૨૯. સત્તમ

સત્તમ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ.

શ્રીહરિ શિક્ષાપત્રી શ્લો. ૧૧૬માં કહે છે :-

निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् |

विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा || ११६ ||

‘‘અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ - એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી.’’

જીવાત્મા મૂળમાયાના અજ્ઞાન - અવિદ્યાનાં આવરણોને લઈને, રાગ-દ્વેષનાં આવરણોને લઈને પોતે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તો પણ પોતાને દેહરૂપે માનીને કર્મોના ફળરૂપે સુખ-દુઃખની અનુભૂતિ કર્યા કરે છે. દેહાભિમાનને લઈને ભૌતિક પંચવિષયમાં લેશ માત્ર સુખ નથી, પણ સુખાભાસથી આકર્ષાઈને ભોગની વાસનાથી બંધાયેલો રહે છે. તેથી જન્મ - મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી.

કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, મોહ વગેરે બધા જ દોષો દેહાભિમાનરૂપ દોષમાં રહેલા છે. દેહને વિશે અહંબુદ્ધિ ને દેહના સંબંધી સગાં-સ્નેહીઓ ને ભૌતિક દ્રવ્યાદિ પદાર્થોને વિશે મમત્વબુદ્ધિ એ દેહાભિમાનને દૃઢ કરાવ્યા કરે છે. રાગ અને દ્વેષ પણ સૂક્ષ્મ અહંકાર સાથે જોડાયેલા છે. તે અહંકારને લઈને જીવાત્મા પોતાને કર્તા-ભોક્તા માનીને વિષય સંબંધી સુખ-દુઃખનો અનુભવ કર્યા કરે છે. દેહાત્મબુદ્ધિને લઈને તે જે કંઈ કર્મ કરે છે તેમાં કર્તુવૃત્તિને, અહંકારને લઈને અનંત પ્રકારના સંસ્કારોરૂપે કર્મબંધન પામી તેના ફળને ભોગવે છે.

જ્યાં સુધી દેહાભિમાનરૂપ દોષ છે, ત્યાં સુધી તેને આશરે રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માન આદિ દોષો દૂર થઈ શકતા નથી. પંચવિષય સંબંધી અનેક પ્રકારની વાસનાઓ તથા રાગ-દ્વેષ નિર્મૂળ થઈ શકતા નથી. દેહાભિમાનને લઈને નિષ્કામભાવ ઉત્પન્ન થતો નથી, તેથી પ્રભુપ્રસન્નતાનાં સાધનો જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધ્યાન-ભજન વગેરેમાં પણ માન આવે છે. જેમ કે મારા જેવો જ્ઞાની, ધ્યાની, વિદ્વાન, ત્યાગી ભક્ત બીજો કોઈ નથી. મારા જેવી ભક્તિ કોઈને આવડતી નથી. મારા જેવો વૈરાગ્ય બીજામાં નથી - વગેરે અનેક પ્રકારનું અભિમાન આવવાથી આધ્યાત્મિક ઊર્ધ્વગતિ અવરોધાય છે.

અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ કરેલી સત્તમની વ્યાખ્યા પ્રમાણે જે સંતે સત્તમનું લક્ષણ સિદ્ધ કર્યું હોય એવા સંતનો જોગ - સમાગમ - સેવા દ્વારા તેમની પાસેથી સાંખ્યજ્ઞાને કરીને આત્મનિષ્ઠા કેવી રીતે દૃઢ કરવી તે શીખે અને સર્વધર્મના ફળનો ત્યાગ કરી, સર્વ કર્મોનું ફળ પ્રભુને અર્પણ કરી કેવળ પ્રભુપ્રસન્નતા માટે જ કર્મો ને પ્રભુપ્રસન્નતાનાં સાધન કરે તો જ સાધકમાં પણ સત્તમનું લક્ષણ આવે.

શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કહ્યું છે તેમ પોતાના આત્માને ત્રણ દેહ જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ તથા મૂળઅક્ષર પર્યંતના ઐશ્વર્યસુખના રાગરૂપ મહાકારણથી પર, જાગૃત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓથી પર, દશ ઇંદ્રિયો ચાર અંતઃકરણ તેના ગોલક દેવતા, એ બધાથી પર, દશ પ્રાણ, પંચવિષય, પંચતન્માત્રા, પંચકોષ, પંચભૂત તથા કાળ, કર્મ ને માયાથી હું પર છું એવી રીતે સાંખ્યજ્ઞાને કરીને આત્મનિષ્ઠાની અતિ દૃઢતા કર્યા પછી પ્રભુના દિવ્યતેજરૂપ અક્ષરબ્રહ્મ સાથે પોતાના આત્માની એકતા કરીને પ્રભુના સ્વરૂપમાં ધ્યાન - ભજનથી જોડાવાનો નિદિધ્યાસ કર્યા કરવો. અર્થાત્‌ સદાય દિવ્ય સાકાર એવા પ્રભુના વ્યતિરેક દિવ્યસ્વરૂપમાંથી નીકળતો શીતળ, શાંત, શ્વેત ને ઘન એવો દિવ્ય તેજનો સમૂહ જેને ચિદાકાશ, બ્રહ્મ, અક્ષરબ્રહ્મ, આત્મા, અક્ષરધામ, બ્રહ્મપુર, કાંતિ, શક્તિ વગેરે વિશેષણોથી સંબોધવામાં આવે છે, જે પ્રભુનું અન્વય સ્વરૂપ છે તેની સાથે પોતાના આત્માની એકતા માનીને પ્રભુના સ્વરૂપનું ધ્યાન - ઉપાસના કરવાથી જ વાસ્તવિક રીતે આત્મનિષ્ઠાની દૃઢતા થાય છે. આવી આત્મનિષ્ઠાની દૃઢતા થવાથી, પરમાત્માની ને સત્પુરુષની કૃપા થવાથી આત્મામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય ત્યારે સિદ્ધમુક્તદશા આવે છે ને સત્તમનું લક્ષણ સિદ્ધ થઈ જાય છે.

શ્રીહરિ વચનામૃત અમ. ૨માં કહે છે :-

‘‘જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે છે તે જ ભક્ત શ્રેષ્ઠ છે.’’

‘‘આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી, અને એ જો કોઈ કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે, તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે, પણ કાળ, કર્મ ને માયા તેને આધિન થકો દેહને નથી ધરતો, માટે બ્રહ્મરૂપ થઈને પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે.’’

આ રીતે બ્રહ્મરૂપ થઈ નિષ્કામભાવે પ્રભુને ભજે તે જ સત્તમ લક્ષણે યુક્ત સંત છે.