૧૦. પોતે પોતાનાં વખાણ કરવાં નહિ

એક વાર પરાગ સ્વામી હરિભક્તદાસજીની સાથે વાર્તાલાપમાં બેઠો હતો. તેવામાં હાથમાં રૂપાની છડીવાળા માણસે આવી જાહેર કર્યું કે મહામંડલેશ્વરજી પધારે છે!

અતિથિનો સત્કાર કરવા માટે સંતજી ઊભા થઈ બહાર આવ્યા ત્યારે સામે શણગારેલા હાથી પર રૂપાની અંબાડીમાં બિરાજમાન એવા મહામંડલેશ્વરની સવારી નિશાન ડંકા સાથે ચાલી આવતી હતી. તેમની ચારે બાજુ તેમના ચેલાઓ વિધવિધ ધજાપતાકાઓ ફરકાવતા તેમનો જયઘોષ કરતા હતા.

મહાવતે હાથીને નીચે બેસાડ્યો, સેવકોએ ચાંદીની નિસરણી ગોઠવી અને મહામંડલેશ્વર એ નિસરણી પર થઈને ધીરે ધીરે નીચે ઊતર્યા.

સંતે પ્રણામ કરી તેમનો સત્કાર કર્યો.

મહામંડલેશ્વર અંદર પધાર્યા. સંતે પોતાના આસન પર તેમને બિરાજવા વિનંતી કરી. મહામંડલેશ્વરના એક સેવકે એ આસન પર વ્યાઘ્રચર્મ પાથર્યું અને મહામંડલેશ્વર એની ઉપર બિરાજ્યા. તેમની બાજુમાં એક બીજા આસન પર સંત બેઠા.

મહામંડલેશ્વરના સેવકો આજુબાજુ ગોઠવાઈ ગયા. દરેકના હાથમાં ચાંદીએ મઢેલાં ત્રિશૂળ હતાં.

પરાગ એક ખૂણે સંકોચાઈને ઊભો.

પછી વાર્તાલાપ ચાલ્યો.

શરૂઆત મહામંડલેશ્વરે કરી. તેમણે કહ્યું: 'સાધુજી, તમને હોનહાર સમજી તમારા હિતનાં બે વેણ કહેવા હું આવ્યો છું. માત્ર આ માટે જ અમારું અહીં આગમન થયું છે, બાકી, આવી રીતે અમે અહીં આવીએ-જઈએ નહિ, તમને જ ત્યાં બોલાવીએ, પરંતુ લોકોને અમારી સવારીનાં દર્શનનો લાભ મળે અને તમારું કેવું મોટું સદભાગ્ય છે તેનો તેમને ખ્યાલ આવે એ હેતુથી અમે અહીં પધારવાનું પસંદ કર્યું છે.'

સંતે નમ્રભાવે કહ્યું: 'આપની ઘણી કૃપા!'

મહામંડલેશ્વરે કહ્યું: 'એ કૃપા પર બીજી વિશેષ કૃપા કરવા ધાર્યું છે. તમે આ વેદવિરુદ્ધ ધર્મ છોડી અમારા શરણે આવી જાઓ, અમારા ચેલા બની જાઓ! અમે તમને ત્રિશૂળાધિપતિ બનાવીશું.'

સંતને તો માથા પર જાણે કોઈએ કુહાડો માર્યો હોય એવી વેદના થઈ.

તે કંઈ બોલ્યા નહિ.

મહામંડલેશ્વરે કહ્યું: 'મેં સાંભળ્યું છે કે તમારામાં વકતૃત્વશક્તિ છે, પણ એ વકતૃત્વશક્તિની સાથે તમારામાં સમજશક્તિ છે કે નહિ તેની આ પરીક્ષા છે.'

સંત કંઈ બોલ્યા નહિ.

પોતાના શબ્દોની ધારી અસર થઈ છે એવું સમજી મહામંડલેશ્વર જોરમાં આવ્યા. તેમણે કહ્યું: 'તમારો સ્વામિનારાયણ ધર્મ એ સાચો ધર્મ નથી. તમે સ્વામિનારાયણી સાધુઓ સાચા સાધુઓ નથી. તમારો 'શિક્ષાપત્રી' ગ્રંથ મોં-માથા વિનાનો છે. તમે લોકો સ્ત્રી-પુરુષના ભેદ કરો છો. શાસ્ત્રમાં એવો ભેદ કરવાનું કહ્યું નથી. સ્ત્રી-પુરુષ બંનેને ભગવાને સરજ્યાં છે, બંનેને સંતોનાં દર્શન કરવાનો, તેમને પગે લાગવાનો અને તેમનો ઉપદેશ સાંભળવાનો સરખો અધિકાર છે. તમે તેમના એ અધિકારનો ઇનકાર કરી સ્વયં ભગવાનનું અપમાન કરો છો. કાંઈ સમજાય છે હું શું કહું છું તે? હું હિમાચલનો મહામંડલેશ્વર છું, કંઈ જે તે નથી! મારો શબ્દ પ્રમાણ છે.'

સેવકોએ ઉત્સાહમાં આવી મહામંડલેશ્વરની જે (જય) બોલાવી.

હવે સંત બોલ્યા. તેમણે કહ્યું: 'આપની કૃપા હું પ્રત્યક્ષ જોઉં છું. આપ મહામંડલેશ્વર છો તે પણ પ્રત્યક્ષ જોઉં છું. મને આપનો ચેલો બનાવવા તત્પર બનેલી આપની જે મહાકૃપા, તેને પણ હું પ્રત્યક્ષ જોઉં છું, પણ હું નમ્રભાવે કહું છું કે હું આપની એવી કૃપા-મહાકૃપાને લાયક નથી. હું એક સામાન્ય સાધુ છું અને શ્રીજીમહારાજનો શરણાપન્ન છું. શ્રીજીમહારાજે સ્ત્રી-પુરુષનો કંઈ ભેદ કર્યો નથી, પણ સ્ત્રી-પુરુષ સંબંધી મર્યાદા આંકી છે. સાધુઓ માટે તેમણે અષ્ટાંગ બ્રહ્મચર્યની આજ્ઞા કરી છે જે શાસ્ત્રવિહિત છે. એથી ઊલટું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. સંસાર નિર્મળ બને, સાધુસમાજ નિષ્કલંક રહે, સ્ત્રી અને પુરુષ પોતપોતાની મર્યાદામાં રહી પોતપોતાનાં નિહિત (ગોઠવાયેલા) કર્મ--ગૃહસ્થ ધર્મ, સાધુ ધર્મ વગેરેનું પાલન કરે એ શ્રીજીમહારાજની આજ્ઞા પાછળનો હેતુ છે. સાધુસંતો અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળે તેમાં ખોટું શું છે? તેમાં આપ મહામંડલેશ્વરને શાસ્ત્રવિરુદ્ધ શું દેખાય છે? અનાચાર અને દુરાચાર શાસ્ત્રવિરુદ્ધ છે, સદાચાર અને સંયમ કદી શાસ્ત્રવિરુદ્ધ હોઈ શકે નહિ. અમે તો સદાચાર અને સંયમના પુરસ્કર્તાઓ છીએ.'

મહામંડલેશ્વર દાંતો તળે હોઠ દાબી સાંભળી રહ્યા હતા; અધીરા બની અધવચ્ચે બોલી ઊઠ્યા: 'બહુ થયું! મોટાની આગળ આજ્ઞાંકિત બની રહેવું જોઈએ એટલું પણ તને ભાન નથી? તમારા લોકમાં આવા કુસંસ્કાર હોય તેમાં કંઈ નવાઈ નથી, પણ મારી કૃપા થતાં તારા એ બધા કુસંસ્કારો ધોવાઈ જશે. તારે સમજવું જોઈએ કે મહામંડલેશ્વરની સામે દલીલ કરવી એ અવિવેકની પરાકાષ્ઠા છે.'

બોલતાં બોલતાં તેમણે પોતાના ચેલાઓ સામે નજર કરી. તરત ચેલાઓ આગની જ્વાળાની પેઠે ભભૂકી ઊઠ્યા અને ત્રિશૂળ ઊંચાં કરી બોલી ઊઠ્યા: 'આજ્ઞા, ગુરુદેવ!'

મહામંડલેશ્વરે હસીને ઇશારો કરી તેમને શાંત કર્યા ને પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું: 'તારે જાણવું જોઈએ કે મહામંડલેશ્વરની કૃપા સાત જન્મોના પુણ્યે કરીને થાય છે, એ કૃપા સીધી શિર પર ઝીલી લેવી જોઈએ. બોલ, હવે તું શું કહે છે? મારે પગે પડ, મારું શરણ સ્વીકાર, હું હમણાં જ મંત્ર ભણી તને મોક્ષનો અધિકારી કરી દઈશ!'

સંત કંઈ બોલ્યા નહિ.

મહામંડલેશ્વરે કઠોર સ્વરે કહ્યું: 'તારા માટે મહામોક્ષની ચિઠ્ઠી લઈને આવ્યો છું. ઝટ કર!'

સેવકોએ ઉત્સાહમાં આવી મહામંડલેશ્વરની જે (જય) પોકારી.

તો યે સંત સળવળ્યા નહિ.

ત્યારે મહામંડલેશ્વરે ગર્જના કરી: 'બોલતો કેમ નથી?'

હવે સંતે કહ્યું: 'આપ અમારા અતિથિ છો. અતિથિ આગળ વિનયવિવેકથી વર્તવાની શ્રીજીમહારાજની આજ્ઞા છે.'

મહામંડલેશ્વરે કહ્યું: 'અમે કોઈના અતિથિ નથી. મહામંડલેશ્વર જ્યાં જાય ત્યાં સર્વાધીશની હેસિયતથી જાય છે. કશું જ એમની હકૂમત બહાર નથી.'

સંતે કહ્યું: 'તો કરો આજ્ઞા! આપના ભોજન-પાણીનો બંદોબસ્ત કરાવું. અહીં પ્રસાદ લઈને જ જજો!'

મહામંડલેશ્વર સમજી ગયા કે અહીં એમની દાળ ગળવાની નથી, એટલે એકદમ ઊભા થઈ બોલી ઊઠ્યા: 'મહામંડલેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો તું ઘોર નરકમાં પડવાનો છે.'

કહી તરત જ તેમણે પગ ઉપાડ્યો. તેમની પાછળ તેમની સેના ચાલી.

બહાર હાથી તૈયાર હતો. નિસરણી મુકાઈ ગઈ ને મહામંડલેશ્વર ચાંદીની અંબાડીમાં સવાર થઈ ગયા. સેવકોએ તેમની જે (જય) બોલાવી.

સંતે શ્રીજીમહારાજને યાદ કરી આ મોંઘા અતિથિને વિદાય આપી.

આખી ઘટનાએ પરાગના ચિત્ત પર ઘેરી અસર કરી હતી.

તેનાથી બોલાઈ ગયું: 'ઘમંડની મૂર્તિ!'

સંત તો જાણે કંઈ બન્યું નથી તેવા સ્વસ્થ હતા. એ ફરી પોતાના આસન પર બિરાજ્યા એટલે પરાગે કહ્યું: 'ગુરુદેવ, આજની ઘટના જોઈ મારું ચિત્ત વ્યગ્ર બની ગયું છે. મહામંડલેશ્વર તો મહાન સાધુઓના સાધુ કહેવાય, એમનામાં આવો અહંકાર! આવું માન-અભિમાન! સામા પક્ષની વાત સાંભળવાની જ નહિ અને પોતાનું કહેવું બધાએ કબૂલવું એવો આગ્રહ રાખવો? પોતે મન ફાવે તેમ બોલે-ચાલે એનું કંઈ નહિ, અને બીજા સદાચારે સંયમે વર્તે તેનો વિરોધ? ગુરુદેવ, તમે આવું કેમ સહી શક્યા એની મને નવાઈ લાગે છે!'

સંતે કહ્યું: 'ભાઈ, સાધુએ સહનશીલ થવું જ જોઈએ. માણસ માત્રનો એ ધર્મ છે-- સાધુનો વિશેષ છે.'

પરાગે કહ્યું: 'આપ જેમ વધારે નમ્ર થતા હતા તેમ એ વધારે ઉગ્ર થતા હતા અને આપને તુંકારે બોલાવતા હતા-- જાણે આપ એમના સેવક ન હો!'

સંતે હસીને કહ્યું: 'બીજાએ કેમ વર્તવું એ જોવાનું કામ મારું નથી, પણ મારે કેમ વર્તવું એ મારા હાથની વાત છે. શ્રીજીમહારાજે એ બાબતમાં પૂરેપૂરું માર્ગદર્શન આપેલું છે. લે, આ વાંચ!'

આમ કહી તેમણે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી પરાગની સામે ધર્યું ને કહ્યું: 'આ 69મો શ્લોક વાંચ.'

પરાગે મોટેથી વાંચ્યું:

અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી, તેમણે ગુરુ, રાજા, અતિ વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણ આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. (69)

વાંચ્યા પછી પરાગે કહ્યું: 'સ્વામી, શબ્દે શબ્દે એ પોતાનો મહિમા કહેતા હતા એ મને ન ગમ્યું.'

સંતે તરત જ 'શિક્ષાપત્રી' ઉઘાડી કહ્યું: 'આ 37મો શ્લોક વાંચ.'

પરાગે વાંચ્યું:

પોતાના મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં! (37)

સંતે કહ્યું: 'દીવા જેવી વાત છે આ! પણ માણસ જ્યારે સત્તાધીશ બને છે, ધનાધીશ બને છે, યશાધીશ બને છે ત્યારે તે અત્યંત સાવધ ન રહે તો આ વાત ભૂલી જતો હોય છે. માણસની પાસે ધન ન હોય, સત્તા ન હોય અને બીજું કંઈ બળ ન હોય ત્યારે તે ખૂબ નમ્ર હોય છે, પણ પછી હાથમાં ધન, સત્તા કે પ્રશંસાનું બળ આવતાં એનો કસોટીકાળ શરૂ થાય છે. એ વખતે જો એ વિનમ્ર રહે તો એ તરી જાય છે, નહિ તો સ્વચ્છંદી બની જાય છે, સુબુદ્ધિ ખોઈ બેસી કુબુદ્ધિવાળો બની જાય છે અને વિનાશની ખાઈમાં જઈ પડે છે. શ્રીજીમહારાજે 'શિક્ષાપત્રી'ના નવમા શ્લોકમાં આ કહ્યું છે. લે વાંચ!'

પરાગે વાંચ્યું:

સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે તો કુબુદ્ધિવાળો છે અને તે આ લોક તથા પરલોકને વિષે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. (9)

તે પછી સંતે કહ્યું: પોતાના મનમાં આવે તેમ વર્તવું એ કોઈના પણ માટે હિતાવહ નથી-- પછી તે ગૃહસ્થ હોય કે સાધુ હોય, નાનો સાધુ હોય કે મોટો મહામંડલેશ્વર હોય. આપણા સંપ્રદાયમાં આનાં ઘણાં ઉદાહરણો છે.'

પરાગે કહ્યું: 'કૃપા કરીને એકાદ-બે કહો.'

સંતે કહ્યું: 'શ્રીજીમહારાજ તે વખતે માત્ર ઓગણીસ વર્ષના હતા અને તાજા જ શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય થયા હતા, છતાં તેમની દિવ્ય પ્રતિભાને પામી જઈ રામાનંદ સ્વામીએ પોતાની ગાદી પર આચાર્ય તરીકે તેમની પસંદગી કરી, ત્યારે કેટલાકને તે ગમ્યું નહોતું. તેમાં એક હતા સાધુ રઘુનાથદાસ અને બીજી હતી બે બાઈઓ-- હરબાઈ અને વાલબાઈ. આ બાઈઓ ઉંમરમાં ઘણી મોટી હતી અને પ્રવચનો પણ કરતી, તેથી બધા એમને આદર-માન આપતા હતા, પણ તેથી તો એમનું અભિમાન ખૂબ વધી ગયું હતું.

એક વાર શ્રીજીમહારાજ એક ગામમાં સભા ભરીને બેઠા હતા, ત્યાં આ બાઈઓ પોતાની ભાઈઓ-બાઈઓની મંડળી લઈને આવી અને સીધી જ ગાદી-તકિયા પર ચડી બેઠી. આથી આપણા સાધુઓ ઊઠીને ચાલી ગયા.

શ્રીજીમહારાજે આ બાઈઓને કહ્યું કે તમારી આ રીતભાત બરાબર નથી. તમારે સત્સંગના નિયમમાં રહેવું જોઈએ.

બાઈઓએ કહ્યું: 'તમે આજકાલના અમને શું શિખવનારા? અમે તો પરમહંસ છીએ; તમારો સ્ત્રી-પુરુષનો નિયમ અમને લાગુ પડતો નથી.'

શ્રીજીમહારાજે અનેક પ્રકારે સમજાવવા છતાં બાઈઓએ માન્યું નહિ, ત્યારે શ્રીજીએ તેમને સત્સંગમાંથી વિમુખ કરી.

વિમુખ એટલે બહિષ્કૃત.

બાઈઓએ ગુસ્સે થઈ કહ્યું: 'અમે નવો સંપ્રદાય ચાલુ કરીશું.'

તેમણે એવો પ્રયત્ન કર્યો પણ ખરો, પણ તેમનું કંઈ વળ્યું નહિ.

તેઓ સત્સંગમાંથી ભૂંસાઈ ગઈ. તેમનો આ લોક અને પરલોક બેઉ બગડ્યા.

રઘુનાથદાસની પણ એવી જ હાલત થઈ. એમણે તો વળી એવું ડિંડવાણું ચલાવેલું કે રામાનંદ સ્વામી એમનું બધું તેજ મારામાં મૂકી ગયા છે અને હું જ ગુરુ છું. શ્રીજીમહારાજે તેને વશમાં રહેવાનું કહ્યું ત્યારે એ કહે કે તમે મારા વશમાં રહો!

પરિણામ એ આવ્યું કે શ્રીજીએ એને વિમુખ કર્યો અને એ ક્યાંયનો ન રહ્યો-- ન આ લોકનો, ન પરલોકનો!

અહંકાર, આત્મપ્રશંસા આવી બૂરી ચીજ છે.'