર કરુણા કરી શ્રીજીમહારાજે મૂળજીને ફરી પોતાની સેવામાં લીધો.

આ પછી એક વાર એવું બન્યું કે શ્રીજીમહારાજ મેઘપુર નામે ગામમાં બિરાજતા હતા, ત્યાં કેટલાક દ્વેષીઓએ વાંકું બોલી તેમની નિંદા કરવા માંડી.

મૂળજી એમને સમજાવવા ગયો, ત્યારે એ લોકોએ એને કહ્યું: 'તું મોટો ભગત થઈને બેઠો છે તે જોયો તને! છોડ આ બધા ઢોંગધતૂરા! છોડ આ બાવાઓને અને પાછો અમારા ભેગો આવી જા!'

મૂળજીએ કહ્યું: 'તમે ભલે મારી નિંદા કરો, પણ સંતની, સત્સંગની અને શ્રીજીમહારાજની નિંદા ન કરો! તમે લોકો અજ્ઞાની છો. કશું સમજતા નથી. તમારા કહેવાથી હું સત્સંગ છોડવાનો નથી, એ તો મારા પ્રાણ સાથે જડાયેલો છે.'

જવાબમાં એક જણે મૂળજીને ગાળ દીધી. મૂળજી કંઈ બોલ્યો નહિ.

પેલાને જોર ચડ્યું. એણે સત્સંગીઓને ગાળ દીધી.

તો ય મૂળજી મન મારી શાંત રહ્યો.

પેલાને વધારે જોર ચડ્યું. એણે શ્રીજીમહારાજ વિષે એલફેલ બોલવા માંડ્યું.

મૂળજીથી આ સહન થયું નહિ.

એણે એ બોલનારને બોચીમાંથી પકડી ભોંય પછાડ્યો.

ટોળું ઉશ્કેરાયું અને મૂળજીની પાછળ પડ્યું. મૂળજી તેમના હાથમાંથી છટકી ગયો હોત, પણ એ દુષ્ટોએ બૂમ પાડી: 'મૂળજી, તું ભાગે તો તને તારા સ્વામિનારાયણના સમ!'

મહારાજના સોગંદ પડ્યા એટલે મૂળજી ત્યાં જ ઊભો રહી ગયો-- એકલો, નિ:શસ્ત્ર!

આખું ટોળું એના ઉપર તૂટી પડ્યું. મૂળજી મૃતપ્રાય થઈ પડ્યો.

મૂળજી મરી ગયો સમજી ટોળું ભાગી ગયું.

પણ મૂળજી મરી નહોતો ગયો. હજી તેનામાં થોડો જીવ હતો.

ઘટનાની ખબર પડતાં શ્રીજીમહારાજ પોતે ત્યાં આવ્યા. મૂળજીએ મહાપરાણે બે હાથ જોડી મહારાજને પ્રણામ કર્યા.

મહારાજે કહ્યું: 'મૂળજી, શો વિચાર છે? સાજા થવું છે કે ધામમાં જવું છે?

મૂળજીએ કહ્યું: 'ધામમાં!'

તે જ ઘડીએ શ્રીજીમહારાજનાં દર્શન કરતાં કરતાં મૂળજીએ દેહ છોડ્યો.

આમ એક વખતના ચોર-લૂંટારાએ સત્સંગ અને શ્રીજીમહારાજની સેવામાં પોતાના પ્રાણ આપ્યા. સત્સંગ મારા પ્રાણ સાથે જડાયેલો છે એ એનો બોલ સાચો ઠર્યો.

આ દૃષ્ટાંત કહી સંતે શિક્ષાપત્રીમાંથી એક પાનું ઉઘાડી પરાગને કહ્યું: 'આ ઓગણચાલીસમો શ્લોક વાંચ!'

પરાગે મોટેથી વાંચ્યું:

'અજ્ઞાની એવા જે મનુષ્ય--તેમની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ.' (39)