૩૦. ભક્તતમ

સત્તમ લક્ષણમાં ઉત્તમ સંતની વાત આવી અને અહીં ભક્તતમમાં અતિ ઉત્તમ લક્ષણવાળા સંતની વાત છે. આમાં મુક્તસ્થિતિની પરાકાષ્ઠારૂપ આત્યંતિક સ્થિતિની વાત છે. શ્રીહરિએ વચનામૃત સા. ૧૧માં કહ્યું છે તેમ શ્રદ્ધા, વૈરાગ્ય, અહિંસાધર્મ, બ્રહ્મચર્ય ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન સિદ્ધ કરે ત્યારે આત્મસત્તાને પામે અને એવા પાત્રની ઉપર જ પરમાત્માની કૃપા થાય છે. ને તે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન અને ઉપાસના દ્વારા આત્મા-પરમાત્માના સાક્ષાત્કારની સ્થિતિને સત્પુરુષની કૃપા દ્વારા પામે છે. પછી પ્રભુ તેને પોતાનું પરમસાધર્મ્ય પમાડે છે એટલે તે પ્રભુરૂપ, પુરુષોત્તમરૂપ બને છે. પ્રભુ પ્રત્યેના અતિ પ્રેમને લીધે તે મુક્તને પ્રભુ સાથે પ્રેમાદ્વૈત સધાય છે એટલે લક્ષ્મીજીની જેમ પ્રભુના સ્વરૂપમાં રસબસ લીન રહી પ્રભુ સંબંધી દિવ્ય સુખની અખંડ અનુભૂતિ કરે છે. આ સ્થિતિને સ. ગુ. અ. મુ. ગોપાળાનંદ સ્વામી કૈવલ્યમુક્તની સ્થિતિ કહે છે અને અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી અનાદિમુક્તની સ્થિતિ કહે છે. નિષ્કામભાવે નવધા ભક્તિ કરતાં કરતાં પ્રેમલક્ષણા ભક્તિ આવે છે ત્યારે પ્રભુના સ્વરૂપમાં પરાપ્રેમ, પરાભક્તિ પ્રગટે છે. પછી પ્રભુના સ્વરૂપ સાથે અતિ દિવ્ય પ્રેમને લઈને પ્રેમાદ્વૈત સધાતા મુક્તનો અહં સંપૂર્ણપણે પ્રભુના સ્વરૂપમાં વિલીન થવાથી પ્રભુ સાથે સંપૂર્ણ ઐક્ય સધાય છે. હું છું ને પ્રભુ છે એવો દ્વૈતભાવ ન રહેતાં એક પ્રભુ જ છે ને હું તો એ પ્રભુરૂપ દાસ છું ને પ્રભુમાં લીન છું એમ અનુભવાય છે. શ્રીહરિ સાથે પરમસાધર્મ્યપણું એટલે એ મુક્તને પ્રભુ સાથે રૂપ, ગુણ, ઐશ્વર્ય, સામર્થ્ય વગેરેમાં તુલ્યપણું આવે છે. એટલે જેમ ભગવાન સ્વતંત્ર છે, તેમ અનાદિમુક્ત પણ સ્વતંત્ર થાય છે, પરંતુ કેવળ ભગવાનને જ આધિન રહે છે. જેમ ભગવાન ચાહે તે કરવા સમર્થ છે, તેમ તે મુક્ત પણ ચાહે તે કરવા સમર્થ થાય છે, પરંતુ સુખદાતાપણું, સ્વામીપણું ને નિયંતાપણું તે એક પરમાત્માનું જ રહે છે. અનાદિમુક્ત પુરુષોત્તમરૂપ હોવા છતાં પ્રભુ સાથે સ્વામી - સેવકભાવ, સુખદાતા - સુખભોક્તાભાવ અને નિયામક - નિયામ્યભાવ નિત્ય રહે છે. અનાદિમુક્ત અનેક છે, અનેક થાય છે ને અનેક થશે, પણ તે બધાના સ્વામી એક શ્રીજીમહારાજ જ રહે છે. સેવક - દાસ કદી સ્વામી થઈ શકતા નથી. સેવક સ્વામીની પદવીને કદી ઇચ્છતા પણ નથી.

શ્રીહરિ પણ કહે છે કે એવા મુક્તને પણ અનુભવાય છે કે જેટલું સામર્થ્ય, જેટલો પ્રકાશ, જેટલું ઐશ્વર્ય, જ્ઞાન વગેરે મેં પરમાત્માનું ધાર્યું હતું એટલું તો મને પણ મળ્યું છે, પરંતુ મારા ઇષ્ટદેવ શ્રીજીમહારાજનું સામર્થ્ય, જ્ઞાન, ઐશ્વર્ય, પ્રતાપ, પ્રકાશ એ બધું અનંત અપાર છે. એ જે અપારપણું છે એને લીધે સ્વામી - સેવકભાવ અતિ દૃઢ થતો જાય છે. અનાદિમુક્ત પૂ. નારાયણભાઈ પણ કહેતા કે અનાદિમુક્ત એ પ્રભુના સૌથી મોટા દાસ છે, કારણ કે પ્રભુના દિવ્યસ્વરૂપ સંબંધી સુખ લેવાની તેમની સર્વોત્તમ ગતિ હોવાથી તેમને સુખનું અપારપણું પણ વિશેષ અનુભવાય છે, એટલે દાસભાવ પણ વિશેષ દૃઢ થાય છે.

આવી અનાદિમુક્તની આત્યંતિક સ્થિતિ પણ એ સ્થિતિને જેમણે પ્રાપ્ત કરી છે એવા અનાદિમુક્ત સત્પુરુષ થકી જ બીજા પાત્ર મુમુક્ષુથી પમાય છે, પણ એ સિવાય બીજો ટૂંકો માર્ગ નથી. સ્વયં પ્રભુ જ પોતાના સિદ્ધ અનાદિમુક્તને માધ્યમ બનાવી જીવોને પાત્ર કરી તેમની ઉપર કૃપા કરી આવી ભક્તતમની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. ભક્તતમ લક્ષણમાં કહેલી સ્થિતિ એ જ પરમપદ ને આત્યંતિક મોક્ષની સ્થિતિ છે. એથી આગળ દાસની કોઈ સ્થિતિ જ નથી. એથી પર એક સ્વયં પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ છે, જે ચૈતન્યભૂમિકામાં સર્વોચ્ચ સ્થાને છે.

શ્રીજીમહારાજ સદાય દિવ્ય સાકાર ઘનતેજનું સ્વરૂપ છે. તે નરાકૃતિ - સાકાર છે. ભૌતિક પરમાણુના ગુણધર્મોથી સંપૂર્ણપણે વિલક્ષણ છે. વ્યતિરેક નિત્યસિદ્ધ દિવ્ય સ્વરૂપે પોતાના તેજરૂપ અક્ષરધામમાં સદાય બિરાજે છે. પોતાની તેજરૂપ અન્વય શક્તિ દ્વારા ઐશ્વર્યાર્થીઓ પાસે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ - સ્થિતિ - પ્રલય વગેરે કરાવે છે. પ્રભુના તેજને જ બ્રહ્મ, અક્ષરધામ, ચિદાકાશ, કાન્તિ, શક્તિ, આત્મા, અન્વય સ્વરૂપ, સચ્ચિદાનંદ વગેરે વિશેષણોથી સંબોધવામાં આવે છે. આ શક્તિ જ પાત્રતાની તારતમ્ય પ્રમાણે જીવકોટિ, માયાકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ એ સર્વેમાં રહે છે ને સર્વ દ્વારા કાર્ય કરે છે

શ્રીજીમહારાજ સદાય દિવ્ય સાકાર ઘનતેજનું સ્વરૂપ છે. તે નરાકૃતિ - સાકાર છે. ભૌતિક પરમાણુના ગુણધર્મોથી સંપૂર્ણપણે વિલક્ષણ છે. વ્યતિરેક નિત્યસિદ્ધ દિવ્ય સ્વરૂપે પોતાના તેજરૂપ અક્ષરધામમાં સદાય બિરાજે છે. પોતાની તેજરૂપ અન્વય શક્તિ દ્વારા ઐશ્વર્યાર્થીઓ પાસે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ - સ્થિતિ - પ્રલય વગેરે કરાવે છે. પ્રભુના તેજને જ બ્રહ્મ, અક્ષરધામ, ચિદાકાશ, કાન્તિ, શક્તિ, આત્મા, અન્વય સ્વરૂપ, સચ્ચિદાનંદ વગેરે વિશેષણોથી સંબોધવામાં આવે છે. આ શક્તિ જ પાત્રતાની તારતમ્ય પ્રમાણે જીવકોટિ, માયાકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ એ સર્વેમાં રહે છે ને સર્વ દ્વારા કાર્ય કરે છે તથા તેમને ઐશ્વર્યસુખ આપે છે. સર્વેનું નિયમન પરમાત્મા આ પોતાની અન્વયશક્તિ દ્વારા જ કરે છે. પરમાત્મા પોતે પરાત્પર, સર્વકારણના કારણ, સર્વતંત્ર સ્વતંત્ર, સ્વરાટ, સ્વપ્રકાશમાન, સર્વશક્તિમાન, સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વાંતર્યામી છે. જીવકોટિથી લઈ મૂળઅક્ષરકોટિ તેથી પર મુક્તકોટિ પર્યંત સર્વેના સ્વામી, આધાર, નિયંતા, કારણ, કર્તા, ધર્તા, ધારક, પ્રેરક, પ્રકાશક, સુખ, સામર્થ્ય, ઐશ્વર્યપ્રદાતા છે. કર્તા, અકર્તા ને અન્યથા કર્તા છે. સર્વમાં અન્વય થકા વ્યતિરેક અને વ્યતિરેક થકા અન્વયપણે સર્વત્ર વ્યાપક છે. સર્વેના શરીરી, આત્મા, સાક્ષી, ક્ષેત્રજ્ઞ ને દૃષ્ટા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે. એના જેવા એ એક જ છે. અનંત ઐશ્વર્યાવેશ અવતારો જેવા કે રામકૃષ્ણ આદિ તથા અનંત મુક્ત અવતારોના કારણ, આધાર ને સ્વામી એ સ્વયં પ્રભુ જ છે. રૂપ, ગુણ, લાવણ્ય, માધુર્ય, સૌંદર્ય, સામર્થ્ય, સૌશિલ્ય, ઐશ્વર્ય, વાત્સલ્ય આદિ અનંત કલ્યાણકારી લક્ષણો ને ગુણોનાં કારણ, સર્વસુખમય મૂર્તિ એ એક પ્રભુ જ છે.

આવો પરમાત્મા શ્રીજીમહારાજનો મહિમા સત્પુરુષ પાસેથી જાણીને એક પરમાત્માના સ્વરૂપમાં જ ધ્યાન - ભજન - ઉપાસના દ્વારા લક્ષાર્થે કરીને જોડાય ત્યારે પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર થવાની પાત્રતા આવે છે ને પછી સત્પુરુષ તેની ઉપર કૃપા કરે ત્યારે આવી ભક્તતમની સ્થિતિ પ્રાપ્ત થાય છે.