૧૮. મુનિ
મુનિનો સામાન્ય પ્રચલિત અર્થ મૌનવ્રતધારી સાધુ, તપસ્વી એવો થાય છે. અનાદિ મુક્તરાજ બાપાશ્રી શ્રીજીમહારાજની મૂર્તિનું મનન કરનારા સંતને મુનિ કહે છે. આધ્યાત્મિક પથના સાધક માટે સ્થૂળ તેમ જ આંતરિક મૌન મનનો નિગ્રહ કરવા માટે ને ચેતનાની ઊર્ધ્વગતિ કરવા માટે અતિ ઉપયોગી છે. વાણીનો જરૂર જેટલો જ વિવેકપૂર્વક સદુપયોગ કરવો અને બને ત્યાં સુધી મૌન રાખીને વ્યવહાર ચલાવવો એ સ્થૂળ મૌન છે.
વાણી મનુષ્યજીવનમાં મનોભાવો, લાગણીઓ તથા વિચારોનું આદાન-પ્રદાન કરવા માટેનું અતિ અગત્યનું ને શક્તિશાળી માધ્યમ છે. તેનો મિથ્યા વાર્તાલાપો, નિરર્થક દલીલબાજી, ચર્ચાઓ, વાદવિવાદો, ઝઘડાઓ વગેરેમાં દુર્વ્યય થવાથી ભક્તની શારીરિક તેમ જ માનસિક ઊર્જાનો હ્રાસ થાય છે તેને મૌન દ્વારા સંયમિત કરવાથી તે ઊર્જાનો બચાવ કરી તેને ધ્યાન - ચિંતન - મનન વગેરે આધ્યાત્મિક સાધનામાં વાળી દેવી જોઈએ.
મૌનસાધનામાં સ્થૂળવાણીનો ઉપયોગ બંધ કરી ચિત્તમાં નિરંતર સ્ફૂરતા વિચારોને, સંકલ્પ-વિકલ્પોને સાક્ષીભાવે, દૃષ્ટાભાવે નિહાળી પોતાની જાતને તે સર્વેથી તથા દેહભાવથી રહિત, અલિપ્ત સમજી કોઈ પણ જાતનો પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપ્યા સિવાય નિહાળ્યા કરવાથી ધીમે ધીમે મનની અહીંતહીંની દોડાદોડ શાંત થઈ જવાથી મનને આત્મા - પરમાત્માના સ્વરૂપમાં સારી રીતે જોડી શકાય છે. આને આંતરિક મૌન કહેવામાં આવે છે. આમ મૌન એ મનના વિચારો તથા વાણીનો નિગ્રહ કરવાનું, તેને સંયમી ને સુસંસ્કારિત કરવાનું, આત્મનિરીક્ષણ - પરીક્ષણ કરવાનું, અંતરદૃષ્ટિ કરી પ્રભુના સ્વરૂપમાં જોડાવા માટેનું ઉત્કૃષ્ટ સાધન છે. આવી મૌનસાધના કરનાર સાધકને મુનિનું લક્ષણ આવે છે.
મૌનનો સૂક્ષ્મ અર્થ એ છે કે મનમાં ઉદ્ભવતા વિચારોનો, સંકલ્પોનો નિગ્રહ કરી, બાહ્ય જગત સંબંધી પંચવિષયોમાં ફેલાયેલી ઇંદ્રિયોની વૃત્તિઓ ઉપર પ્રભુત્વ મેળવી પ્રભુના સ્વરૂપમાં શાંત ચિત્તે એકાગ્રતાપૂર્વક દિવ્યભાવે જોડાવાનો અભ્યાસ કરવો. પરમાત્માના દિવ્યસ્વરૂપના અખંડ મનન - નિદિધ્યાસરૂપી આંતરિક તપસ્યા એનું નામ મૌન. એવું મૌન સાધે તે ખરા અર્થમાં મુનિ કહેવાય.
અનાદિમુક્ત પૂ. નારાયણભાઈ પણ મૌન વિશે કહે છે :- ‘‘મૌન એટલે ભગવાનના સ્વરૂપમાં મન-સ્થિરતાથી જોડાય અને મનની અસ્થિરતા બિલકુલ મટી જાય એનું નામ મૌન. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિની સંપૂર્ણ સ્થિરતા એ આત્યંતિક મૌન છે.’’
ભગવાન સ્વામિનારાયણ વચ. સા. ૩માં જણાવે છે, ‘‘જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે ને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ, અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત-દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ, અને જે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ - મનન - નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન ને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવણ શ્રવણે કરીને સાક્ષાત્કાર થાતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન ને નિદિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય ને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય.’’
‘‘માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જોે તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન - શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ.’’
આમાં શ્રીહરિના સ્વરૂપનું દર્શન કરી અને તેનું અખંડ મનન કરવાની વાત શ્રીહરિ કરે છે. મનન એટલે ચિંતન. એ ચિંતનશક્તિ દ્વારા મનની ઊર્જાને અવિરતપણે પ્રભુના સ્વરૂપમાં નિદિધ્યાસ દ્વારા જોડી રાખવાથી પ્રભુના સ્વરૂપમાં ચિત્તનો નિરોધ થાય છે ને તેથી નિર્વિકલ્પ સમાધિ થાય છે. એવી નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ કરનાર ઉપર પ્રભુની કૃપા ઉતરવાથી આત્મા - પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એવી રીતે આત્મા - પરમાત્માનો સાક્ષાત્કાર થઈ પ્રભુના દિવ્ય વ્યતિરેકસ્વરૂપ સંબંધી દિવ્યસુખની રસબસભાવે અખંડ અનુભૂતિ કરવી એનું જ નામ આત્યંતિક મોક્ષ અને એ જ અનાદિમુક્તની સ્થિતિ. એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શ્રીહરિની મૂર્તિનું મનન કરવારૂપ મુનિનું લક્ષણ આત્મસાત્ કરવું સાધક માટે અનિવાર્ય છે. એવું લક્ષણ સિદ્ધ કરે તે જ સાચા સંત કહેવાય. મુનિનું લક્ષણ સિદ્ધ કર્યું હોય એવા સંત પાસેથી મૂર્તિનું મનન કરવાની લટક શિખી તેમનો જોગ -સમાગમ - સેવા દ્વારા તેમની કૃપા સંપાદન કરવાથી સાધકમાં પણ મુનિનું લક્ષણ સરળતાથી આવે છે. જેને જે ગુણ કેળવવો હોય, તેણે તેવો ગુણ જેણે સિદ્ધ કર્યો હોય તેની પાસેથી જ તે શિખી શકાય છે. એવો વ્યાવહારિક માર્ગનો તેમ જ આધ્યાત્મિક માર્ગનો નિયમ છે. માટે સત્પુરુષના ગુણો પોતાના જીવનમાં કેળવવા માટે એવા ગુણો કેળવેલ સત્પુરુષનો જોગ - સમાગામ અનિવાર્ય છે. સાધકે આ વાત લક્ષ્યમાં લેવી ઘટે.