૧. કૃપાળુ
સંતનાં બત્રીસ લક્ષણોમાંનો આ પ્રથમ ગુણ છે. પરમ કૃપાળુ અબજીબાપાશ્રીએ ‘વચ. રહ. પ્રદીપિકા’માં કૃપાળુનો અર્થ પરદુઃખને સહન નહિ કરનારા એવો કર્યો છે. આ સંસાર જગતમાં આધિ-વ્યાધિ-ઉપાધિથી પીડિત વ્યક્તિને દુઃખી ગણવામાં આવે છે. અ. મુ. સ. ગુ. પ્રેમાનંદ સ્વામીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ માટે ગાયું છે કે -
‘કોઈને દુઃખિયો રે, દેખી ન ખમાય;
દયા આણી રે, અતિ આકળા થાય.
અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે;
કરુણાદૃષ્ટિએ રે દેખી વાન જ વાળે.’
એમ ભક્તનું કોઈ પણ પ્રકારનું દુઃખ પરદુઃખભંજન એવા પરમાત્મા દેખી નથી શકતા. એમને દીન-દુઃખી ઉપર તરત જ કરુણા ઊપજે છે અને ભક્તની આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપમાં રક્ષા તેમ જ સહાય કરે છે.
કૃપાનો સામાન્ય અર્થ આપણે દયા એવો કરતા હોઈએ છીએ, પરંતુ કૃપાનો અર્થ ઘણો વિશદ્ છે. દયાપાત્ર અર્થાત્ દયાને પાત્ર હોવું. કોઈ ધનવાન વ્યક્તિ ગરીબને લાચાર-દુઃખિયો જાણી તેની ઉપર દયા લાવી તેને થોડી આર્થિક મદદ કરે તે દયા છે. તેમાં દયા યાચકની લાચારી અને તેની ઉપર દયા કરનારની ‘મેં કંઈક આપ્યું’ એવી દાતા બનવાની સૂક્ષ્મ અહંકારવૃત્તિ ભળેલી હોય છે. આ પ્રકારના વ્યવહારમાં દયા મેળવનારની યોગ્યતા જોવામાં આવતી નથી, તેની લાચારી જોવામાં આવે છે, જ્યારે કૃપા મેળવવા માટે યોગ્યતા-પાત્રતા હોવી આવશ્યક છે. વ્યક્તિમાં કૃપા ઝીલવાની પાત્રતા આવે એટલે સત્પુરુષનો કૃપાપ્રસાદ વણમાગ્યો મળી રહે છે, તેને માટે વ્યક્તિએ માગણી કરવી પડતી નથી. દયા મેળવવા માટે વ્યક્તિએ ભટકવું પડતું હોય છે. દયા એટલે mercy અને કૃપા એટલે grace આટલો મોટો તફાવત છે. There is vast difference between mercy and grace.
સાચા સંત એવા દયાળુ હોય છે કે કોઈક સેવા કરે એના ઉપર જ દયા કરે અને સેવા ન કરે એના ઉપર દયા ન કરે એવું નથી. તેમને તો સર્વ જીવો ઉપર સહેજે જ કરુણાભાવ નિપજે છે. તેમને કોઈ સ્વાર્થી હેતુ સાધવાનો છે જ નહિ. પરમાત્માનો જે સર્વજીવ ઉપર નિષ્કારણ કરુણા વરસાવવાનો ભાવ છે એવો જ ભાવ સંતમાં પણ હોય છે. એટલા માટે જ પરમાત્મા તથા સંતને સર્વજીવહિતાવહ કહેવામાં આવે છે.
કૃપાળુ એ પરમાત્માનો દિવ્ય ગુણ છે. પરમાત્માની પ્રાપ્તિ કરેલા સત્પુરુષમાં જ એ ગુણ પૂર્ણરૂપે આત્મસાત્ થયેલો હોય છે. કૃપા એટલે અનુગ્રહાશક્તિ, એ દિવ્યશક્તિ છે. સત્પુરુષના માધ્યમ દ્વારા પરમાત્મા જ એ શક્તિનું પાત્ર થયેલા સાધક ઉપર અવતરણ કરે છે. સંતના યોગમાં કે દૃષ્ટિમાં આવનાર જીવોના અનંત જન્મોનાં કર્મબંધન દૂર થઈ તેમાં આત્યંતિક કલ્યાણનું બીજ રોપાઈ બીજબળ થાય છે, એ પણ સંતકૃપાથી શક્ય બને છે. જે મુમુક્ષુ સાધક પ્રભુપ્રાપ્તિ માટેના, પ્રભુપ્રસન્નતાના સાધન દ્વારા પાત્રતા કેળવે છે અને એની ઉપર સંતની અનુગ્રહાશક્તિ ઊતરે છે અને સાધક તેનો કૃપાસ્પર્શ પામે છે એ વિશિષ્ટ પ્રકારની હોય છે. એ કૃપાશક્તિ દ્વારા ચૈતન્યની ઊર્ધ્વગતિ થઈ બધા જ પ્રકારનાં કર્મબંધનો તથા મૂળઅજ્ઞાન - અવિદ્યાનાં આવરણો, બાધિતાનુવૃત્તિનાં આવરણો સંપૂર્ણપણે દૂર થઈ સાધકચૈતન્યમાં આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. પછી એ સાધક પણ સિદ્ધ, મુક્ત, પૂર્ણ સંત બની જાય છે. જેમ જ્યોતથી જ્યોત જલે, એમ સંતની અનુગ્રહાશક્તિ દ્વારા સાધક પણ એવો અનુગ્રહ કરનાર સંત જેવો સંત બની જાય છે. જેમ પારસથી પારસ બને એમ. આ જ કૃપાળુનું પરાકાષ્ઠારૂપ સર્વોચ્ચ લક્ષણ છે. પૂર્ણ મુક્તને માધ્યમ બનાવી પરમાત્મા જ પાત્ર સાધક ઉપર સ્પર્શ દ્વારા, દૃષ્ટિ દ્વારા, વાણી દ્વારા અથવા કેવળ સંકલ્પ દ્વારા પણ કૃપા ઉતારે છે.
સાંસારિક દુઃખો એ જ માત્ર દુઃખ નથી, પરંતુ મુમુક્ષુ સાધકને આધ્યાત્મિક સાધનામાં નડતા લય-વિક્ષેપ-કષાય-રસાસ્વાદ વગેરે વિક્ષેપો, વિઘ્નો ને અપૂર્ણતા એ પણ મોટા દુઃખો છે. સાધકનાં એ દુઃખોને નહિ સહન કરવારૂપ પોતાના સહજ સ્વભાવને લઈને કૃપાળુ સંત સાધક ઉપર વિશિષ્ટ કૃપા પ્રદાન કરી તેને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી પૂર્ણ બનાવે છે, પરંતુ આવી કૃપા મેળવવા માટે સાધકની પાત્રતા અનિવાર્ય છે. પાત્રતા આવ્યા સિવાય એ કૃપાશક્તિ ઝીલી શકાતી જ નથી, એટલે બાપાશ્રી કહે છે કે, ‘‘આશીર્વાદ (કૃપા) તો મૂર્તિમાંથી નીકળ્યા જ કરે છે, પણ તેને કોઈ ઝીલનાર ન હોય તો તે પાછા મૂર્તિમાં જતા રહે છે.’’ માટે આવી અનુગ્રહાશક્તિ - કૃપાશક્તિ ઝીલવા માટેની પાત્રતા કેળવવા માટે મુમુક્ષુએ સતત જાગૃત રહી પુરુષપ્રયત્ન કરવો જોઈએ.
એવી પાત્રતા માટે પ્રભુપ્રસન્નતાનાં સાધન જે ધ્યાન-ભજન, સેવા-ભક્તિ, પ્રભુની સર્વોપરી ઉપાસના, નિયમધર્મ તથા પંચ વર્તમાનનું પાલન અને સત્પુરુષના જોગ-સમાગમ-સેવા-અનુવૃત્તિ એ સાધનો નિષ્ઠાપૂર્વક કર્યાં કરવા જોઈએ. કૃપાળુ એવો સંતનો ગુણ જે સ્વયં પરમાત્માનો જ કલ્યાણકારી દિવ્યગુણ છે એ સંતસમાગમથી જ, સત્સંગથી જ અને એ પણ સંતકૃપા દ્વારા જ સાધકમાં આવે છે. એ સિવાય બીજો કોઈ Short cut - ટૂંકા માર્ગરૂપ ઉપાય નથી.
અનાદિમુક્ત પૂ. શ્રી નારાયણભાઈ જણાવતા કે, ‘‘દયાપાત્ર હોવું, કૃપાપાત્ર હોવું અને કૃપામય હોવું તેમાં ઘણો તફાવત છે.’’ ગરીબ, લાચાર, દુઃખી વ્યક્તિ દયાપાત્ર ગણાય. ધ્યાન - ભજન - આજ્ઞા - ઉપાસના વગેરે પ્રભુપ્રસન્નતાનાં સાધનો કરી મુક્તપુરુષનો જોગ - સમાગમ - સેવા કરી પ્રભુકૃપા ઝીલવા સક્ષમ થાય તે કૃપાપાત્ર કહેવાય. કૃપાપાત્ર એ એકાંતિકની સ્થિતિ છે અને કૃપામય એટલે પ્રભુરૂપ થયેલા, પ્રભુનું પરમ સાધર્મ્ય પામેલા સિદ્ધમુક્તો, જેમને માધ્યમ બનાવી પ્રભુ પોતાની અનુગ્રહા - કૃપાશક્તિ કૃપાપાત્ર થયેલા ઉપર ઊતારે છે તેને કૃપામય કહેવાય.
શ્રીજીમહારાજ વચ. સા. ૧૧માં જણાવે છે કે :-
‘‘સદ્ગુરુ, ને સત્શાસ્ત્રને વચને કરીને દૃઢ વૈરાગ્યને પામ્યો હોય અને દૃઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દૃઢ પાળતો હોય અને અહિંસાધર્મને વિશે દૃઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ-મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે જન્મ-મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણેયુક્ત હોય તે ઉપર જ થાય છે ને જ્યાારે પરમેશ્વરની કૃપા થાય, ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે.’’
આ રીતે પુરુષપ્રયત્ન દ્વારા સાધક કૃપાપાત્ર થાય ત્યારે જ તેની ઉપર પ્રભુની અથવા પૂર્ણ સંતની કૃપા થાય એટલે એ મુક્તદશાને પામે છે. સાચા સંત પણ પહેલાં સકામ ભાવવાળાને આવશ્યકતા જણાય તો થોડું ભૌતિક સુખ આપીને પરમાત્માના આત્યંતિક દિવ્યસુખની સાચી સમજણ આપી સર્વોપરી ઉપાસનાની દૃઢતા કરાવી ધીમે ધીમે નિષ્કામ બનાવી પ્રભુપ્રાપ્તિ કરાવે છે. કષ્ટો ને દુઃખો દૂર કરવા, ભૌતિક સુખ પ્રદાન કરવું તે સામાન્ય કૃપા છે, પરંતુ સાધકને પણ સિદ્ધ મુક્તદશા પ્રદાન કરવી એ વિશિષ્ટ કૃપા છે. એવી કૃપા કરનાર જ સાચા કૃપાળુ સંત !
શ્રીજીમહારાજ તથા તેમના સમકાલિન સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. મુક્તાનંદ સ્વામી, સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામી, સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી વગેરે સદ્ગુરુશ્રીઓના કૃપાળુપણાનો ગુણ દર્શાવતાં અસંખ્ય ઉદાહરણો છે. શ્રીજીસંકલ્પ સ્વરૂપ પરમ કૃપાળુ બાપાશ્રીએ સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામી, સ. ગુ. વૃંદાવનદાસજી સ્વામી, સ. ગુ. ભગવત્સ્વરૂપદાસજી સ્વામી, સ. ગુ. મુનિસ્વામી કેશવપ્રિયદાસજી સ્વામી, નિર્ગુણાનંદ બ્રહ્મચારી વગેરે સંતોને તથા દેવરાજબાપા, મનસુખબાપા વગેરે અનેક હરિભક્તોને શ્રીજીમહારાજના દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી અનાદિમુક્તની આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કરાવી છે.
સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાના સ્થાપક અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈ પણ અનાદિમુક્તની સર્વોચ્ચ સ્થિતિ ધરાવતા હોવાથી પોતાના જોગમાં આવનાર તથા દૃષ્ટિમાં આવનાર અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એવો દિવ્ય સંકલ્પ કરતા. તેમાં ઘણા મુમુક્ષુઓને તેમની પાત્રતા પ્રમાણે દિવ્ય અનુભવો પણ થયેલા છે.
પરમ કૃપાળુ પરમાત્મા તથા તેમના દિવ્યસ્વરૂપમાં રસબસ સ્થિતિ ધરાવનારા અનાદિમુક્તો દ્વારા કૃપાવર્ષા સતત થયા જ કરે છે. તેને પામવા મુમુક્ષુએ પાત્ર થવા જાગૃત રહી સંનિષ્ઠ પ્રયત્ન કરવો એ જ એનું કર્તવ્ય છે.