૧૫. ઘરનાં પશુડાં અને ઘરનું મનેખ

આસપાસનાં ગામોમાંથી ઘણી વાર ખેડૂતો સંત હરિભક્તદાસના દર્શન કરવા આવતા. દરેક વખતે પરાગ જોતો તો કોઈ ખાલી હાથે આવતા નહિ, મૂઠી બાજરો ય સંતનાં ચરણમાં ધરતા.

આ ખેડૂતોમાં એક વેજલપુરના કેશવ ભગત હતા. તેમણે એક વાર સંતને પોતાને ઘેર પગલાં કરવા વિનંતી કરી. સંતે એ વિનંતીનો સ્વીકાર કર્યો. તેમણે પરાગને પણ પોતાની સાથે ચાલવા કહ્યું.

શાળામાં રજાઓ હતી. સંત એમના જોડીદાર સાધુ તથા પરાગની સાથે ચાલતા કેશવ ભગતના ગામમાં આવ્યા. તેમણે ગામના હરિમંદિરમાં મુકામ કર્યો.

ગામના ખેડૂતો તેમની અનુકૂળતાએ કોઈ એકલા તો કોઈ જૂથમાં સંતના દર્શને આવતા, પણ રોજ સાંજે સંત પ્રવચન કરતા તે સાંભળવા ઘણા ભેગા થતા. ગામની સ્ત્રીઓ પણ સંતની દૃષ્ટિ ન પડે તેમ ઓઝલ બેસતી અને કથામૃત સાંભળતી.

સંત આ ખેડૂતોને શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા અને ખેડૂતો સંત સમક્ષ પોતાના ઘરના કે ખેતીના પ્રશ્નો રજૂ કરી તેમનું માર્ગદર્શન માંગતા.

એક વાર એક માણસ આવી સંત સમક્ષ રડી પડ્યો. કહે: 'હું કરસન ભગતનો નોકર છું. હું દશ વર્ષનો હતો ત્યારથી તેમને ત્યાં છું. વહેલી સવારથી તે રાત લગી ટાઢ-તડકો ને વરસાદ વેઠી તન તોડી કામ કરું છું, પણ હજી બે પૈસા ભગવાનની પાળે મૂકું એટલી મારી હેસિયત નથી. મારા બાપા ય એમને ત્યાં વૈતરું કરી કરીને મરી ગયા અને હું યે એમ વૈતરું કરતો કરતો મરી જઈશ. ત્રીસ વર્ષનો થયો છું, હવે હું ઘરડો ગણાઉં, કેટલું જીવવાનો છું? આ ગોલાપો છોડી બીજે જાઉં તો સારો પગાર મળે, પણ મારા બાપા કહી ગયા છે કે શેઠને છોડતો નહિ-- મને પરણાવતી વખતે શેઠની પાસેથી રૂપિયા લીધેલા, તે હજી ચૂક્તે નથી થયા. હવે મારા દીકરાને પરણાવવાનો થશે, એટલે એનું દેવું થશે અને એમાં દીકરાની યે આખી જિંદગી શેઠને ત્યાં લખાઈ જશે! જાનવર કરતાં યે અમારી દશા ભૂંડી છે!'

સંત આ સાંભળી વિચારમાં પડી ગયા. તેમણે એને આશ્વાસન આપી શાંત કર્યો.

કરસન ભગત રોજ સાંજે સંતની કથામાં આવતા.

એક વાર સંતે તેમને પાસે બોલાવી કહ્યું: 'ભગત, શ્રીજીમહારાજ પર તમને કેવો ભાવ?'

કરસન ભગત કહે: 'પૂરેપૂરો!'

સંત કહે: 'શ્રીજીમહારાજની આજ્ઞા પાળો ખરા?'

ભગતે કહ્યું: 'કેમ ન પાળું? પણ શ્રીજીમહારાજ પોતે આજ્ઞા કરવા આજે ક્યાં હાજર છે? મહારાજ હાજર હોય તો દોડતો જઈને એમના પગમાં પડું અને કહું કે મને તમારી સેવામાં રાખો!'

સંતે પ્રસન્ન ભાવે કહ્યું: 'પછી મહારાજ કહે કે ભગત, તમે જેમ છો તેમ રહો, પ્રેમથી ખેતી કરો અને અમારું નામસ્મરણ કરો, તો?'

ભગતે કહ્યું: 'તો પ્રેમથી ખેતી કરું અને હેતથી નામસ્મરણ કરું.'

સંતે કહ્યું: 'અને ભગવાન કહે કે ભગત, ગમે તેવી ભીડમાં યે કરજ કરતા નહિ, કરજ કરશો તો ફસાશો, તો?'

ભગતે કહ્યું: 'દેવું કોઈ કાળે ન કરું!'

સંતે કહ્યું: 'બહુ સરસ! અને ભગત, ભગવાન કહે કે સમય પ્રમાણે અને તમારી શક્તિ પ્રમાણે તમારે ઘરનો વરો રાખવો અને તે વરા હિસાબે અન્નદ્રવ્યનો જોગ રાખવો, તો?'

ભગતે કહ્યું: 'તો શ્રીજીની આજ્ઞા માથા પર! શ્રીજી કહે તે આપણા ભલા માટે જ કહે ને!'

સંતે કહ્યું: 'ખૂબ સરસ! અને ભગત, શ્રીજી કહે કે ગાય-બળદ કે ઘોડો ઘરમાં રાખતાં હો તો એના માટે ઘાસપાણીનો પહેલેથી વિચાર કરી લેવો જોઈએ અને જેટલાં પશુ રાખવાં આપણાથી સંભાળાય તેમ હોય તેટલાં જ રાખવાં, વધારે નહિ. ને રાખવાં એટલાં બરાબર પાળવાં, તો?'

ભગતે કહ્યું: 'તો જેવી શ્રીજીની આજ્ઞા! ઘરમાં ગાય, ભેંશ, બળદ, ઘોડું રાખવાં તો રાખી જાણવાં! તેમની બરોબર ખાતર બરદાસ્ત કરવી; તેમના માટે ઘાસચારાની પૂરી જોગવાઈ કરવી; તેમને ચંદીખોળ પણ આપવાં પડે-- એમાં જરીકે આળસ કે બેદરકારી ન ચાલે. બાપડાં મૂંગાં પશુડાં કંઈ બોલે છે? એમને જરા ય દુ:ખી ન કરાય. જેવાં આપણે તેવાં એ!'

સંતે કહ્યું: 'ભગત, તમારી સમજ બિલકુલ સાચી છે. ભગત, એ પશુડાંને તમે ઘરમાં રાખો કે ઘર બહાર રઝળતાં મેલો?'

ભગતે કહ્યું: 'ઘરમાં વળી! ઘરનાં અન્નથી પોષાય એ બધાં ઘરનાં જ કહેવાય!'

'કોઈ પશુ માંદુંસાજું થાય તો?'

'તો એની તરત સંભાળ લેવી પડે! ઘરનું માણસ માંદુ પડે તો શું કરીએ છીએ? તેવું પશુનું! શ્રીજીમહારાજ સાચું જ કહે છે: 'પશુડાં સંભાળાય એટલાં જ રાખવાં અને રાખવાં તેને બરાબર સંભાળવાં!' એમાં મીનમેખ નહિ!'

સંતે કહ્યું: 'અને ભગત, સંભાળાય તો જ પશુડાંને રાખો, તેમ સંભાળાય તો જ માણસને રાખો એવું શ્રીજીમહારાજ કહે, તો?'

ભગતે કહ્યું: 'તો વળી શું? રાખ્યો તો સંભાળવો જ પડે! ઘરનું માણસ ગણીને જ તો!'

સંતે કહ્યું: 'ખરું કહ્યું, ભગત! તમે શ્રીજીમહારાજને બરાબર સમજ્યા છો... હવે કહો તો શ્રીજીમહારાજની આજ્ઞા વાંચી સંભળાવું. શ્રીજીમહારાજ પોતે આજે અત્યારે અહીં હાજરાહજૂર છે.'

ભગતે આશ્ચર્ય સાથે કહ્યું: 'અહીં, અત્યારે?'

'હા, આ શ્રીજીમહારાજ પોતે!'

આમ કહી સંતે ભગત સામે 'શિક્ષાપત્રી' ધરી કહ્યું: 'આ શ્રીજીમહારાજ પોતે! આ એમની વાણી! શ્રીજીમહારાજે પોતે કહ્યું છે કે: 'આ જે અમારી વાણી, તે અમારું સ્વરૂપ છે.' (209)

ભગત 'શિક્ષાપત્રી'ને માથું અડાડી બોલી ઊઠ્યા: 'હાજરાહજૂર! હાજરાહજૂર! એમાં ના નહિ!'

હવે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી તે પરાગના હાથમાં આપી સંતે કહ્યું: 'આ બે શ્લોક મોટેથી વાંચ!'

પરાગે વાંચ્યું:

અને તે ગૃહસ્થ સત્સંગી, તેમણે પોતાના સાર્મથ્ય પ્રમાણે, સમયને અનુસરીને, જેટલો પોતાના ઘરનો વરો હોય તેટલાં અન્નદ્રવ્યનો સંગ્રહ, જે તે કરવો, અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ, તેમણે પોતાના સાર્મથ્ય પ્રમાણે ચાર્ય પૂળાનો સંગ્રહ કરવો. (141)

અને ગાય, બળદ, ભેંશ, ઘોડા આદિક જે પશુ, તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય, તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. (142)

આટલું વાંચ્યું એટલે સંતે કહ્યું: 'હવે, 152મો શ્લોક વાંચ!'

પરાગે વાંચ્યું:

અને પોતાનાં કામકાજ કરવા તેડ્યા જે મજૂર, તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય, તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું. (152)

સૌ સાંભળી રહ્યા.

પછી સંતે કહ્યું: 'ભગત, આ કોની વાત છે?'

ભગતે કહ્યું: 'થોડા કલાક માટે દહાડિયો રાખ્યો હોય તેની વાત છે. તેને નક્કી કરેલા પૈસા આપવા, ઓછું આપી છેતરવો નહિ, સાવ સાચી આજ્ઞા છે!'

સંતે કહ્યું: 'ભગત, એ દહાડિયો એક-બે દિવસ માટે નહિ, પણ કાયમનો રાખ્યો હોય તો?'

ભગતે કહ્યું: 'કાયમનો એ તો ઘરનું જ મનેખ કહેવાય! હું જેમ મારા ઘરનો કાયમનો દહાડિયો--કાયમનું મનેખ, મારો દીકરો કાયમનો દહાડિયો-- કાયમનું મનેખ, તેમ--'

એકાએક ભગત કંઈ વિચારમાં પડી અટકી ગયા.

ભગતનું અધૂરું વાક્ય સંતે પૂરું કર્યું: 'તેમ તમારા ઘરનો કાયમનો દહાડિયો લવજી, તમારા ઘરનું જ મનેખ ને?'

ભગતને ગળામાં કંઈ ખટક્યું, તે બોલ્યા નહિ.

સંતે કહ્યું: 'ભગત, શ્રીજીમહારાજની આજ્ઞા તો જાણો છો, એ આજ્ઞા તમે શિર સાટે પાળો છો, પછી મારે તમને કંઈ કહેવાનું હોય નહિ.'

હવે ભગતને પોતાની ભૂલનું ભાન થયું. તેમણે ઉત્સાહમાં આવી બૂમ પાડી: 'અલ્યા એ લવજી! કોકડું વળી ત્યાં શું બેઠો છે? અહીં આવ, અને સંતજીને પગે પડ! મારા ઘરનું મનેખ થઈને હજી લગી તેં કંઠી કેમ નથી બાંધી?'

પછી સંતને કહે: 'મહારાજ, ત્રણ પેઢીથી આ અમારી જોડે રહે છે, એ અમારા ઘરનું મનેખ છે. જેવો મારો રામજી, તેવો મારો આ લવજી! બોલ અલ્યા, જે સ્વામિનારાયણ! જે સ્વામિનારાયણ!'

લવજીની આંખો નવા તેજે ચમકી. તેના ખોળિયામાં જાણે નવો જીવ આવ્યો.

તે ઉત્સાહથી બોલ્યો: 'જે સ્વામિનારાયણ! જે સ્વામિનારાયણ!'

સંતે કરસન ભગત અને લવજીના માથા પર એકેક હાથ મૂકી આશીર્વાદ આપ્યા!'