૧૩. અનીહ
અનીહનો શબ્દકોષ પ્રમાણે એક અર્થ તૃષ્ણા - આકાંક્ષા વગરના એવો પણ થાય છે. અહીં અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ અનીહનો અર્થ શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધની હોય એવી અયોગ્ય ક્રિયા નહિ કરનારા એવો કર્યો છે.
પૂર્ણ સંત પોતે પૂર્ણકામ હોવાથી તેમને કોઈ પણ પ્રકારની ભૌતિક પ્રાપ્તિની તૃષ્ણા કે આકાંક્ષા હોતી જ નથી. આ લોકના કોઈ સુખ, સમૃદ્ધિ, વૈભવ કે યશ, કીર્તિ, પ્રસિદ્ધિ મેળવવી, કોઈ સત્તા કે અધિકાર મેળવવો, કોઈની પાસેથી માન - સન્માન મેળવવાં આવી કોઈ જ પ્રકારની આકાંક્ષા કે તૃષ્ણા તેમને હોતી નથી. પ્રભુપ્રાપ્તિની તેમની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાથી તેમની અન્ય કોઈ આકાંક્ષાની કે સિદ્ધિની ચાહના નિર્મૂળ થયેલી હોય છે.
સાધનકાળમાં રહેલા સંતને પણ જો પ્રભુપ્રાપ્તિ સિવાયની અન્ય કોઈ તૃષ્ણા કે આકાંક્ષા રહે તો પ્રભુની પ્રાપ્તિ શક્ય ન બને. બાપાશ્રીએ કરેલ અર્થ મુજબ શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધની કોઈ ક્રિયા ન કરે એટલે આપોઆપ જ તૃષ્ણાઓનો સંકોચ થતો જાય અને તૃષ્ણા ઉપર સંયમ આવી જવાથી પ્રભુ સિવાયની બીજી આકાંક્ષા નિર્મૂળ થઈ જાય અને અનીહનું લક્ષણ સિદ્ધ થઈ જાય.
અનાદિમુક્ત પૂ. નારાયણભાઈએ એટલી સરળ વ્યાખ્યા કરી છે કે કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં વિચારવું કે આ ક્રિયા પ્રભુને ગમશે ? જો અંતરમાં તેની ‘હા’ પડે તો તે ક્રિયા કરવી ને અંતરમાં ‘ના’ આવે તો તે ક્રિયા ન કરવી. દરેકના અંતરમાં એટલી તો ખબર પડે જ છે કે એ ક્રિયા પ્રભુને ગમે તેવી છે કે નહિ.
શ્રીહરિએ શિક્ષાપત્રીમાં દરેક મનુષ્યે કેવી રીતે જીવન જીવવું તેની આજ્ઞાઓ કરેલી જ છે. પછી તે સાધુ હોય, ગૃહસ્થ હોય, બ્રહ્મચારી હોય, આચાર્ય હોય, રાજા હોય, સધવા-વિધવા સ્ત્રી હોય ગમે તે હોય બધા માટે સદાચારમય જીવન કેવી રીતે જીવવું તેના આદેશો આપેલા જ છે. એ આજ્ઞા પ્રમાણે બધા જીવન જીવે તો કોઈ જ દુઃખ ન આવે અને સુખે જીવન વ્યતિત થાય. યથાર્થ રીતે વ્યક્તિ પ્રભુની આજ્ઞાઓનું પાલન કરે તો પ્રભુ તેનું કાળ, કર્મ ને માયા એ બધા થકી રક્ષણ કરે છે. એવું એનું બિરુદ છે અને એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો દુઃખ આવે ને તેનું કર્મફળ ભોગવવું પડે એવું પોતે જ કહે છે. સિદ્ધ મુક્તપુરુષો પણ પૃથ્વી ઉપર મનુષ્યરૂપે આવે ત્યારે શ્રીહરિની પંચ વર્તમાનરૂપ આજ્ઞાનું યથાર્થ પાલન કરે છે. તેમને કોઈ કર્મબંધન થવાની સંભાવના ન હોવા છતાં પણ તેઓ ક્યારેય પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. પોતે સાધક ભક્તને શિખવવા માટે પ્રભુની આજ્ઞાનું યથાર્થપણે પાલન કરતા હોય છે. શ્રીહરિની આજ્ઞાઓનું પાલન તો આધ્યાત્મિક જીવનનો પાયો છે. તેના વગર ચૈતન્યના ઊર્ધ્વીકરણરૂપ ઇમારત શક્ય જ નથી બનતી.
પૂર્ણસત્પુરુષના જીવનનું બારીકાઈથી અવલોકન કરવામાં આવે તો આપણને ચોક્કસ જણાય છે કે તેઓ હંમેશાં પ્રભુની આજ્ઞાનું પાલન કરતા જ હોય છે, કારણ કે દરેક ક્રિયા પાછળ પ્રભુની શી મરજી છે તે પણ તેઓ પ્રભુકૃપાથી યથાર્થપણે જાણતા જ હોય છે, એટલે તેમને માટે પ્રભુની આજ્ઞા વિરુદ્ધની અયોગ્ય ક્રિયા થવી શક્ય જ નથી. કોઈક જીવને અજ્ઞાનવશ સત્પુરુષની કોઈ ક્રિયામાં ઉપલકિયા દૃષ્ટિએ અયોગ્યપણું જણાય, પણ જો સૂક્ષ્મદૃષ્ટિથી વિચારે તો તેને ખબર પડે છે કે તે ક્રિયા યોગ્ય જ હતી. હા, સાધનકાળમાં રહેલા સંતને પ્રભુ સાથે ઐક્ય સધાયું ન હોય ત્યાં સુધી તેમની ક્રિયા યોગ્ય ન હોય તેવો પૂરો સંભવ છે, પરંતુ સિદ્ધપુરુષમાં તો સ્વયં પરમાત્માનું કર્તાપણું હોવાથી અયોગ્ય ક્રિયા સંભવતી જ નથી. તેથી જ શ્રીહરિ શિક્ષાપત્રી શ્લો. ૭૪માં જણાવે છે :-
पुर्वैर्महद्भिरपि यद धर्मा चरण क्वचित् |
कृतं स्यात्तत्तु न ग्राह्यं ग्राह्यो धर्मस्तु तत्कृतः || ७४ ||
‘પૂર્વે થયા જે મોટા પુરુષ, તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો, તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું.’ કારણ કે ઉચ્ચ સાધનદશાવાળાને પણ મોટા પુરુષ ગણી શકાય. સિદ્ધમુક્તપુરુષ તો મોટા પુરુષ છે જ એ નિઃશંક બાબત છે, પણ સાધનદશામાં ઉચ્ચ સ્થિતિવાળાને પણ મોટા પુરુષ કહી શકાય. એવા મોટા પુરુષ ક્યારેક પ્રકૃતિવશ થઈ અધર્માચરણ કરી બેસે એવી પૂર્ણ સંભાવના છે. એ માટે શ્રીહરિએ એવી આજ્ઞા કરી છે. સાધનકાળમાં રહેલા સંત જો પૂર્ણ સ્થિતિવાળા સંતના જોગ-સમાગમમાં રહે ને તેમની અનુવૃત્તિમાં રહી પ્રભુપરાયણ જીવન જીવે તો ધીમે ધીમે તેમને પણ અનીહનું લક્ષણ સિદ્ધ થતું જાય. પછી પૂર્ણ સ્થિતિ થયા બાદ તો પ્રભુના કલ્યાણકારી ગુણો આવે તેમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી.